કેમ્બ્રિજ ડિક્શનરીએ વર્ષ 2026 માટે ‘હ્યુમન’ (Human) શબ્દને ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે પસંદ કર્યો છે. ડિક્શનરી મુજબ આ શબ્દનો અર્થ થાય
છે, ‘માનવીમાં રહેલા ગુણો, ખામીઓ અને લાગણીઓ ધરાવનાર, જે દેવતાઓ, પ્રાણીઓ અથવા મશીનોથી અલગ છે.’
આ એક શબ્દે આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં એક મહત્ત્વપૂર્ણ ચર્ચાને જન્મ આપ્યો છે.
આજે જ્યારે માનવીય બુદ્ધિ અને લાગણીઓ સાથે સંકળાયેલાં અનેક કાર્યોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધી રહ્યો છે, જ્યારે માનવીય કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને પણ પ્રોમ્પ્ટ્સ એટલે કે AIને આપવામાં આવતાં સૂચનો સાથે જોડીને જોવામાં આવે છે, ત્યારે ‘હ્યુમન’ શબ્દનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
કોઈપણ માહિતી મેળવવા કે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આજે આપણી પાસે અગણિત સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ તમામ સુવિધાઓ વચ્ચે સંવેદનશીલ હોવું, બીજાની લાગણીઓ સમજવી અને માનવીય સંબંધો જાળવી રાખવા એ માત્ર શિક્ષિત હોવા જેટલું જ નહીં, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તેનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
કેમ્બ્રિજ ડિક્શનરીએ ‘હ્યુમન’ શબ્દને મહત્ત્વ આપીને જાણે આપણને ફરી એકવાર વિચારવા પ્રેર્યા છે કે આધુનિક બનવાની દોડમાં આપણે આપણું માનવીપણું તો નથી ગુમાવી રહ્યા ને?

ચાલો, એવા સમય તરફ નજર કરીએ, જ્યારે લોકો પાસે આજના જેવી ટેક્નોલોજી અને સુવિધાઓ નહોતી, છતાં તેઓ પોતાના સાંસ્કૃતિક વારસાને પેઢી દર પેઢી જીવંત રાખતા હતા.
એ સમયની વાત છે, જ્યારે વિકિપીડિયા અને ગૂગલની દુનિયામાં માણસે હજુ પ્રવેશ કર્યો નહોતો. ચેટજીપીટી અને જેમિની જેવી AI ટેક્નોલોજી તો અસ્તિત્વમાં પણ નહોતી. અરે, અનેક પરિવારોમાં માતા-પિતાનું ઔપચારિક શિક્ષણ પણ મર્યાદિત રહેતું. છતાં બાળકો સંસ્કૃતિના વારસાથી સમૃદ્ધ હતાં.
કાગળ કે સ્ક્રીન જેવી સુવિધાઓ મર્યાદિત હોવા છતાં ગ્રામીણ સમાજે પોતાની બોલી, રહેણીકરણી, ટેવો અને સ્થાનિક ઓળખને જીવંત રાખવા માટે ‘જીવંત પરંપરા’ અને ‘સામુદાયિક ભાગીદારી’નો અદ્ભુત માર્ગ અપનાવ્યો હતો.
લોકગીતોમાં વણાયેલા જીવનના મૂલ્યો
દીકરીઓ સંસારમાં પ્રવેશે ત્યારે લગ્નગીતો દ્વારા માતાઓ અને કાકીઓ તેમને જીવનની શિખામણ આપતી. બાળકને ઘોડિયામાં જ હાલરડાં દ્વારા સંસ્કારો અને વીરરસના પાઠ શીખવવામાં આવતા.
ગામના વડલા નીચે જ્યારે એક પેઢી બીજી પેઢીને વાર્તાઓ, લોકકથાઓ અને જીવનના અનુભવો સંભળાવતી, ત્યારે જાણે એક જીવંત પુસ્તકાલય સર્જાતું.

લોકનૃત્યો, લોકગીતો અને ગામના ચોકમાં ભજવાતી ભવાઈ દ્વારા સમાજના મૂલ્યો, પરંપરાઓ અને ઐતિહાસિક ઘટનાઓ લોકોના મનમાં કાયમ માટે અંકિત થઈ જતી. ક્યારેક એ દૃશ્યોની કલ્પના માત્રથી આજનો યુગ ફીકો અને નીરસ લાગે છે, કારણ કે કલા અને જીવંત સાહિત્ય દ્વારા લોકો એકબીજા સાથે લાગણીઓથી જોડાયેલા રહેતા.
આ પરંપરાઓ માત્ર મનોરંજનનાં સાધનો નહોતાં, પરંતુ એક પેઢીમાંથી બીજી પેઢી સુધી જ્ઞાન, સંસ્કાર અને સંવેદનાઓ પહોંચાડવાનાં માધ્યમો હતાં.
કામ દ્વારા શિક્ષણ અને હુનરનું હસ્તાંતરણ
ગ્રામીણ જીવનશૈલીમાં શિક્ષણ એ કોઈ અલગ પ્રવૃત્તિ નહોતી, પરંતુ રોજિંદા જીવનનો જ એક ભાગ હતું. બાળકો નાનપણથી જ માતા-પિતા સાથે ખેતી, પશુપાલન, માટીકામ, વણાટકામ કે પરંપરાગત રસોઈ જેવી પ્રવૃત્તિઓમાં જોડાતાં. જ્યારે કોઈ યુવાન ગામના કુશળ સુથાર, લુહાર, કુંભાર કે દેશી વૈદ્ય પાસે રહીને કામ શીખતો, ત્યારે તે માત્ર એક વ્યવસાય જ નહોતો શીખતો, પરંતુ તે વ્યવસાય સાથે જોડાયેલા વિશિષ્ટ શબ્દો, ઓજારોની ઓળખ, કાર્યપદ્ધતિ અને પેઢીઓના અનુભવો પણ આત્મસાત્ કરતો. આ રીતે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નહોતું. જીવનના અનુભવો, પરિશ્રમ અને સામૂહિક સહભાગિતામાંથી પણ જ્ઞાન પ્રાપ્ત થતું હતું.

ઉત્સવોનો અનેરો આનંદ
ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે ભારતીય પરંપરામાં લોકોએ કુદરતને હંમેશાં કોઈ ને કોઈ સ્વરૂપે પૂજનીય ગણી છે. પ્રથમ વરસાદનું આગમન પણ અનેક સ્થળોએ ઉત્સવની જેમ ઉજવાતું. એવી જ રીતે લણણીની શરૂઆત હોય કે ઓજારોની પૂજા, વિવિધ ઋતુઓ દરમિયાન ઉજવાતા તહેવારો સમુદાયની જીવનશૈલીને સીધી કુદરતના ઋતુચક્ર સાથે જોડતા. સ્થાનિક સ્તરે યોજાતા મેળાઓમાં પરંપરાગત વસ્ત્રશૈલી, લોકકળા અને વાનગીઓનો વારસો જીવંત રહેતો.
આજે પણ ઘણાં ઘરોમાં વિશિષ્ટ તહેવારો દરમિયાન ચોક્કસ પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે. એ માત્ર ભોજન નથી, પરંતુ પેઢીઓથી ચાલી આવતી સ્મૃતિઓ અને લાગણીઓનો વારસો છે.
આધુનિકતાની દોડમાં ક્યાંક માનવીપણું તો નથી ખોવાઈ રહ્યું ને? પરંતુ હવે એવું લાગે છે કે જે વારસો આપણે અત્યાર સુધી સાચવી રાખ્યો છે, તે પણ ધીમે ધીમે આધુનિકતાના રંગે રંગાઈ રહ્યો છે. મશીનો સાથે વધુ સમય વિતાવતાં જાણે આપણે પણ કેટલાક માનવીય ગુણો અને પરંપરાઓથી દૂર થતા જઈએ છીએ.
બાળક જન્મે ત્યારે યુટ્યુબ પર હાલરડાં અને બાળગીતોની અસંખ્ય શ્રેણીઓ ઉપલબ્ધ હોય છે. આવી સુવિધાઓ વચ્ચે માતાના કંઠેથી ગવાતાં હાલરડાંનું સ્થાન ધીમે ધીમે સ્ક્રીન લઈ રહી હોય એવું લાગે છે. જ્યારે શિક્ષણવ્યવસ્થા જીવનનો મહત્ત્વપૂર્ણ આધાર બની ગઈ છે, ત્યારે દાદા-દાદી કે વડીલો પાસેથી મળતી જીવનની શિખામણનું મૂલ્ય પણ ક્યાંક ઓછું આંકવામાં આવે છે.
ઘરના પ્રશ્નો ઉકેલવા માટે આજે પ્રોફેશનલ કાઉન્સેલર્સની મદદ ઉપલબ્ધ છે. આ એક ઉપયોગી અને જરૂરી વ્યવસ્થા છે, પરંતુ તેની સાથે પરિવારના વડીલોનો અનુભવ, તેમની હૂંફ અને લાગણીસભર માર્ગદર્શનનું મહત્ત્વ પણ ભૂલવું ન જોઈએ. આધુનિકીકરણના વાવાઝોડામાં જીવનનાં કેટલાંક પરંપરાગત મૂલ્યો અને માનવીય સંબંધોની આત્મીયતા નબળી પડતી હોય એવું અનુભવાય છે. ટેક્નોલોજીએ આપણું જીવન સરળ બનાવ્યું છે, પરંતુ તેની સાથે માનવીય સંવેદનાઓનું જતન કરવાની જવાબદારી પણ વધી છે.

આજે મશીનો વધુને વધુ ચોકસાઈથી કામ કરી શકે છે. AI આપણી ભાષામાં જવાબ આપી શકે છે, ચિત્રો બનાવી શકે છે અને અનેક મુશ્કેલ કાર્યોમાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ આ બધાની વચ્ચે માણસની પોતાની ઓળખ, અનુભવો, લાગણીઓ અને સંબંધોનું મહત્ત્વ ઓછું થવું જોઈએ નહીં.
કદાચ એટલે જ ‘હ્યુમન’ શબ્દને વર્ષ 2026નો ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો છે. આ શબ્દ આપણને યાદ અપાવે છે કે માનવી હોવું એટલે માત્ર બુદ્ધિશાળી કે કાર્યક્ષમ હોવું નહીં, પરંતુ સંવેદનશીલ હોવું, સંબંધો જાળવવા, ભૂલોમાંથી શીખવું અને એકબીજાની લાગણીઓને સમજવી પણ છે.
આધુનિકતાનો વિરોધ કરવાનો નથી, પરંતુ આધુનિક બનવાની દોડમાં આપણી માનવીય ઓળખ ગુમાવવાની પણ નથી. કારણ કે મશીનની દુનિયામાં સંપૂર્ણતા શોધતાં-શોધતાં આપણે ભૂલી ન જઈએ કે આપણી લાગણીઓ, અનુભવો અને ક્યારેક થતી નાની ભૂલો પણ આપણને માનવી બનાવે છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)






