ટ્રમ્પે ભારતીય અર્થતંત્રનાં કર્યાં વખાણ , ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન

વોશિંગ્ટન ડીસી: ભારતીય અર્થતંત્રને ડેડ ઇકોનોમી બતાવનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારતીય અર્થતંત્રના વખાણ કરતાં દેશની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે ભારતના નીચા વ્યાજદર અને 7 ટકા આર્થિક વૃદ્ધિદરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે અમેરિકા પણ આવી જ નીતિ અપનાવે તો તેની જીડીપી વૃદ્ધિ 14, 15 કે 20 ટકા સુધી પહોંચી શકે છે. તેમણે અમેરિકાની ફેડરલ રિઝર્વ પર વ્યાજદરને લઈને રાજકીય વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પણ વખાણ કરતાં તેમને ‘ટફ મેન’ ગણાવ્યા હતા.

ભારતના અર્થતંત્રનું ઉદાહરણ આપીને શું બોલ્યા ટ્રમ્પ?

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે ભારતનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તમે ભારતને જુઓ તો ત્યાં વ્યાજદર નીચા છે અને જીડીપી સાત ટકા છે. આપણી જીડીપી 14, 15 કે કદાચ 20 ટકા સુધી પહોંચી શકે છે. વ્યાજદર ખૂબ ઊંચા છે, કારણ કે આપણી પાસે ખૂબ જ રાજકીય ફેડ છે. જોકે હું ચેરમેનને દોષ આપી રહ્યો નથી, પરંતુ આપણી ફેડ ખૂબ રાજકીય છે તે બાબતને જવાબદાર માનું છું. આપણી જીડીપી 4 ટકા નહીં, પરંતુ 15 કે 20 ટકા હશે અને હું ખૂબ ઝડપથી દેવું ચૂકવી દઈશ.

‘સારા આર્થિક આંકડા આવે ત્યારે વ્યાજદર વધારી દે છે‘

ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે જ્યારે પણ અમેરિકા સારા આર્થિક આંકડા રજૂ કરે છે, ત્યારે ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારી દે છે. તેમને મતે આવું કરવાને બદલે કેન્દ્રીય બેંકે વ્યાજદર ઘટાડવા જોઈએ. તેમણે કહ્યું હતું કે જ્યારે દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી હોય ત્યારે વ્યાજદર ઘટાડવા જોઈએ, કારણ કે તેનાથી દેશની દેવું ચૂકવવાની ક્ષમતા પણ સુધરે છે.

‘અમેરિકામાં સૌથી ઓછા વ્યાજદર હોવા જોઈએ‘

અમેરિકાના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમને મતે અમેરિકા અન્ય દેશોના અર્થતંત્રને સફળ બનાવવામાં મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ સૌથી ઓછા વ્યાજદર હોવા જોઈએ.