મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને આપી ₹584 કરોડના વિકાસકાર્યોની ભેટ

અમદાવાદ: ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરને રૂ. 584 કરોડના વિવિધ જનહિતલક્ષી અને પ્રગતિશીલ વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તની ભેટ ધરી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રૂ. 279.80 કરોડના ખર્ચે તૈયાર થયેલા 6 વિવિધ કામોનું લોકાર્પણ અને રૂ. 304.05 કરોડના ખર્ચે સાકાર થનારા અન્ય 6 કામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.આ કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે નવનિર્મિત આવાસ યોજના હેઠળ આવાસ ફાળવણી માટેનો કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અમદાવાદ મહાનગરપાલિકાના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે 450થી વધુ નવનિયુક્ત સહાયક ટેક્નિકલ સુપરવાઇઝર અને 50 જેટલા જુનિયર ક્લાર્કને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાતના નિર્માણ થકી ‘વિકસિત ભારત’નું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરવા માટે ગુજરાત આજે દેશના એક સક્ષમ ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે.” તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર તમામ નાગરિકોને પાયાની સુવિધાઓ અને ઝડપી વહીવટી સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.