નાણાકીય વર્ષના IPOના લેખાજોખાઃ ટોચનાં ત્રણ વર્ષોમાં રહ્યું આ વર્ષ

અમદાવાદઃ ચાલુ નાણાકીય વર્ષ હવે પૂરું થઈ ચૂક્યું છે. વર્ષ 2022-23માં પ્રતિકૂળ સેન્ટિમેન્ટે કંપનીઓના IPOના આયોજનને નોંધપાત્ર રીતે અસર કરી છે. વર્ષે 2022-23માં 37 કંપનીઓએ મેનબોર્ડ પર IPO દ્વારા રૂ. 52,116 કરોડ એકઠા કર્યા હતા, જે પાછલા નાણાકીય વર્ષની તુલનાએ અડધાથી પણ ઓછા છે. ગયા નાણાકીય વર્ષે ભારતીય કંપનીઓએ 53 IPO દ્વારા રૂ. 1,11,547 કરોડ એકત્ર કર્યા હતા. જોકે નબળા વર્ષ છતાં IPO દ્વારા નાણાં એકઠા કરવાને મામલે આ નાણાકીય વર્ષ ત્રીજું સૌથી મોટું રહ્યું છે. જોકે વર્ષ 2022-23માં LICએ IPO થકી રૂ. 20,527 કરોડ એકત્ર કર્યા હતા. જો Licની રકમ કાઢી નાખવામાં આવે તો કંપનીઓ  વર્ષમાં માત્ર રૂ. 31,559 કરોડ એકઠા કર્યા હતા.

ચાલુ નાણાકીય વર્ષમાં LIC પછી ડેલ્હીવેરીએ રૂ. 5235 કરોડ અને ગ્લોબલ હેલ્થનો રૂ. 2206 કરોડનો IPO સૌથી મોટો રહ્યો હતો. આ સાથે 37માંથી 25 IPO માત્ર ત્રણ મહિના- મે, નવેમ્બર અને ડિસેમ્બરમાં આવ્યા હતા. IPO દ્વારા સૌથી ઓછા નાણાં માર્ચ, 2023માં એકત્ર કરવામાં આવ્યા, જે નવ વર્ષમાં સૌથી ઓછા છે.

ચાલુ નાણાકીય વર્ષમાં IPOને લઈને રિટેલ રોકાણકારોનું વલણ ફિક્કું રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં રિટેલ રોકાણકારોએ સરેરાશ 5.64 લાખ અરજી કરી હતી, જે વર્ષ 2021-22માં એ આંકડો 13.32 લાખ અને 2020-21માં 12.73 લાખ હતો, એમ રિપોર્ટ કહે છે.

ચાલુ નાણાકીય વર્ષ 36 કંપનીઓ NSE-BSE પર 36 કંપનીઓ લિસ્ટ થઈ જેમાં માત્ર 16એ 10 ટકાથી વધુ વળતર આપ્યું હતું, જેમાં સૌથી વધુ 49 ટકા DCX સિસ્ટમ્સએ આપ્યું હતું.ત્યાર બાદ હર્ષા એન્જિનિયર્સે 47 ટકા અને ઇલેક્ટ્રોનિક્સ માર્ટે 43 ટકા આપ્યું હતું. 24 માર્ચના બંધ ભાવને હિસાબે 36માંથી 21 IPO ઇશ્યુ ભાવથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે.