Home Blog Page 298

નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી

ગુજરાતમાં 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી 26 જાન્યુઆરી 2026ના રોજ નવરચિત વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. આ ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ દળ દ્વારા નિદર્શનો પ્રસ્તુત કરવામાં આવશે.

રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ યોજાનારી ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે. મંત્રી મંડળના અન્ય સભ્યો પણ વિવિધ સ્થળોએ હાજર રહેશે, જેમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ નવસારીના ચિખલીમાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટના જેતપુરમાં, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગરના માણસામાં, શ્રમ-રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા પોરબંદરના રાણાવાવમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ વલસાડના ઉમરગામમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા દાહોદના ગોવિંદગુરૂ-લિંબડીમાં, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા સાબરકાંઠાના હિંમતનગરમાં અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી ખેડાના ઠાસરામાં ધ્વજવંદન કરાવશે.

આ ઉપરાંત, રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ અલગ-અલગ તાલુકા મથકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવશે. જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ નર્મદાના એકતાનગરમાં, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકિલ છોટાઉદેપુરના બોડેલીમાં, મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી ગીર-સોમનાથના તાલાલામાં, શ્રમ-રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા કચ્છના ભુજમાં, કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા પંચમહાલના હાલોલમાં, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા સુરેન્દ્રનગરના વઢવાણમાં અને કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા ભાવનગરના વલ્લભીપુરમાં ધ્વજવંદન કરાવશે. તેમજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળી મહેસાણાના વિસનગરમાં, રમત ગમત રાજ્ય મંત્રી ડો. જયરામ ગામિત ડાંગના આહવામાં, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા અમરેલીના ખાંભામાં, નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલ વડોદરાના વાઘોડિયામાં, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા આણંદના ખંભાતમાં, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી. બરંડા મહિસાગરના કડાણામાં, કુટીર ઉદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર પાટણના શંખેશ્વરમાં અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા બોટાદના ગઢડામાં ધ્વજવંદન કરાવશે.

રાજ્યના અન્ય 9 જિલ્લાઓના તાલુકા મથકોએ જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. જેમાં અરવલ્લીના મેઘરજ, બનાસકાંઠાના ઓગડ, ભરૂચના આમોદ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, જામનગરના કાલાવડ, જુનાગઢના કેશોદ, મોરબીના ટંકારા, સુરતના માંડવી અને તાપીના ઉચ્છલનો સમાવેશ થાય છે.

બજેટમાં આ પાંચ મોટાં એલાનોથી ટેક્સપેયર્સની ફરિયાદો દૂર થવાની શક્યતા

નવી દિલ્હીઃનાણાપ્રધાને પાછલા બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત આપી હતી. આ વખતે પણ ટેક્સપેયર્સને નાણાપ્રધાનથી ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને ઇન્કમ ટેક્સની નવી રિજિમમાં ખાસ ડિડક્શનના અલાનની અપેક્ષા છે.

નવી રિજિમમાં પણ NPS પર વધારાની કપાતનો લાભ

ઇન્કમ ટેક્સની નવી રિજિમમાં મોટા ભાગનાને ડિડક્શન્સ  નથી મળતાં. જોકે સેક્શન 80CCD (2) હેઠળ કર્મચારીના NPS ખાતામાં એમ્પ્લોયર દ્વારા કરાયેલા યોગદાન પર ડિડક્શન મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે સેક્શન 80CCD(1B) હેઠળ NPSમાં કરાયેલા યોગદાન પર મળતી વધારાની રૂ. 50,000ના ડિડક્શનનો લાભ નવી રિજિમના ટેક્સપેયર્સને પણ મળવો જોઈએ. સરકાર આ ડિડક્શન વધારીને રૂ. 1 લાખ કરે તો NPSમાં લોકોનો રસ વધશે.

ઓલ્ડ રિજિમ પસંદ કરવાની સરળ પ્રક્રિયા

બજેટ 2024માં સરકારે નવી ટેક્સ રિજિમને ડિફોલ્ટ બનાવી હતી. એટલે કે જો વ્યક્તિગત ટેક્સપેયર અથવા HUF ઓલ્ડ રિજિમ પસંદ કરવા માંગે તો તેને સેક્શન 10-IE હેઠળ તેની જાહેરાત કરવી પડે છે. ઘણા ટેક્સપેયર્સ આ જાહેરાત કરવાનું ભૂલી જાય છે અથવા પ્રક્રિયામાં ભૂલ થાય છે. જો સરકાર સીધા ITR ફોર્મમાં જ ઓલ્ડ રિજિમ પસંદ કરવાનો વિકલ્પ આપી દે, તો આ સમસ્યા દૂર થઈ શકે.

NPSમાં એક વારના વિથડ્રૉલ પર ટેક્સ નિયમો સ્પષ્ટ થવા જોઈએ

PFRDA દ્વારા તાજેતરમાં NPSમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વનો ફેરફાર વિથડ્રોલ નિયમોને લઈને છે. હવે જો સબ્સક્રાઇબરના ખાતામાં રૂ. 8 લાખ સુધીની રકમ હોય તો મેચ્યોરિટી પર આખી રકમ એક વારમાં કાઢી શકાય છે. જો રકમ રૂ. 8 લાખથી વધુ હોય તો 80 ટકા સુધી વિથડ્રોલ કરવાની મંજૂરી છે, જ્યારે અગાઉ આ મર્યાદા 60 ટકા હતી. પરંતુ વધારાના 20 ટકા વિથડ્રોલ પર ટેક્સ લાગશે કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

નવી રિજિમમાં ટર્મ લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ડિડક્શન

નિષ્ણાતો કહે છે કે નવી ટેક્સ રિજિમ હેઠળ પણ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ડિડક્શન મળવાં જોઈએ. આ પગલાથી ટર્મ અને હેલ્થ ઇન્શ્યોરન્સમાં લોકોનો રસ વધશે. આજના સમયમાં ટર્મ અને હેલ્થ ઇન્શ્યોરન્સ દરેક પરિવાર માટે આવશ્યક બની ગયાં છે. હાલ આ ડિડક્શન ફક્ત ઓલ્ડ ટેક્સ રિજિમમાં જ ઉપલબ્ધ છે.

પતિ-પત્ની માટે સંયુક્ત ઇન્કમ ટેક્સ રિટર્ન

ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા)એ સરકારને પતિ અને પત્ની માટે સંયુક્ત ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા આપવાની ભલામણ કરી છે. આથી પરિવાર પરનો ટેક્સ બોજ ઘટશે. હાલ પતિ અને પત્નીને અલગ-અલગ ITR ફાઇલ કરવું પડે છે. જોઇન્ટ રિટર્ન ફાઇલ કરનારાઓ માટે બેસિક એક્ઝેમ્પ્શન લિમિટ અને ટેક્સ સ્લેબ્સ વધારી શકાય. અમેરિકા સહિત ઘણા દેશોમાં પતિ-પત્નીને સંયુક્ત ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી છે.

ભિખારી નીકળ્યો લાખો રૂપિયાની સંપત્તિનો માલિક, જાણો…

ઇન્દોરઃ ઇંદોરમાં પ્રશાસનનો દાવો છે કે ઇંદોર શહેર સંપૂર્ણપણે ભિખારીઓથી મુક્ત છે. ભિખારીઓ વિશે માહિતી આપનારને 1000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે ઇંદોર પ્રશાસને કુષ્ઠરોગથી પીડિત એક 50 વર્ષના ભિખારીને બચાવ્યો છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યક્તિ ત્રણ મકાન, એક કાર અને ત્રણ ઓટો રિક્ષા સહિત લાખો રૂપિયાની સંપત્તિનો માલિક છે. ઇંદોરમાં ભીખ માગવા ઉપરાંત ભીખ આપવી અને ભિખારીઓ પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદવા પર પણ કાનૂની પ્રતિબંધ છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી દિનેશ મિશ્રાએ જણાવ્યું કે સામાન્ય લોકો પાસેથી મળેલી માહિતીના આધારે સર્રાફા વિસ્તારમાં ભીખ માંગતા કુષ્ઠરોગી વ્યક્તિને મુક્ત કરાવવામાં આવ્યો છે. મિશ્રા પોતે ભિક્ષાવૃત્તિ ઉન્મૂલન અભિયાન (Beggary Eradication Campaign)ના નોડલ અધિકારી છે.

અધિકારી દિનેશ મિશ્રાએ કહ્યું હતું કે અમને માહિતી મળી છે કે આ વ્યક્તિ પાસે ત્રણ પાકા મકાન છે, જેમાં એક ત્રણ માળનું મકાન પણ સામેલ છે. આ ઉપરાંત તેની પાસે ત્રણ ઓટો રિક્ષા છે, જેને તેણે ભાડે આપેલા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વ્યક્તિ પાસે એક કાર પણ છે, જેમાં બેસીને તે ભીખ માગવા જાય છે અને તેના માટે તેણે ડ્રાઈવરપણ રાખ્યો છે.

ઉધાર આપીને વ્યાજ વસૂલ કરે છે – દિનેશ મિશ્રા

મિશ્રાએ જણાવ્યું હતું કે  કુષ્ઠરોગથી પીડિત આ વ્યક્તિ પૈડાવાળી ઘસડાતી ગાડી પર બેસીને ભીખ માગે છે. તેમના અનુસાર, આ વ્યક્તિ વર્ષ 2021-22થી ભીખ માગી રહ્યો છે અને એવી પણ માહિતી મળી છે કે તેણે સર્રાફા વિસ્તારમાં લોકોને ચારથી પાંચ લાખ રૂપિયા ઉધાર આપેલા છે, જેના પર તે રોજ વ્યાજ વસૂલ કરે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આ વ્યાજમાંથી તે દરરોજ 1000થી 2000 રૂપિયા કમાય છે. આ ઉપરાંત, તેને દરરોજ 400થી 500 રૂપિયા ભીખ રૂપે પણ મળી જાય છે. મિશ્રાએ જણાવ્યું કે આ વ્યક્તિને હાલમાં શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યો છે. ડીએમ શિવમ વર્માએ કહ્યું કે ઇંદોર ભિખારીઓથી મુક્ત શહેર છે. ભીખ માંગવાની કોઈ પણ માહિતી મળતાં ભિખારીઓનું પુનર્વસન કરવામાં આવે છે.

ભારત 2028માં વિશ્વની ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશેઃ SBI રિસર્ચ

નવી દિલ્હીઃ ભારતના આર્થિક વિકાસની ગતિ સતત તેજ બની રહી છે, એમ SBI રિસર્ચનો જાહેર થયેલા તાજો રિપોર્ટ કહે છે. રિપોર્ટ મુજબ ભારત હાલ દુનિયાની ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને 2028 સુધી ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં, 2030 સુધી ભારત દુનિયાના તે દેશોમાં સામેલ થઈ શકે છે, જેને “અપ્પર મિડલ ઇન્કમ કન્ટ્રી” કહેવાય છે.

પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું લક્ષ્ય

. સ્વતંત્રતા પછી ભારતને એક ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવામાં લગભગ 60 વર્ષ લાગ્યાં, ત્યાર બાદ વિકાસની ગતિ સતત તેજ થતી ગઈ.  ભારતનું અર્થતંત્ર 2014માં 2 ટ્રિલિયન ડોલર, 2021માં ત્રણ ટ્રિલિયન ડોલર અને 2025માં ચાર ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ચૂકી છે. હવે અંદાજ છે કે આગામી લગભગ બે વર્ષમાં, એટલે કે 2027-28 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે. એટલું જ નહીં, રિપોર્ટ અનુસાર 2035-36 સુધીમાં 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો માર્ગ પણ સ્પષ્ટ રહ્યો છે.

પ્રતિ વ્યક્તિ આવકમાં પણ ઝડપથી વધારો

માત્ર દેશની કુલ આવક (GDP) જ નહીં, પરંતુ સામાન્ય લોકોની સરેરાશ માથાદીઠ આવક (Per Capita Income)માં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતની પ્રતિવ્યક્તિ આવક 2009માં જઈને 1000 ડોલર સુધી પહોંચી હતી. આ મુકામ સુધી પહોંચવામાં દેશને 62 વર્ષ લાગ્યાં, 2000 ડોલરની પ્રતિ વ્યક્તિ આવક 2019માં જ હાંસલ થઈ ગઈ. જ્યારે 2026માં આ આંકડો 3000 ડોલર અને 2030 સુધીમાં આશરે 4000 ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.

ગ્રોથ રેટના મામલે શાનદાર પ્રદર્શન

છેલ્લા એક દાયકામાં ભારત દુનિયાના સૌથી ઝડપી વિકસતા દેશોમાં સામેલ રહ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશોની તુલનામાં ભારત વધુ ઝડપથી આગળ વધ્યું છે, એમ અહેવાલ કહે છે.

ચારૂસેટ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારંભ સંપન્ન

ચાંગાઃ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ ધરાવતી ગુજરાતની ખ્યાતનામ પ્રાઈવેટ યુનિવર્સિટી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 15મો પદવીદાન સમારંભ 13 જાન્યુઆરી, 2026ના રોજ મંગળવારે ચારૂસેટ કેમ્પસમાં ભવ્ય રીતે યોજાયો હતો.

આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપ્યું હતું, જ્યારે અધ્યક્ષસ્થાને ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં અમિત શાહ, સુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, માતૃસંસ્થાના ડો. એમ. સી. પટેલ, કિરણ પટેલ, વિપુલ પટેલ તેમજ ગવર્નીંગ બોડીના સભ્યો અને વિવિધ વિદ્યાશાખાઓના ડીન જોડાયા હતા.

આ પદવીદાન સમારંભમાં કુલ 1076 વિદ્યાર્થિનીઓ અને 1718 વિદ્યાર્થીઓ મળી કુલ 2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 45 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 28 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.

સંશોધન ક્ષેત્રે 19 વિદ્યાર્થિનીઓ અને 19 વિદ્યાર્થીઓ સહિત કુલ 38 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરાઈ હતી. ફેકલ્ટી વાઈઝ જોઈએ તો ફાર્મસીના 173, મેનેજમેન્ટ સ્ટડીઝના 429, મેડિકલ સાયન્સના 183, સાયન્સના 197, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં 692 અને ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગના 1120 વિદ્યાર્થીઓને પદવીઓ મળી હતી. આ પૈકી 2018 અંડર ગ્રેજયુએટ, 713 પોસ્ટ ગ્રેજયુએટ અને 25 પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા વિદ્યાર્થીઓ હતા.

અમિત શાહે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે “લક્ષ્ય વિનાનું જીવન અર્થહીન છે અને સાચી સફળતા હંમેશા સ્પષ્ટ લક્ષ્ય સાથે જ પ્રાપ્ત થાય છે. તેમણે યુવાનોને ‘વિકસિત ભારત 2047’ના વિઝન અંગે માર્ગદર્શન આપ્યું અને રાષ્ટ્રનિર્માણમાં અર્થપૂર્ણ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.” તેમણે વ્યક્તિગત રીતે તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરી સન્માનિત કર્યા હતા.

કાર્યક્રમમાં પરંપરાગત ઈશ્વર આરાધના, દીપ પ્રાગટ્ય અને ડો. અતુલ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. પદવીદાન માટેની વિધિવત મંજૂરી બાદ વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર અને સમાજ નિર્માણ માટેના શપથ લીધા હતા. અંતમાં રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે આભારવિધિ કરી હતી અને રાષ્ટ્રગાન સાથે સમારોહનું સમાપન થયું હતું.

ચાંદીના ભાવોએ રચ્યો નવો ઈતિહાસ, સૌપ્રથમ વાર ત્રણ લાખ રૂપિયાને પાર

નવી દિલ્હીઃ સોમવારે વાયદા બજારમાં ચાંદીના ભાવોએ નવો ઈતિહાસ રચ્યો. રોકાણકારોની મજબૂત માગ અને હકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ચાંદી પહેલી વાર ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર ઉપર પહોંચી, જેને કારણે કોમોડિટી બજારમાં ભારે હલચલ જોવા મળી.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર માર્ચ ડિલિવરીવાળા ચાંદીના કોન્ટ્રેક્ટના વાયદા ભાવમાં 13,553 રૂપિયા અથવા 4.71 ટકાની ભારે તેજી નોંધાઈ અને ભાવ 3,01,315 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યા. ચાર મહિના કરતાં પણ ઓછા સમયમાં તેણે લોકોના પૈસા બમણા કરી દીધા છે. સોમવારે MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીનો ભાવ 3 લાખને પાર પહોંચી ગયો. MCX પર ચાંદીનો તાજો ભાવ લગભગ 5 ટકા વધારા બાદ 3,01,315 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આ ભાવ ચાંદીની માર્ચ ડિલિવરીના છે.

બીજી તરફ સોનામાં પણ લગભગ બે ટકાના અથવા 3000 રૂપિયાની તેજી જોવા મળી છે. MCX ગોલ્ડ (ફેબ્રુઆરી ડિલિવરી)નો ભાવ 1,45,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

ચાર મહિનામાં પૈસા બમણા થયા?

ચાંદીના ભાવ બહુ ઓછા સમયમાં જ ઝડપથી વધી ગયા છે. ચાર મહિનાથી પણ ઓછા સમયમાં તેણે રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. MCX પર ચાંદીના વાયદા ભાવોએ ઓક્ટોબર 2025ની શરૂઆતમાં પહેલી વાર 1,50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું સ્તર પાર કર્યું હતું.

સ્પોટ માર્કેટની વાત કરીએ તો દિલ્હી હાજર બજારમાં ચાંદીની કિંમત 29 સપ્ટેમ્બર, 2025એ 1,50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક સ્તરે પહોંચી હતી. આજે, 19 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીના ભાવોએ નવો ઈતિહાસ રચ્યો છે. MCX પર માર્ચ વાયદાનો ભાવ 3,01,315 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. એટલે કે માત્ર 3 મહિના અને 20 દિવસમાં જ રોકાણકારોના પૈસા  બે ગણા થઈ ગયા છે.

ભારતમાં T20 વર્લ્ડ કપ રમો અથવા બહાર થાઓઃ ICCનું બાંગ્લાદેશને અલ્ટિમેટમ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCBએ) ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કર્યો છે. BCBએ ICCને વિનંતી કરી હતી કે તેની ટીમ માટે વેન્યુ બદલી દેવામાં આવે. BCBનું કહેવું છે કે ભારતમાં તેની ટીમના ખેલાડીઓને સુરક્ષા જોખમ હોઈ શકે છે અને તેથી તેઓ ત્યાં રમવા માગતા નથી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.

ICCનું સ્પષ્ટ વલણ – રમો નહીં તો બહાર

ICCએ BCBને જણાવ્યું છે કે તે T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેશે કે નહીં તેનો અંતિમ નિર્ણય 21 જાન્યુઆરી સુધી લઈ લે. એટલે કે ICCએ BCBને 21 જાન્યુઆરી સુધીની સમયમર્યાદા આપી છે. શનિવારે, 17 જાન્યુઆરી 2026એ ICCના એક પ્રતિનિધિમંડળે ઢાકામાં BCBના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ICCએ BCBને આ ડેડલાઈન આપી હતી. અહેવાલ અનુસાર BCB ભારતમાં T20 વર્લ્ડ કપ ન રમવાના પોતાના વલણ પર અડગ રહ્યું છે. ICCએ BCBને સ્પષ્ટ કહ્યું છે કે જો 21 જાન્યુઆરી સુધી બાંગ્લાદેશની ભાગીદારીની પુષ્ટિ નહીં થાય, તો તે T20 વર્લ્ડ કપ માટે બદલી (રિપ્લેસમેન્ટ) ટીમનું નામ જાહેર કરશે, જેમાં સ્કોટલેન્ડ સૌથી આગળ છે.

ICCએ આયર્લેન્ડ સાથે ગ્રુપ બદલવાની BCBની માગ પણ ફગાવી દીધી છે. એ સાથે જ ICCએ BCBને આશ્વાસન આપ્યું છે કે ભારતમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે સુરક્ષા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ICCએ પોતાનું વલણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે. હવે નિર્ણય BCBના હાથમાં છે. જો BCB ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો નિર્ણય કરે છે, તો તેને ભારે નુકસાન થઈ શકે છે. ICC તરફથી તેના પર પ્રતિબંધાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ હવે જવાબદારી BCB પર નાખી છે.

દિલ્હીમાં AQI 440 પર, 500થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત

નવી દિલ્હીઃ દિલ્હીની એર ક્વોલિટી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 440 સુધી પહોંચી ગયો, જે છેલ્લાં બે વર્ષમાં આ મહીનાનો સૌથી ઊંચો આંક છે. રાજધાનીમાં છેલ્લે 29 ડિસેમ્બર 2025એ હવા આટલી ખરાબ હતી, ત્યારે AQI 401 નોંધાયો હતો.

નિષ્ણાતોના જણાવ્યાનુસાર એર ક્વોલિટી ખરાબ થવાનું મુખ્ય કારણ શાંત પવન, ગાઢ ધુમ્મસ અને સ્થાનિક પ્રદૂષણ છે. એ સાથે જ ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ અને બુલંદશહેર જેવા પડોશી જિલ્લાઓમાંથી આવતું વધુ પ્રદૂષણ પણ જવાબદાર છે.

AQIમાં થોડો સુધારો થવાની શક્યતા

સોમવારે AQIમાં થોડો સુધારો થઈને તે ‘ખૂબ ખરાબ’ કેટેગરીમાં આવે એવી શક્યતા છે અને મંગળવારે પણ આ જ રેન્જમાં રહેવાની શક્યતા છે. જોકે લાંબા ગાળે સુધારાના માટે સિસ્ટમેટિક રીતે ઉત્સર્જનમાં ઘટાડો લાવવો જરૂરી છે. AQIના વર્ગીકરણ મુજબ, 0થી 50 ‘સારું’, 51થી 100 ‘સંતોષજનક’, 101થી 200 ‘મધ્યમ’, 201થી 300 ‘ખરાબ’, 301થી 400 ‘ખૂબ ખરાબ’ અને 401થી 500 ‘ગંભીર’ ગણાય છે.

સ્ટેજ-IV GRAP લાગુ

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ શનિવારે દિલ્હી અને નેશનલ કેપિટલ રીજન (NCR)માં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ સ્ટેજ-IVનાં પગલાં ફરીથી લાગુ કર્યા છે. CAQMના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે હવાની ગુણવત્તાના હાલના ટ્રેન્ડ અને સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને તેમ જ વિસ્તારમાં હવા વધુ ખરાબ ન થાય તે માટે, GRAP પર CAQMની સબ-કમિટીએ સર્વસંમતિથી હાલના GRAPના સ્ટેજ-IV — ‘ખૂબ ખરાબ+’ હવા ગુણવત્તા (દિલ્હી AQI > 450) હેઠળ દર્શાવાયેલા તમામ પગલાં તરત જ NCRમાં અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ એક પ્રોએક્ટિવ પગલું છે. આ પગલાં GRAPના સ્ટેજ I, II અને III હેઠળ પહેલેથી જ લાગુ પગલાં ઉપરાંત છે.

ફ્લાઇટ્સમાં વિક્ષેપ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું, જેને કારણે વહેલી સવારે સફદરજંગમાં વિઝિબિલિટી શૂન્ય અને પાલમમાં માત્ર 100 મીટર સુધી ઘટી ગઈ હતી. જેથી  500થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી, નવા પશ્ચિમી વિક્ષોભના કારણે બહુ હળવો વરસાદ પણ પડી શકે છે.

ખોમિની પર હુમલો ઈરાન સામે યુદ્ધ માનવામાં આવશેઃ રાષ્ટ્રપતિ પેજેશ્કિયાન

તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને રવિવારે અમેરિકાને ચેતવણી આપી હતી કે દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિની પર કોઈ પણ પ્રકારનો હુમલો યુદ્ધની ઘોષણા સમાન ગણાશે. તેમણે કહ્યું હતું કે ઈરાન પર થનારા દરેક હુમલાનો તે સંપૂર્ણ શક્તિથી જવાબ આપશે.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું  હતું કે જો ઈરાનના લોકોને તેમના જીવનમાં મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેનું મુખ્ય કારણ અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા લાદવામાં આવેલી લાંબા સમયથી ચાલતી શત્રુતા અને અમાનવીય પ્રતિબંધો છે. અમારા દેશના સર્વોચ્ચ નેતા સામે થતી કોઈ પણ આક્રમકતા ઈરાની રાષ્ટ્ર સામે સંપૂર્ણ યુદ્ધ સમાન છે.

તેમની આ ટિપ્પણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ આવી છે. શનિવારે ‘પોલિટિકો’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે ખોમિનીના લગભગ 40 વર્ષના શાસનને સમાપ્ત કરવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, તેમણે ઈરાની સર્વોચ્ચ નેતાને “બીમાર માણસ” ગણાવ્યા અને પોતાના જ લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે દેશને યોગ્ય રીતે ચલાવવા માટે નેતૃત્વે યોગ્ય ધ્યાન આપવું જોઈએ, જેમ હું અમેરિકામાં કરું છું, સત્તા પર કાબૂ રાખવા માટે હજારો લોકોની હત્યા કરવાની જરૂર નથી. તેમણે આગળ ઉમેર્યું, નેતૃત્વ સન્માન વિશે હોય છે, ભય અને મૃત્યુ વિશે નહીં.

ઈરાનમાં વિરોધ પ્રદર્શન કેમ?

હવે જો ઈરાનમાં ચાલી રહેલી અશાંતિની વાત કરીએ તો તે 28 ડિસેમ્બરે શરૂ થઈ હતી. દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓના કારણે લોકોનો ગુસ્સો તેહરાનથી દેશનાં શહેરોમાં ફેલાયો. વિરોધ પ્રદર્શન વધતા ઈરાની અધિકારીઓએ 8 જાન્યુઆરીએ ઈન્ટરનેટ અને ફોન સેવાઓને લગભગ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આ પગલાને કારણે ઈરાનનો મોટા ભાગનો હિસ્સો બાહ્ય દુનિયા સાથે સંપર્કથી કપાઈ ગયો.

ઈરાનમાં ઈન્ટરનેટ લગભગ સંપૂર્ણ રીતે બંધ હોવાના કારણે મૃત્યુઆંક હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી. અમેરિકા સ્થિત ઈરાની માનવાધિકાર સંગઠન HRANA અનુસાર ઓછામાં ઓછા 3090 લોકોનાં મોત થયાં છે. કેટલાંક કાર્યકર જૂથોનું માનવું છે કે આ સંખ્યા ઘણી વધુ હોઈ શકે છે. બીજી તરફ, 24,000થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

સભાનતા: મન, શરીર અને સ્વાતંત્ર્યનો યોગમાર્ગ

સદ્ગુરુ: જેને તમે ચેતના તરીકે બોલાવો છો તે કોઈ કૃત્ય, વિચાર કે ગુણવત્તા પણ નથી – તે સર્જનનો મૂળ આધાર છે. જો સ્વાતંત્ર્ય તમારો ઉચ્ચતમ ધ્યેય છે, તો તમારે ત્યાગ તરફ જવું પડશે.

સભાનતાનો હંમેશા તમારા જીવનમાં એક વલણ હોય છે. તમારી પાસે તેનો માર્ગ છે કે નહીં તે પ્રશ્ન છે. આ માર્ગને અવગણવા માટેનું કારણ એ છે કે જો તમે તેમાં પ્રવેશ કરો છો, તો તમે અદૃશ્ય થઈ જશે – તમારૂ અસ્તિત્વ નહીં રહે. તમને ગૌરવ કે શરમ, દુઃખ અને આનંદ મળશે નહીં, પરંતુ તમે જે કરવા માંગો છો તે બધું કરી શકશો. જુઓ, હું જે કરવા માંગું છું તે બધું કરી રહ્યો છું, પણ ખરેખર કંઈ છે જ નહીં. તમારી પાસે જીવનમાં કોઈ સિદ્ધિઓ નહીં હોય, અને તમે તમારી સાથેની તુલનામાં વધુ સારૂ કે ખરાબ નહીં રહે. તમે ન તો ઉપર અથવા નીચે જશો, પણ તમે જે પણ ઇચ્છો તે કરી શકશો. તમે જે રીતે ઇચ્છો તે રીતે જીવનનો અનુભવ કરી શકો છો.

આપણે લોકોના મનને સંપૂર્ણપણે ખોટી રીતે વિકસાવી રહ્યા છીએ. તો પછી આપણે કેવી રીતે તેમને શાંતિપૂર્ણ અને આનંદી બનવાની અપેક્ષા રાખી શકીએ? તે કામ કરશે નહીં. જ્યાં સુધી તમે યોગ્ય વસ્તુઓ કરશો નહીં, ત્યાં સુધી તમારી સાથે યોગ્ય વસ્તુઓ થશે નહીં. જો તમારું શરીર સરળતાથી અહીં બેસી નહિ શકે, તો દેખીતી રીતે, એની સાથે કંઇક ઠીક નથી, પછી ભલે તમે તબીબી રૂપે સામાન્ય પ્રમાણિત હોવ.

હું આશ્ચર્યચકિત થયો જયારે મને ખબર પડી કે અમેરિકામાં તબીબી પાઠયપુસ્તકો મુજબ અઠવાડિયામાં બે વાર શૌચાલય જવાનું સામાન્ય માનવામાં આવે છે. યોગ સંસ્કૃતિ મુજબ, યોગીઓને દિવસમાં બે વખત શૌચાલયમાં જવું જોઈએ, કારણ કે મળમૂત્ર સિસ્ટમમાં રહેવું જોઈએ નહીં. જે બહાર જવું જોઈએ તે શક્ય હોય એટલી વહેલી તકે બહાર જવું જોઈએ. જ્યારે તમે સવારે ઊઠો ત્યારે પ્રથમ વસ્તુ તે થવી જોઈએ. અઠવાડિયામાં બે વાર એટલે સરેરાશ, તમે મળમૂત્ર તમારા શરીરમાં ત્રણ દિવસ માટે રાખો છો, અને તમે તમારા મનને ઠીક રાખવાની અપેક્ષા રાખો છો? તે ઠીક રહેશે નહીં કારણ કે તમારું મોટું આંતરડું અને તમારું મગજ સીધા જોડાયેલ છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.