નવી દિલ્હીઃનાણાપ્રધાને પાછલા બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત આપી હતી. આ વખતે પણ ટેક્સપેયર્સને નાણાપ્રધાનથી ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને ઇન્કમ ટેક્સની નવી રિજિમમાં ખાસ ડિડક્શનના અલાનની અપેક્ષા છે.
નવી રિજિમમાં પણ NPS પર વધારાની કપાતનો લાભ
ઇન્કમ ટેક્સની નવી રિજિમમાં મોટા ભાગનાને ડિડક્શન્સ નથી મળતાં. જોકે સેક્શન 80CCD (2) હેઠળ કર્મચારીના NPS ખાતામાં એમ્પ્લોયર દ્વારા કરાયેલા યોગદાન પર ડિડક્શન મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે સેક્શન 80CCD(1B) હેઠળ NPSમાં કરાયેલા યોગદાન પર મળતી વધારાની રૂ. 50,000ના ડિડક્શનનો લાભ નવી રિજિમના ટેક્સપેયર્સને પણ મળવો જોઈએ. સરકાર આ ડિડક્શન વધારીને રૂ. 1 લાખ કરે તો NPSમાં લોકોનો રસ વધશે.
ઓલ્ડ રિજિમ પસંદ કરવાની સરળ પ્રક્રિયા
બજેટ 2024માં સરકારે નવી ટેક્સ રિજિમને ડિફોલ્ટ બનાવી હતી. એટલે કે જો વ્યક્તિગત ટેક્સપેયર અથવા HUF ઓલ્ડ રિજિમ પસંદ કરવા માંગે તો તેને સેક્શન 10-IE હેઠળ તેની જાહેરાત કરવી પડે છે. ઘણા ટેક્સપેયર્સ આ જાહેરાત કરવાનું ભૂલી જાય છે અથવા પ્રક્રિયામાં ભૂલ થાય છે. જો સરકાર સીધા ITR ફોર્મમાં જ ઓલ્ડ રિજિમ પસંદ કરવાનો વિકલ્પ આપી દે, તો આ સમસ્યા દૂર થઈ શકે.
NPSમાં એક વારના વિથડ્રૉલ પર ટેક્સ નિયમો સ્પષ્ટ થવા જોઈએ
PFRDA દ્વારા તાજેતરમાં NPSમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વનો ફેરફાર વિથડ્રોલ નિયમોને લઈને છે. હવે જો સબ્સક્રાઇબરના ખાતામાં રૂ. 8 લાખ સુધીની રકમ હોય તો મેચ્યોરિટી પર આખી રકમ એક વારમાં કાઢી શકાય છે. જો રકમ રૂ. 8 લાખથી વધુ હોય તો 80 ટકા સુધી વિથડ્રોલ કરવાની મંજૂરી છે, જ્યારે અગાઉ આ મર્યાદા 60 ટકા હતી. પરંતુ વધારાના 20 ટકા વિથડ્રોલ પર ટેક્સ લાગશે કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
નવી રિજિમમાં ટર્મ લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ડિડક્શન
નિષ્ણાતો કહે છે કે નવી ટેક્સ રિજિમ હેઠળ પણ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ડિડક્શન મળવાં જોઈએ. આ પગલાથી ટર્મ અને હેલ્થ ઇન્શ્યોરન્સમાં લોકોનો રસ વધશે. આજના સમયમાં ટર્મ અને હેલ્થ ઇન્શ્યોરન્સ દરેક પરિવાર માટે આવશ્યક બની ગયાં છે. હાલ આ ડિડક્શન ફક્ત ઓલ્ડ ટેક્સ રિજિમમાં જ ઉપલબ્ધ છે.
પતિ-પત્ની માટે સંયુક્ત ઇન્કમ ટેક્સ રિટર્ન
ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા)એ સરકારને પતિ અને પત્ની માટે સંયુક્ત ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા આપવાની ભલામણ કરી છે. આથી પરિવાર પરનો ટેક્સ બોજ ઘટશે. હાલ પતિ અને પત્નીને અલગ-અલગ ITR ફાઇલ કરવું પડે છે. જોઇન્ટ રિટર્ન ફાઇલ કરનારાઓ માટે બેસિક એક્ઝેમ્પ્શન લિમિટ અને ટેક્સ સ્લેબ્સ વધારી શકાય. અમેરિકા સહિત ઘણા દેશોમાં પતિ-પત્નીને સંયુક્ત ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી છે.




