Home Blog Page 294

રેતીમાં છુપાયેલું રહસ્ય: સાઈક્સ નાઈટજાર

શું તમે ક્યારેય એવું પક્ષી જોયું છે, જે તમારી સામે જમીન પર બેઠું હોય છતાં નજરે ન ચડે? એવો જ એક અદ્ભુત અને રહસ્યમય પક્ષી છે — સાઈક્સ નાઈટજાર, જેને ગુજરાતીમાં આપણે રેતાળ છાપદારો’ તરીકે ઓળખીએ છીએ. પક્ષીપ્રેમી હોવ કે પ્રકૃતિના રસિયા, આ પક્ષી વિશે જાણવું ચોક્કસપણે રોમાંચક અનુભવ છે.

સાઈક્સ નાઈટજાર નિશાચર પક્ષી છે, જે મુખ્યત્વે રાત્રિના સમયે સક્રિય રહે છે. તેનું નામ પ્રખ્યાત પક્ષીશાસ્ત્રી વિલિયમ હેનરી સાઈક્સના નામ પરથી પડ્યું છે. આ પક્ષી પાકિસ્તાન અને ભારતના વાયવ્ય વિસ્તારોમાં જોવા મળે છે, ખાસ કરીને ગુજરાતના કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન–વેળાવદર અને કચ્છના રણમાં તેનું વિશેષ પ્રમાણ છે.

આ પક્ષીની સૌથી વિશેષ ઓળખ તેની અદભુત છદ્માવરણ (Camouflage) ક્ષમતા છે. તેનો રંગ અને ડિઝાઇન સુકી રેતી અને પથ્થરો જેવી જ હોવાથી, દિવસે જ્યારે તે જમીન પર શાંતિથી બેઠું હોય ત્યારે તે પથ્થરનો ટુકડો હોય એવું જ લાગે છે. આ કુદરતી આવરણ તેને શિકારી પ્રાણીઓથી બચાવે છે અને તેની સુરક્ષા માટે ઢાલ બની રહે છે.

સાઈક્સ નાઈટજારને ખુલ્લી અને સૂકી જમીન વધુ ગમે છે. તે અન્ય પક્ષીઓની જેમ ઝાડ પર માળો બનાવતું નથી, પરંતુ સીધું જમીન પર જ ઈંડા મૂકે છે. આશ્ચર્યની વાત એ છે કે તેના ઈંડા પણ જમીન સાથે એટલા ભળી જાય છે કે શોધવા અત્યંત મુશ્કેલ બની જાય છે.

સૂર્ય અસ્ત થતાની સાથે જ આ ‘રેતાળ છાપદારો’ સક્રિય બને છે. તેની મોટી આંખો તેને અંધારામાં સ્પષ્ટ જોવા મદદ કરે છે. તેની ઉડાન અત્યંત શાંત અને નિઃશબ્દ હોય છે. તે રાત્રિના સમયે હવામાં ઉડતા ફુદા (Moths), ભમરા અને અન્ય નાના જીવજંતુઓનો શિકાર કરે છે. રાત્રિના શાંતિભર્યા વાતાવરણમાં આવતો તેનો સતત ‘ચક-ચક-ચક’ જેવો અવાજ એક અલગ જ માયાવી માહોલ સર્જે છે.

શિયાળાની ઋતુમાં આ પક્ષી ખાસ કરીને પક્ષીપ્રેમીઓ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. અનેક લોકો આ રહસ્યમય પક્ષીને કેમેરામાં કેદ કરવા ખાસ કરીને ગુજરાતના કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન -વેળાવદર અને કચ્છના રણમાં આવે છે.

પંચાંગ 22/01/2026

‘ઓ રોમિયો’નું ટ્રેલર રિલીઝ ઈવેન્ટ, શાહિદ-તૃપ્તિ સહિતના કલાકારો હાજર

મુંબઈ: શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર આજે રિલીઝ થયું.ટ્રેલર લોન્ચ ઇવેન્ટ મુંબઈમાં યોજાઈ હતી, જેમાં નિર્માતા-દિગ્દર્શક સહિત ફિલ્મના મુખ્ય કલાકારો પણ જોવા મળ્યા હતા.

શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારી આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા.ફિલ્મના મુખ્ય અભિનેતા નાના પાટેકર પણ આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા.

‘ઓ રોમિયો’નું નિર્દેશન વિશાલ ભારદ્વાજે કર્યું છે.

આ ફિલ્મમાં નાના પાટેકર, વિક્રાંત મેસી, તમન્ના ભાટિયા, દિશા પટણી, અવિનાશ તિવારી અને ફરીદા જલાલ સાથે શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી છે.આ ફિલ્મ 13મી ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(તસવીરો- માનસ સોમપુરા)

બજેટ 2026: હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટની શરૂઆતથી ઘર ખરીદનારાને મળશે મોટો લાભ

નવી દિલ્હીઃ હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટથી હોમ લોન લઈને ઘર ખરીદનાર લોકોને મોટો લાભ થશે. રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા નિષ્ણાતોએ સરકારને યુનિયન બજેટમાં હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટ શરૂ કરવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે આથી હોમ લોનની મંજૂરી (એપ્રુવલ)માં લાગતો સમય ઘણો ઘટશે. પરિણામે ઘરોની માગ વધશે અને હાઉસિંગ સેક્ટરની વૃદ્ધિને વેગ મળશે.

બજેટથી રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી અપેક્ષાઓ

નાણાં મંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. તેઓ સતત નવમી વખત બજેટ રજૂ કરશે. આ બજેટથી રિયલ એસ્ટેટ સેક્ટર, હોમબાયર્સ અને ટેક્સપેયર્સ સહિત દરેક વર્ગને મોટી અપેક્ષાઓ છે. રિયલ એસ્ટેટ સેક્ટરનું માનવું છે કે ઘર ખરીદવાની પ્રક્રિયા સરળ બનશે તો લોકોમાં ઘર ખરીદવાની રુચિ વધશે.

હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટનો અર્થ શો છે

રિયલ એસ્ટેટ સેક્ટરના પ્રતિનિધિઓએ સરકારને હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટ શરૂ કરવાની ભલામણ કરી છે. હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટમાં ગ્રાહકની સંપૂર્ણ નાણાકીય પ્રોફાઇલ હોય છે. તેમાં આવક (ઇનકમ), ક્રેડિટ હિસ્ટ્રી અને વર્તમાન લોનની માહિતી સામેલ હોય છે. જ્યારે ગ્રાહક હોમ લોન માટે અરજી કરે છે, ત્યારે બેંકો તેના હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટને જોઈ શકે છે. આથી તેમને ગ્રાહકની નાણાકીય સ્થિતિ સરળતાથી સમજાઈ જશે.

હોમ લોનની અરજીમાં ઓછો સમય લાગશે

હોમ લોન માટે બેંકો ગ્રાહક પાસેથી અનેક પ્રકારના દસ્તાવેજો માગે છે. દસ્તાવેજો સબમિટ થયા પછી બેંક તેનું વિશ્લેષણ કરે છે અને ત્યાર બાદ નક્કી કરે છે કે લોન આપી શકાય કે નહીં. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણા સપ્તાહ લાગી જાય છે. હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટ શરૂ થતાં ગ્રાહકને બેંકોને વધુ દસ્તાવેજો આપવાની જરૂર નહીં પડે. પરિણામે હોમ લોનની અરજીને મંજૂરી મળવામાં વધારે સમય નહીં લાગે.

બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ટર પર સરકારનું ધ્યાન

નિષ્ણાતોનું કહેવું છે કે બજેટમાં સરકારનું ધ્યાન રિયલ એસ્ટેટ સેક્ટર પર રહેવાની સંભાવના છે. આ એવું સેક્ટર છે, જેના સારા વિકાસની સકારાત્મક અસર ઘણાં અન્ય સેક્ટરો પર પડે છે. તેમાં સ્ટીલ, સિમેન્ટ, પેઇન્ટ્સ, લાઇટિંગ જેવી ઉદ્યોગો સામેલ છે.

‘ફરીથી હિન્દુ ધર્મ અપનાવો…’ વિવાદ વચ્ચે ભજન ગાયકની એઆર રહેમાનને સલાહ

એઆર રહેમાનના ઇન્ટરવ્યુ બાદ થયેલા હોબાળા પર બોલિવૂડના એક ભજન ગાયકે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે એઆર રહેમાનને પાછા હિન્દુ ધર્મ અપનાવવાની સલાહ આપતો એક વીડિયો જાહેર કર્યો છે.

બોલિવૂડના સુપરસ્ટાર સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન પોતાના તાજેતરના નિવેદનોને કારણે સમાચારમાં છે. બીબીસી સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે મુસ્લિમ હોવાને કારણે સાંપ્રદાયિક ભેદભાવ અને કામનો અભાવ જોવા મળે છે. આ નિવેદનથી ઘણો હોબાળો થયો હતો, અને ફિલ્મ સ્ટાર્સે તેના પર પ્રતિક્રિયા આપી હતી. હવે, ભજન ગાયક અનુપ જલોટાએ પણ પ્રતિક્રિયા આપી છે. અનુપ જલોટાએ એક વીડિયો શેર કરીને એ.આર. રહેમાનને ફરીથી હિન્દુ ધર્મ અપનાવવાની સલાહ આપી છે.

અનુપ જલોટાએ શું કહ્યું?
અનુપ જલોટાએ એઆર રહેમાનના મુસ્લિમ વિવાદ અંગે એક વીડિયો શેર કર્યો, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુપ જલોટાએ કહ્યું, “સંગીત નિર્દેશક એઆર રહેમાન મૂળ હિન્દુ હતા. ત્યારબાદ તેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને ઘણું કામ કર્યું, ઘણી ખ્યાતિ મેળવી અને લોકોના દિલમાં સારું સ્થાન બનાવ્યું. પરંતુ જો તેઓ માને છે કે મુસ્લિમ હોવાને કારણે તેમને આપણા દેશમાં સંગીત બનાવવા માટે ફિલ્મો મળી રહી નથી, તો તેમણે ફરીથી હિન્દુ ધર્મ અપનાવવો જોઈએ. હિન્દુ બન્યા બાદ, ધર્મ પરિવર્તન બાદ તેમને ફરીથી ફિલ્મો મળવાનું શરૂ થશે, તેમનો કહેવાનો મતલબ એ જ થયો ને. તો, મારી સલાહ છે કે તેમણે હિન્દુ ધર્મ અપનાવવો જોઈએ અને પછી જુએ કે તેમને ફરીથી ફિલ્મો મળે છે કે નહીં.” હવે, અનુપ જલોટાનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એ.આર. રહેમાને શું કહ્યું?
એ.આર. રહેમાને તાજેતરમાં બીબીસી એશિયન નેટવર્કને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે તમિલ સંગીતકાર તરીકે બોલિવૂડમાં ક્યારેય ભેદભાવનો સામનો કર્યો છે. જવાબમાં એ.આર. રહેમાને કહ્યું, “કદાચ મને આવો ક્યારેય ખયાલ આવ્યો નથી, કદાચ ભગવાને તે છુપાવીને રાખ્યું હશે, પરંતુ મેં ક્યારેય તે અનુભવ્યું નથી. કદાચ છેલ્લા આઠ વર્ષમાં સત્તામાં પરિવર્તન આવ્યું છે, અને હવે સત્તા એવા લોકોના હાથમાં છે જેઓ સર્જનાત્મક નથી. તે એક સાંપ્રદાયિક મુદ્દો પણ હોઈ શકે છે, પરંતુ તે વાતની મને સ્પષ્ટતા નથી.” આ નિવેદન પછી, એ.આર. રહેમાને ભારે ટ્રોલ કરવામાં આવ્યા, અને ત્યારબાદ તેમણે માફી માંગી. એ.આર. રહેમાને કહ્યું, “સંગીત હંમેશા આપણી સંસ્કૃતિ સાથે જોડાવાનો, ઉજવણી કરવાનો અને આદર કરવાનો મારો માર્ગ રહ્યો છે. ભારત મારી પ્રેરણા, મારા ગુરુ અને મારું ઘર છે. હું સમજું છું કે ક્યારેક ઇરાદાઓને ખોટી રીતે સમજવામાં આવે. પરંતુ મારો ઉદ્દેશ્ય હંમેશા સંગીત દ્વારા ઉત્થાન, સન્માન અને સેવા કરવાનો રહ્યો છે. મારો ક્યારેય કોઈને નારાજ કરવાનો ઇરાદો નહોતો, અને મને આશા છે કે મારી ઇમાનદારી અનુભવાશે.

When Lalo’s Shruhad Goswami Speaks His Heart…

રાજ ઠાકરેએ શિંદેને ટેકો આપીને ઉદ્ધવને આપ્યો આંચકો

મુંબઈ: મુંબઈ BMC ચૂંટણીમાં હાલ ભલે મેયર પદને લઈને કોઈ અંતિમ નિર્ણય ન થયો હોય અને ભાજપ, શિવસેના (શિંદે) તેમ જ વિપક્ષી ગઠબંધન શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)–મનસે વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોય, પરંતુ કલ્યાણ-ડોમ્બિવલી નગર નિગમમાં રાજકીય ‘ખેલો’ થઈ ગયો છે. અહીં મેયરની ખુરશી માટે શિવસેના (શિંદે)એ રાજ ઠાકરેની મનસે સાથે હાથ મિલાવ્યાની ચર્ચા છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (KDMC)નાં તાજાં ચૂંટણી પરિણામો બાદ આ નવું રાજકીય ગઠબંધન બની રહ્યું છે. કહેવાય છે કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેની શિવસેના અને રાજ ઠાકરેની મનસે વચ્ચે ગઠબંધનની ‘ખીચડી’ તૈયાર થઈ ગઈ છે.

આ જ સંદર્ભમાં શિવસેના નેતા શ્રીકાંત શિંદે અને સાંસદ નરેશ મ્હસ્કેએ નવી મુંબઈના કોંકણ ભવનની મુલાકાત લીધી હતી. ત્યાં તેમની સાથે મનસે નેતા રાજુ પાટીલની હાજરીએ આ અટકળોને વધુ વેગ આપ્યો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેને સંગઠન સ્તરે મોટો નિર્ણય લેતાં પ્રલ્હાદ મ્હાત્રેને કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (KDMC)માં પાર્ટીના નવા ગ્રુપ નેતા તરીકે નિયુક્ત કર્યા છે. KDMCમાં મનસેના કુલ પાંચ નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે અને હવે મ્હાત્રે અહીં પાર્ટીનું નેતૃત્વ કરશે.શિંદે સેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ ગઠબંધનની સંભાવનાઓ અંગે સંકેત આપતાં કહ્યું કે મનસે કોઈ AIMIM નથી, તેથી તેમની સાથે આવવામાં કોઈ અડચણ હોવી જોઈએ નહીં.

કલ્યાણ-ડોમ્બિવલીમાં શિવસેના (53) અને ભાજપ (50) મળીને કુલ 103 સીટો જીતેલી છે, જે બહુમતના આંકડા (62) કરતાં ઘણો વધારે છે. પરંતુ મહાયુતિને બહુમત મળ્યા બાદ હવે શિવસેના અને ભાજપ વચ્ચે મેયર પદને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મેયરની લડાઈમાં શિંદેને મનસેની મદદ લેવી પડી રહી છે.

શિવસેના–ભાજપને મળીને કેટલા કોર્પોરેટર?

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં શિવસેના અને ભાજપ મળીને સરળતાથી બહુમત મેળવી શકે છે. અહીં સૌથી મોટી પાર્ટી શિવસેના પાસે 53 અને ભાજપ પાસે 50 કોર્પોરેટર છે. કુલ 122માંથી 103 કોર્પોરેટર તો માત્ર આ બંને પાર્ટીઓ પાસે જ છે.

મહારાષ્ટ્રમાં 2.79 કરોડ ટન રેર અર્થ ખનિજનો ભંડાર

મુંબઈઃ દેશની સૌથી મોટી કોલ ખનન કંપની કોલ ઈન્ડિયા લિમિટેડે (CILએ) દુર્લભ ખનિજ (રેર અર્થ એલિમેન્ટ્સ – REE) ક્ષેત્રમાં પ્રવેશ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ માહિતી આપી હતી કે તેને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આવેલા કવલાપુર રેર અર્થ ખનિજ બ્લોક માટે ખનન મંત્રાલય તરફથી ખનિજ રિયાયત લાઇસન્સ મળ્યું છે. આ લાઇસન્સ કંપનીને પાંચ વર્ષ માટે આપવામાં આવ્યું છે.

આ નિર્ણય કોલ ઈન્ડિયા માટે માત્ર એક નવો પ્રોજેક્ટ નથી, પરંતુ તેની લાંબા ગાળાની વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

કવલાપુર REE બ્લોક ક્યાં આવેલો છે?

ખનિજ બ્લોકની વિગતો પ્રમાણે આ REE બ્લોક મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રામટેક તાલુકાના કવલાપુર ગામમાં આવેલો છે. આ બ્લોક અંદાજે 398.23 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે, જે કદમાં ઘણો મોટો માનવામાં આવે છે. પ્રારંભિક ભૂગર્ભીય મૂલ્યાંકન મુજબ આ વિસ્તારમાં દુર્લભ ખનિજોનાં સંસાધનો અંદાજે 2.79 કરોડ ટન હોવાનું અનુમાન છે. એટલી મોટી માત્રામાં સંસાધનો મળવાથી આ બ્લોક વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનો બની જાય છે.

દુર્લભ ખનિજ કેમ એટલા જરૂરી છે?

દુર્લભ ખનિજોને આજની આધુનિક ટેક્નોલોજીની રીઢ માનવામાં આવે છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ ફોન, કમ્પ્યુટર, સોલર પેનલ, પવન ઊર્જા સાધનો, ઇલેક્ટ્રિક વાહનો, બેટરીઓ અને સંરક્ષણ સાધનોમાં મોટા પાયે થાય છે. આવનારા સમયમાં જ્યારે રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક પરિવહન પર વધુ ભાર મૂકવામાં આવશે, ત્યારે દુર્લભ ખનિજોની માગમાં વધુ ઝડપથી વધારો થવાની શક્યતા છે. તેથી આવા ખનિજોના ઘરેલુ સ્ત્રોતોનો વિકાસ દેશ માટે અત્યંત જરૂરી બની ગયો છે.

ભારતની આત્મનિર્ભરતાને મળશે વેગ

આ વિકાસ ભારત સરકારના તે લક્ષ્ય સાથે પણ સુસંગત છે, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વના ખનિજોના ઘરેલુ સ્ત્રોતોને સુરક્ષિત કરવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં ભારત ઘણા દુર્લભ ખનિજોની જરૂરિયાત માટે અન્ય દેશો પર નિર્ભર છે. કવલાપુર જેવા પ્રોજેક્ટ્સ દેશને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે અને ટેકનોલોજી તથા ઔદ્યોગિક વિકાસને પણ ગતિ આપશે.

ખોડલધામ સંગઠનના અધ્યક્ષ પદે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના પુત્રી અનાર પટેલની વરણી

રાજકોટ: ખોડલધામ ખાતે આજે મળેલી સંગઠનના આગેવાનો અને કાર્યકરોની બેઠકમાં ચેરમેન નરેશ પટેલે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કર્યું હતું. અનાર પટેલ વર્તમાન ઉતર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી હોય આ જાહેરાતથી ભારે ચર્ચા જાગી છે.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની ઘોષણા કરવામાં આવી ત્યારે અનાર પટેલ આ બેઠકમાં હાજર હતા. થોડા સમય પહેલા જ આનંદીબેન પટેલે અનાર પટેલ સાથે ખોડલધામ આવી દર્શન કર્યા હતા.

હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે. અનાર પટેલ ભાજપના નેતા અને પાટીદાર સમાજમાં સંગઠન માં પણ સક્રિય છે. ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન પદે નરેશ પટેલ યથાવત રહેશે.ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત કરવામાં આવેલી આ જાહેરાતથી ગુજરાતના રાજકારણમાં પણ ચર્ચા જાગી છે. લેઉવા પટેલના ગુજરાતના સૌથી મોટા ધાર્મિક સ્થળ ખોડલધામનું સંચાલન સમાજના આગેવાનો કરે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના આગેવાનો તેમાં વધુ સક્રિય છે. રાજકોટ જિલ્લામાં જેતપુર નજીક આવેલું ખોડલધામ માત્ર પટેલ સમાજ નહીં પણ કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે ત્યારે સંગઠનમાં અનાર પટેલ ની વરણી એ અનેક રીતે સૂચક છે.

(દેવેન્દ્ર જાની- રાજકોટ)

દાખે દલપતરામ….

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરેથી હેરિટેજ વોક શરૂ થાય છે એને અડીને જ આવેલી લાંબેશ્વરની પોળમાં કવિ દલપતરામનો ચોક અને સ્મારક આવેલા છે. કવિ દલપતરામે બાળપણમાં ભણવાની શરૂઆત પિતાથી પ્રભાવિત થઈ યજ્ઞશાળામાં કરેલી.

આઠ વર્ષની વયે દલપતરામે મામા પ્રેમાનંદની સાથે ગઢડામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદનાં દર્શન કરેલાં એની ઊંડી છાપ એમના ચિત્ત પર કાયમી રહી ગયેલી. ‘સત્સંગ’ની દીક્ષા લીધી તે પહેલાં દલપતરામને કવિતા ‘જોડવા’ના સંસ્કાર મળ્યા હતા. 1834થી 1841 દરમિયાન મૂળીમાં રહીને તેમણે સ્વામી દેવાનંદ પાસે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ભાષાનો અભ્યાસ કર્યો. એ પરથી તેમણે ‘જ્ઞાનચાતુરી’ અને ‘વ્રજચાતુરી’ નામના ગ્રંથો વ્રજભાષામાં લખ્યા. પછી તો દલપતરામ ‘સત્સંગ’ના કવિ તરીકે ખ્યાતિ પામ્યા.

અવસાનના થોડા દિવસ પહેલાં જ એમણે ‘માનવીઓ માત્ર પાસે રે ! હું માફી માગું’ એમ ઉદગારવાળું વિદાયગીત રચેલું, જે દલપતરામના સાત્વિક સ્વભાવનું ઉદાહણ છે. આ શ્રેષ્ઠ સર્જકના આસપાસના આખાય ઐતિહાસિક વિસ્તારનું હાલ સુંદર નવીનીકરણ થઈ રહ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)