Home Blog Page 2827

માવઠાને કારણે કેસર કેરીની કિંમતો દાયકામાં સૌથી ઓછી

અમદાવાદઃ કેસર કેરી ગુજરાતીઓનું મનપસંદ ફળ છે. રાજ્યમાં વારંવાર આવતા વાતાવરણના પલટાને કારણે કેસર કેરીની કિંમતો છેલ્લા એક દાયકામાં સૌથી નીચી થઈ છે. સામાન્ય રીતે બજારમાં કેસર કેરી કેરીના 10 કિલોગ્રામની કિંમતો રૂ. 700થી રૂ. 1200 સુધી ચાલતા હોય છે, પણ હાલમાં એક ઘટીને પ્રતિ બોક્સ રૂ. 375થી રૂ. 400એ પહોંચ્યા છે.

કેસર કેરીના ખેડૂતો, જથ્થાબંધ વેપારીઓ અને ટ્રેડર્સોના જણાવ્યાનુસાર ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ અચાનક વાતાવરણમાં આવતા ફેરફાર છે. અમદાવાદ હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિયેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને જથ્થાબંધના વેપારી શય્મ રોહરાએ કહ્યું હતું કે ગીર સોમનાથ, કચ્છ અને અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદને કારણે કેસરની ખેતી પર પ્રતિકૂળ અસર પડી છે. વળી, એક કારણ એ પણ છે અમુક વર્ગના લોકો વરસાદ પડ્યા પછી કેરી ખાવાનું બંધ કરે છે અથવા ઓછી ખાય છે. વળી, બજારમાં હાલ માગ કરતાં કેરીની આવકમાં વધારો થયો છે. જેને પગલે ભાવમાં કડાકો થયો છે.

તાલાલામાં 30-40 ટકા કેરીઓ હજી વૃક્ષ પર

તાલાલા ગીરમાં એક ખેડૂત અરવિંદ સહાધે કહ્યું હતું કે હાલમાં કેસર કેરીની આસપાસ 30-40 કેસર તાલાલામાં વૃક્ષો પર લટકેલી છે. વળી, કમોસમી વરસાદને પગલે ખેડૂતોને કેસરનો સ્ટોક વધુમાં વધુ બજારમાં લાવવો પડે છે, જેથી કેસર કેરીની કિંમતો છેલ્લાં 10 વર્ષોની તુલનામાં સૌથી ઓછો છે. સૂત્રો અનુસાર કેસર કેરીના 70,000 બોક્સ પ્રતિદિન તાલાલામાંથી બહાર જાય છે, જેમાંથી અમદાવાદમાં આશરે 20,000 બોક્સ બજારમાં આવે છે.

 

 

 

 

કેન્દ્ર દ્વારા વિશ્વની સૌથી મોટી અન્ન ભંડાર યોજનાને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ભારતમાં વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાનો પ્રારંભ કરી રહી છે. એના માટે રૂ. એક લાખ કરોડની ફાળવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરના પ્રત્યેક રાજ્યમાં 2000 ટન ક્ષમતાનું ગોદામ બનાવવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે ખાદ્ય ભંડાર યોજનાને મંજૂરી આપી દીધી છે.

સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય ભંડાર યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના માટેને ખર્ચ રૂ. એક લાખ કરોડ થવાની શક્યતા છે. આના માટે એક આંતર મંત્રાલયની સમિતિની રચના કરવામાં આવશે, એમ કેન્દ્રીય પ્રધઆન અનુરાગ ઠાકુરે કહ્યું હતું.  આ ખાદ્ય ભંડાર યોજનાનો ઉદ્દેશ ખાદ્યાન્નના લાંબા સમય સુધીમ સુરક્ષિત, પૌષ્ટિક બનાવી રાખવાનો છે. આ ઉપરાંચ ખાદ્યાન્નની સુવિધા વધારવા માટેની ક્ષમતા વધારવામાં આવે. એ અનાજનું કીટકોથી અનાજનું રક્ષણ કરવામાં આવે. આ યોજનાથી અનાજના ભંડારની સુવિધા વધી જશે.

સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ભંડાર યોજનાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી કુલ 1450 લાખ ટન ભંડારની ક્ષમતા છે અને હવે 700 લાખ ભંડારની ક્ષમતા સહકારી ક્ષેત્રમાં શરૂ થશે, એમ તેમણે કહ્યું હતું.  તેમણે કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં સિટીઝ 2.0 (City investments to innovate integrate and sustain) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એના ભાગ Citis 1.0ની જેમ ત્રણની જેમ રહેશે. એના પર રૂ. 1866 કરોડનો ખર્ચ થશે.

 

 

 

અમેરિકામાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જોરદાર હોબાળો; ખાલિસ્તાનીઓએ ભારત-વિરોધી નારા લગાવ્યા

સેન ફ્રાન્સિસ્કોઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના 10-દિવસના પ્રવાસે આવ્યા છે. આજે કેલિફોર્નિયા રાજ્યના સેન ફ્રાન્સિસ્કો શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં એમણે સંબોધનની શરૂઆત કરી એ જ વખતે શ્રોતાગણમાંથી અચાનક કેટલાક ખાલિસ્તાનવાદી સમર્થકો ઊભા થયા હતા અને ભારત-વિરોધી નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા હતા અને ખાલિસ્તાન ઝિંદાબાદ નારા લગાવ્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે અમેરિકા અને ભારતમાં ખળભળાટ મચી ગયો છે.

ખાલિસ્તાની સમર્થકોએ ભારતમાં 1984માં થયેલા શીખ હત્યાકાંડના સંબંધમાં ઈન્દિરા ગાંધી અને ગાંધી પરિવાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. તે ઘટના બાદ તરત જ શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) નામના એક સંગઠનના વડા ગુરપતવંત સિંહ પન્નૂએ તે ઘટનાના વિઝ્યુઅલ્સ દર્શાવતો એક વિડિયો સોશ્યલ મિડિયા પર શેર કર્યો હતો.

પન્નૂએ તે વિડિયો સાથે જોડેલી એક ઓડિયો ક્લિપમાં રાહુલ ગાંધીને ‘શીખ હત્યાકાંડના વ્યાપારી’ તરીકે ગણાવ્યા હતા અને રાહુલ ગાંધીને એવી ધમકી આપી હતી કે તેઓ અમેરિકામાં જે કોઈ સ્થળે જશે ત્યાં એમણે અમેરિકામાં વસતા શીખ લોકોના આ પ્રકારના વિરોધનો સામનો કરવો પડશે.

પન્નૂએ આપેલી બીજી ચોંકાવનારી ચેતવણીમાં એવી ધમકી ઉચ્ચારી હતી કે, વડા પ્રધાન મોદી જ્યારે આવતા મહિને અમેરિકાની સત્તાવાર મુલાકાતે આવશે ત્યારે એમણે પણ આવા જ સંજોગોનો સામનો કરવો પડશે. ‘નેક્સ્ટ મોદીનો વારો, 22 જૂને,’ એમ પન્નૂન ઓડિયો ક્લિપમાં બોલે છે.

વડા પ્રધાન મોદી 22 જૂને અમેરિકાની સત્તાવાર મુલાકાતે આવવાના છે. અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન અને એમના પત્ની જિલ બાઈડન એમના માનમાં વ્હાઈટ હાઉસ ખાતે સત્તાવાર ડિનર યોજવાના છે.

નો ટોબેકો ડે: અમારે ખોરાક જોઈએ, તમાકુ નહીં

અમદાવાદઃ એવું કહેવાય છે કે તમાકુના ખેતરને વાડ કે રખેવાળની જરૂર પડતી નથી, કારણ કે એને ગધેડાય ખાતા નથી, પણ માણસ જરૂર ખાય છે. વિશ્વના લોકો તમાકુનું વ્યસન જુદા-જુદા સ્વરૂપે કરે છે. ભારતમાં બીડી, સિગારેટ, ગુટકા, ચલમ અને છીંકણી જેવાં અનેક સ્વરૂપે માણસો તમાકુનું સેવન કરે છે. તમાકુની બનાવટો પર ભયાનક કેન્સરની ચેતવણીઓ છતાંય કરોડો લોકો વ્યસનોના બંધાણી છે.

તમાકુથી કેન્સર અને અન્ય બીમારીઓના દર્દીઓ સતત વધતા જાય છે. અસંખ્ય લોકો તમાકુને કારણે હ્રદય રોગ, દમ, ટીબી અને  ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. તમાકુને કારણે થતી બીમારીઓથી મૃત્યુ દર વધતો જાય છે. આજે ‘તમાકુ નિષેધ દિવસ’ છે. જનજાગૃતિ માટે વિશ્વમાં જાહેરાતો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના ટાગોર હોલમાં તમાકુ નિષેધ દિવસના ઉપક્રમે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વખતની ‘થીમ’  ‘WE NEED FOOD NOT TOBACCO ‘ પર રજૂઆત કરવામાં આવી હતી. માણસો ને ખોરાક જોઈએ…અનાજ જોઈએ, તમાકુ નહીં. વિશ્વભરમાં તમાકુની જગ્યાએ અનાજ ઉગાડવાની ઝુંબેશ ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તેમ જ સામાજિક સંસ્થાઓએ યોજેલા તમાકુ નિષેધ દિવસના આ કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, હેલ્થ કમિટીના ભરત પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

 

 

 

ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

આજે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 73.27 % ટકા જાહેર થયું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 73.27 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 73.27 ટકા આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીએ 13 ટકા ઓછું છે. આ વર્ષે 311 સ્કૂલોનું 100 ટકા પરિણામઆવ્યું છે. જ્યારે 44 શાળાઓમાં 10 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે.

આ રીતે પરિણામ કરો ચેક

વિદ્યાર્થીઓ આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.orgની ઓફિશયલ વેબસાઈટ પર જોઈ શકે છે. પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ સહિત અન્ય વિગતો આ વેબસાઈટમાં નાંખીને પોતાનું પરિણામ જોઇ શકે છે.તેમજ વિદ્યાર્થીઓ વોટ્સએપ નં. 63573 00971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકે છે.

છોકરા કરતા છોકરીઓએ મેદાન માર્યુ

આ વર્ષે 3.49 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ રહ્યું છે આમ આ પરિક્ષામાં છોકરા કરતા છોકરીઓએ મેદાન માર્યુ છે. અને 13.36 ટકા વધુ પરિણામ પ્રાપ્ત કર્યું છે.

સૌથી વધુ આ જિલ્લાનું પરિણામ

આ વર્ષે કચ્છ જિલ્લો 84.59 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. તો દાહોદ જિલ્લો 54.68 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે તેમજ દેવગઢ બારિયા કેન્દ્ર 26.28 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યું છે.

મણિપુર હિંસાઃ 11 દિગ્ગજોની મેડલ પરત કરવાની ચેતવણી

ઇમ્ફાલઃ મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. એક મહિનાથી અહીં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ હિંસામાં 80થી વધુ લોકો જીવ ગુમાવ્યા છે. હજારો લોકોના ઘર હિંસામાં બળીને ખાખ થઈ ચૂક્યાં છે. હજારો બેઘર થઈને અહીંતહીં ભટકવા મજબૂર બન્યા છે.

રાજ્યની સમસ્યાઓના સમાધાન માટે હવે રાજ્યના ખેલાડીઓએ મેડલ પરત કરવાની ચેતવણી આપી છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ સહિત 11 ખેલ દિગ્ગજોએ મેડલ પરત કરવા માટે ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે. આ લોકોએ મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે સંકટનું સમાધાન કરવા આગ્રહ કર્યો છે.ગૃહપ્રધાનને લખેલા પત્રમાં ખેલાડીઓએ ક્હ્યું છે કે રાજ્યમાં શાંતિ છીનવાઈ ચૂકી છે.રાજ્યમાં લોકોને ખાણીપીણીની ચીજવસ્તુઓની અછત છે. હિંસાને કારણે કિંમતો આકાશને આંબી રહી છે. કેટલાંક સપ્તાહોથી હાઇવે કેટલીય જગ્યાએ બ્લોક છે, જેથી ટ્રકો ત્યાં પહોંચી નથી રહી.આ લોકોએ નેશનલ હાઇવે-બેને ખોલવાની માગ કરી છે. તેમણે કેન્દ્રને ચેતવણી આપી છે કે રાજ્યમાં શાંતિ જલદી સ્થાપવામાં આવે અને જો સામાન્ય સ્થિતિ નહીં સ્થપાય તો તેઓ તેમના એવોર્ડ અને મેડલ પરત કરી દેશે.

મણિપુર હિંસાથી દુઃખી થઈને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મીરાબાઇ ચનુ સહિત મણિપુરની 11 ખેલાડીઓએ પત્ર લખ્યો છે. શાહને લખેલા પત્રમાં પદ્મ એવોર્ડવિજેતા વેઇટલિફ્ટર કુજારાની દેવી, ભૂતપૂર્વ ભારતીય મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન બેમ બેમ દેવી અને મુક્કેબાજ એલ સરિતા દેવી સામેલ છે.  

 

 

 

‘ઝરૂખો’માં ‘જૈન સાહિત્ય’ પર પરિસંવાદ

મુંબઈઃ સાહિત્યિક સાંજ તરીકે ઓળખાતા બોરીવલીના ‘ઝરૂખો’માં ૩ જૂન, શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે ‘ઓછું પ્રસાર પામેલું જૈન સાહિત્ય’ એ વિષય પર જૈન સાહિત્યના વિદ્વાન, કવયિત્રી, વિવેચક ડૉ. સેજલ શાહ તથા મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તથા અસોશિયેટ પ્રોફેસર ડૉ. અભય દોશી વક્તવ્ય આપશે. આ બંને વક્તાઓ જૈન સાહિત્યના અભ્યાસી છે અને ‘બારમી સદીથી આજ સુધી જૈન સાહિત્ય કેમ મુખ્ય સાહિત્યધારામાં ન જોડાયું?’ એ વિશે પણ તેઓ ચર્ચા કરશે.

ડૉ.સેજલ શાહ (ડાબે) અને ડૉ.અભય દોશી (જમણે)

વક્તવ્યના અંતે શ્રોતાઓ વક્તા સાથે પ્રશ્નોત્તરી પણ કરી શકશે.

સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ) સરનામે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. આ જાહેર કાર્યક્રમમાં સર્વને હાજરી આપવા સંસ્થા સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ નિમંત્રણ પાઠવે છે.

વિજ્ઞાની, જિયો ઇન્સ્ટિટ્યૂટના પ્રોવોસ્ટ ડો. ગુરુસ્વામી રવિચંદ્રનનું સન્માન

મુંબઈ, 31 મે 2023: જિયો ઇન્સ્ટિટ્યૂટે આનંદસહ જાહેરાત કરી છે કે તેના પ્રોવોસ્ટ અને ખ્યાતનામ વિજ્ઞાની ડૉ. ગુરુસ્વામી રવિચંદ્રનના નામની અમેરિકન સોસાયટી ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ (એએસએમઈ) દ્વારા પ્રતિષ્ઠિત 2023 ટિમોશેન્કો મેડલના પ્રાપ્તિકર્તા તરીકે પસંદગી કરાઈ છે. આ અત્યંત પ્રતિષ્ઠિત સન્માન ડૉ. રવિચંદ્રનને “એન્જિનિયરિંગ મટિરિયલ્સ અને બાયોલોજિકલ સિસ્ટમ્સના મિકેનિક્સમાં, ખાસ કરીને વિષમ મિકેનિકલ વાતાવરણમાં નોંધપાત્ર યોગદાન”ને બિરદાવતા એનાયત કરાશે.

પ્રસિદ્ધ એન્જિનિયર અને શિક્ષણવિદ્ સ્ટીફન પી. ટિમોશેન્કોની સ્મૃતિમાં 1957માં સ્થાપિત ટિમોશેન્કો મેડલ દર વર્ષે એપ્લાઇડ મિકેનિક્સના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાનને સન્માનિત કરવા એનાયત કરાય છે. એપ્લાઇડ મિકેનિક્સના ક્ષેત્રમાં આ એવોર્ડ વિશ્વભરમાં સર્વોચ્ચ સન્માન તરીકે વ્યાપક માન્યતા ધરાવે છે.

ડૉ ગુરુસ્વામી રવિચંદ્રન જિયો ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક પ્રોવોસ્ટ છે. તેઓ અત્યંત પ્રતિભાશાળી વિજ્ઞાની અને શિક્ષણવિદ્ છે જેમણે સોલિડ મિકેનિક્સ અને મટિરિયલ સાયન્સ તથા એન્જિનિયરિંગ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ એક્સપેરિમેન્ટલ મિકેનિક્સમાં, ખાસકરીને ડાયનેમિક બિહેવિયર એન્ડ ફેલ્યોર ઓફ મટિરિયલ્સ ક્ષેત્રમાં તેમની નિપૂણતા માટે પ્રખ્યાત છે. ડૉ. રવિચંદ્રનના મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ થકી મિકેનિકલ બિહેવિયરની સમજ વિસ્તૃત બની શકી અને તે નોંધપાત્ર એપ્લિકેશન્સ તરફ દોરી જતાં એન્જિનિયરિંગ પ્રેક્ટિસને પ્રભાવિત કરી છે.

“આ નોંધપાત્ર સિદ્ધિ માટે ડૉ. રવિચંદ્રનને અભિનંદન પાઠવતાનો મને ખૂબ ગર્વ છે,” તેમ જિયો ઇન્સ્ટિટ્યૂટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. પલક શેઠે જણાવ્યું હતું. “શિક્ષણ અને સંશોધનમાં સર્વોત્તમતા માટે અમારી પ્રતિબદ્ધતા પાછળ ડૉ. રવિચંદ્રન એક પ્રેરક બળ તરીકે હોવા બદલ અમે ભાગ્યાશાળી છીએ. શિક્ષણ અને સમાજ પર બૃહદ રીતે નોંધપાત્ર અસર સર્જવા માટે તેમનું માર્ગદર્શન અમને સતત મળતું રહે તે માટે અમે ઉત્સુક છીએ,” એમ તેમણે ઉમેર્યું હતું.

ડૉ. રવિચંદ્રને પોતાની કારકિર્દી દરમિયાન મિકેનિક્સ ઓફ મટિરિયલ્સ ક્ષેત્રે પ્રારંભિક સંશોધન હાથ ધર્યું છે. તેમણે હાઇસ્ટ્રેન રેટ્સ અને હાઇપ્રેશર હેઠળ મેટલ્સ, પોલિમર અને કમ્પોઝિટ્સ સહિત મટિરિયલ્સની ડાયનેમિક વર્તણૂંકને સમજવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમનું સંશોધન મટિરિયલ્સના ફેલ્યોર મિકેનિઝમ અને ડિફોર્મેશનની મહત્ત્વપૂર્ણ આંતરિક સમજ તેમજ તેમના થર્મોમિકેનિકલ ગુણધર્મોની લાક્ષણિકતા માટે નવીન ટેકનિકના વિકાસ સુધી દોરી ગયું છે. તેમણે કમ્બાઇન્ડ ઇલેક્ટ્રોમિકેનિકલ લોડિંગ હેઠળ લાર્જ-સ્ટ્રેઇન ફેરોઇલેક્ટ્રિક એક્ટ્યુએટર્સના મિકેનિક્સની તપાસ માટેની એક પદ્ધતિ તેમજ બાયોલોજિકલ સેલ-મેટ્રિક્સની ક્રિયા-પ્રતિક્રિયાના અભ્યાસ માટે આધુનિક થ્રી-ડાયમેન્શનલ ટ્રેક્શન ફોર્સ માઇક્રોસ્કોપી ટેક્નિકના વિકાસમાં પણ યોગદાન આપ્યું છે.

ડૉ. રવિચંદ્રને તેમની સ્નાતકની ડિગ્રી 1981માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, ત્રિચી ખાતેથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેમણે બ્રાઉન યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ અને એપ્લાઇડ મેથેમેટિક્સમાં માસ્ટર્સનો અભ્યાસ તેમજ 1986માં ડોક્ટરલ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શિક્ષણ બાદ ડૉ રવિચંદ્રને શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં એક દૃષ્ટાંતરૂપ કારકિર્દીની સફર શરૂ કરી હતી.

ડૉ. રવિચંદ્રને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (કેલટેક) ખાતે એરોસ્પેસ અને મિકેનિકલ એન્જિનિયરિંગના જુનિયર પ્રોફેસર, જોન ઇ. ગુડેનું પદ સંભાળ્યું હતું. તેઓ 1990થી કેલ્ટેક ફેકલ્ટીનો હિસ્સો રહ્યા હતા, જ્યાં તેમણે અસાધારણ નેતૃત્વનું પ્રદર્શન કરતા સોલીડ મિકેનિક્સના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે 2015થી 2021 દરમિયાન ડિવિઝન ઓફ એન્જિનિયરિંગ અને એપ્લાઇડ સાયન્સ વિભાગની ઓટિસ બૂથ લીડરશીપ ચેર પર અને 2009થી 2015 દરમિયાન ગ્રેજ્યુએટ એરોસ્પેસ લેબોરેટરીઝ (GALCIT)ના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી.

તેમના સંશોધન સાહસો ઉપરાંત ડૉ. રવિચંદ્રને શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓ અને સંશોધકોને માર્ગદર્શન અને પ્રેરણા આપી છે, જેમણે પોતાની કારકિર્દીમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેઓ એક શિક્ષક અને માર્ગદર્શક તરીકે ખૂબ સન્માન ધરાવે છે અને આગામી પેઢીના વિજ્ઞાનીઓ અને એન્જિનિયર્સને તૈયાર કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.

ડૉ. રવિચંદ્રનના કાર્યને આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવાયું છે, અને તેમને અસંખ્ય એવોર્ડ્સ તથા પ્રશસ્તિ પ્રાપ્ત થઈ છે. તેઓ યુએસ નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ તેમજ એકેડેમિયા યુરોપિયાના ચૂંટાયેલા સભ્ય છે. વર્ષ 2011માં ફ્રાન્સ પ્રજાસત્તાક દ્વારા તેમને શેવેલિયર દ લ’ઓર્દ્રે પામ્સ એકેડેમિકસ સન્માન અપાયું હતું. તેઓ વિવિધ પ્રોફેશનલ્સ સોસાયટીઝના ફેલો છે અને 2015-16 દરમિયાન સોસાયટી ફોર એક્સપેરિમેન્ટલ મિકેનિક્સ (એસઇએમ) માટે પ્રમુખ સહિત વિવિધ નેતૃત્ત્વની ભૂમિકાઓમાં સેવા આપી ચૂક્યા છે.

PM નરેન્દ્ર મોદીના જીવનદર્શન પરનાં ચિત્રોનું એક્ઝિબિશન

અમદાવાદઃ ભુવનેશ્વર સ્થિત સુવાદ્રા ટ્રસ્ટની એક પાંખ સુવાદ્રા આર્ટ ગેલેરી દ્વારા આયોજિત અને યુવા કલાકારોએ દોરેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને વિઝન પરનાં ચિત્રો અને મૂર્તિઓનું રાષ્ટ્રીય પ્રદર્શન અમદાવાદની લલિતકલા આર્ટ ગેલેરીમાં બીજી જૂને શુક્રવારે સાંજે 4.30 કલાકથી ચોથી જૂન સુધી લાગશે.

આ પ્રદર્શનનો સમય સવારે 11 કલાકથી રાત્રે આઠ કલાક સુધી નિહાળી શકાશે. આ પ્રદર્શન તમામ માટે ખુલ્લું રહેશે.

 

 

એ રાતે હું સૂઈ શક્યો નહોતો, હજી પણ હારના વિચાર આવ્યા કરે છેઃ મોહિત શર્મા

મુંબઈઃ ગઈ 29-30 મેની રાતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ-2023 ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ભારે રોમાંચક ક્ષણો વચ્ચે પાંચ-વિકેટથી જીતી લીધી હતી. તે મેચમાં ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ ફેંકેલી આખરી ઓવર ખૂબ ચર્ચાસ્પદ રહી છે. મોહિતનું કહેવું છે કે પોતે એ રાતે સૂઈ જ શક્યો નહોતો.

વરસાદને કારણે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો જીતનો નવો ટાર્ગેટ મળ્યો હતો. એને જીત માટે આખરી ઓવરમાં 13 રન કરવાના હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોહિતનેતે ઓવર ફેંકવા કહ્યું હતું. મોહિતે પહેલા ચાર બોલમાં માત્ર 3 રન જ આપ્યા હતા. તે જોતાં ગુજરાત સતત બીજી વાર વિજેતા બનશે એવું પાકું લાગતું હતું. પરંતુ આખરી બે બોલમાં રવિન્દ્ર જાડેજાએ ચિત્ર બદલી નાખ્યું અને ચેન્નાઈ ટીમ પાંચમી વાર વિજેતા બની. જાડેજાએ પાંચમા બોલમાં સિક્સર અને છઠ્ઠા બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. મેચ હારી જતાં મોહિત શર્મા બહુ જ ભાવૂક થઈ ગયો હતો. કેપ્ટન હાર્દિકે એને ભેટીને દિલાસો આપ્યો હતો. મોહિતે બાદમાં મિડિયાને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે, ‘પરાજય બાદ મારી તો ઊંઘ જ ઊડી ગઈ હતી. આખી રાત હું એ જ વિચારતો રહ્યો હતો કે ફાઈનલ જીતવા માટે વધુ શું કરી શકાયું હોત. હું સૂઈ જ નહોતો શક્યો. મેં શું જુદું કર્યું હોત તો મેચ અમે જીતી ગયા હોત? એ જ હું વિચારતો રહ્યો હતો. છેલ્લો બોલ અલગ ફેંક્યો હોત તો શું બન્યું હોત? હજી પણ મારા મનમાં એ વિશે ધમસાણ ચાલે છે. બધા જ બોલ યોર્કર ફેંકવા એવું મેં નક્કી કર્યું હતું. બેટરના પગની પાસે જ અચૂક યોર્કર ફેંકવાનો પ્રયત્ન હતો, પણ એવું બન્યું નહીં. બોલની ટપ જુદી જગ્યાએ પડી હતી. જાડેજાએ તે બોલને બેટ પર લીધો હતો અને ચિત્ર બદલી નાખ્યું.’

ઉલ્લેખનીય છે કે, મોહિતે ફાઈનલ મેચમાં 3 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ લીધી હતી. ગુજરાત ટીમ વતી તે શ્રેષ્ઠ બોલિંગ દેખાવ હતો. આ મોસમમાં સૌથી વિકેટ લેનાર બોલરોની યાદીમાં મોહિત બીજા સ્થાને રહ્યો હતો.