અમેરિકામાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જોરદાર હોબાળો; ખાલિસ્તાનીઓએ ભારત-વિરોધી નારા લગાવ્યા

સેન ફ્રાન્સિસ્કોઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના 10-દિવસના પ્રવાસે આવ્યા છે. આજે કેલિફોર્નિયા રાજ્યના સેન ફ્રાન્સિસ્કો શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં એમણે સંબોધનની શરૂઆત કરી એ જ વખતે શ્રોતાગણમાંથી અચાનક કેટલાક ખાલિસ્તાનવાદી સમર્થકો ઊભા થયા હતા અને ભારત-વિરોધી નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા હતા અને ખાલિસ્તાન ઝિંદાબાદ નારા લગાવ્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે અમેરિકા અને ભારતમાં ખળભળાટ મચી ગયો છે.

ખાલિસ્તાની સમર્થકોએ ભારતમાં 1984માં થયેલા શીખ હત્યાકાંડના સંબંધમાં ઈન્દિરા ગાંધી અને ગાંધી પરિવાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. તે ઘટના બાદ તરત જ શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) નામના એક સંગઠનના વડા ગુરપતવંત સિંહ પન્નૂએ તે ઘટનાના વિઝ્યુઅલ્સ દર્શાવતો એક વિડિયો સોશ્યલ મિડિયા પર શેર કર્યો હતો.

પન્નૂએ તે વિડિયો સાથે જોડેલી એક ઓડિયો ક્લિપમાં રાહુલ ગાંધીને ‘શીખ હત્યાકાંડના વ્યાપારી’ તરીકે ગણાવ્યા હતા અને રાહુલ ગાંધીને એવી ધમકી આપી હતી કે તેઓ અમેરિકામાં જે કોઈ સ્થળે જશે ત્યાં એમણે અમેરિકામાં વસતા શીખ લોકોના આ પ્રકારના વિરોધનો સામનો કરવો પડશે.

પન્નૂએ આપેલી બીજી ચોંકાવનારી ચેતવણીમાં એવી ધમકી ઉચ્ચારી હતી કે, વડા પ્રધાન મોદી જ્યારે આવતા મહિને અમેરિકાની સત્તાવાર મુલાકાતે આવશે ત્યારે એમણે પણ આવા જ સંજોગોનો સામનો કરવો પડશે. ‘નેક્સ્ટ મોદીનો વારો, 22 જૂને,’ એમ પન્નૂન ઓડિયો ક્લિપમાં બોલે છે.

વડા પ્રધાન મોદી 22 જૂને અમેરિકાની સત્તાવાર મુલાકાતે આવવાના છે. અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન અને એમના પત્ની જિલ બાઈડન એમના માનમાં વ્હાઈટ હાઉસ ખાતે સત્તાવાર ડિનર યોજવાના છે.