નો ટોબેકો ડે: અમારે ખોરાક જોઈએ, તમાકુ નહીં

અમદાવાદઃ એવું કહેવાય છે કે તમાકુના ખેતરને વાડ કે રખેવાળની જરૂર પડતી નથી, કારણ કે એને ગધેડાય ખાતા નથી, પણ માણસ જરૂર ખાય છે. વિશ્વના લોકો તમાકુનું વ્યસન જુદા-જુદા સ્વરૂપે કરે છે. ભારતમાં બીડી, સિગારેટ, ગુટકા, ચલમ અને છીંકણી જેવાં અનેક સ્વરૂપે માણસો તમાકુનું સેવન કરે છે. તમાકુની બનાવટો પર ભયાનક કેન્સરની ચેતવણીઓ છતાંય કરોડો લોકો વ્યસનોના બંધાણી છે.

તમાકુથી કેન્સર અને અન્ય બીમારીઓના દર્દીઓ સતત વધતા જાય છે. અસંખ્ય લોકો તમાકુને કારણે હ્રદય રોગ, દમ, ટીબી અને  ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. તમાકુને કારણે થતી બીમારીઓથી મૃત્યુ દર વધતો જાય છે. આજે ‘તમાકુ નિષેધ દિવસ’ છે. જનજાગૃતિ માટે વિશ્વમાં જાહેરાતો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના ટાગોર હોલમાં તમાકુ નિષેધ દિવસના ઉપક્રમે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વખતની ‘થીમ’  ‘WE NEED FOOD NOT TOBACCO ‘ પર રજૂઆત કરવામાં આવી હતી. માણસો ને ખોરાક જોઈએ…અનાજ જોઈએ, તમાકુ નહીં. વિશ્વભરમાં તમાકુની જગ્યાએ અનાજ ઉગાડવાની ઝુંબેશ ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તેમ જ સામાજિક સંસ્થાઓએ યોજેલા તમાકુ નિષેધ દિવસના આ કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, હેલ્થ કમિટીના ભરત પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)