Home Blog Page 2797

PMની ડિગ્રીનો વિવાદઃ કેજરીવાલે કોર્ટમાં દાખલ કરી નવી અરજી

અમદાવાદઃ  વડા પ્રધાન મોદીની ડિગ્રીવાળો વિવાદ હજી શાંત નથી થયો. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રૂ. 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હવે કેજરીવાલે આ મામલે એક વધુ અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે વેબસાઇટ પર વડા પ્રધાનની ડિગ્રી મોજૂદ નથી. આવામાં પાછલા આદેશ પર ફરી રિવ્યુ કરવામાં આવવો જોઈએ.

 શું છે પૂરો વિવાદ?

હાઇકોર્ટે એક તરફ PMOને મોદીની ડિગ્રીને જાહેર ના કરવા માટે આદેશ કર્યો હતો, જ્યારે બીજી બાજુ કેજરીવાલ પર રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. હવે આ મામલે કેજરીવાલે રિવ્યુ પિટિશન દાખલ કરી છે તેમની તરફથી કહેવામાં આવ્યું છે કે વેબસાઇટ પર કોઈ ડિગ્રી મોજૂદ નથી. માત્ર એક ઓફિસ રજિસ્ટરને નામે એક દસ્તાવેજ છે. એ દસ્તાવેજ પણ વગર હસ્તાક્ષરે છે. આવામાં એની ખરાઈ કરવી મુશ્કેલ છે. આ અંગે 30 જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે.

કેજરીવાલના વકીલ ઓમ કોટવાલે જણાવ્યું હતું કે આજે હાઇકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ રિવ્યૂ પિટિશન, જે 31 માર્ચ 2023ના રોજનો ગુજરાત યુનિવર્સિટીની ફેવરમાં ઓર્ડર હતો એના વિરુદ્ધમાં કરવામાં આવી છે. અમારે એવું કહેવાનું થાય છે કે એ ઓર્ડરમાં અમુક અવલોકન લીધાં છે એ ખોટાં છે. આ અવલોકન ક્ષતિપૂર્ણ છે, જે સુધારવાની જરૂર છે.

કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચે અનેક મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે, જેમાં સૌથી મોટો વિવાદ વટહુકમને લઈને છે, જે કેન્દ્ર સુપ્રીમના ચુકાદાની સામે બહાર પાડ્યો છે.

 

 

 

 

WTC ફાઈનલ: ભારત ફોલોઓનમાંથી બચ્યું; રહાણેનો વિક્રમ

લંડનઃ અહીંના ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે રમાતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં આજે ત્રીજા દિવસે ભારતીય ટીમ ફોલોઓન ટાળવામાં સફળ થઈ છે. ફોલોઓનથી બચવા માટે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પહેલા દાવના 469 રનના જવાબમાં 269 રન કરી લેવાની જરૂર હતી, જે તેણે લંચ બાદના સત્રમાં કરી લીધા હતા, પરંતુ લંચ બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો અને બાકીની ચાર વિકેટ પડી જતાં ટીમનો પહેલો દાવ 296 રનમાં પૂરો થયો હતો. ભારત ફોલોઓન ટાળી શક્યું તેનો મુખ્ય શ્રેય જાય છે અજિંક્ય રહાણેને, જેણે એક વિક્રમ સર્જીને ભારતને એક સંકટમાંથી બચાવી લીધું હતું.

અજિંક્ય રહાણે

WTC ફાઈનલમાં અડધી સદી ફટકારનાર રહાણે પહેલો ભારતીય બેટર બન્યો છે. ગઈ કાલે બીજા દિવસે રમત બંધ રહી હતી ત્યારે ભારતના પહેલા દાવમાં રહાણે 29 રન સાથે દાવમાં હતો. આજે તેણે પહેલા સત્રમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી (92 બોલમાં). લંચ વખતે એ ભારતના 260-6 સ્કોર વખતે 89 રન કરીને નોટઆઉટ હતો. લંચ બાદ એ ફરી રમવા આવ્યો હતો, પરંતુ વધુ એકેય રન કર્યા વગર એ આઉટ થઈ ગયો હતો. 271 રનના સ્કોર પર એ આઉટ થયો હતો. તેણે અને શાર્દુલ ઠાકુર (51) વચ્ચે સાતમી વિકેટ માટે 109 રનની ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ પહેલા દાવમાં 173 રન પાછળ રહી ગઈ છે. શાર્દુલ ઠાકુરે ઓવલ મેદાન પર તેના ત્રીજા દાવમાં ત્રીજી અડધી સદી ફટકારી છે.

શાર્દુલ ઠાકુર

ઓસ્ટ્રેલિયાના તમામ બોલરોએ સફળતા મેળવી હતી. કેપ્ટન પેટ કમિન્સે 83 રનમાં 3, અન્ય ત્રણ ફાસ્ટ બોલરો – મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, કેમરુન ગ્રીન તથા સ્પિનર નેથન લાયને બબ્બે વિકેટ લીધી હતી.

ટીકાકારોને આપ્યો જવાબ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની WTC ફાઈનલની ટીમમાં જ્યારે રહાણેને સામેલ કરવામાં આવ્યો હતો ત્યારે પસંદગીકારોની ટીકા થઈ હતી. 83 ટેસ્ટ મેચ રમી ચૂકેલા અનુભવી રહાણેએ 18 મહિના બાદ ટીમમાં કમબેક કર્યું છે. ટોચના ચાર બેટ્સમેન નિષ્ફળ ગયા બાદ રહાણે જવાબદારીપૂર્વકની બેટિંગ કરીને ટીમને ફોલોઓનમાંથી ઉગારી સંકટમોચક બન્યો.

કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ અને પ્રભારી? જાણો…

અમદાવાદઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે ગુજરાતના નવા પ્રભારી અને રાજ્ય એકમના પ્રમુખની નિયુક્તિ માટે વિચારવિમર્શ શરૂ કરી દીધો છે. અહીંથી ટોચના કેન્દ્રીય નેતૃત્વથી મળવા દિલ્હી પહોંચ્યા છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ વર્ષ 2022ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની સૌથી ખરાબ હાર પછી રાજીનામું આપ્યું હતું, જેમાં 182માં માત્ર 17 સીટો પર જીત મળી હતી. આ હાર પછી રાજ્ય એકમના અધ્યક્ષ જગદીશ ઠાકોરે પદ છોડવાની રજૂઆત કરી હતી.

પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના ટોચના કોંગ્રેસ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, એમાં અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, શૈલેશ પરમાર, સિદ્ધાર્થ પટેલ અને દીપક બાબરિયા સામેલ છે. નવા રાજ્યના ટોચના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વની વચ્ચે દિલ્હીમાં વિચારવિમર્શ જારી છે. રાજ્ય એકમના અધ્યક્ષ માટે ટોચના દાવેદારોમાં દીપક બાબરિયા અને પરેશ ધાનાણી છે. તેમણે કહ્યું હતું કે પાર્ટી પહેલાં રાજ્ય પ્રભારી નિયુક્ત કરશે અને પછી રાજ્ય એકમના અધ્યક્ષની નિમણૂક કરશે.

હવે જો કોંગ્રેસ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કરશે તો નવ મહિના પછી લોકસભાની ચૂંટણી અધ્યક્ષોની પહેલી પરીક્ષા થશે. રાજ્યમાં પાર્ટીની પાસે લોકસભાની એક પણ સીટ નથી. આવામાં પાર્ટી પાસે મોટો પડકાર એ છે કે એ લોકસભામાં કેવી રીતે ખાતું ખોલશે?  ભાજપે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ક્લીન સ્વિપ કર્યું હતું. નવા અધ્યક્ષ અને પ્રભારીની જાહેરાત પછી કોંગ્રેસ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરે એવી અપેક્ષા છે.

 

 

 

ટાઈગર શ્રોફના માતા આયેશા સાથે રૂ.58 લાખની ઠગાઈ થઈ; મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફના માતા અને પીઢ અભિનેતા જેકી શ્રોફના પત્ની આયેશા શ્રોફ સાથે રૂ. 58 લાખની રકમની ઠગાઈ કરવામાં આવી છે. મુંબઈના સાંતાક્રુઝ (વેસ્ટ) પોલીસ સ્ટેશને આ વિશે ફરિયાદ નોંધી છે.

અહેવાલ અનુસાર, પોલીસે આઈપીસીની કલમ – 420, 408, 465, 467 અને 468 અંતર્ગત એલન ફર્નાન્ડિસ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે.

આયેશાએ અગાઉ 2015માં અભિનેતા સાહિલ ખાન સામે ફરિયાદ નોંધાવી હતી. એમણે એવો આરોપ મૂક્યો હતો કે સાહિલ ખાને એમની સાથે છેતરપીંડી કરી હતી અને એમને ગુનાહિત ધમકી આપી હતી. તે મામલો સાહિલ ખાન દ્વારા રૂ. 4 કરોડનું એક પેમેન્ટ ન કરવાને લગતો હતો.

શું સચિન પાઇલટ 11 જૂને નવી પાર્ટી બનાવશે?

જયપુરઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતને સતત ઘેરનાર કોંગ્રેસ નેતા પાઇલટે હવે કોંગ્રેસને ટેન્શનમાં મૂકી દીધી છે. અટકળોની વચ્ચે પાઇલટ પિતા રાજેશ પાઇલટની પુણ્યતિથિ 11 જૂને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરે એવી શક્યતા છે. એને લઈને કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.

મુખ્ય પ્રધાન ગહેલોત અને કોંગ્રેસ નેતા પાઇલટની વચ્ચે અંતર વધતું જ જઈ રહ્યું છે. હાઇકમાન્ડના લાખ પ્રયાસો છતાં બંને વચ્ચે મનમેળ થાય એવી શક્યતા હાલ નહીંવત્ છે. એની વિપરીત અસર રાજસ્થાન કોંગ્રેસ પર પડી રહી છે. હવે અહેવાલો છે કે ભૂતપૂર્વ ડેપ્યુટી CM નવી રાજકીય પાર્ટી બનાવશે. આ સમાચારોથી કોંગ્રેસના ટોચના નેતૃત્વમાં હડકંપ મચી ગયો છે. જોકે કોંગ્રેસ મહાસચિવ અને સંગઠનના પ્રભારી કેસી વેણુગોપાલે સચિન પાઇલટની નવી પાર્ટીની ઘોષણાની અટકળો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મને નથી લાગતું કે તેઓ નવી પાર્ટી બનાવશે, આ બધી અફવા છે. મારી જાણકારીમાં રાજસ્થાનમાં આવું કંઈ નથી થવાનું. મારી પાઇલટ સાથે બે-ત્રણ વાર વાત થઈ હતી. ચિંતા નહીં કરો, અમે એકસાથે ચૂંટણી લડીશું. રાજસ્થાન કોંગ્રેસ એકસાથે રહેશે. આ અફવાઓ પર વિશ્વાસ ના કરો.

ત્રણ મહિનામાં ત્રણ ઘટનાક્રમ

છેલ્લા ત્રણ મહિનામાં થયેલા ઘટનાક્રમોને લઈને 11 જૂને પાઇલટના સંભવિત પગલાને લઈને ચર્ચા છે. 11 એપ્રિલે પાઇલટે ગહેલોત સરકારે સામે વસંધરા રાજેની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મામલાઓની તપાસ કરવાની માગ કરતાં એક દિવસનો ઉપવાસ રાખ્યો હતો. 11 મેએ પાઇલટે જનસંઘર્ષ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમણે અજમેરથી જયપુરની યાત્રા કરી હતી. હવે જેમ-જેમ 11 જૂન નજીક આવી રહી છે, ત્યારે પાઇલટના આગામી સંભવિત પગલા પર સૌની નજર છે.

 

 

 

 

અમરનાથ યાત્રાનું ફૂડ મેનૂઃ જલેબી, શીરો-પુરી, સમોસા પર પ્રતિબંધ છે

નવી દિલ્હીઃ આ વર્ષની અમરનાથ યાત્રા માટે નામ-નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 62-દિવસની ધાર્મિક યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટે સમાપ્ત થશે. બાબા અમરનાથની પવિત્ર ગુફા જમ્મુ અને કશ્મીરના પાટનગર શહેર શ્રીનગરથી 141 કિ.મી. દૂર ખીણવિસ્તારમાં આવેલી છે. સમુદ્રની સપાટીથી તે સ્થળ 12,756 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. કોતરો અને પહાડોથી ઘેરાયેલો આ ગુફા-વિસ્તાર વર્ષનો ઘણો ખરો ભાગ બરફથી છવાયેલો રહેતો હોય છે.

અમરનાથ યાત્રામાં સામેલ થનારાઓએ અનેક નિયમોનું પાલન કરવું પડે છે. ખાદ્ય પદાર્થોની યાદીમાંથી ઘણી ચીજોને હટાવી દેવામાં આવી છે જે યાત્રીઓના આરોગ્ય માટે હાનિકારક હોવાનું માલૂમ પડ્યું છે. આમાં જલેબી, શીરો-પુરી, છોલે-ભટૂરે જેવી ચીજોનો સમાવેશ થાય છે. ઠંડા પીણા ઉપર પણ પ્રતિબંધ છે. અમરનાથ યાત્રા ખૂબ કઠિન પ્રકારની હોવાથી યાત્રાનું સંચાલન કરનાર શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે અનેક ખાદ્યપદાર્થો-પીણાં ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

યાત્રાળુઓ માટે જે ખાદ્યપદાર્થો વેચવાની મંજૂરી અપાઈ છે તેની યાદી (ફૂડ મેનૂ) નક્કી કરવામાં આવ્યું છે અને યાત્રા વિસ્તારમાં સેવા બજાવી રહેલી લંગર સંસ્થાઓ, ફૂડ સ્ટોલ, દુકાનોના માલિકોને તે સુપરત કરવામાં આવ્યું છે. તેમણે આ ફૂડ મેનૂ પ્રમાણે જ ખાદ્યપદાર્થો વેચવાના રહે છે. આનો ઉદ્દેશ્ય તીર્થયાત્રીઓને પહાડી માર્ગે તેમજ ઊંચા ચઢાણવાળી 14-કિ.મી.ની કઠિન યાત્રા કરતી વખતે બિનઆરોગ્યપ્રદ ચીજો ખાતા-પીતાં રોકવાનો છે.

ગયા વર્ષની યાત્રા દરમિયાન 42 યાત્રીઓનું કુદરતી કારણોસર મૃત્યુ નિપજ્યું હતું. યાત્રાળુઓને સુરક્ષિત રાખવા માટે સરકાર અનેક પગલાં લેતી રહે છે. જેમ કે તેણે યાત્રાના રૂટ પર અનેક સ્થળે ઓક્સિજન બૂથ મૂક્યા છે અને કામચલાઉ હોસ્પિટલો બનાવી છે.

ધાર્મિક કારણોસર ભોજનના મેનૂમાં માંસાહારી ચીજો, આલ્કોહોલ, તમાકુ, ગુટકા, પાન મસાલાનો વપરાશ કરવા પર પ્રતિબંધ છે. ધૂમ્રપાન ઉપર પણ પ્રતિબંધ છે. એરેટેડ કોલ્ડ ડ્રિન્ક્સ વેચવા-વાપરવાની મનાઈ છે. જોકે હર્બલ ચા, કોફી, ઓછી ચરબીયુક્ત દૂધ, ફળોનાં રસ, લેમન સ્ક્વોશ, વેજિટેબલ સૂપ જેવી ચીજોને સફર દરમિયાન પીવાની મંજૂરી અપાઈ છે. ફ્રાઈડ રાઈસની પરવાનગી નથી, પરંતુ સાદા ભાત, શેકેલા ચણા, પૌવા, ઉતપ્પા, ઈડલી, દાળ-રોટલી, ચોકલેટની પરવાનગી છે. ખજૂર, ડ્રાઈફ્રૂટ, મધ, ખીર, બાફેલી મીઠાઈની પણ પરવાનગી છે. પરંતુ, છોલે-ભટૂરે, પુરી, પિઝા, બર્ગર, ઢોસા, ચાઉમીન ખાવાની પરવાનગી નથી.

તમામ હલવાઈ ફૂડ, જેમ કે, શીરો (હલવો), જલેબી, ગુલાબજાંબુ, લાડુ, બરફી, રસગુલ્લા, ચરબીયુક્ત નાશ્તાની ચીજો (જેવી કે કૂરકૂરે, નમકીન), સમોસા, પકોડા, ભજીયા ઉપર પણ પ્રતિબંધ છે.

ચીનમાં ડિફ્લેશનનું જોખમઃ મોંઘવારી દરમાં સૌથી મોટો ઘટાડો

બીજિંગઃ ચીનમાં મોંઘવારીનો દર નીચલા સ્તરે પહોંચ્યો છે. મે મહિનામાં પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ 4.6 ટકા ઘટીને આવ્યો છે, જેમાં છેલ્લાં સાત વર્ષોમાં સૌથી મોટો ઘટાડો છે. આ પહેલાં મે, 2016માં પ્રોડ્યુસર પ્રાઇસિસમાં 7.2 ટકાનો જોવા મળ્યો હતો. એપ્રિલમાં પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સમાં 3.6 ટકાનો ઘટાડો આવ્યો હતો. એપ્રિલમાં CPI 0.1 ટકા હતો.

મોંઘવારીમાં થયેલા ઘટાડાને લીધે ચીનનું અર્થતંત્ર ઉપર ઊભરવાના પ્રયાસ કરી રહ્યું છે. સરકારે કોરોનાના કેસોને વધતા અટકાવવા લોકડાઉનની આકરી પોલિસી અપનાવી હતી. જોકે સરકારે એ નીતિ ગયા વર્ષે બંધ કરી દીધી હતી.

ચીનમાં સ્થિતિ અમેરિકા, યુરોપથી વિપરીત

ચીનમાં મોંઘવારીનું સ્તર વિશ્વના અન્ય દેશોના ઇન્ફ્લેશન વલણથી તુલનાએ બિલકુલ ઊલટી છે. અમેરિકા, યુરોપ અને ઇન્ડિયા જેવાં વિશ્વના અર્થતંત્રો મોંઘવારી વધવાને કારણે પરેશાન છે અને એને નિયંત્રણમાં લાવવાના દરેક પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકી ફેડરલ બેન્કે છેલ્લા એક વર્ષમાં  મોંઘવારીને અટકાવવા સતત વ્યાજદરોમાં વધારો કર્યો છે.આ સપ્તાહે કેનેડા અને ઓસ્ટ્રેલિયાની મધ્યસ્થ બેન્કોએ પણ અપેક્ષાથી વિપરીત વ્યાજદરોમાં વધારો કર્યો છે.

ચીનમાં મેમાં મોંઘવારીના ડેટાથી માલૂમ પડે છે કે અર્થતંત્રમાં માગ ઘટી છે. જોકે ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેસ્ટિક્સે મોંઘવારીના ઘટાડામાં કોમોડિટીની વૈશ્વિક કિંમતોમાં નરમાઈ અને મબળી માગને કારણભૂત ગણી છે. આ સાથે માઇનિંગ અને રો મટિરયલની કિંમતોમાં પણ ઘટાડો થયો છે. પિનપોઇન્ટ એસેટ મેનેજમેન્ટના ઝાઈવેઈ ઝાંગે કહ્યું હતું કે ડિફ્લેશનનું જોખમ હવે અર્થતંત્ર પર ઝળૂંબી રહ્યું છે.

 

 

 

 

 

એક ‘આદિપુરુષ’ને તારવા કેટલા પુરુષ મેદાનમાં?

16 જૂને ‘આદિપુરુષ’ રિલીઝ થવાની છે. એ ‘આદિપુરુષ’, જેની ઝલકમાત્ર જોઈને સિનેમાપ્રેમીઓ ભડક્યા હતા. મોટી રામાયણ તો ફિલ્મની નબળી સ્પેશિયલ ઈફેક્ટ્સના લીધે થયેલી. હવે બેએક દિવસ પહેલાં તિરુપતિમાં ‘શ્રી વેન્કટેશ્વર યુનિવર્સિટીના સ્ટેડિયમ’માં “જય શ્રી રામ” અને “જય બજરંગ બલી”ના ઉદઘોષ વચ્ચે એનું ફાઈનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં નિઝામ સરકીટનો સુપરસ્ટાર પ્રભાસ બન્યો છે રાઘવ, ક્રીતિ સેનન બની છે જાનકી, મરાઠી સિરિયલ ‘જય મલ્હાર’માં ખંડોબા દેવની ભૂમિકા ભજવીને લોકચાહના મેળવનાર દેવદત્ત નાગે બન્યો છે બજરંગ બલી, સૈફ અલી ખાન લંકેશ્વર, તો ડિરેક્ટર લવ રંજનનો ફેવરીટ સનીસિંહ બન્યો છે ભ્રાતાશ્રી લક્ષ્મણ. અજય દેવગનની ‘તાન્હાજી’ના સર્જક ઓમ રાઉત છે ડિરેક્ટર.

કહે છે કે ‘આદિપુરુષ’ના નિર્માતા ભૂષણ કુમારે ટ્રેલર રિલીઝ કરવાનો પ્રસંગ યોજ્યો એમાં આશરે ત્રણ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. પચાસ લાખ રૂપિયાના તો ખાલી ફટાકડા ફોડવામાં આવ્યા. ફિલ્મના યુનિટમાંથી કોઈએ મને કહ્યું કે જાનકીજીની ભૂમિકા ભજવતી ક્રિતી સેનનને આ ફિલ્મ માટે જેટલા પૈસા ચૂકવવામાં આવ્યા એના કરતાં તો ટ્રેલર-લૉન્ચ ઈવેન્ટમાં વધુ ખર્ચો કરવામાં આવ્યો. સંગીતકાર જોડી અજય-અતુલના ધમાકેદાર ગીત-સંગીતના સથવારે ટ્રેલર લૉન્ચિંગ બાદ મેકર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ‘આદિપુરુષ’ના દરેક શોમાં એક સીટ ખાલી રાખવામાં આવશે, હનુમાનજી માટે.

આ જાહેરાત સાંભળીને મને એક પ્રસંગ યાદ આવી ગયોઃ થોડા સમય પહેલાં હું અયોધ્યા ગયેલો. રામ લલાનાં દર્શન બાદ હું ત્યાંના પ્રખ્યાત મંદિર હનુમાનગઢીમાં દર્શને ગયો. મંદિરના સભાખંડમાં કથા ચાલતી હતી. ત્યાં એક ગાદી ખાલી રાખવામાં આવેલી. મેં પૂછ્યું કે ‘અહીં કોણ બિરાજશે’? તો વ્યવસ્થાપકે કહ્યું “અહીં હનુમાન જતિ ખુદ બેસવા આવે છે.”

બહરહાલ હનામનજીની ખાલી સીટવાળી જાહેરાત બાદ ‘કાર્તિકેય 2’ અને ‘ધ કશ્મીર ફાઈલ્સ’ના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે ‘આદિપુરુષ’ની દસ હજાર ટિકિટો ખરીદીને લોકોને મફત વહેંચવાની જાહેરાત કરી. આ ઍનાઉન્સમેન્ટ બાદ રણબીર કપૂરે કહ્યું કે “મારી બી દસ હજાર ટિકિટ”. હા, રણબીર દસ હજાર ટિકિટ ગરીબ બાળકોને મફત વહેંચશે. પછી તો રામ ચરણ તેજા પણ જથ્થાબંધ ટિકિટખરીદીમાં જોડાયા અને અક્ષયકુમાર, અજય દેવગન જોડાય એવાં એંધાણ છે.

જો કે બોલિવૂડવાળા આ બધું જોઈને ખંધું હસતાં કહે છેઃ આ તો માર્કેટિંગની એક વ્યૂહનીતિ છે. છેલ્લા થોડા સમયથી પ્રચારની આ નવી રીતમાં સર્જકો સમાજના વિવિધ લોકોને ફિલ્મ સાથે જોડી રહ્યા છે. એક જાણીતા ટ્રેડપંડિતે મને કહ્યું કે “આદિપુરુષના નિર્માતા ભૂષણ કુમાર ખુદ જ આ લોકોના નામે ટિકિટો ખરીદીને વહેંચી રહ્યા છે અને ફિલ્મની તરફેણમાં એક હવા બનાવી રહ્યા છે. ‘પઠાણ’ની રિલીઝ વખતે પણ મેકર્સે આ રીતે જથ્થાબંધ ટિકિટો ખરીદીને જબરદસ્તીથી ફિલ્મ હિટ બનાવેલી.”

અંજનીસુત માટે એક સીટ ખાલી રાખીને એક શ્રદ્ધાળુ વર્ગને આકર્ષવામાં આવ્યો છે. મુંબઈના જાણીતા મલ્ટિપ્લેક્સના મૅનેજર ‘ચિત્રલેખા’ને કહે છેઃ “આદિપુરુષની ટિકિટનો ભાવ અઢીસો રૂપિયા હશે, પણ વાયુપુત્રની ખાલી સીટની આજુબાજુની સીટમાં બેસવું હોય તો પાંચસો રૂપિયા લાગશે. એટલે એ રીતે જોતાં પવનપુત્રની ખાલી સીટના પૈસા આ રીતે વસૂલી લેવામાં આવશે.”

દરમિયાન સમાચાર આવે છે કે ‘દંગલ’, ‘છિછોરે’ના સર્જક નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર રામનો પાઠ ભજવશે. સીતા માટે આલિયા ભટ્ટ સાથે વાત ચાલી રહી છે. તો રાવણનો પાઠ સર્જકો સાઉથના ઍક્ટર યશને આપવા માગે છે. એટલે એમ કહી શકાય કે ‘આદિપુરુષ’ને તારવા, ફિલ્મનો પ્રચાર કરવા બીજા કોઈની રામાયણના રામને શરણે ગયા છે.

હિંદી ઉપરાંત તમિળ-તેલુગુ-મલયાલમ-કન્નડમાં ‘આદિપુરુષ’ વાજતેગાજતે સિનેમાનગરીમાં આવશે ત્યારે ટિન્સેલપુરીના લોકો એને કેવોક આવકાર આપે છે તે તો 16 જૂને જ ખબર પડે.

2024ની લોકસભા ચૂંટણી પૂર્વે EVMનો તાગ મેળવતું ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યારે દેશના ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) અને પેપર ટ્રેલ મશીનોનો તબક્કાવાર તાગ મેળવવાનું શરૂ કર્યું છે.

(ફાઈલ તસવીર)

‘મિન્ટ’ના અહેવાલ અનુસાર, ચૂંટણી પંચ અધિકારીઓએ આ મશીનોનું પ્રથમ-સ્તરીય ચેકિંગ શરૂ કર્યું છે. આ પ્રક્રિયાના ભાગરૂપે નકલી ચૂંટણીનો તખ્તો તૈયાર કરાયો છે. આ કવાયત આખા દેશમાં ચાલુ કરાઈ છે. તે કેરળના વાયનાડ મતવિસ્તારમાં પણ કરાશે. આ મતવિસ્તાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભા ગૃહમાંથી ગેરલાયક જાહેર કરાયા બાદ ખાલી પડ્યો છે.

ત્રણ દાયકા પછી ભારતમાં મિસ વર્લ્ડ 2023નું આયોજન

નવી દિલ્હીઃ ભારત 27 વર્ષ પછી ફરી મિસ વર્લ્ડ-2023 ફિનાલેનું આયોજન કરવા માટે તૈયાર છે. દેશે છેલ્લી વાર 1996માં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ બ્યુટી સ્પર્ધા નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે થવાની અપેક્ષા છે. હજી એની સત્તાવાર તારીખોનું એલાન નથી કરવામાં આવ્યું. આ કાર્યક્રમના ચેરપર્સન અને CEO જુલિયા મોર્લેએ એક નિવેદનમાં કહ્યું હતું કે 130થી વધુ દેશોના સ્પર્ધક પોતાની પ્રતિભા, બુદ્ધિમત્તા અને કરુણાનું પ્રદર્શન કરવા માટે ભારતમાં એકત્ર થશે.

ભારતનું ઉત્તર પ્રદેશ આકર્ષણનું કેન્દ્ર બનશે. વારાણસી અને આગ્રામાં ઘણી જગ્યાએ રેમ્પનું આયોજન કરાશે. આ સ્પર્ધામાં 130 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ અંગેની જાહેરાત કરતા મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે નવેમ્બર-ડિસેમ્બર 2023માં યોજાનારી ગ્રાન્ડ ફિનાલેના એક મહિના પહેલાં સહભાગીઓને શોર્ટલિસ્ટ કરવા માટે ઘણા રાઉન્ડ યોજાશે.ભારત એ દેશ છે જેણે અત્યાર સુધી સૌથી વધુ 6 મિસ વર્લ્ડ તાજ પોતાના નામે કર્યા છે. આ સ્પર્ધા ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈને પ્રિયંકા ચોપરા સુધી અને યુક્તા મુખીએ વિશ્વ કક્ષાની સ્પર્ધાઓ જીતી છે. તેમણે જણાવ્યું હતું કે 71મી મિસ વર્લ્ડ ફાઇનલ્સના નવા ઘર તરીકે ભારતની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. મેં 30 વર્ષ પહેલાં ભારતની મુલાકાત લીધી હતી.

71મી મિસ વર્લ્ડ 2023 સ્પર્ધા માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી થઈ છે. આનાથી ભારતમાં 71મી મિસ વર્લ્ડ 2023થી કલ્ચરને પ્રોત્સાહન મળશે, જેની ગૂંજ વિશ્વભરમાં જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે  આ સ્પર્ધા 28 દિવસ સુધી વિવિધ સ્થળોએ યોજવામાં આવશે.