ત્રણ દાયકા પછી ભારતમાં મિસ વર્લ્ડ 2023નું આયોજન

નવી દિલ્હીઃ ભારત 27 વર્ષ પછી ફરી મિસ વર્લ્ડ-2023 ફિનાલેનું આયોજન કરવા માટે તૈયાર છે. દેશે છેલ્લી વાર 1996માં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ બ્યુટી સ્પર્ધા નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે થવાની અપેક્ષા છે. હજી એની સત્તાવાર તારીખોનું એલાન નથી કરવામાં આવ્યું. આ કાર્યક્રમના ચેરપર્સન અને CEO જુલિયા મોર્લેએ એક નિવેદનમાં કહ્યું હતું કે 130થી વધુ દેશોના સ્પર્ધક પોતાની પ્રતિભા, બુદ્ધિમત્તા અને કરુણાનું પ્રદર્શન કરવા માટે ભારતમાં એકત્ર થશે.

ભારતનું ઉત્તર પ્રદેશ આકર્ષણનું કેન્દ્ર બનશે. વારાણસી અને આગ્રામાં ઘણી જગ્યાએ રેમ્પનું આયોજન કરાશે. આ સ્પર્ધામાં 130 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ અંગેની જાહેરાત કરતા મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે નવેમ્બર-ડિસેમ્બર 2023માં યોજાનારી ગ્રાન્ડ ફિનાલેના એક મહિના પહેલાં સહભાગીઓને શોર્ટલિસ્ટ કરવા માટે ઘણા રાઉન્ડ યોજાશે.ભારત એ દેશ છે જેણે અત્યાર સુધી સૌથી વધુ 6 મિસ વર્લ્ડ તાજ પોતાના નામે કર્યા છે. આ સ્પર્ધા ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈને પ્રિયંકા ચોપરા સુધી અને યુક્તા મુખીએ વિશ્વ કક્ષાની સ્પર્ધાઓ જીતી છે. તેમણે જણાવ્યું હતું કે 71મી મિસ વર્લ્ડ ફાઇનલ્સના નવા ઘર તરીકે ભારતની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. મેં 30 વર્ષ પહેલાં ભારતની મુલાકાત લીધી હતી.

71મી મિસ વર્લ્ડ 2023 સ્પર્ધા માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી થઈ છે. આનાથી ભારતમાં 71મી મિસ વર્લ્ડ 2023થી કલ્ચરને પ્રોત્સાહન મળશે, જેની ગૂંજ વિશ્વભરમાં જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે  આ સ્પર્ધા 28 દિવસ સુધી વિવિધ સ્થળોએ યોજવામાં આવશે.