PMની ડિગ્રીનો વિવાદઃ કેજરીવાલે કોર્ટમાં દાખલ કરી નવી અરજી

અમદાવાદઃ  વડા પ્રધાન મોદીની ડિગ્રીવાળો વિવાદ હજી શાંત નથી થયો. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રૂ. 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હવે કેજરીવાલે આ મામલે એક વધુ અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે વેબસાઇટ પર વડા પ્રધાનની ડિગ્રી મોજૂદ નથી. આવામાં પાછલા આદેશ પર ફરી રિવ્યુ કરવામાં આવવો જોઈએ.

 શું છે પૂરો વિવાદ?

હાઇકોર્ટે એક તરફ PMOને મોદીની ડિગ્રીને જાહેર ના કરવા માટે આદેશ કર્યો હતો, જ્યારે બીજી બાજુ કેજરીવાલ પર રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. હવે આ મામલે કેજરીવાલે રિવ્યુ પિટિશન દાખલ કરી છે તેમની તરફથી કહેવામાં આવ્યું છે કે વેબસાઇટ પર કોઈ ડિગ્રી મોજૂદ નથી. માત્ર એક ઓફિસ રજિસ્ટરને નામે એક દસ્તાવેજ છે. એ દસ્તાવેજ પણ વગર હસ્તાક્ષરે છે. આવામાં એની ખરાઈ કરવી મુશ્કેલ છે. આ અંગે 30 જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે.

કેજરીવાલના વકીલ ઓમ કોટવાલે જણાવ્યું હતું કે આજે હાઇકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ રિવ્યૂ પિટિશન, જે 31 માર્ચ 2023ના રોજનો ગુજરાત યુનિવર્સિટીની ફેવરમાં ઓર્ડર હતો એના વિરુદ્ધમાં કરવામાં આવી છે. અમારે એવું કહેવાનું થાય છે કે એ ઓર્ડરમાં અમુક અવલોકન લીધાં છે એ ખોટાં છે. આ અવલોકન ક્ષતિપૂર્ણ છે, જે સુધારવાની જરૂર છે.

કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચે અનેક મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે, જેમાં સૌથી મોટો વિવાદ વટહુકમને લઈને છે, જે કેન્દ્ર સુપ્રીમના ચુકાદાની સામે બહાર પાડ્યો છે.