Home Blog Page 2769

146મી રથયાત્રાઃ નગરચર્યાએ નીકળ્યા જગતના નાથ

અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી અષાઢી બીજની રથયાત્રા સવારે પરંપરાગત માર્ગ પર શરૂ થઈ હતી. શહેરના જમાલપુર, ખમાસા, દાણાપીઠ અને મહાનગરપાલિકાની કચેરીથી આગળ વધી રહેલી રથયાત્રા મોસાળ સરસપુર જઈ ભોજન અને વિરામ લે છે.

ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજી નવા રથમાં બિરાજમાન હતા. રથયાત્રાના રૂટ પરના તમામ માર્ગો પર ભાવિક ભક્તો ભગવાનનાં દર્શનની એક ઝલક મેળવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વખતે પણ જુદા-જુદા થીમ સાથે શણગારેલી ટ્રકો એ રથયાત્રામાં ભાગ લીધો હતો. લાકડી દાવ, બોડી બિલ્ડિંગ અને જોખમી કરતબ કરતાં અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ભગવાનની રથયાત્રા હોય એટલે ઉત્સાહી અને ભાવિક ભક્તોની  ભજન મંડળીઓ તો હોય જ, મોટી સંખ્યામાં જગન્નાથજીની નાની પ્રતિકૃતિ, રંગબેરંગી પહેરવેશ, શરીર પર ચિત્રો,  ટેટુ લખાણ સાથે ભજન મંડળીઓએ વાતાવરણને ભક્તિમય કરી દીધું હતું. જે વિસ્તારમાંથી જગન્નાથજીની રથયાત્રા પસાર થઈ ત્યાં સ્થાનિક આગેવાનો, સામાજિક સંગઠનો અને ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

પંચાયત-ચૂંટણીમાં હિંસા મામલે WB સરકાર સામે સુપ્રીમની લાલ આંખ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં થઈ રહેલી હિંસા સામે લાલ આંખ કરી છે. કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી કરાવવી એ હિંસા કરવાનું લાઇસન્સ નથી. કોર્ટે ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તહેનાતી મામલે પણ મમતા સરકારને ફટકાર લગાવી હતી.

કોર્ટે પંચાયત ચૂંટણી મામલે મમતા સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી લોકતંત્રની ઓળખ છે. પંચાયત ચૂંટણીમાં હિંસા મામલે સરકાર અને રાજ્ય ચૂંટણી પંચની અરજી મામલે જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોલકાતા હાઇકોર્ટે 48 કલાકમાં દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોની તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું હતું કે 13 જૂને રાજ્ય ચૂંટણી પંચ સુરક્ષાને લઈને રાજ્ય સરકારની સાથે સમીક્ષા કરી રહ્યું હતું, પરંતુ 15 જૂને હાઇકોર્ટે 48 કલાકમાં અર્ધસૈનિક દળોને તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો.  

જસ્ટિસ નાગરત્નાએ પૂછ્યું હતું કે હજી ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ શી છે? સિદ્ધાર્થ અર્ગવાલે કહ્યું હતું કે આઠ જુલાઈએ ચૂંટણી થવાની છે. આજે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. રાજ્યભરમાં 189 મતદાન કેન્દ્રો સંવેદનશીલ છે. બંગાળ સરકારે કહ્યું હતું કે અમે સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સજજ્ છીએ.

જસ્ટિસ નાગરત્નાએ પૂછ્યું હતું કે હાઇકોર્ટે એ આદેશ એટલા માટે આપ્યો હતો કે રાજ્યમાં 2013 અને 2018માં થયેલી ચૂંટણીમાં હિંસાનો જૂનો ઇતિહાસ રહ્યો છે. હિંસાના માહોલમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ના કરાવી શકાય.ચૂંટણી તો નિર્ભય, નિષ્પક્ષ અને સ્વતંત્ર થવી જોઈએ.

 

 

 

દેશમાં ફૂટવેર માટે પહેલી જુલાઈથી કડક કાયદાઓ લાગુ થશે

નવી દિલ્હીઃ દેશના ફૂટવેર ઉદ્યોગ માટે પહેલી જુલાઈથી આકરા કાયદા લાગુ થવાના છે. એ સાથે હવે દેશમાં હલકી ગુણવત્તાઓનાં જૂતાં-ચંપલોનો દોર પૂરો થઈ જશે. અત્યાર સુધી સોના-ચાંદીના વિવિધ ઉત્પાદનો માટે લાગુ થનારા BIS માપદંડો ફૂટવેર પર પણ લાગુ થશે. ફૂટવેર ઉત્પાદનોના મોટા અને મધ્યમ સ્તરના ઉત્પાદકો અને બધી આયાતોને એક જુલાઈથી 24 ઉત્પાદનો માટે ફરજિયાત ગુણવત્તાના માપદંડોનું પાલન કરવાનું રહેશે. ચીન દેશોથી ખરાબ ગુણવત્તાવાળાં ઉત્પાદનોની આયાતને અટકાવવા માટે આ માપદંડો લાગુ કરવામાં આવી રહ્યા છે.

દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કરતા BISના ડિરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ ફૂટવેર અને અન્ય ઉત્પાદનો માટે સરકાર દ્વારા હાલમાં જારી કરવામાં આવેલા ક્વોલિટી કન્ટ્રોલના આદેશોના મહત્ત્વ અંગે પ્રકાશ ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુણવત્તા નિયંત્રણ આદેશો હેઠળ ફૂટવેરનાં ઉત્પાદનોનું ઉત્પાદન, આયાત અને વેચાણ માટે BIS લાઇસન્સ ફરજિયાત હશે.

તેમણે કહ્યું હતું કે આ માપદંડ ગુણવત્તા અને પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે વેપાર અને ઉદ્યોગોની સંસ્થા, કન્ઝ્યુમર સંગઠનો અને પ્રતિનિધિઓ સાથે વિચારવિમર્શ કર્યા પછી નક્કી કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે લઘુ અને નાના ઉદ્યોગો માટે નિયમો આ નિયમો આવતા વર્ષની પહેલી જાન્યુઆરીથી લાગુ થશે.

સરકારે હાલમાં પ્રમાણિત સ્ટાર્ટઅપર્સ અને માઇક્રો ઇન્ડસ્ટ્રિયલ યુનિટો માટે ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ હેઠળ ફૂટવેર ઉત્પાદનોના પરીક્ષણ ચાર્જમાં 80 ટકાનો કાપ મૂક્યો છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

કોરાનાના 36 નવા કેસો, એકનું મોત   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,579 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,897 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,59,838 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 101 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1844એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 63,515 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.19 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,34,611 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 387 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

અમદાવાદમાં 146મી રથયાત્રાઃ CM પટેલે કરી પહિંદવિધિ

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો આજે સવારથી અહીં આરંભ થયો છે. ભગવાન નગરચર્યા પર નીકળ્યાં છે. પરંપરા અનુસાર, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે ભગવાનના રથની પહિંદવિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે આ પહેલી વાર પહિંદવિધિ કરી હતી. એમણે સોનાની સાવરણીથી ભગવાનના રથની પ્રતિકાત્મક સફાઈ કરી હતી.

રથયાત્રા પ્રસંગે એમણે લોકો માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન જગન્નાથ સહુને સારું સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ પ્રદાન કરે.

(તસવીર સૌજન્યઃ @CMOGuj)

નૌસૈનિકોએ યુદ્ધજહાજો પર, મુંબઈના પ્રતીકાત્મક સ્થળોએ કર્યો યોગાભ્યાસ

આ વર્ષના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ પૂર્વે 19 જૂન, સોમવારે ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો – આઈએનએસ વિક્રમાદિત્ય, આઈએનએસ કોલકાતા અને આઈએનએસ દીપકના તૂતક પર નૌસૈનિકોએ યોગ અને મેડિટેશન સત્રોમાં ભાગ લીધો હતો. મુંબઈના સમુદ્રકાંઠા નજીક લાંગરેલા યુદ્ધજહાજો પર પણ નૌસૈનિકો યોગ કરતા જોવા મળ્યા હતા.

‘આઈએનએસ મુંબઈ’ જહાજના જવાનોએ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા, તાજ પેલેસ હોટેલ, હુતાત્મા ચોક, સીએસટી રેલવે સ્ટેશન સામે, મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલય સામે, એશિયાટિક સોસાયટી લાઈબ્રેરીના પગથિયા સહિત અનેક પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ કર્યા હતા.

(તસવીર સૌજન્યઃ @DefenceMinIndia)

મુંબઈમાં ત્રણ દિવસમાં ચોમાસું સક્રિય થશે

મુંબઈઃ દરિયાઈ વાવાઝોડા ‘બિપરજોય’ને કારણે મહારાષ્ટ્રમાં વર્ષાઋતુની પધરામણી વિલંબમાં પડી છે. પરંતુ હવે અરબી સમુદ્ર પરના આકાશમાં ચોમાસા માટેની અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે અને એને કારણે આવતા 72 કલાકમાં જ ચોમાસું ફરી સક્રિય થશે અને મુંબઈ તથા પુણે શહેરમાં પ્રવેશ કરશે એવું અનુમાન ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

અરબી સમુદ્રમાં હવાના ઓછા દબાણનો પટ્ટો સર્જાયો છે એને કારણે ચોમાસું આગળ વધશે અને મુંબઈ સહિત, પડોશના જિલ્લાઓ, પુણે ઉપરાંત અન્ય વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. એલ-નિનો પરિબળની માઠી અસરને કારણે દેશમાં દુકાળની સ્થિતિ સર્જાઈ છે. એમાં વળી, બિપરજોય વાવાઝોડાએ નૈઋત્યના ચોમાસાની પ્રગતિને રોકી દેતાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. વાવાઝોડાએ રાજસ્થાનમાં ભારે વરસાદ ઝીંકીને પૂર લાવ્યા બાદ હવે તેનું જોર નરમ પડી ગયું છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૦ જૂન, ૨૦૨૩

૨૦ જૂન, ૨૦૨૩

પંચાંગ 20/06/2023