Home Blog Page 274

બલૂચિસ્તાનમાં બળવાખોર બલૂચોનો એકસાથે 12 શહેરોમાં હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરોએ ભારે વિનાશ વેર્યો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ બલૂચિસ્તાન પ્રાંતનાં અનેક શહેરોમાં એકસાથે હુમલા કરી અનેક પોલીસ સ્ટેશનો અને સરકારી ઇમારતો પર કબજો મેળવી લીધો છે. શનિવારે બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરો- ખાસ કરીને બલૂચ લિબરેશન આર્મીના જયંદ ગ્રુપે “ઓપરેશન હેરોફ”ના ફેઝ-2 હેઠળ મોટા પાયે હુમલા કર્યા હતા.

બળવાખોર બલૂચોએ અનેક પોલીસ સ્ટેશનો પર કબજો કરી લીધો છે. અચાનક થયેલા આ હુમલાઓથી પાકિસ્તાની સેનાને બેકફૂટ પર જવું પડ્યું છે અને તેમને પોતાની પોસ્ટો છોડીને ભાગવું પડી રહ્યું છે.

આ હુમલાઓમાં અત્યાર સુધી 10 સુરક્ષા કર્મચારીઓનાં મોત થયાં છે, જ્યારે પાકિસ્તાન સરકારનો દાવો છે કે 58 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ હુમલાઓ પાકિસ્તાની સુરક્ષા દળો, સરકારી સુવિધાઓ અને અન્ય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. એકસાથે 12થી વધુ સ્થળોએ હુમલાની માહિતી મળી હોવાથી આ હુમલાઓને અત્યંત મોટા માનવામાં આવી રહ્યા છે. બળવાખોરોએ ક્વેટામાં સવારે લગભગ છ વાગ્યે જોરદાર વિસ્ફોટ સાથે હુમલો શરૂ કર્યો હતો. ત્યાર બાદ બે કલાક સુધી ભારે ગોળીબાર અને અનેક વિસ્ફોટો થયા હતા.

અનેક શહેરો પર કબજો

ક્વેટા ઉપરાંત બલૂચ બળવાખોરોને પસની, મસ્તુંગ, નુશ્કી અને ગ્વાદર જિલ્લાઓમાં પણ એકસાથે હુમલા કર્યા છે. બાગી બંદૂકો વડે હુમલા કરી રહ્યા છે અને અનેક સ્થળોએ આત્મઘાતી હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે. બલૂચિસ્તાનનાં અનેક શહેરોમાં સશસ્ત્ર લોકોએ કબજો મેળવી લીધો છે. મસ્તુંગમાં બળવાખોરોએ પોલીસ સ્ટેશન અને શહેર પર કબજો કરી લીધો છે અને 30થી વધુ કેદીઓ ફરાર થયા છે.

ક્વેટામાં પણ સશસ્ત્ર લોકોએ અનેક વિસ્તારો પર કબજો કર્યો હોવાની માહિતી છે. ગ્વાદરમાં હુમલાની ખબર છે અને કલાતમાં પણ અથડામણો ચાલુ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે બળવાખોરોએ શહેરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ અને અન્ય કાયદો અમલમાં મૂકનારી એજન્સીઓએ તેમને અટકાવ્યા હતા. આ હુમલાઓ બાદ ક્વેટા, સિબી અને ચમનમાં મોબાઇલ ફોન સેવા તો ચાલુ હતી, પરંતુ ડેટા સેવા બંધ કરી દેવામાં આવી હતી.

PSI-LRD કેડરની 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા શરૂ

ગુજરાતમાં પોલીસ દળની શક્તિ વધારવા માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં હવે મહત્વનો તબક્કો શરૂ થયો છે. PSI અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતી અંતર્ગત લેખિત પરીક્ષા બાદ હવે શારીરિક કસોટીનો ચરણ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ભરતી બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ, લેખિત પરીક્ષામાં રેકોર્ડ સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો. લાખોની સંખ્યામાં થયેલી સ્પર્ધા બાદ આશરે પચાસ હજારથી વધુ ઉમેદવારોને આગામી તબક્કા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ભરતી રાજ્યની સૌથી મોટી ભરતી પ્રક્રિયાઓમાંની એક માનવામાં આવી રહી છે.

હવે પસંદ થયેલા ઉમેદવારો માટે રાજ્યના વિવિધ શહેરો તેમજ SRP કેન્દ્રોમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે. શારીરિક કસોટીમાં કોઈપણ પ્રકારની ભૂલ કે ભ્રષ્ટાચાર ન થાય તે માટે અદ્યતન ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. RFID ચિપ દ્વારા દોડ અને સમય માપણી કરવામાં આવી રહી છે, જેથી દરેક ઉમેદવારને સમાન અને ન્યાયસંગત તક મળી શકે.

આ ઉપરાંત ભરતી સ્થળોએ બાયોમેટ્રિક ચકાસણી, CCTV નજરદારી અને ડિજિટલ સાધનો દ્વારા ઊંચાઈ સહિતની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે કરવામાં આવી રહી છે. જો કોઈ ઉમેદવારને માપણી અથવા પ્રક્રિયા અંગે શંકા હોય તો તરત જ સ્થળ પર અપીલ કરવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, જેથી ઉમેદવારોનો વિશ્વાસ જળવાઈ રહે.

રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આ ભરતીને સંપૂર્ણ રીતે પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને ઉમેદવારમૈત્રી બનાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ થતાં ગુજરાત પોલીસને મોટી સંખ્યામાં નવા જવાન મળશે.

એલેના રિબાકીનાએ પહેલી વાર ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યું

કઝાકિસ્તાનની એલેના રિબાકીનાએ 2026 ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. પાંચમી ક્રમાંકિત રાયબાકીનાએ શનિવારે (31 જાન્યુઆરી) મેલબોર્નના રોડ લેવર એરેના ખાતે રમાયેલી ફાઇનલમાં વિશ્વની નંબર 1 ખેલાડી આર્યના સબાલેન્કાને 6-4, 4-6, 6-4થી હરાવી. રાયબાકીનાએ ટાઇટલ જીતવા માટે બે કલાક અને 18 મિનિટનો સમય લીધો.

એલેના રાયબાકીનાએ ટાઇટલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, પહેલો સેટ જીતી લીધો. ત્યારબાદ સબાલેન્કાએ વાપસી કરી અને બીજો સેટ જીતીને સ્કોર 1-1થી બરાબર કર્યો. અંતિમ સેટમાં એક સમયે, સબાલેન્કાએ 3-0થી આગળ રહી, પરંતુ તેનો મોમેન્ટમ ધીમો પડી ગયો, અને રાયબાકીનાએ સેટ અને મેચ જીતી લીધી.

એલેના રાયબાકીના પહેલી વાર ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની છે. અગાઉ, રાયબાકીના 2023 માં અહીં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેણીને સબાલેન્કાએ હરાવી હતી. નોંધનીય છે કે રાયબાકીનાએ 2022 માં તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું, જ્યારે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ ચેમ્પિયન બની હતી. હવે, રાયબાકીનાએ બીજી વખત ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે.

દરમિયાન, આર્યના સબાલેન્કાને ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાની તક મળી હતી, પરંતુ તે આ વખતે નિષ્ફળ ગઈ. તેણીએ 2023 અને 2024 માં અહીં ટાઇટલ જીત્યું હતું. કુલ મળીને, સબાલેન્કાએ ચાર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે, જેમાં બે યુએસ ઓપન ટાઇટલ (2024 અને 2025)નો સમાવેશ થાય છે.

27 વર્ષીય આર્યના સબાલેન્કાએ સેમિફાઇનલમાં યુક્રેનની એલિના સ્વિટોલીનાને 6-2, 6-3 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન, 26 વર્ષીય એલેના રાયબાકીનાએ સેમિફાઇનલમાં યુએસએની જેસિકા પેગુલાને 6-3, 7-6 (7) થી હરાવી હતી.

બજેટઃ ટેક્સમાં રાહત, ડિફેન્સ અને હેલ્થકેરમાં મધ્યમ વર્ગને મોટી અપેક્ષાઓ

નવી દિલ્હીઃ બજેટ 2026-27 વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું એક મહત્વપૂર્ણ બજેટ માનવામાં આવે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન આવતી કાલે સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. ગયા વર્ષનું બજેટ લોકપ્રિય ગણાયું હતું, જેમાં મિડલ ક્લાસને મોટી રાહત આપવામાં આવી હતી. આ બજેટમાં ઇન્કમ ટેક્સમાં છૂટ, સેલેરીડ વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન, ખેડૂત ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો, સસ્તી દવાઓ અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાં સુધારા જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ વર્ષે સરકારનું મુખ્ય ધ્યાન અર્થતંત્રના મજબૂતીકરણ પર કેન્દ્રિત છે.

ભારતીય શેરબજારમાં પણ કાલે સામાન્ય દિવસોની જેમ જ ટ્રેડિંગ થશે. બજેટને કારણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) રવિવારે ખુલ્લા રહેશે. ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટેકહોલ્ડર્સ સરકાર સમક્ષ પોતાની અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા બજેટમાં આ પ્રાથમિકતાઓને સ્થાન મળશે.

શું સોનું-ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થશે?

બજેટ 2026માં શું સરકાર સોનું અને ચાંદી પર લાગુ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરશે? અને જો આવું થાય તો શું ઘરેલુ બજારમાં તેની કિંમતો ખરેખર ઘટશે? છેલ્લાં કેટલાંક વર્ષોના બજેટ નિર્ણયોને જોતાં સ્પષ્ટ થાય છે કે કસ્ટમ ડ્યુટીમાં ફેરફારની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર પડે છે, પરંતુ આ અસર હંમેશા લાંબો સમય સુધી ટકશે જ એવું જરૂરી નથી.

રામાસિવિલ ઈન્ડિયાના ડિરેક્ટર પરવીન ગુપ્તા કહે છે, યૂનિયન બજેટ 2026ના સંદર્ભમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને EPC સેક્ટર દેશની દીર્ઘકાલીન આર્થિક વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતાનો મજબૂત આધાર બની રહ્યા છે. શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક કોરિડોર અને લોજિસ્ટિક્સમાં મૂડી ખર્ચ પર સતત ફોકસ જાળવવું જરૂરી છે, જેથી કન્સ્ટ્રક્શન વેલ્યૂ ચેનમાં ગતિ બની રહે.

અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની સતત ચોથા વર્ષે વડોદરામાં પ્રસ્તુતિ

વડોદરા: શહેરના કલારસિકો ફરી એકવાર કલાત્મક સર્જનની ભવ્યતામાં ડૂબકી લગાવશે. ટોરેન્ટ ગ્રુપ-સમર્થિત UNM ફાઉન્ડેશન દ્વારા અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટનું સતત ચોથા વર્ષે વડોદરામાં આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે વડોદરા શહેર ખાતેના અભિવ્યક્તિના સંસ્કરણમાં અમદાવાદ અને વડોદરાના કલાકારો દ્વારા નાટ્ય, નૃત્ય અને સંગીતના કેટલાક ખૂબ પ્રશંસા પામેલા સર્જનો રજૂ કરવામાં આવશે. આ આવૃત્તિમાં વડોદરામાં પ્રથમ વખત, કલા રસિકોને વિઝ્યુઅલ આર્ટ્સ પ્રદર્શનમાં ઇન્ટરેક્ટિવ અને મલ્ટીમીડિયા કલા કૃતિઓ નિહાળવાની તક મળશે.

અલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ ખાતે આયોજન

આ પ્રસ્તુતિઓ તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ અલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ, વડોદરા ખાતે યોજાશે. વિઝ્યુઅલ આર્ટ્સ પ્રદર્શન સાંજે 6:00 વાગ્યાથી શરૂ થશે, ત્યારબાદ સાંજે 7:30 વાગ્યે અને 8:30 વાગ્યે એમ બે પ્રસ્તુતિઓ રજૂ થશે.

પ્રથમ દિવસે, એટલે કે 31 જાન્યુઆરી ના રોજ, બે પ્રસ્તુતિઓ યોજાશે જેમાં વડોદરાના શિરાઝેદિન ઘીયા કલેક્ટિવ દ્વારા “ફકીરનામા: ટેલ્સ ઓફ અ મોડર્ન ફકીર” નામની સંગીત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ અમદાવાદની શ્રુત ચાંગાવવાલા દ્વારા પોતાની નૃત્ય પ્રસ્તુતિ “ધ બ્લુ અવર” રજૂ કરવામાં આવશે.બીજા દિવસે, એટલે કે 1 ફેબ્રુઆરી ના રોજ, અમદાવાદના ગૌરાંગ રાવલ દ્વારા નાટ્ય પ્રસ્તુતિ “એ.કે.” રજૂ થશે, ત્યાર બાદ વડોદરાના સમીરખાનની કલેક્ટિવ દ્વારા સંગીત પ્રસ્તુતિ “ઇક ખ્વાબ સી” રજૂ કરવામાં આવશે.

આ તમામ પ્રસ્તુતિઓ અમદાવાદ ખાતે નવેમ્બર- 2025માં યોજાયેલા “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ”ની સાતમી આવૃત્તિમાં “સ્ટોરીઝ વેટિંગ ટુ બી ટોલ્ડ” થીમ હેઠળ રજૂ કરાયેલ પર્ફોર્મન્સમાંથી પસંદ કરવામાં આવ્યા છે. આ તમામ પ્રસ્તુતિઓનું ક્યુરેશન પ્રખ્યાત ક્યુરેટર્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગોપાલ અગ્રવાલ (નૃત્ય), તપસ રૈલિયા (સંગીત), ગુરલીન બજ (નાટ્ય) અને જયુ ઠક્કર (વિઝ્યુઅલ આર્ટ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કલાકારોને અમૂલ્ય માર્ગદર્શન પૂરૂ પાડનાર અનુભવી માર્ગદર્શકોમાં કૃતિ મહેશ (નૃત્ય), રાજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોશી (નાટ્ય) અને અંજન દલાલ (વિઝ્યુઅલ આર્ટ) નો સમાવેશ થાય છે.

વર્ષ 2018માં અભિવ્યક્તિનો પ્રારંભ થયો હતો, ત્યારથી અત્યાર સુધી અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ 2,500થી વધુ કલાકારો દ્વારા 550થી વધુ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી છે, જેને કુલ 1 મિલિયનથી વધુ કલા રસિકોએ માણી છે. આ અનોખો કલા મહોત્સવ અમદાવાદથી આગળ વધીને વડોદરા, રાજકોટ, સુરત અને ભુજ જેવા ગુજરાતના અન્ય શહેરોમાં પણ પોતાની હાજરી નોંધાવે છે.

રાજ્યના આરોગ્ય વિભાગમાં મોટા ફેરફાર

ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ નિયંત્રણ તંત્રને વધુ અસરકારક બનાવવા માટે અધિકારીઓની બઢતી તથા બદલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ફેરફારો હેઠળ કુલ 83 અધિકારીઓને નવી જવાબદારીઓ સાથે નવી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

સરકારી સૂત્રો અનુસાર, આ ફેરબદલનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવાનો અને દવાઓ તથા ખાદ્ય પદાર્થોની નિયમન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો છે. વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના અધિકારીઓને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ અને કચેરીઓમાં મોકલવામાં આવ્યા છે.

ખાસ કરીને મદદનીશ કમિશનર કક્ષાના અધિકારીઓને બઢતી આપીને વધુ જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ડ્રગ ઇન્સપેક્ટર અને ઔષધ નિરીક્ષકોને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફીલ્ડ લેવલ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ બદલીઓથી દવા ગુણવત્તા, લાયસન્સિંગ અને તપાસ પ્રક્રિયામાં વધુ કડક દેખરેખ રાખવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વહીવટી ફેરફારને આરોગ્ય વિભાગમાં લાંબા સમયથી ચાલી રહેલી પુનર્રચના પ્રક્રિયાનું એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી વધુ સક્રિય અને પરિણામકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

બિન હથિયારી PSI ભરતીને લઈને મોટા સમાચાર

ગાંધીનગરથી બિન હથિયારધારી PSI ભરતીને લઈને ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. રાજ્યમાં પોલીસ વિભાગ માટે ચાલી રહેલી આ ભરતી પ્રક્રિયામાં હવે લેખિત પરીક્ષા બાદ દસ્તાવેજ ચકાસણીનો તબક્કો શરૂ થવાનો છે. કુલ 472 જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતીમાં મેરિટના આધારે એક હજારથી વધુ ઉમેદવારોને આગામી ચરણ માટે પસંદ કરવામાં આવ્યા છે.

ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, પસંદ થયેલા ઉમેદવારોને નિર્ધારિત તારીખો દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર રહેવાનું રહેશે. આ પ્રક્રિયા રાજ્ય સ્તરે આયોજનબદ્ધ રીતે યોજાશે, જેમાં ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, ઓળખપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ ચકાસણી માટેના કોલ લેટર સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાશે, જેથી તેઓ સમયસર ડાઉનલોડ કરીને તૈયારી પૂર્ણ કરી શકે. ભરતી પ્રક્રિયા હવે અંતિમ પસંદગી તરફ આગળ વધી રહી હોવાથી ઉમેદવારોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ બંને જોવા મળી રહ્યા છે.

અધિકારીઓ તરફથી ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સમય અને સ્થળે તમામ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહે, જેથી પ્રક્રિયા સરળ અને વિઘ્ન વિના પૂર્ણ કરી શકાય. ભરતીની આગળની કાર્યવાહી પણ આ ચકાસણી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

મોમો ફેક્ટરીમાં આગની ઘટના પર શાહે મમતા સરકારને ઘેરી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યની મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યો હતો. ઉત્તર 24 પરગણામાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આનંદપુરની મોમો ફેક્ટરીમાં લાગેલી આગ કોઈ અકસ્માત નથી, પરંતુ ભ્રષ્ટાચારનું પરિણામ છે. 25 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 27 લોકો હજુ લાપતા છે. આ ઘટના કેમ બની?

તેમણે મમતા બેનર્જી સરકાર પાસે આ આગની ઘટનાની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરાવવાની માગ કરી હતી.

મોમો ફેક્ટરીમાં કોનું પૈસા લાગેલા છે?

શાહે પ્રશ્ન કર્યો હતો કે આ મોમો ફેક્ટરીમાં કોના પૈસા લાગેલા છે? ફેક્ટરીના માલિક કોણ છે? ફેક્ટરીના માલિક કયા લોકો સાથે વિદેશ પ્રવાસે ગયા છે? અને અત્યાર સુધી ફેક્ટરીના માલિકની ધરપકડ કેમ નથી કરવામાં આવી? જો આ લોકો ઘૂસણખોર હોત તો શું મમતા બેનર્જીની પ્રતિક્રિયા એવી જ હોત? અહીં બંગાળી નાગરિકોનાં મોત થયાં છે; તો પછી તમે વોટબેંકનું રાજકારણ કેમ કરી રહ્યા છો? મમતા બેનર્જીને શરમ આવવી જોઈએ.

મમતા સરકાર ઘટનાની ન્યાયિક તપાસ કરાવે

તેમણે કહ્યું હતું કે આજે અહીંથી હું બંગાળનાં મુખ્ય મંત્રીને માગ કરું છું કે આ ઘટનાની નિષ્પક્ષ, ન્યાયિક તપાસ કરાવવામાં આવે અને જે કોઈ દોષી હોય તેને જેલની પાછળ મોકલવામાં આવે. સુવેંદુ અધિકારી અને સમિક ભટ્ટાચાર્ય પીડિત પરિવારોને મળવા ગયા હતા. અમારા કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અને પોલીસે તેમના પર બર્બરતા કરી. મમતા બેનર્જીની પાર્ટી અને સરકારનો ભ્રષ્ટાચાર હવે છુપાવી શકાય તેમ નથી. આનંદપુરના ગોડાઉનમાં લાગેલી આગ ચીસો પાડી રહી છે કે મમતા બેનર્જીના લોકો તેમાં સામેલ છે. જો મમતા બેનર્જી આ બાબતને દબાવવા માગે છે તો દબાવી લે, પરંતુ એપ્રિલ પછી જ્યારે ભાજપની સરકાર આવશે, ત્યારે આ આગના દોષીઓને એક-એક કરીને જેલમાં મોકલવામાં આવશે.

મુનિર સાથે વિશ્વમાં ભીખ માગતા આવે છે શરમઃ શહબાઝ શરીફ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું છે કે જ્યારે તેમને પોતાના દેશ માટે વિશ્વમાં કર્જ (લોન) માગવા ફરવું પડે છે, ત્યારે તેમને ભારે શરમ અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે મળીને વિદેશી મદદ માગવી દેશના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે.

ઇસ્લામાબાદમાં મોટા નિકાસકારો અને વેપારીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું છે કે કર્જનો ભાર દેશની ગૌરવ અને પ્રતિષ્ઠા પર ભારે પડી રહ્યો છે અને હવે નવી આર્થિક યોજનાઓની જરૂર છે.

અમે ઘણી બાબતોને ના પણ કહી શકતા નથી

તેમણે કહ્યું હતું કે જ્યારે ફીલ્ડ માર્શલ આસિમ મુનીર અને હું વિશ્વમાં ફરીને પૈસાની ભીખ માગીએ છીએ, ત્યારે અમને બહુ શરમ લાગે છે. કર્જ લેવું આપણા આત્મસન્માન પર ભારે બોજ છે. અમે શરમથી માથું ઝુકાવીએ છીએ. તેઓ જે કેટલીક બાબતો કહે છે, જેને અમે કરવા નથી ઈચ્છતા, તેને પણ અમે ના કહી શકતા નથી.

પાકિસ્તાન પોતાના દેશના ખર્ચ ચલાવવા માટે મોટા પાયે IMFની મદદ પર નિર્ભર છે અને પહેલેથી જ ભારે કર્જમાં હોવા છતાં વધુ કર્જ લેવાની કોશિશ કરી રહ્યું છે.

શહબાઝે ચીન અને આરબ દેશોની કરી પ્રશંસા

શહબાઝ શરીફે પાકિસ્તાનને ‘હંમેશાં સાથે આપનારા મિત્ર’ ચીનની પ્રશંસા કરી તેમ જ સાઉદી અરેબિયા, યુએઈ અને કતારનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે આ દેશો સારા અને ખરાબ બંને સમયમાં પાકિસ્તાનનો સાથ આપે છે, ભલે પરિસ્થિતિ જેવી પણ હોય.

પાકિસ્તાનની આર્થિક મદદ મોટા ભાગે આ દેશો પર નિર્ભર છે, જે વિદેશી ચલણ ભંડારને સ્થિર રાખવામાં અને દેશને દેવાળિયું થવાથી બચાવવામાં મદદ કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીન અને આરબ દેશોએ પાકિસ્તાનને ભારે કર્જ આપ્યું છે અને આ જ કારણ છે કે પાકિસ્તાન કોઈ પણ કિંમતે આ દેશોના વિરોધમાં બોલતું નથી.

શા માટે આ જ દિવસે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ?

31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ (International Zebra Day) ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઝેબ્રા પ્રજાતિના સંરક્ષણ અને અસ્તિત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. ઝેબ્રા તેમના કાળા અને સફેદ પટ્ટાઓ માટે પ્રખ્યાત છે, જે તેમને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. આ દિવસ આ અદ્ભુત પ્રાણીનું રક્ષણ કેવી રીતે કરી શકાય તે સમજવાની તક પૂરી પાડે છે. વધુમાં, આ દિવસ આપણા પર્યાવરણ અને વન્યજીવન પ્રત્યેની આપણી જવાબદારીને પ્રકાશિત કરે છે. આ દિવસ સાથે સંબંધિત કેટલીક માહિતી જોઈએ.


આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને તેનો હેતુ શું છે?

આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ દર વર્ષે 31 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. તેનો હેતુ ઝેબ્રાઓની લુપ્તપ્રાય પ્રજાતિઓ અને તેમની સંભાળના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ લોકોને સંરક્ષણ પ્રયાસોમાં યોગદાન આપવા અને ઝેબ્રા પ્રજાતિઓને બચાવવા માટે પ્રેરણા આપે છે

ઝેબ્રાની કઈ ખાસિયત તેને આટલી પ્રખ્યાત બનાવે છે?

ઝેબ્રા તેમના કાળા અને સફેદ પટ્ટાવાળા ફર માટે પ્રખ્યાત છે, જે દરેક ઝેબ્રા માટે વિશિષ્ટ છે. આ પટ્ટાઓ ઝેબ્રાને શિકારીઓથી બચવામાં મદદ કરવા માટે છદ્માવરણ તરીકે કામ કરે છે. વધુમાં, તેમની સમૂહ જીવનશૈલી પણ તેમને અનન્ય બનાવે છે.

ઝેબ્રાની શારીરિક લાક્ષણિકતાઓ શું છે અને તેઓ અન્ય પ્રાણીઓથી કેવી રીતે અલગ છે?

ઝેબ્રામાં ઘોડા જેવું શરીર હોય છે, પરંતુ તેમના શરીર કાળા અને સફેદ પટ્ટાઓથી બનેલા હોય છે. આ પટ્ટાઓ માત્ર તેમની ઓળખમાં મદદ કરતા નથી પણ ઉનાળાની ગરમી દરમિયાન તેમને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. ઝેબ્રાના પગ મજબૂત હોય છે, જેનાથી તેઓ લાંબા અંતર સુધી દોડી શકે છે.

ઝેબ્રાને બચાવવા માટે કયા સંરક્ષણ પગલાં લેવામાં આવી રહ્યા છે?

ઝેબ્રાને બચાવવા માટે ઘણા સંરક્ષણ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમ કે સંરક્ષિત વિસ્તારો સ્થાપિત કરવા, શિકાર અટકાવવા માટે કડક કાયદાઓ લાગુ કરવા અને જંગલોનું રક્ષણ કરવું. વધુમાં, સમુદાયોમાં જાગૃતિ લાવવામાં આવે છે જેથી તેઓ ઝેબ્રા અને અન્ય વન્યજીવોના સંરક્ષણમાં યોગદાન આપી શકે.

ઝેબ્રા અને ઘોડા વચ્ચે મુખ્ય તફાવત શું છે?

ઝેબ્રા અને ઘોડા બંને એક જ પરિવારના છે, પરંતુ તેમની વચ્ચે ઘણા તફાવતો છે. સૌથી મહત્વપૂર્ણ તફાવત તેમના શરીરનો રંગ છે – ઝેબ્રા પર કાળા અને સફેદ પટ્ટાઓ હોય છે, જ્યારે ઘોડા પર એક જ રંગની રૂંવાટી હોય છે. વધુમાં, ઝેબ્રા નાના હોય છે અને તેમના શરીરનો આકાર અને રચના ઘોડાઓ કરતા અલગ હોય છે.