Home Blog Page 2638

શ્રી વલ્લભાચાર્યજીના ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાઓનું વર્ણન કરતી દિવાલગીરી

પવિત્ર અધિક માસ એટલે જપ, તપ, ભક્તિ અને દાનનો મહિનો. ભાવિકો આ મહિનામાં વિશેષ પુજા-અર્ચના કરે છે. ત્યારે મુંબઈ સ્થિત જુહુ વલ્લભનીધિ મંદિરમાં જુદા-જુદા ઉત્સવની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત શ્રી વલ્લભાચાર્યજીના ચોર્યાસી વૈષ્ણવોએ જે સેવા કરી હતી, એમની વાર્તાઓનું 70 મીટરના કપડા પર મનોરમ્ય પેઈન્ટીંગથી દિવાલગીરી તૈયાર કરવામાં આવી રહી છે.

ચોર્યાસી પુસ્તકોનું પઠન કરતા દિવાલગીરી તૈયાર કરવાનો વિચાર આવ્યો

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા હવેલીના મુખ્યા અમૃતભાઇ પંડયા કહે છે, ચોર્યાસી પુસ્તકોનું પઠન કરતા મારા મનમાં આ દિવાલગીરી તૈયાર કરવાનો વિચાર આવ્યો. જેની વાત મેં પિછવાઇ ગ્રુપના સોનલબેન અને આરતીબેનને કરી, બંને બહેનો મંદિરમા ઘણા વર્ષોથી સેવા કરે છે. સાથે જ ડ્રોઇંગના શિક્ષક પણ છે.  દિવ્ય કાર્ય કરવા માટે પિછવાઇ ગ્રુપની તમામ બહેનોએ તૈયારી દર્શાવી. 29 મેથી આ કાર્યની શરૂઆત કરવામાં આવી. પિછવાઈ ગ્રુપની તમામ બહેનો આ સેવા કાર્યમાં જોડાઇ. 25થી 30 બહેનો રોજ બપોરે 2 વાગ્યાથી 8 વાગ્યા સુધી દિવાલગીરી તૈયાર કરવા માટે સેવા આપે છે.

વૈષ્ણવોનો દિવ્ય મનોરથ દિવાલગીરી પર કદાચ પહેલી વખત પ્રગટ છે

ગ્રુપમાં જોડાયેલા વયોવૃદ્ધ હંસાબા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, મને પેઈન્ટીંગ કરતા તો નથી આવડતું પરંતુ હું બ્રશ ધોવાનું, કલરની આપલે અને નાના મોટા અન્ય કામ તો કરી જ શકું. એ પણ સેવા જ છે ને. ડ્રોઇંગનું કામ પુર્ણ થયા પછી પેઈન્ટીંગનું કાર્ય શરૂ થયું. ઉત્સાહથી કામ કરતા ગ્રુપના ઇલાબેન અને ભાવિની બેન ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, વૈષ્ણવોનો આવો દિવ્ય મનોરથ દિવાલગીરી પર કદાચ પહેલી વખત જ પ્રગટ થવા જઈ રહ્યોં છે. તો વળી અર્ચના બેન અને સોનલબેન કહે છે, આ ઝાંખીથી યંગ જનરેશનને પણ પુસ્તકોમાં સચવાયેલું મહાપ્રભુજીના ઉપદેશ જ્ઞાન પેઈન્ટીંગના માધ્યમથી દિવાલગીરી પર જોવા મળશે અને સમજાશે.

અહીંયા આવીને તો મેડિટેશન થઇ જાય છે

 

પિછવાઇ ગ્રુપના ડિમ્પલ બેન, પૂર્વી બેન, વૈજંતી બેન, મધુ બેન, પિનાકિની બેન, કાજલ બેન જેવી ઘણી બહેનો એકબીજાને પૂછીને સલાહ સુચન કરીને ખુબ જ ખંતપુર્વક આ કાર્યને પુર્ણ કરવામાં લાગી ગયા છે. આ માત્ર એક કાર્ય નહીં પરંતુ ભગવાનને રાજી કરવાનું માધ્યમ છે એમ કહેતા મીના બેન કહે છે, અહીંયા આવીને તો મેડિટેશન થઇ જાય છે.

વલ્લભનીધિ અમારો પરિવાર છે

 

પિછવાઇ ગ્રુપના રેખા બેન ભટ્ટ ચિત્રલેખા.કોમ સાથે દિવાલગીરી તૈયાર કરવામાં રંગનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ વિશે વાત કરતા કહે છે, આ મનોરથમાં અંદાજે એક કલરના એક લિટરના 4-5 ડબ્બાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  જેમાં સૌથી વધુ સફેદ કલરનો ઉપયોગ થયો છે. વલ્લભનીધિ અમારો પરિવાર છે, અમે અહિં આવીને ઘણું શીખ્યા છીએ. જયારે મયુરીબેન કહે છે, કલર કામ કરતા ખબર પણ નથી પડતી કે રાત ક્યારે થઈ, ઘરે જવાના સમયે પણ જાણે સતત કામ કરીએ એમ જ થયા કરે.

આ દિવાલગીરી પુર્ણતાના આરે છે. ત્યારે આગામી 6 ઓગસ્ટે 84 વૈષ્ણવોની અને 15મી ઓગસ્ટે 84 બેઠકજીની ઝાંખીના દર્શન જુહુ સ્કીમ વલ્લભનિધિ મંદિરમાં થશે.

‘અમૃત ઉદ્યાન’ 16 ઓગસ્ટથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે

નવી દિલ્હીઃ અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટ, 2023થી ‘ઉદ્યાન ઉત્સવ-2’ હેઠળ એક મહિના માટે (સોમવાર સિવાય) જાહેર જનતા માટે ખુલશે. 5 સપ્ટેમ્બરના રોજ, ‘શિક્ષક દિવસ’ નિમિત્તે માત્ર શિક્ષકો માટે તે સંપૂર્ણપણે ખુલ્લું મૂકવામાં આવશે.

‘ઉદ્યાન ઉત્સવ-૨’ મુલાકાતીઓને ઉનાળાના વાર્ષિક ફૂલો પ્રદર્શિત કરવાનો હેતુ છે.

મુલાકાતીઓ 10.00 કલાકથી 17.00 કલાક (છેલ્લી એન્ટ્રી 1600 કલાક) સુધી બગીચાઓની મુલાકાત લઈ શકે છે. એન્ટ્રી રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35થી નોર્થ એવન્યુ પાસે હશે.

રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ https://visit.rashtrapatibhavan.gov.in/ પર 7 ઓગસ્ટ, 2023થી બુકિંગ ઓનલાઇન કરી શકાશે. વોક-ઇન મુલાકાતીઓ ગેટ નંબર 35 નજીક મૂકવામાં આવેલા સેલ્ફ સર્વિસ કિઓસ્કમાંથી પાસ મેળવી શકે છે. અમૃત ઉદ્યાનમાં પ્રવેશ નિ:શુલ્ક છે.

અમૃત ઉદ્યાનને આ વર્ષે 29 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી ટઉદ્યાન ઉત્સવ-1ટ હેઠળ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેની મુલાકાત 10 લાખથી વધુ લોકોએ લીધી હતી.

અમૃત ઉદ્યાનની સાથે, મુલાકાતીઓ તેમના સ્લોટ્સ ઓનલાઇન (https://visit.rashtrapatibhavan.gov.in/) બુક કરીને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની મુલાકાત લઈ શકે છે ‘ઉદ્યાન ઉત્સવ-૨’ દરમિયાન સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ વિના મૂલ્યે મ્યુઝિયમની મુલાકાત લઈ શકશે.

દિલ્હી વિશે વિચારો, ગઠબંધન વિશે નહીં: ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ લોકસભામાં દિલ્હી સર્વિસ બિલને લઈને ચર્ચા ચાલી રહી છે, એ દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હી સરકાર અને INDIA ગઠબંધનને આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગનો કોઈ મામલો નથી. દિલ્હીમાં જે મામલો છે એ એને બહાને વિજિલન્સ વિભાગને પોતાને હસ્તક લેવાનો મામલો છે. જેથી તેમના ભ્રષ્ટાચાર બહાર ના આવે.

હું તો સ્પષ્ટ કહું છું કે જે પાર્ટીઓ દિલ્હી સરકાર સાથે ઊભી છે, એ ભ્રષ્ટાચારીઓ સાથે ઊભી છે, પણ જનતા બધું જોઈ રહી છે. હું એ પાર્ટીઓને કહેવા ઇચ્છું છું કે તમે દિલ્હી વિશે વિચારો, ગઠબંધન વિશે નહીં, કેમ કે તમે કોઈ પણ ગઠબંધન બનાવી લો, કોઈ પણ નામ બદલી લો, પરંતુ વડા પ્રધાનપદે આવશે તો નરેન્દ મોદી જ. જનતાએ એનું મન બનાવી લીધું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે લોકસભામાં કહ્યું હતું કે પટ્ટાભિ સીતારમૈયા સમિતિએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની ભલામણનો પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સી. રાજગોપાલાચારી, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને ડો. ભીમરાવ આંબેડકરે પણ વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય રાજધાની હોવાને નાતે બંધારણના અનુચ્છેદ 239 AAમાં એના માટે અલગ જોગવાઈ છે. બંધારણના અનુચ્છેદ 239 (AA) હેઠળ આ સંસદને દિલ્હી સંઘ રાજ્ય ક્ષેત્રથી સંબંધિત કોઈ પણ વિષય પર કાયદો બનાવવાનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત થાય છે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપની સરકારો આવી અને બંને પક્ષોએ (વિપક્ષ) સાથે ઝઘડો નથી, કર્યો, પણ 2015માં એવી સરકાર આવી જેનો હેતુ સેવા કરવાનો નહીં, માત્ર ઝઘડા કરવાનો છે.

 

 

 

 

સંભાળજો! ઈન્કમ ટેક્સ રીફંડને લગતો SMS આવે તો ફસાતા નહીં

મુંબઈઃ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની આખરી તારીખ 31 જુલાઈ જતી રહી છે. હજી ઘણા લોકોએ એમનું આઈટી રિટર્ન ભર્યું નથી. એને કારણે આવકવેરા વિભાગ તરફથી એમને ફોન પર સંદેશ મળવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ આનો ગેરલાભ સાઈબર ગુનેગારો લઈ રહ્યા છે અને લોકોને એસએમએસ કરીને ફસાવી રહ્યા છે.

એક નકલી મેસેજ દ્વારા ઈન્કમ ટેક્સ રીફંડના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અનેક કરદાતાઓને આવો ખોટો મેસેજ આવ્યો છે: ‘રૂ. 15,490નું ઈન્કમ ટેક્સ રીફંડ મેળવવા માટે તમે પાત્ર ઠર્યા છો. તમારો એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.’ આ મેસેજની સાથે આપવામાં આવેલી એક લિન્ક પર ક્લિક કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. કારણ કે તે લિન્ક પર ક્લિક કરવાથી ઈન્કમ ટેક્સની વેબસાઈટ જેવી જ દેખાતી ફેક વેબસાઈટ પર યૂઝર્સને રીડાઈરેક્ટ કરવામાં આવે છે. આ વેબસાઈટ પરથી સંબંધિત યૂઝરની અંગત માહિતી ચોરવામાં આવે છે. ‘તમને ઈન્કમ ટેક્સ રીફંડ તરીકે રૂ. 15,490 મળવાના છે. તમારા ખાતા પર થોડીક જ વારમાં આ પૈસા જમા થઈ જશે. તમે તમારા બેન્ક ખાતાના નંબર XXXXXX ને વેરીફાઈ કરો. જો આ એકાઉન્ટ નંબર ખોટો હોય તો તમે તમારી બેન્કના ખાતાનો નંબર નીચે આપેલી લિન્ક પર અપડેટ કરી શકો છો,’ એમ આ ખોટા એસએમએસ અથવા મેસેજમાં જણાવવામાં આવે છે.

સાવધાન રહેજો…

સાઈબર નિષ્ણાતોએ લોકોને આવા મેસેજથી સાવધ રહેવા જણાવ્યું છે. આવકવેરા વિભાગ તરફથી રીફંડ આપવાનું જણાવતો કોઈ પણ મેસેજ આવે તો માહિતી આપવી નહીં, એવી આવકવેરા વિભાગે પણ લોકોને અપીલ કરી છે. જો તમને એવો મેસેજ આવે કે શંકા જાય તો તરત જ તમારે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કે આવકવેરા વિભાગના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને જાણ કરી દેવી. આવકવેરા વિભાગ તરફથી રીફંડ અંગે આ પ્રકારનો કોઈ મેસેજ મોકલવામાં આવતો નથી.

-તો શું કરવું?

ધારો કે સાઈબર ચોરો તમને ફસાવવામાં સફળ થાય તો તમારે તરત જ તમારી બેન્કનો સંપર્ક કરી તમારું ખાતું ફ્રિઝ કરાવી લેવું. સાથોસાથ, સાઈબર ક્રાઈમ સંબંધિત દેશવ્યાપી હેલ્પલાઈન નંબર – 1930 અથવા 155260 પર કોલ કરીને જાણકારી આપવી. ત્યારબાદ તમારે તમારી નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પ્રત્યક્ષ ફરિયાદ નોંધાવી દેવી. સાઈબર ચોરોના હાથમાં ફસાવાય નહીં એટલા માટે તમારે તમારો ઓનલાઈન બેન્ક એકાઉન્ટ પાસવર્ડ કોઈ પણ વ્યક્તિ જરાય ક્રેક કરી ન શકે એવી રીતે સંભાળીને રાખવો. વળી, તે પાસવર્ડ વખતોવખત બદલતા રહેવું. ઓનલાઈન બેન્કિંગ વ્યવહાર કર્યા બાદ એકાઉન્ટ પરથી લોગ-આઉટ કરવું. નામાંકિત ન હોય એવી કોઈ પણ વેબસાઈટ પર ઓનલાઈન પેમેન્ટ કરવાનું ટાળવું. તમે કોઈ સોદો કર્યો ન હોય તે છતાં જો તમને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ડેબિટનો મેસેજ આવે તો તરત જ તમારું કાર્ડ બ્લોક કરાવી દેવું. તમારી બેન્ક તરફથી આવતા ઓટીપી, કાર્ડ સંબંધિત CVC નંબર, આઈડી, પાસવર્ડ કોઈને પણ શેર કરવો નહીં. ખોટા સ્રોત તરફથી નાણાકીય સોદાઓ સંબંધિત એપ્સ ડાઉનલોડ કરવી નહીં.

કેન્દ્રની ફાર્મા કંપનીઓ માટે ઉત્પાદનના માપદંડો અનુસરવા સમયમર્યાદા

નવી દિલ્હીઃ ફાર્મા કંપનીઓ માટે ઉત્પાદન પ્રક્રિયાના નિયમો આકરા કરતા કેન્દ્રએ જાહેરાત કરી હતી કે જે કંપનીઓનું ટર્નઓવર રૂ. 250 કરોડ કરતાં વધુ છે, એ કંપનીઓને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP- સારી ઉત્પાદન સુવિધા) વિકસાવવા માટે છ મહિનાનો સમયગાળો આપવામાં આવશે અને જે કંપનીઓનું ટર્નઓવર રૂ. 250 કરોડ કરતાં ઓછી છે એ કંપનીઓને 12 મહિનાનો સમયગાળો આપવામાં આવશે.

આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે GMPના માપદંડોને અનુસરવાની સમયમર્યાદા પહેલી ઓગસ્ટથી શરૂ થશે. તેમણે સ્વીકાર કર્યો હતો કે શિડ્યુઅલ એમ માટેના ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટના નિયમોને દવાઉત્પાદકોને યોગ્ય રીતે લાગુ નથી, પણ સરકાર હવે એમાં ફેરફાર કરી રહી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે જે કંપનીઓ આ કાયદાની જોગવાઈઓનું છ મહિના કે એક વર્ષમાં પાલન નહીં કરે એ કંપનીઓને દંડ ફટકારવામાં આવશે. અધિકારીઓના જણાવ્યાનુસાર દેશમાં આશરે 10,500 ઉત્પાદન એકમો છે, જેમાંથી આશરે 8500 માઇક્રો, સ્મોલ અને મિડિયમ સ્તરના એકમો અથવા MSSE છે.

GMP ફરજિયાત માપદંડો છે, જે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, કાચી સામગ્રી, પ્રક્રિયા અને પર્યાવરણની વગેરેમાં જેતે પ્રોડક્ટના ઉત્પાદન માટે આવશ્યક છે. GMPને સૌપ્રથમ વાર 1988માં શિડ્યુઅલ Mમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ એમાં 2018માં નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. ભારતની દવાઓ નીચી અને મધ્યમ આવકના દેશોમાં નિકાસમાં અગ્રણી નિકાસકર્તા છે, જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)થી પ્રમાણિત (સર્ટિફિકેશન)ની જરૂર હોય છે.

 

 

 

 

 

પોસ્ટ-મોર્ટમ અહેવાલમાં પુષ્ટિઃ નીતિન દેસાઈનું મૃત્યુ ગળાફાંસથી થયું

મુંબઈઃ નામાંકિત કલા દિગ્દર્શક નીતિન દેસાઈના મૃતદેહના કરવામાં આવેલા પોસ્ટ-મોર્ટમના અહેવાલથી પુષ્ટિ મળી છે કે એમનું મૃત્યુ ફાંસીએ લટકવાથી થયું હતું, એમ રાયગડના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સોમનાથ ઘાર્ગેએ આજે જણાવ્યું છે. હિન્દી અને મરાઠી ફિલ્મોના એવોર્ડવિજેતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ બુધવારે સવારે મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના કર્જત શહેરમાં એમના એન.ડી. સ્ટુડિયોમાં લટકતી હાલતમાં, મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

દેસાઈના મૃતદેહનું મુંબઈની સરકાર હસ્તકની જે.જે. હોસ્પિટલમાં ચાર ડોક્ટરોની ટીમે બુધવારે રાતે કર્યું હતું. તેના અહેવાલ અનુસાર, દેસાઈનું મૃત્યુ લટકી જવાને કારણે થયું હતું.  દેસાઈના મૃતદેહને હાલ જે.જે. હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે અને આવતીકાલે એમના પરિવારજનોને સુપરત કરવામાં આવશે. દેસાઈના અંતિમસંસ્કાર આવતીકાલે કર્જતમાં એમના એન.ડી. સ્ટુડિયોમાં કરવામાં આવશે.

બુલેટ ટ્રેનના પુલ નિર્માણમાં ક્રેન તૂટતાં એકનું મોત, છ ઘાયલ

અમદાવાદઃ રાજ્યના વડોદરામાં બુલેટ ટ્રેનના નિર્માણ કાર્યમાં દુર્ઘટના ઘટી છે. વડોદરાના કરજણમાં બુલેટ ટ્રેનના કામ દરમ્યાન એક ક્રેન પડી ગઈ હતી. એને પગલે એક મજૂરનું મોત થયું હતું અને અન્ય છ જણ ઘાયલ થયા હતા. વડોદરામાં આ દુર્ઘટના કરજણના કંબોલાની નજીક થઈ હતી. વહીવટી તંત્રની ટીમે ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે સર્જાયેલી એક દુર્ઘટનામાં એક મજૂરનું  મોત થયું હતું જ્યારે અન્ય છ શ્રમજીવીને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કંબોલા ગામ પાસે ખેતરમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોવાથી ત્યાં L&T કંપની દ્વારા બ્રિજ ઉપર મોટી ક્રેન ગોઠવીને કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે આ ક્રેન અચાનક નીચે તૂટી પડી હતી. આ ક્રેન નીચે દબાઈ જવાથી મજૂર મોતને ભેટ્યો હતો. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ. (NNSRCL)ની દેખરેખમાં અમદાવાદથી મુંબઈની વચ્ચે ટ્રેનના કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે. વડોદરા જિલ્લામાં કરજણના કંબોલામાં ગાર્ડરનું કામ કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508.18 કિલોમીટર છે. આ પ્રોજેક્ટમાં હાલ બુલેટ ટ્રેન ટ્રેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

 

 

 

 

 

બોલીવૂડના વિશ્વકર્માની આઘાતજનક વિદાય

આશરે સાડાત્રણ દાયકાની કારકિર્દીમાં એંસીથી વધુ ફિલ્મો, ડઝનબંધ ટીવીસિરિયલ્સ, ટીવીકાર્યક્રમ તથા ઍડફિલ્મ્સ માટે જાદુઈ સૃષ્ટિ ઊભી કરનારા નીતિન ચંદ્રકાંત દેસાઈએ બુધવારે (2 ઑગસ્ટ, 2023) આત્મહત્યા કર્યાના સમાચાર આવ્યા. આવું આત્યંતિક પગલું એમણે શું કામ લીધું એનાં ન પડતાં મારે અમારી મુલાકાત યાદ કરવી છે. હું એમને ‘ચિત્રલેખા’ની કવરસ્ટોરી માટે મળ્યો ત્યારે એ ‘જોધા અકબર’ તથા એમના મહત્વાકાંક્ષી ‘એનડી સ્ટુડિયો’ માટે સમાચારમાં હતા. તે વખતે અનિલ ધીરુભાઈ અંબાણીની રિલાયન્સે સ્ટુડિયોના વિસ્તરણ-વૈવિધ્યકરણ માટે આશરે 400 કરોડ રૂપિયા રોકીને એમાં સ્ટેક લીધેલો.

ઈશાન મુંબઈના પરા મુલુંડમાં આવેલી એમની ઑફિસ અને તે પછી કર્જતમાં આવેલા એનડી સ્ટુડિયો એમ બે પાર્ટમાં અમારો ઈન્ટરવ્યુ થયેલો. સાલસ સ્વભાવના નીતિનભાઉએ એમનો કરિયરગ્રાફ તથા આશરે બાવન એકરમાં આવા ગંજાવર સ્ટુડિયો ઊભો કરવાના સાહસનું કારણ સમજાવ્યાં.

૧૯૬૫ની છઠ્ઠી ઑગસ્ટની પરોઢે થાણાની એક હૉસ્પિટલમાં નીતિનનો જન્મ. પિતા મહારાષ્ટ્રના દાપોલી ગામથી મુંબઈ આવી વરલીની બીડીડી ચાલમાં દસ ફૂટ બાય દસ ફૂટની ઓરડીમાં રહીને ભણ્યા, બૅન્ક ઑફ મહારાષ્ટ્રમાં નોકરીએ લાગ્યા, અથાગ પરિશ્રમથી બ્રાન્ચ મૅનેજરના હોદ્દા સુધી પહોંચ્યા.

 

૧૯૭૦ના દાયકામાં માતા-પિતા પોતાનાં સંતાનને ડૉક્ટર-એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવાનાં સપનાં જોતાં એ કાળમાં મીના અને ચંદ્રકાંત દેસાઈએ પુત્રને કલાવિદ્યા અપાવવાનું નક્કી કર્યું. એસએસસી બાદ નીતિને તળ મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટસમાં પ્રવેશ લીધો.

નીતિનને પહેલેથી ફોટોગ્રાફીમાં વધુ રસ. જે.જે.માંય એમણે ફોટોગ્રાફી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરેલું. એમનાં એક મામી બંગાળી પરિવારમાં પરણેલાં. એમણે નીતિનની ઓળખાણ તે વખતના મહાન આર્ટ ડિરેક્ટર નીતિશ રૉય સાથે કરાવી. હિંદી પિક્ચરની વાર્તામાં કંઈ એવું બને ને વાર્તા જોરદાર વળાંક લે એમ આ ઓળખાણ નીતિન માટે ટર્નિંગ પૉઈન્ટ સાબિત થઈ.

એક દિવસ નીતિશ રૉય મુલુંડ પહોંચ્યા નીતિનના ઘરે. એમણે એક ફિલ્મરોલ નીતિનને આપતાં કહ્યું કે ‘આમાં થોડા ફોટોગ્રાફ્સ છે. તું બને તો એમાં તારી રીતે સુધારાવધારા કરજે.’

 

એ ફોટોગ્રાફ્સ જયપુર મ્યુઝિયમમાં ચોરીછૂપીથી લેવામાં આવેલા. એમની કોઈ ફિલ્મના સેટ્સના રીસર્ચ માટે એ તસવીરો લેવામાં આવેલી. નીતિને પડકાર ઝીલી લીધો. ફોટોગ્રાફ્સ ડેવેલપ કર્યા. રિઝલ્ટ જોઈને નીતિશ રૉય ખૂબ ખુશ થયા. એમણે વાત વાતમાં જ યુવા નીતિનને હિંદી સિનેમામાં આવવાનું આમંત્રણ આપ્યું.

 તે પછી ૧૯૮૭-૮૮માં એક દિવસ નીતિશજીએ કહ્યું કે ‘એક સરસ પ્રોજેક્ટ પર કામ કરું છું. જોડાવું છે મારી સાથે?’ એ સરસ પ્રોજેક્ટ એટલે ગોવિંદ નિહલાનીની ટીવીસિરિયલ ‘તમસ.’

નીતિન ૧૩ દિવસ એમની સાથે રહ્યા. ઘરે જણાવેલું નહીં. 3-4 દિવસ બાદ એમણે ઘરે ફોન કરીને કહ્યું: ‘મારી ચિંતા ન કરશો. મને મારી દુનિયા મળી ગઈ છે…’ એમણે નક્કી કરી લીધું કે હવે જીવનમાં આ જ કરવું છે.

ફિલ્મમેકિંગ એટલે ટીમવર્ક. અને કલાદિગ્દર્શકનું કામ ઘણું મહત્ત્વનું. દિગ્દર્શક તથા ટેક્નિશિયનો સાથે ખૂબ ચર્ચા વિચારણા કરવી પડે, રીસર્ચ કરવું પડે ત્યારે કંઈક સર્જાય. નીતિનને આ બધું ગમવા માંડયું. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ‘ચાણક્ય,’ શ્યામ બેનેગલની ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા,’ અમોલ પાલેકરની ‘મૃગનયની,’ નીતિશ ભારદ્વાજની ‘ગીતારહસ્ય’ જેવી કંઈકેટલીય સિરિયલોમાં લેખક-દિગ્દર્શકોની કલ્પનાને સાકાર કરી.

૧૯૮૯માં વિધુ વિનોદ ચોપડા ‘પરિંદા’ ફિલ્મ બનાવતા હતા. આમ તો આ ફિલ્મ મુંબઈના ઍક્ચ્યુઅલ લોકેશન્સ પર ચિત્રિત થયેલી, પણ ક્લાઈમેક્સમાં અનિલ કપૂર-માધુરી દીક્ષિત પાલવા બંદરના દરિયા પર ઊભેલી એક બોટમાં મધુરજની માણી રહ્યાં છે એ સીનમાં વિધુ વિનોદ મૂંઝાયા. એમણે ૪૮ જેટલી બોટ જોઈ હશે, પણ એકેય પસંદ ન પડી. પછી એમણે નીતિને બોટનો સેટ બનાવવાનું સૂચન કર્યું.

જો તમે ‘પરિંદા’ જોઈ હોય તો અંતભાગમાં આવતાં આ દૃશ્ય તમને યાદ હશે. ગેટ-વેની આસપાસ થર્ટી ફર્સ્ટ નાઈટના ઉત્સવનો માહોલ, એક સરસમજાની બોટ, બોટના બેડરૂમમાં બે જુવાન હૈયાં… કોઈ કહી ન શકે કે એ સાચકલી બોટ નહીં, બલકે સેટ હતો! સોનામાં સુગંધ ભળે એવું હતું સ્વર્ગસ્થ રેણુ સલુજાનું ચુસ્ત એડિટિંગ.

જો કે નીતિનને મોટો બ્રેક મળ્યો વિધુ વિનોદ ચોપડાની જ ‘૧૯૪૨: અ લવ સ્ટોરી’થી. શિમલાના ટાઉન સ્ક્વેરનો એ સેટ આજેય ચિત્રપટપ્રેમીઓને યાદ હશે. એ જમાનાનો સૌથી મોંઘો, પાંસઠ લાખ રૂપિયાનો સેટ મુંબઈના ફિલ્મસિટીમાં ખડો થયેલો. જો કે એ વખતે નીતિન જેવા નવા સેટડિઝાઈનરને આવો મહત્ત્વાકાંક્ષી સેટ બનાવવાનું કામ ન આપવાની સલાહ વિધુ વિનોદને અનેક લોકોએ આપેલી.

એ દિવસો યાદ કરતાં નીતિન ‘ચિત્રલેખા’ને કહેલું, હા, એક તબક્કે તો મારો કૉન્ફિડન્સ પણ હલી ગયેલો. વિધુ વિનોદ ઉત્તર ભારતમાં ચંબાથી લઈને શિમલા એમ બધે ફરી વળેલા, પણ શૂટિંગના લાંબા શિડચુઅલ માટે જોઈએ એવી જગ્યા ન મળતાં છેવટે સેટ બનાવવાનું નક્કી થયું. સેટ બનાવવાનો હતો એ ફિલ્મસિટીમાં હું જૂન મહિનામાં ગયો ત્યારે ભારે વરસાદના લીધે પાણી ભરાઈ ગયેલાં. આમાં સેટ કેવી રીતે બનાવવો? મને મૂંઝાયેલો જોઈ વિધુ વિનોદે કહ્યું, નીતિન, હું તને એક દિવસનો સમય આપું છું. વિચારી જો. તારાથી આ કામ થશે?’

‘એ આખી રાત મને ઊંઘ ન આવી, પણ પછી થયું કે આટલી મહેનત-રિસર્ચ કર્યાં છે એ બાતલ તો નહીં જ જાય…’

બીજે દિવસે બધા મળ્યા ત્યારે સૌની નજર નીતિન પર હતી. એ કયા શબ્દોમાં ના પાડશે એનો જ સૌને ઈન્તેજાર હતો, પણ સૌનાં આશ્ચર્ય વચ્ચે નીતિને કહ્યું: ‘હું સેટ બનાવીશ. આઈ એમ કૉન્ફિડન્ટ.’

-અને નીતિને બોલેલું પાળી બતાવ્યું. એમણે બ્રિટિશકાળના નૉર્થ ઈન્ડિયાના સુંદરમજાના હિલ સ્ટેશનનો હૂબહૂ ટાઉન સ્ક્વેર સરજ્યો. આ ફિલ્મ માટે નીતિનને અનેક એવૉર્ડ્સ મળ્યા.

અનેક ડિરેક્ટરો એવા છે, જે નીતિન સાથે જ ફિલ્મો બનાવતા. વિધુ વિનોદ ચોપડા (પરિંદા, ૧૯૪૨: અ લવ સ્ટોરી, કરીબ, મુન્નાભાઈ બીબીએસ, લગે રહો મુન્નાભાઈ, એકલવ્ય), સંજય લીલા ભણસાળી (ખામોશી, હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ), કેતન મહેતા (આર યા પાર, ડાર્લિંગ યે હૈ ઈન્ડિયા, મંગલ પાંડે, રંગરસિયા) મન્સૂર ખાન (જો જિતા વો હી સિકંદર, અકેલે હમ અકેલે તુમ, જોશ), આશુતોષ ગોવારિકર (લગાન, સ્વદેસ, જોધા અકબર અને છેલ્લે 2019માં પાણીપત), વગેરે…

આર્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનરમાંથી આટલા મોટા સ્ટુડિયોના માલિક, આટલું ટેન્શન એમણે શું કામ લીધેલું એની વાત કરતાં એમણે કહેલું- ‘થોડા સમય પહેલાં હોલિવૂડના વિખ્યાત ડિરેક્ટર ઑલિવર સ્ટોન એમની એલેક્ઝાન્ડર ફિલ્મ માટે લોકેશન શોધવા ભારત આવેલા. એમને કોઈ લોકેશન પસંદ ન આવ્યું. છેવટે અમે ફિલ્મસિટીમાં સેટ્સ બનાવવાનું નક્કી કર્યું, પણ એ એમને ન ગમ્યો. એ અમેરિકાભેગા થઈ ગયા, ભારતનાં દશ્યો એમણે વિદેશમાં શૂટ કર્યાં. મને બરાબરની ચાટી ગઈ. મેં નક્કી કર્યું કે ઈન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનો એક સ્ટુડિયો મુંબઈમાં હું બનાવીશ. પરિણામ તમારી સામે છે. વિસ્તરણ બાદ તમે જોજો, અહીંનો નજારો…’

અમે સ્ટુડિયોની મુલાકાત લીધી ત્યારે એક ઑસ્ટ્રેલિયન સિનેમેટોગ્રાફર પોતાની ટીમ સાથે ઈનોવા કારની ઍડનું શૂટિંગ કરી રહ્યા હતા, બાજુના ફ્લોર પર સ્લમડૉગ મિલિયોનેરનો સેટ બની રહ્યો હતો. લાલ પથ્થરમાંથી બનેલો આગ્રા કિલ્લો (જોધા અકબર માટે) હતો, જે મૂળ કિલ્લા કરતાં પણ વધુ શાનદાર લાગતો હતો.

છૂટા પડતાં પહેલાં મારો છેલ્લો સવાલ હતોઃ

નીતિન ભાઉ, આ 400-500 કરોડ રૂપિયા ને એ બધું બરાબર, પણ ‘તમસ’ માટે કેટલા રૂપિયા મળેલા એ યાદ છે?

 ‘હા. નીતિશ રૉયને ત્યાં હતો ત્યારે મારો પગાર હતોઃ મહિને બે હજાર રૂપિયા!’

તસવીરોઃ પ્રકાશ સરમળકર (ચિત્રલેખા)

લેપટોપ્સ, ટેબલેટ્સની આયાત પર સરકારે નિયંત્રણો લાદ્યા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લેપટોપ્સ, ટેબલેટ્સ, ઓલ-ઈન-વન પર્સનલ કમ્પ્યુટર્સ, અલ્ટ્રા-સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વર્સ પર તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે આયાત નિયંત્રણો લાગુ કર્યા છે. આ નિર્ણય પાછળ સરકારનો હેતુ ચીન જેવા દેશોમાંથી આ ચીજવસ્તુઓની કરાતી આયાત પર કાપ મૂકવાનો હોય એવું મનાય છે.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા એક નોટિફિક્શનમાં જણાવવામાં આવ્યું છે કે આયાત પરવાનામાંથી મુક્તિનો લાભ 20 ચીજવસ્તુઓ પૂરતી જ આપવામાં આવી છે. લેપટોપ્સ, ટેબલેટ્સ, ઓલ-ઈન-વન પર્સનલ કમ્પ્યુટર્સ, અલ્ટ્રા-સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વર્સની આયાત પર તાત્કાલિક અસરથી નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. નિયંત્રણો ધરાવતા પ્રોડક્ટ્સ માટે સરકાર પાસેથી લાઈસન્સ કે પરવાનગી મેળવવાની આવશ્યક રહેશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી સીધી વાતચીતને અમેરિકાનો ટેકો

વોશિંગ્ટનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતને અમેરિકા ટેકો આપે છે, એમ બાઇડન વહીવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાની પાંચ ઓગસ્ટે વર્ષગાંઠ છે.

બંને દેશોની સરહદે આંતકવાદને ઇસ્લામાબાદ સતત ટેકો આપે છે અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટેન્શન જારી છે. ભારત હંમેશાં કહેતું રહે છે કે પડોશી દેશ સાથે સામાન્ય સંબંધો ઇચ્છનીય છે, પણ હમેશાં એ વાત પર ભાર મૂકે છે કે આ પ્રકારના સંબંધો માટે આતંકવાદ અને શત્રુતાથી મુક્ત વાતાવરણ રાખવાની જવાબદારી ઇસ્લામાબાદની છે. આ સાથે ભારતે એ પણ કહે છે જમ્મુ-કાશ્મીર હંમેશાં દેશનો હિસ્સો હતો, છે અને રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગંભીર મુદ્દાઓ પર વાટાઘાટ થવી જોઈએ, એ અમે લાંબા સમયથી કહીએ છીએ, એમ વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

મિલરની આ ટિપ્પણી પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફ દ્વારા બધા ગંભીર અને પેન્ડિંગ મુદ્દાઓના સમાધાન માટે ભારતની સાથે વાતચીતની રજૂઆત કર્યાના બે દિવસ પછી આવી છે. ઇસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે દ્વિપક્ષી સંબંધ ઓગસ્ટ, 2019થી તનાણપૂર્ણ છે, જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિને બદલી કાઢી હતી.

પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો પર વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે જ્યાં સુધી સીમા પાર આતંકવાદની નીતિ ખતમ નહીં થાય, ત્યાં સુધી ભારત માટે પડોશી દેશની સાથે સામાન્ય સંબંધો રાખવા સંભવ નથી. આ પહેલાં જૂનમાં તેમણે કહ્યું હતું કે અમે આતંકવાદને સામાન્ય ગણવાની મંજૂરી નથી આપતા. અમે એને પાકિસ્તાન સાથે ચર્ચામાં સામેલ થવાનો આધાર નહીં બનવા દઈએ.