Home Blog Page 2639

દેશે શહીદ દિવસે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને પુણ્યતિથિએ યાદ કર્યા

નવી દિલ્હીઃ ક્રાંતિકારી નેતાઓ ભગત સિંહ, શિવરામ હરિ રાજ્યગુરુ અને સુખદેવ થાપરે આપેલા અદ્વિતીય બલિદાનને યાદ કરવા માટે દર વર્ષની 23 માર્ચે શહીદ દિવસ ઊજવવામાં આવે છે. આ રાષ્ટ્રભક્તોને 1931માં લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. દેશ માતૃભૂમિ માટે જીવનનું બલિદાન આપનારા ભારત માતાના મહાન સપૂત શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને નમન કરી રહ્યો છે. તેમની વીરતાને યાદ કરતાં સ્વતંત્ર્યતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશમાં અનેક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

આ અવસરે કેટલાય નેતાઓએ ગુરુવારે પ્રતિષ્ઠિત વીરોને શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપવા માટે ટ્વીટ કર્યું હતું. વડા પ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય પ્રદાન કેશવ પ્રસાદ મૌર્ય સહિતના નેતાઓ સામેલ હતા, જેમણે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આઝાદીના 75 વર્ષ પૂરાં થવા પર અમૃત મહોત્સવના સત્તાવાર ટ્વિટર હેન્ડલે પણ સ્વતંત્રસેનાઓની પ્રેરક વાર્તાઓવાળી શહીદ વિશેષ શૃંખલા પર એક વિડિયો શેર કર્યો હતો. ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની સાથે-સતે શહીદ દિવસે હૈશટેગ પણ ટ્વિટર પર સવારથી ટ્રેન્ડ કરી રહ્યા છે, કેમ કે દેશભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

જોકે આ ત્રણેમાં ભગત સિંહ એક કરિશ્માઈ સ્વતંત્રતાસેનાની તરીકે યાદ કરવામાં આવે છે. તેઓ માત્ર 23 વર્ષે સ્વતંત્રતા આંદોલનમાં સામેલ થયા હતા અને તેમને અંગ્રેજોએ ફાંસી આપવામાં આવી હતી.

 

 

 

કન્નડ અભિનેતા ચેતન કુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

કન્નડ અભિનેતા અને સામાજિક કાર્યકર્તા ચેતન કુમારને મંગળવારે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં બેંગલુરુની એક અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વીટ કર્યા બાદ બેંગલુરુ પોલીસે ચેતનની ધરપકડ કરી હતી. અભિનેતાએ પોતાના ટ્વીટમાં હિન્દુત્વની ટીકા કરી હતી. બેંગ્લોર પોલીસે 21 માર્ચે ચેતનની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

ચેતન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

બેંગ્લોરના શિવકુમાર દ્વારા ચેતન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા) હેઠળ બેંગલુરુના શેષાદ્રિપુર પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં ચેતનના ટ્વીટને ટાંકવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે “હિંદુત્વ જૂઠાણા પર બાંધવામાં આવ્યું છે. સાવરકર – ભારતીય રાષ્ટ્રની શરૂઆત જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા – જૂઠ, બાબરી મસ્જિદ 1992 માં રામ જન્મભૂમિ છે – એક જૂઠ, 2023 ઉરીગૌડા-નાંજેગૌડા ટીપુના હત્યારા છે. અસત્ય, હિન્દુત્વને સત્યથી હરાવી શકાય છે – સત્ય સમાનતા છે.

ચેતન પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ફરિયાદીએ દાવો કર્યો હતો કે આ ટ્વિટ્સ દ્વારા ચેતને બહુમતી હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી, જાતિઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી અને કોમી રમખાણો ભડકાવી.

ચેતન સામે અગાઉ પણ કેસ નોંધાયેલો છે

કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત વિશે ટ્વિટ કરવા બદલ કન્નડ અભિનેતા પર ગયા વર્ષે ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે દીક્ષિત હિજાબ પ્રતિબંધ કેસની સુનાવણી કરતી બેન્ચનો ભાગ હતા. પોતાના ટ્વિટમાં ચેતને કહ્યું કે બળાત્કારના કેસમાં અવ્યવસ્થિત ટિપ્પણી કરનાર જસ્ટિસ દીક્ષિત હવે નક્કી કરી રહ્યા છે કે સરકારી શાળાઓમાં હિજાબ પહેરવાની છૂટ છે કે કેમ, અને પૂછ્યું કે શું તેમની પાસે આવું કરવાની કઈ રીત છે. ત્યાં સ્પષ્ટતા છે.

બે દિવસની તેજી બાદ શેર બજાર ફરી ઘટાડા સાથે બંધ

બે દિવસની તેજી બાદ શેરબજારમાં ફરી વેચવાલી ફરી વળી છે. રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કર્યા બાદ અને યુએસ શેરબજારમાં ભારે ઘટાડા છતાં ભારતીય બજારો સવારે તેજી સાથે ખુલ્યા હતા. પરંતુ યુરોપિયન માર્કેટમાં ઘટાડાની અસર બપોર બાદ ભારતીય બજારો પર પણ જોવા મળી હતી. બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 290 પોઈન્ટ ઘટીને 57,925 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 75 પોઈન્ટ ઘટીને 17,077 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી, એનર્જી સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરો પણ લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 વધ્યા અને 17 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 20 વધીને જ્યારે 30 ઘટીને બંધ થયા હતા.

વિદ્યાર્થીઓએ દવાઓ વિશે જાગરુકતા ફેલાવવા ‘માનવ કેપ્સ્યૂલ’ બનાવી

ગંગટોકઃ સિક્કિમ પ્રોફેશનલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ (SPCOPS) અને સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી (SPU)-ગંગટોકના વિદ્યાર્થીઓ દ્વારા જેનેરિક દવાઓ વિશે જાગરુકતા ફેલાવવા માટે ‘સૌથી નાની માનવ કેપ્સ્યૂલ’ બનાવવાનો રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવીને કર્યો છે. સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટીની સિક્કિમ પ્રોફેશનલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ (SPCOPS)ના કુલ 70 વિદ્યાર્થીઓએ નવ ડિસેમ્બર, 2022એ કેમ્પસમાં જેનેરિક દવાઓ વિશે જાગરુકતા ફેલાવવા માટે એક નાની માનવ કેપ્સ્યૂલ બનાવી હતી.

એશિયા બુક ઓફ રેકોર્ડસે ત્રીજી જાન્યુઆરી, 2023એ આ રેકોર્ડની પુષ્ટિ કરી હતી અને 23-3-2023એ સિક્કિમ પ્રોફેશનલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ (SPCOPS), સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી (SPU)ના એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધી રેકોર્ડ નોંધ્યો હતો.

સિક્કિમ પ્રોફેશનલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ (SPCOPS), સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી (SPU)ની આ સફળતા માટે કુલ સચિવ પ્રોફેસર રમેશકુમાર રાવત, સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટીની વિવિધ કોલેજોના બધા શિક્ષણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ (SPCOPS)ના બધા વિદ્યાર્થીઓએ અને ફેકલ્ટીના સભ્યોને આ સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.

 

 

 

 

– તો કેલિફોર્નિયામાં જાતિ-આધારિત ભેદભાવનો અંત આવી જશે

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના એક અફઘાન-અમેરિકન ધારાસભ્યએ જાતિ-આધારિત ભેદભાવ રાખવાની વૃત્તિને ગેરકાયદેસર જાહેર કરવા માટેનો એક પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો છે. જો એ પાસ થઈ જશે તો જાતિ-આધારિત ભેદભાવને ગેરકાયદેસર બનાવનાર અમેરિકાનું પહેલું રાજ્ય બનશે.

આ ખરડો ડેમોક્રેટિક પાર્ટીનાં સેનેટર આઈશા વહાબે તૈયાર કર્યો છે અને રજૂ કર્યો છે. એમણે તેમાં એવું સૂચન કર્યું છે કે કેલિફોર્નિયામાં અમલમાં મૂકાયેલા ભેદભાવ-વિરોધી કાયદાઓમાં કોઈ વ્યક્તિના લિંગ, વંશ અને વિકલાંગતાની સાથે જાતિનો પણ સંરક્ષિત શ્રેણી તરીકે ઉમેરો કરવો જોઈએ. ગયા મહિને સીએટલ શહેરમાં સ્થાનિક પરિષદે મૌખિક મતદાન દ્વારા જાતિ-આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો હતો. આવું કરનાર સીએટલ અમેરિકાનું પ્રથમ શહેર બન્યું છે.

રોહિત શર્માએ હારનું ‘ઠીકરું’ ટીમ પર ફોડ્યું

ચેન્નઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે અને છેલ્લીમાં 21 રને હાર્યા પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ હારનું ઠીકરું સામૂહિક નિષ્ફળતાને આપ્યું છે. રોહિત શર્માએ ટીમની બેટિંગને જવાબદાર ઠેરવી છે, જેથી ટીમે ત્રણ મેચોની શૃંખલા 1-2થી ગુમાવી છે. રોહિતે મેચ પછી કહ્યું હતું કે મને નથી લાગતું કે લક્ષ્ય બહુ મોટું હતું.વિકેટ બીજી ઇનિંગ્સમાં થોડી પડકારજનક હતી, પણ મને નથી લાગતું કે અમે સારી બેટિંગ કરી હતી. ભાગીદારી મહત્ત્વની હોય છે અને અમે એ બનાવવામાં અસફળ રહ્યા હતા.

તેણે કહ્યું હતું કે અમે જે રીતે આઉટ થયા છે, તે નિરાશાજનક રહ્યું હતું. અને આવી જ વિકેટ પર રમતા મોટા થયા છીએ. તેણે કહ્યું હતું કે મહત્ત્વનું એ હતું કે એક બેટ્સમેન અંત સુધી રમતો રહે, પણ અમે બધા સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે જાન્યુઆરીથી નવ વનડે રમી હતી. અમે એમાંથી ઘણી સકારાત્મક બાબતો લઈ શકીએ છીએ. એ સંપૂર્ણ ટીમની હાર છે.

એડમ જમ્પાએ 45 રન આપીને ચાર વિકેટ લઈને સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. મને અહીં સફળતા મળી છે. અહીં રમવું મોટો પડકાર છે, એમ તેણે કહ્યું હતું. એશટન એગરે મેચનું પાસું પલટી કાઢ્યું હતું. મિચેલ માર્શને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો, જેણે ત્રણ મેચોમાં 194 રન બનાવ્યા હતા.

 

 

 

કમ્પ્યુટર એક્સેસરીઝનું વેચાણ ઘટી જતાં લોજિટેક કંપનીએ 300 કર્મચારીઓને છૂટાં કર્યાં

જ્યૂરિકઃ દુનિયાના ઈલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી ઉદ્યોગમાં સ્વિટ્ઝરલેન્ડની વિશ્વવિખ્યાત કંપની લોજિટેકે દુનિયાભરમાં પડકારરૂપ બની ગયેલી આર્થિક મંદીને કારણે 300 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. આ કંપની કમ્પ્યુટરના છૂટાં ભાગો બનાવે છે જેમ કે, કીબોર્ડ, માઉસ, રીમોટ કન્ટ્રોલ, સિક્યુરિટી કેમેરા, વેબકેમ્સ, કમ્પ્યુટર સ્પીકર વગેરે.

લોજિટેક પાસે 2022ના માર્ચમાં 8,200 કર્મચારીઓ હતા. કંપનીના પ્રેસિડન્ટ અને સીઈઓ બ્રેકેન ડેરેલે કહ્યું છે કે ધંધામાં ખૂબ મંદી આવી ગઈ છે.

રેલવેએ AC-3 ટિયર ઇકોનોમી ટિકિટના ભાડામાં કાપ મૂક્યો

નવી દિલ્હીઃ રેલવેએ AC-3 ઇકોનોમી ક્લાસનું ભાડું સસ્તું કરી દીધું છે. એ સાથે બેડિંગ રોલની વ્યવસ્થા પહેલાંની જેમ લાગુ રહેશે. હવે AC-3 ઇકોનોમી કોચમાં પ્રવાસ કરવું ફરીથી સસ્તું કરી દેવામાં આવ્યું છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા સર્કયુલર મુજબ જૂની વ્યવસ્થાને ફરીથી સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

પહેલાંના એક સર્ક્યુલર જેમાં AC-3 ટિયર ઇકોનોમી ક્લાસની ટિકિટની કિંમત AC 3-ટિયર ટિકિટની કિંમતના બરાબર નિર્ધારિત કરવામાં આવી હતી. જે પ્રારંભમાં ઇકોનોમી એરકન્ડિશન્ડ ક્લાસમાં ઓફર કરવામાં નહોતી આવી, પણ મર્જરને કારણે નક્કી કરવામાં આવી હતી.

આ આદેશ મુજબ જે યાત્રીઓએ ઓનલાઇન અને કાઉન્ટરથી ટિકિટ બુક કરાવી છે, તેમને પહેલેથી ટિકિટ માટે વધારાની રકમ રિફન્ડ કરવામાં આવશે. રેલવેએ સપ્ટેમ્બર, 2021માં 3Eને એક શ્રેણીમાં રજૂ કરવાની ઘોષણા કરી હતી. બુધવારથી એ નિર્ણય લાગુ થયો છે, એમ રેલવે અધિકારીઓએ કહ્યું હતું.

નવા આદેશ મુજબ ઈકોનોમી ક્લાસ સીટનું એ ભાડું સામાન્ય ACથી ઓછું છે. ગયા વર્ષે રેલવે બોર્ડે એક સર્ક્યુલર જારી કર્યો હતો, એમાં AC-3 ઇકોનોમી કોચ અને AC-3 કોચનું ભાડું બરાબર કરી દીધું છે. નવા સર્ક્યુલર મુજબ ભાડું ઓછું થતાંની સાથે ઇકોનોમી કોચમાં પહેલાંની જેમ કાંબળો અને આદર આપવાની વ્યવસ્થા લાગુ રહેશે.

 

 

શુકન-અપશુકન… છીંક-બિલાડી

આવતા અઠવાડિયે (30 માર્ચ, 2023) રામનવમી છે અને આ જ દિવસે રામજન્મભૂમિ અયોધ્યા પાસે આવેલા એક નાનકડા ગામ, છપૈયા ગામમાં ૩ એપ્રિલ, ૧૭૮૧ની રાત્રિએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. આથી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો રામનવમીને સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઊજવે છે. ભગવાન સ્વામિનારાયણે ૧૮૦૬ની સાલમાં પોતાના ભક્તોને એક પત્ર લખીને જણાવેલું કે ‘ભગવાન સિવાય કોઈ પણ, કોઈને મા૨વા, જિવાડવા કે દુઃખ દેવા સમર્થ નથી. જો ટુચકાવાળાનું ચાલતું હોય તો રાજા લશ્કર શા માટે રાખે? એક ટુચકાવાળાને જ ન રાખે? માટે નિર્ભય રહી ભગવાનને સર્વ કર્તાહર્તા સમજી ભજન કરજો.’

ટુચકો એટલે આમ તો રસ પડે એવો નાનકડો વાર્તાપ્રસંગ કે ઍનેક્ડૉટ એવો થાય છે, પણ એનો બીજો અર્થ થાય છેઃ મંતરજંતરનો પ્રયોગ. સ્વામિનારાયણ ભગવાન ભક્તોને એ કહેવા માગતા હતા કે સાચી શ્રદ્ધા આ જ છે. તમામ ધર્મોનો પણ આ જ મત છે કે કોઈ વાતે ગભરાવું નહીં અને એક ભગવાનમાં શ્રદ્ધા દઢ કરવી.

કમનસીબે આજે માનવી જેટલો પ્રગતિશીલ થતો જાય છે એટલો જ વહેમની દુનિયામાં વધુ ને વધુ અટવાતો જાય છે. દરરોજ આવા કોઈ ને કોઈ કિસ્સા જોવા-સાંભળવા-વાંચવા મળે છે.

વહેમની એક અલગ દુનિયા છે. જો કે વહેમમાં પડવું જેટલું સહેલું છે તેટલું વહેમને સમજવું અઘરું છે કેમ કે વહેમની જુદી જુદી ભાષા, પરિભાષા પ્રચલિત છે. આપણે ઘણી વાર સાંભળીએ છીએઃ ‘જોજે, તું એ વહેમમાં ન રહેતો…’ આ વાક્યમાં ધમકીની તીવ્રતા વરતાય છે. કોઈ વળી એમ કહે છે કે ‘આને તો ફ્લાણા ફિલ્મસ્ટારનો વહેમ છે.’ અર્થાત્  એ વ્યક્તિની કોઈ સેલિબ્રિટીની કૉપી કરવાની ઈચ્છા જણાવે છે.

ભગવદ્ ગોમંડલ અને અન્ય કોશો વહેમને અંધશ્રદ્ધા, કુશંકા અને ભ્રમણા રૂપે સમજાવે છે. કાલાંતરે વિજ્ઞાનની સીમાથી બહાર અનેક મનઘડંત રિવાજો વ્યાપક બન્યા, જેમાંથી અતિ વિકસિત અને સમૃદ્ધ દેશો પણ બાકાત નથી. જેમ કે અમેરિકામાં લોકો ૧૩નો અંક અપશુકનિયાળ ગણે છે. કેટલીય ઍરલાઈન્સમાં ૧૩ નંબરની સીટ જોવા ન મળે. જાપાનમાં ૪નો અંક અપશુકનિયાળ ગણાય છે. ભારતની વાત નિરાળી છે. અહીં બિલાડી સામે આવે તો રસ્તો બદલી દેવામાં આવે છે. ઘરેથી બહાર નીકળતાં છીંક આવે તો બહાર જવાનું પણ ટાળી દેવામાં આવે છે. નવી ગાડી કે ઘર લેવામાં આવે ત્યારે નજર ના લાગે તે માટે લીંબુ અને મરચાં લટકાવતાં હોય છે. કોઈ વળી ઘરની બારસાખ પર ઘોડાની નાળ કે મંત્રેલાં ઢીંગલા-ઢીંગલી લટકાવતાં હોય છે. કુંડાળામાં પગ પડી ગયો, ડાબો પગ પહેલાં બહાર મૂકવાથી દુ:ખ આવ્યું જેવા અનેક વહેમ આપણને મનથી અસ્થિર અને ભૌતિક દૃષ્ટિએ કંગાળ બનાવે છે.

આવી શુકન-અપશુકન કે છીંક-બિલાડી જેવી ખીંટીઓ પર પોતાનાં જીવન ટિંગાડતાં રહીને હજારો લોકોએ લાખો તકો ગુમાવી છે, લાખો લોકોએ કરોડો કલાકો આવી રીતે વહેમના કારાગૃહમાં વિતાવી દીધા છે. અને વહેમને જ્યારે શ્રદ્ધા અને અધ્યાત્મના આવરણ નીચે ખીલવવામાં આવે ત્યારે વધુ દુ:ખ થાય. આ બાબત બે રીતે ઘાતક છે. એક તો ધર્મની ધજા નીચે ચાલતી વહેમની વિધિમાં ગરીબ માણસો પણ લાખો રૂપિયાનો ધુમાડો કરતા અચકાતા નથી અને બીજું, નવી પેઢીમાંથી આધ્યાત્મિક શ્રદ્ધાની નનામી ઊઠી જાય છે.

ખરેખર, અહીં વહેમ શ્રદ્ધાની ભૂમિમાંથી જીવનરસ લઈને અંધશ્રદ્ધાનાં ફૂલ ખીલવે છે. પરિણામે તે વધુ જડ બને છે. વળી, આપણે ત્યાં જેટલા લાગણીશીલ અને પ્રેમી માણસો છે તેવા બીજે મળવા મુશ્કેલ છે, પરંતુ યાદ રાખીએ કે લાગણીશીલ ઉપજાઉ હૃદય-ધરતી ઉપર વહેમનો વિપુલ પાક ફળતાં વાર નથી લાગતી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

માનહાનિ કેસઃ રાહુલ ગાંધીને બે વર્ષની સજા, જામીન પર છુટકારો

સુરતઃ લોકસભા ચૂંટણી 2019માં કર્ણાટકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટકવાળા નિવેદનને લઈને માનહાનિના એક કેસમાં રાજ્યની સુરત સેશન્સ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે. તેમને આ કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે તેમને રૂ. 1000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે તેમને આ જ કોર્ટમાંથી રૂ. 10,000માં જામીન મળી ગયા છે. જોકે તેમની આ સજા પર કોર્ટે 30 દિવસનો સ્ટે લગાવ્યો છે. જેથી તેઓ ઉપલી કોર્ટમાં જઈ શકે.

રાહુલ ગાંધીના વકીલ બાબુ માંગુકિયાએ કોર્ટમાંથી બહાર આવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે  કોર્ટે કલમ 499 અને 500 હેઠળ રાહુલ ગાંધીને બે વર્ષની સજાનું એલાન કર્યું હતું. જોકે તેમને સંભળાવાયેલી સજા પર 30 દિવસનો સ્ટે આપવામાં આવ્યો છે, અને કોર્ટે તેમને જામીન આપી દીધા છે. કોંગ્રેસ દ્વારા નીચલી કોર્ટના ફેસલાને ઉપલી કોર્ટમાં પડકારવાનું પણ એલાન કરવામાં આવ્યું છે.

કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં કોઈ ઇરાદાપૂર્વક નિવેદન આપ્યું નથી. મારો ઇરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. કોઈને અપમાનિત કરવાનો મારો હેતુ ન હતો. હું નામદાર કોર્ટના ચુકાદાને આવકારું છું.

રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના બેંગલુરુ પાસે કોલારમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ચૂંટણી સભામાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે. મોદીની અટક અંગે રાહુલના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. માનહાનિના આ કેસમાં સુરતની કોર્ટે આજે ચુકાદો આપીને રાહુલ ગાંધીને IPC 504 મુજબ સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા છે.

બચાવ પક્ષના વકીલે રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જ કહ્યું હતું કે અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જોકે અમને પૂર્ણ ભરોસો છે કે હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે. ફરિયાદી પક્ષ વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે કાયદાના ઘડનારા જ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને માફ કરી શકાય નહીં. જેથી તેમને સજા થાય એ માટેની દલીલ કરવામાં આવી છે.