નવજોતસિંહ સિધુના પત્નીને સ્ટેજ-2 કેન્સર છે

અમૃતસરઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર અને પંજાબના ભૂતપૂર્વ પ્રધાન નવજોતસિંહ સિધુના પત્ની નવજોતકૌરને કેન્સર થયું છે. આ જાણકારી ખુદ નવજોતકૌરે આપી છે. સોશિયલ મિડિયાના માધ્યમથી એમણે કહ્યું છે કે પોતાને સ્ટેજ-2 કેન્સર થયું છે. અમૃતસરના ભૂતપૂર્વ વિધાનસભ્ય સિધુ 1988ની સાલના રસ્તા પર મારામારીમાં નિપજેલા એક જણના મરણના કેસમાં હાલ પટિયાલા સેન્ટ્રલ જેલમાં એક વર્ષની સજા ભોગવી રહ્યા છે. એમને ગયા વર્ષની 20 મેએ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

22 માર્ચે એમણે પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર પતિ માટે એક ભાવુક પોસ્ટમાં લખ્યું છેઃ ‘તમારી રાહ જોઈ રહી છું. હું જોઉં છું કે તમે નિર્દોષ હોવા છતાં તમારે સજા ભોગવવી પડી રહી છે. સત્ય બહુ શક્તિશાળી હોય છે, પરંતુ એ વારંવાર પરીક્ષા લે છે.’

બીજા ટ્વીટમાં એમણે લખ્યું છે, ‘કળિયુગ છે. સોરી, હું રાહ જોઈ શકું એમ નથી, કારણ કે સ્ટેજ-2નું કેન્સર છે. અને આજે એ માટે સર્જરી કરાવવાની છે. કોઈને દોષ દેવો નથી, કારણ કે આ ઈશ્વરની મરજી છેઃ પરફેક્ટ.’