રાહુલ ગાંધી લોકસભામાં ‘અયોગ્ય’ ઘોષિત; સાંસદપદ રદ

નવી દિલ્હીઃ 2019માં કર્ણાટકમાં એક ચૂંટણી પ્રચાર સભા વખતે મોદી અટક વિરુદ્ધ નિવેદન કરીને મોઢવણિક સમાજની બદનક્ષી કરવાના કેસમાં બે વર્ષની જેલની સજા પામેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત લોકસભા સચિવાલય દ્વારા કરવામાં આવી છે. 2019માં રાહુલ ગાંધી કેરળના વાયનાડમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. સુરત-પશ્ચિમના ભાજપના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલા કેસમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ. વર્માએ ગઈ કાલે રાહુલને ગુનેગાર જાહેર કરીને બે વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી. જોકે રાહુલ આ ચુકાદા સામે અપીલમાં જઈ શકે એ માટે તેમને જામીન પર છોડ્યા છે અને સજાને એક મહિના માટે મોકૂફ કરી છે.

52 વર્ષીય રાહુલ ગાંધીએ 2019ની 13 એપ્રિલે કર્ણાટકના કોલાર ખાતે કોંગ્રેસના એક ચૂંટણી ઉમેદવારના પ્રચાર વખતે એમ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? એમણે આમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા સાથે કરી હતી.

સુરતની કોર્ટે ગઈ કાલે રાહુલને અપરાધી જાહેર કરી સજા ફરમાવી એ સાથે જ એમનું સંસદસભ્ય જોખમમાં આવી ગયું હતું. કાયદા અનુસાર, જો કોઈ સભ્યને બે વર્ષ કે એનાથી વધારે મુદતની જેલની સજા કરાય તો અપરાધી ઘોષિત કરાયાની તારીખથી અયોગ્ય ઘોષિત કરવામાં આવે છે અને તે વ્યક્તિ સજા પૂરી થયા બાદ જનપ્રતિનિધિ બનવા માટે છ વર્ષ સુધી અયોગ્ય રહે છે. રાહુલ ગાંધી છ વર્ષ સુધી એકેય ચૂંટણી લડી નહીં શકે.