Home Blog Page 2603

સની દેઓલની ગદર 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, OMG 2 ને પછાડી

ગદર 2 એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અક્ષયને OMG 2 માટે પણ ઘણી આશા હતી, પરંતુ ગદર 2 સામે અક્ષયની ફિલ્મ નિષ્ફળ સાબિત થઈ રહી છે. સની દેઓલની ગદર 2 એ દરેક જગ્યાએ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે. ચાહકો ફિલ્મ પાછળ પાગલ થતા જોવા મળે છે. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે અઠવાડિયાના દિવસોમાં પણ ફિલ્મ જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે.

 

સની દેઓલની ફિલ્મ જોવા માટે લોકો પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છઠ્ઠા દિવસે ફિલ્મે ઘણી કમાણી કરી છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી ગદર 2 એ શરૂઆતના દિવસે 40.1 કરોડ, બીજા દિવસે 40.08 કરોડ અને ત્રીજા દિવસે 51.7 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે ચોથા દિવસે એટલે કે પહેલા સોમવારે 38.7 કરોડ અને મંગળવારે 55.40 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે પાંચ દિવસમાં 228 કરોડની કમાણી કરી લીધી છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે 27 કરોડની કમાણી કરી શકે છે. આવી સ્થિતિમાં સની દેઓલની આ ફિલ્મ 6 દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી જશે.

હવે OMG 2 ની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મે પહેલા શુક્રવારે 10.26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શનિવારે એટલે કે બીજા દિવસે ફિલ્મે 15.3 કરોડની કમાણી કરી હતી. રવિવારે ત્રીજા દિવસે ફિલ્મે 17.55 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ સોમવારે ચોથા દિવસે તેણે 12.06 કરોડની કમાણી કરી હતી. અક્ષયની ફિલ્મે 5માં દિવસે એટલે કે મંગળવારે 17.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે આ ફિલ્મ 7 કરોડની કમાણી કરી શકે છે. આવી સ્થિતિમાં અક્ષયની ફિલ્મની કુલ કમાણી – 79.27 કરોડ છે.

સરકારની 170 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરવાની યોજના

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મિટિંગમાં ઈ-બસ સેવા માટે રૂ. 63,000 કરોડની રકમને મંજૂરી આપી છે. સરકારની દેશનાં 170 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરવાની યોજના છે. આ ઈ-બસ સેવા PPP મોડલ દ્વારા ચલાવવામાં આવશે. આ યોજનાંમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની પણ ભાગીદારી હશે. ટિયર-2,3 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરાશે.

આ શહેરોમાં ઈ-બસ સ્કીમમાં રૂ. 20,000 કરોડ કેન્દ્ર સરકાર આપશે. સરકાર 170 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરશે, જેમાં ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરશે. સરકારે આશરે બે વર્ષ પહેલાં ઈ-બસ સેવા યોજનાનું એલાન કર્યું હતું. હજી હાલમાં જ સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ આ યોજનામાં વિલંબ બદલ સરકારની ટીકા કરી હતી. ત્યાર બાદ સરકાર એક્શનમાં આવી છે, જેનાથી આજે થયેલી કેબિનેટ બેઠકમાં આ ઈ-બસ સેવાની યોજનાની રકમને મંજૂરી આપવામાં આવી હતી. સરકારની આ યોજનાથી શેરબજારમાં ઓટો કંપનીઓના શેરોમાં તેજી આવી હતી.

આ સાથે કેબિનેટ બેઠકમાં રેલવેથી જોડાયેલા સાત પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર આશરે રૂ. 20,000 કરોડ ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

વિશ્વકર્મા યોજનાને મંજૂરી

વડા પ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં વિસ્વકર્મા યોજનાનું એલાન કર્યું હતું. આ યોજનાને આજે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, જેથી આ યોજના હેઠળ મિસ્ત્રી, વાળંદ અને સોનીકામ કરતા લોકોને આર્થિક મદદ કરવામાં આવશે.

 

 

 

 

 

 

બ્રિટિશ PM ઋષિ સુનકે મોરારી બાપુની રામકથામાં હાજરી આપી

કેમ્બ્રિજઃ બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રાંગણમાં આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુની રામકથામાં સામેલ થયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ અહીં એક હિન્દુ તરીકે ઉપસ્થિત છે, ના કે વડા પ્રધાન તરીકે. તેમણે મોરારી બાપુની વ્યાસપીઠ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા અને ‘જય સિયારામ’નો ઉદઘોષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતની સ્વતંત્રતાના દિવસે રામકથામાં ઉપસ્થિત રહેવું સન્માન અને આનંદની વાત છે. બાપુએ વડા પ્રધાન સુનકને શિવલિંગની ભેટ આપી હતી.

તેમણે કહ્યું હતું કે મારા માટે આસ્થા વ્યક્તિગત મામલો છે. એ મારા જીવનના દરેક પાસામાં મારું માર્ગદર્શન કરે છે. વડા પ્રધાન બનવું એ મોટા સન્માનની વાત છે, પરંતુ એ કોઈ સરળ વાત નથી. અમારે આકરા નિર્ણયો લેવા પડે છે અને મને વિશ્વાસ છે કે દેશ માટે સૌથી સારું કરવા માટે સાહસ અને શક્તિ મળી રહે છે.

મારા માટે ભગવાન રામ હંમેશાં જીવનના પડકારોનું સાહસની સાથે સામનો કરવો, વિનમ્રતાની સાથે શાસન કરવું અને નિસ્વાર્થ ભાવે કામ કરવા માટે એક પ્રેરણાદાયી વ્યક્તિ રહેશે. હું એ પ્રકારે નેતૃત્વ કરવાની ઇચ્છા ધરાવું છે, જે પ્રકારે હિન્દુ ધર્મગ્રંથોએ નેતાઓને નેતૃત્વ શીખાડ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે જ્યારે હું ચાન્સેલર હતો, ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટ પર દીવા પ્રગટાવવા એ અદભુત અને વિશેષ ક્ષણ હતી. મને ગર્વ છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મારા ટેબલ પર ભગવાન ગણેશની સોનાની મૂર્તિ છે.

 

 

 

 

 

શ્રી શ્રી રવિશંકર: શાંતિની ગહનતા

માત્ર એક તંદુરસ્ત કળી જ ખીલી શકે એ જ રીતે, માત્ર એક તંદુરસ્ત વ્યક્તિ જ સફળ થઈ શકે છે. તો, તંદુરસ્ત હોવું એટલે શું? જો તમને અંદરથી અસંતુલિત લાગતું હોય તો તમે તંદુરસ્ત નથી; જો મન અક્કડ હોય અને શાંતના હોય તો તમે માનસિક રીતે તંદુરસ્ત નથી. જો લાગણીઓ કડવાશ ભરેલી હોય તો તમે ભાવનાત્મક રીતે તંદુરસ્ત નથી. તંદુરસ્તીની સંપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા વ્યક્તિએ મનથી શાંત અને સ્થિર તથા ભાવનાત્મક રીતે માયાળુ રહેવું જોઈએ. તંદુરસ્તીની અવસ્થા તમારા સૌથી અંદરના સ્તરમાંથી વિપરીતપણે સૌથી બહારની તરફ વહેવી જોઈએ. એ અવસ્થાને સંસ્કૃતમાં સ્વાસ્થ્ય કહેવાય છે.

સ્વાસ્થ્ય એટલે તંદુરસ્તી. એનો અર્થ પોતાનામાં સ્થાપિત એવો પણ થાય કે તંદુરસ્તી માત્ર શરીર કે મન સુધી સીમિત નથી;તે તમારી પાસે વૈશ્વિક મન કે ‘ઈન્દ્ર’ તરફથી ઉપહાર તરીકે આવ્યું છે. શું તમે એ બાબતની નોંધ લીધી છે? જ્યારે તમે કોઈ એવી જગ્યાએ જાવ છો જ્યાં કોઈ અત્યંત વ્યાકુળ કે તનાવયુક્ત વ્યક્તિએ થોડો સમય પસાર કર્યો છે તો ત્યાં કોઈ જ કારણ વગર તમને વ્યાકુળતા લાગવા માંડશે, ભલે એ તનાવવાળી વ્યક્તિ હવે ત્યાં ના હોય. એ જ પ્રકારની લાગણીઓ અને વિચારો તમને આવે છે. એ જ પ્રમાણે જ્યાં સંવાદિત સ્પંદનો હોય,જેમ કે, સત્સંગ થતો હોય એ જગ્યાએ, તમને સારું લાગશે. આમ, લાગણીઓ કોઈના શરીર સુધી સીમિત નથી હોતી, તે બધે ફેલાયેલી હોય છે.

એ જ રીતે શ્વાસ અને મનનું પણ એવું જ હોય છે. તે આખા વાતાવરણમાં વ્યાપ્ત છે કારણ કે મન પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને અવકાશ એ પંચમહાભૂત કરતા સૂક્ષ્મ છે. દા.ત., ક્યાંક અગ્નિ સળગે છે તો તેની ગરમી માત્ર આગમાં જ નથી હોતી તે ત્યાંની બધી જગ્યાએ ફેલાય છે.

હવા તેના કરતાં પણ સૂક્ષ્મ છે અને સર્વત્ર વ્યાપ્ત છે. તમે જો દુખી કે હતાશ હોવ તો એવું નહીં થાય કે તમે જ માત્ર હશો જેને એવી લાગણી થતી હશે; તમે તેને આખા વાતાવરણમાં ફેલાવતા હશો. ભવિષ્યમાં એવો સમય આવી શકે છે જ્યારે લોકોને હતાશ થવા માટે દંડ થઈ શકે છે કારણ કે તેઓ ભાવનાત્મક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે! પરંતુ આપણે એને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ? એ મૂળભૂત પ્રશ્ન છે અને એનો જવાબ છે ધ્યાન. ધ્યાન, પ્રાણાયામ અને એ પ્રકારની પ્રક્રિયાઓનો મૂળ આશય પ્રાણ ઊર્જા વધારવાનો છે. પ્રાણ લાગણીઓ કરતાં સૂક્ષ્મ છે. જ્યારે તમે સૌથી સૂક્ષ્મ છે તેને સંભાળી લો છો ત્યારે સ્થૂળ બરોબર થઈ જાય છે. તમે શ્વાસનું ધ્યાન રાખો તો શરીરને સારી તંદુરસ્તી મળે છે.

પૌરાણિક સમયમાં સામૂહિક ચેતના વ્યક્તિને સ્વાસ્થ્ય બક્ષે અને તે પોતાનામાં પુનઃસ્થાપિત થાય તેવું પ્રાર્થના થકી થતું. વ્યક્તિ હંમેશા કેન્દ્રિત, ખુશીસભર અને સુખી રહેવી જોઈએ. વ્યક્તિ જેને પણ મળે તો તે બીજી વ્યક્તિ પણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય એવું હોવું જોઈએ. આ અગત્યનું છે કારણ કે તમે તમારી આસપાસના લોકો પાસેથી જે વાતો સાંભળો છો તેની તમારા મનની અવસ્થા પર અસર થાય છે. તે તમને કાં તો શાંતિ અને ખુશી આપે છે અથવા ખળભળાટ ઊભો કરે છે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે લોકો જ્યારે એવું કંઈ બોલે છે જેનાથી આપણામાં ઈર્ષ્યા, ગુસ્સો, હતાશા કે દુખ જન્મે છે તો આપણામાં ઉત્પન્ન થયેલી નકારાત્મકતા માટે આપણે તેમને જવાબદાર ઠેરવીએ છીએ. આપણે જ તેના માટે જવાબદાર છીએ કારણ કે એ પ્રક્રિયામાં આપણે પ્રદાન કરી રહ્યા છીએ. આપણું મન કેન્દ્રિત અને સંતુલિત નથી હોતું, એને લીધે આપણને અસર થાય છે.

એક વાર તમે અંદરથી ખીલી જાવ તો તમે કોઈ પણ અપમાનને પચાવી શકો છો અને તેને પોતાના ફાયદામાં ફેરવી શકો છો. સમજો કે લોકો પોતાનો તનાવ, ચિંતા અને વ્યગ્રતા ઠાલવી રહ્યા છે. જ્યારે લોકો તમારી સાથે ઊંચા અવાજે બોલે કે ગુસ્સો કરે તો તમને એ માટે સારું લાગવું જોઈએ કે તેમનામાં જે બધું એકત્રિત થઈ રહ્યું છે તે બહાર આવી રહ્યું છે. હું એવું નથી કહેતો કે આપણે આ વૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ કે યોગ્ય માનવી જોઈએ. જ્યારે એવું થાય ત્યારે તેનો રંજ ના કરો. આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ? આપણે પસ્તાવો કર્યા કરીએ છીએ અને ફરીથી એ જ ભૂલ કરી બેસીએ છીએ.

જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ કરે છે ત્યારે પણ તે ગુનેગાર નથી હોતી; તેનામાંનો તનાવ તેને તે ભૂલ કરાવે છે. એકવાર આપણે જો આપણા તનાવમાંથી બહાર આવીએ તો કોઈ ગુનેગાર રહેતો નથી;જેને માફ કરવું પડે એવું કોઈ રહેતું નથી. ત્યારે આપણને ખ્યાલ આવવા લાગે છે કે આ આખો એક ખેલ માત્ર છે જેમાં કોઈ નથી વિજયી કે નથી હારનાર. આ માત્ર ખેલ છે!

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

લોકલ ટ્રેનોમાં બેસાડાશે આધુનિક એક્સિડન્ટ એલર્ટ સિસ્ટમ

મુંબઈઃ એક મહત્ત્વપૂર્ણ પહેલરૂપે મધ્ય રેલવેએ મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં માનવ ભૂલને કારણે અકસ્માતો, અથડામણ અને ડીરેલમેન્ટ રોકવા માટે અને પ્રવાસીઓની સુરક્ષા વધારવા માટે ઓડિયો એલર્ટ સિસ્ટમ બેસાડવાનું શરૂ કર્યું છે.

આ સિસ્ટમ મોટરમેનના કોચની અંદર બેસાડવામાં આવે છે, જે EMU (લોકલ) ટ્રેનની સફર દરમિયાન કોઈ અકસ્માત વિશે મોટરમેનને લાલ સિગ્નલ રૂપે એલર્ટ આપશે. સિસ્ટમ મોટરમેનને સાવચેત કરશે કે હવે પછીનું રેલવે સિગ્નલ લાલ છે. પરિણામે તે ટ્રેનને એ પહેલા જ ઊભી રાખી દેશે.

પારસીઓનું નવું વર્ષ ‘નવરોજ’

શહેરના ખમાસા વિસ્તારમાં આવેલી પારસી અગિયારી માં 16 ઓગષ્ટ, બુધવાર ની વહેલી સવારથી જ નવરોઝ માટે લોકો ભેગા થયા. પવિત્ર અગ્નિ જ્યાં પૂજાય છે એ અગિયારી માં પારસી ભાઈ બહેનોએ નવા વર્ષ ની ઉજવણી કરી હતી.

ઐતિહાસિક રીતે જોઈએ તો મૂળ ઈરાન થી આવેલી અને સંજાણ બંદરે ઉતરી ભારત માં દૂધ માં સાંકરની જેમ ભળી ગયેલા પારસી સમુદાયે આગવી ઓળખ ઉભી કરે છે. ભારત દેશ માં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સંરક્ષણ ક્ષેત્ર સહિત અનેક જગ્યાએ પારસી સમુદાય ના લોકો નો મહત્વનો ફાળો છે. જેમાં દાદાભાઈ નવરોજજી, જમશેદજી ટાટા , જનરલ માનેક્સા જેવા અનેક મહાનુભાવો નો સમાવેશ થાય છે.

નવરોજ એટલે નવો દિવસ..પ્રકૃતિ ને ધન્યવાદ કરતો આ દિવસ છે. નવરોજ નો તહેવાર પારસી રાજા જમશેદ ના નામથી રાખવા માં આવ્યો હતો. પારસી રાજા જમશેદ દ્વારા શહેનશાહી કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું. આ સમુદાય ના લોકો માને છે જમશેદે દુનિયા ને તબાહ થતી બચાવી હતી. એની તાજપોશી નો ઉત્સવ મનાવાયો ત્યાર પછી આ તહેવાર રૂપે શરૂ થઇ હતી.

નવા વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે પારસીઓ જ્યાં પણ વસે છે ત્યાં અગિયારી માં જઈ પૂજા કરે છે. સગાં વહાલાં મિત્રો ને શુભેચ્છાઓ પાઠવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

અજિત-શરદ પવારની ગુપ્ત બેઠકઃ મોદી કેબિનેટમાં મંત્રીપદની ઓફર?

પુણેઃ હાલમાં મહારાષ્ટ્રના પુણેમાં NCP પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર વચ્ચે ગુપ્ત મિટિંગથી રાજકીય ગરમાવો આવ્યો છે. એક બિઝનેસમેનના નિવાસસ્થાને થયેલી આ બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયંત પાટિલ પણ હાજર હતા. આ બેઠકને પગલે તમામ અટકળો લગાવવામાં આવી રહી છે.

ભત્રીજા અજિત પવારે શરદ પવારને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવવાની રજૂઆત કરી હોવાની આશંકા છે. કોંગ્રેસની મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેએ મંગળવારે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવાર અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી અજિત પવારની સિક્રેટ મુલાકાત તેમની પાર્ટી માટે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના દરેક પક્ષના નેતા સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. જે ભાજપનો વિરોધ કરવા માટે તૈયાર છે.

નામ ના છાપવાની શરતે એક ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે ભત્રીજા કાકાને કેન્દ્રીય મંત્રીમંડળમાં કૃષિ મંત્રી અથવા નીતિ પંચના અધ્યક્ષ તરીકે સામેલ કરવાની ઓફર કરી હતી, જ્યારે સુપ્રિયા સુળે અને જયંત પાટિલને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં પદ આપવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ શરદ પવારે આ ઓફરને ફગાવતાં ભાજપ સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

જોકે આ મુદ્દે શિવસેના (UBT)ના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે અજિત પવાર એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર આપી શકે. અજિત પવારને પવાર સાહેબ બનાવ્યા છે, અજિત પવારે શરદ પવારને નથી બનાવ્યા. તેમનું કદ બહુ ઊંચું છે.

 

 

 

દલિત મહિલાની ભૂમિકા માટે રાધિકા આપ્ટેની પ્રશંસા

મુંબઈ: રોમેન્ટિક OTT શ્રેણી ‘મેઈડ ઈન હેવન’ની બીજી આવૃત્તિમાં અભિનેત્રી રાધિકા આપ્ટેએ ભજવેલી ભૂમિકાની ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે પ્રશંસા કરી છે. ‘મેઈડ ઈન હેવન 2’શોને ૧૦ ઓગસ્ટથી ઓટીટી પ્લેટફોર્મ એમેઝન પ્રાઈમ વિડિયો પર રિલીઝ કરવામાં આવ્યો છે. આમાં જાતિવાદ, શારીરિક અત્યાચાર, રંગભેદ, સજાતીય લગ્ન જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

આ શોના પાંચમા એપિસોડ – ‘ધ હાર્ટ સ્કિપ્ડ બીટ’માં દલિત-બૌદ્ધધર્મી લગ્નનો પ્રસંગ દર્શાવવામાં આવ્યો છે. રાધિકાએ આમાં પલ્લવી મેન્કે નામની યુવતીની ભૂમિકા ભજવી છે. પલ્લવી લેખિકા છે અને ઘણી સિદ્ધિઓ મેળવી છે, પરંતુ એને પોતાનાં લગ્નનાં આયોજનમાં મુશ્કેલી નડે છે, કારણ કે તે દલિત સમુદાયની હોવાથી એનાં ભાવિ સાસરિયાં એને સ્વીકારવાની ના પાડે છે. પ્રકાશ આંબેડકરે કહ્યું છે કે, ‘આ શોમાં પલ્લવી નામની દલિત મહિલાએ જે દ્રઢતાપૂર્વક પ્રતિકાર કર્યો છે તેનાથી મને આનંદ થયો છે. જેમણે આ એપિસોડ જોયો હોય એ તમામ વંચિત અને બહુજન લોકોને મારે એટલું જ કહેવાનું કે, તમારી ઓળખનો દ્રઢતાપૂર્વક દાવો કરજો અને તો જ તમને રાજકીય સ્તરે મહત્ત્વ પ્રાપ્ત કરી શકશો. પલ્લવીએ કહ્યાં મુજબ, બધું જ રાજકારણ છે, જય ભીમ.’

રાજ્યમાં અકસ્માતોની વણજારઃ ત્રણનાં મોત, 16 ઘાયલ

અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતોની વણજાર સર્જાઈ છે. રાજ્યમાં વાહનોચાલકો બેફામ બન્યા છે. રાજ્યમાં કુલ પાંચ અકસ્માતો થયા, જેમાં આ અકસ્માતોમાં ત્રણ જણનાં મોત થયાં છે, જ્યારે આશરે 16 લોકો ઘાયલ થયા છે.

બનાસકાંઠામાં દાદા-પુત્રનાં મોત

બનાસકાંઠામાં કારે અડફેટે લેતાં દાદા-પૌત્રનાં મોત થયાં છે. દાદા બે પૌત્ર સાથે દૂધ ભરાવવા જતા હતા, ત્યારે પૂરઝડપે આવતી કારે તેમને અડફેટે તેમને લેતાં એક પૌત્ર અને દાદાનાં મોત થયાં છે, જ્યારે એક પૌત્ર હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. જોકે આ  ઘટના CCTV કેમરામાં કેદ થઈ છે. કાળજું કંપાવનારી આ ઘટનામાં એક દીકરીનો થોડીક સેકન્ડ માટે જીવ બચી ગયો છે. તેની નજર સામે જ પિતા અને ભત્રીજાનું મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો છે.

નેશનલ પાલનપુર-આબુ રોડ હાઇવે એક કારે દાદા અને બંને પૌત્રને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર મારી હતી. જેમાં બેના મોત નીપજ્યા હતા અને એક પૌત્રને સ્થાનિકો દ્વારા તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે તત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. દાદા અને પૌત્રનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

લક્ઝરી બસને અકસ્માત

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પૂલ પાસે બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ બસને અકસ્માત નડ્યો હતો. આ લક્ઝરી બસમાં 26 મુસાફરો સવાર હતા. આ અકસ્માતને પગલે મહુવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

આ તમામ મુસાફરો મહેસાણાના રહેવાસી છે અને તેઓ ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રાએ જવા નીકળ્યા હતા. મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બસને અકસ્માત નડ્યો છે.અકસ્માતમાં બે મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ટ મહિલાને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે.

ખંભાળિયા પાસે ત્રણ અકસ્માત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા-જુદા ત્રણ સ્થળે અકસ્માત થયાં છે. જેમાં એકનું મોત થયું છે, જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ અકસ્માત ખંભાળિયા-દ્વારકા હાઈવે પર થયા છે.

પ્રથમ અકસ્માત લીંબડી નજીક બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે ત્રણ લોકોને સારવાર માટે ખંભાળિયા લઈ જવામાં આવ્યા છે. બીજી બાજુ સામોર ગામના પાટિયા નજીક બીજો અકસ્માત સર્જાયો, જેમાં પિકઅપ વાન ડિવાઇડર સાથે ટકરાતાં આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્રીજો અકસ્માત ખંભાળિયા માર્કેટ યાર્ડ નજીક ડાયવર્ઝનના પથ્થર સાથે કાર ટકરાતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

 

 

 

 

 

કોરાનાના 39 નવા કેસો, એકનું મોત     

 નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,313 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,922 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,021 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 60 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1450એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,206 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.41 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,58,448 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 95 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.