દલિત મહિલાની ભૂમિકા માટે રાધિકા આપ્ટેની પ્રશંસા

મુંબઈ: રોમેન્ટિક OTT શ્રેણી ‘મેઈડ ઈન હેવન’ની બીજી આવૃત્તિમાં અભિનેત્રી રાધિકા આપ્ટેએ ભજવેલી ભૂમિકાની ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે પ્રશંસા કરી છે. ‘મેઈડ ઈન હેવન 2’શોને ૧૦ ઓગસ્ટથી ઓટીટી પ્લેટફોર્મ એમેઝન પ્રાઈમ વિડિયો પર રિલીઝ કરવામાં આવ્યો છે. આમાં જાતિવાદ, શારીરિક અત્યાચાર, રંગભેદ, સજાતીય લગ્ન જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

આ શોના પાંચમા એપિસોડ – ‘ધ હાર્ટ સ્કિપ્ડ બીટ’માં દલિત-બૌદ્ધધર્મી લગ્નનો પ્રસંગ દર્શાવવામાં આવ્યો છે. રાધિકાએ આમાં પલ્લવી મેન્કે નામની યુવતીની ભૂમિકા ભજવી છે. પલ્લવી લેખિકા છે અને ઘણી સિદ્ધિઓ મેળવી છે, પરંતુ એને પોતાનાં લગ્નનાં આયોજનમાં મુશ્કેલી નડે છે, કારણ કે તે દલિત સમુદાયની હોવાથી એનાં ભાવિ સાસરિયાં એને સ્વીકારવાની ના પાડે છે. પ્રકાશ આંબેડકરે કહ્યું છે કે, ‘આ શોમાં પલ્લવી નામની દલિત મહિલાએ જે દ્રઢતાપૂર્વક પ્રતિકાર કર્યો છે તેનાથી મને આનંદ થયો છે. જેમણે આ એપિસોડ જોયો હોય એ તમામ વંચિત અને બહુજન લોકોને મારે એટલું જ કહેવાનું કે, તમારી ઓળખનો દ્રઢતાપૂર્વક દાવો કરજો અને તો જ તમને રાજકીય સ્તરે મહત્ત્વ પ્રાપ્ત કરી શકશો. પલ્લવીએ કહ્યાં મુજબ, બધું જ રાજકારણ છે, જય ભીમ.’