Home Blog Page 2602

અધિક માસે ભારે આસ્થાથી ઉત્સવ-મહોત્સવ ઊજવાયા

અમદાવાદઃ અધિક શ્રાવણ માસનો છેલ્લો દિવસ અમાસ શ્રદ્ધાળુઓ એ જુદી-જુદી રીતે ઊજવ્યો હતો. સોસાયટીઓ, ગામના શેરી મહોલ્લા અને મંદિરોમાં ભજન-કીર્તન કથા-વાચન અને અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. શ્રીરસરાજ પ્રભુને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પશ્ચિમ વિસ્તારમાં આવેલી વિવાન એમિનન્સ સહિત અનેક સોસાયટીઓમાં પુરુષોત્તમ માસ નિમિત્તે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પુરુષોત્તમ માસ પૂર્ણ થાય એ પૂર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નજીકનાં ધાર્મિક સ્થળો પાસેથી નીકળતી નદીના પવિત્ર આરાઓ પાસે સ્નાન કર્યુ હતું. અધિક શ્રાવણ માસ પછી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

સ્ટોક્સે ODI નિવૃત્તિ પાછી ખેંચી, ઈંગ્લેન્ડ ટીમમાં આનંદ

લંડનઃ આગામી આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-2023 સ્પર્ધા પૂર્વે ઈંગ્લેન્ડની ટીમને આજે એક મોટું બળ પ્રાપ્ત થયું છે. તેની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે 50-ઓવરોવાળી ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો પોતાનો નિર્ણય આજે ફેરવી નાખ્યો છે. એણે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી વન-ડે ટીમમાં પુનરાગમન કર્યું છે. ન્યૂઝીલેન્ડમાં ઈંગ્લેન્ડની ટીમ ચાર વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમવાની છે.

ઈંગ્લેન્ડના પસંદગીકાર લ્યૂક રાઈટે 15-સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્ટોક્સનું પણ નામ છે. સ્ટોક્સની ફટકાબાજી અને ઓલરાઉન્ડ દેખાવને કારણે જ ઈંગ્લેન્ડની ટીમ 2019માં લોર્ડ્સ ખાતે વર્લ્ડ કપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળ થઈ હતી.

ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગસ એટકીન્સન, જોની બેરસ્ટો, સેમ કરન, લિઆમ લિવિંગસ્ટોન, ડેવિડ માલન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપ્લી, ડેવિડ વિલી, માર્ક વૂડ અને ક્રિસ વોક્સ.

ઈંગ્લેન્ડ તેની વર્લ્ડ કપ ટીમ માટેની 20મી સપ્ટેમ્બર સુધીમાં ફેરફાર કરી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં અફેર, હાઉસવાઈફ અને ઈવ ટીઝિંગ જેવા શબ્દોનો ઉપયોગ નહીં થાય, SCએ નવી યાદી બહાર પાડી

સુપ્રીમ કોર્ટે બુધવારે એક હેન્ડબુકનું અનાવરણ કર્યું જેમાં એવા શબ્દો છે કે જે લિંગ સ્ટીરિયોટાઇપ્સને કાયમી બનાવે છે. એમ પણ કહ્યું કે કોર્ટમાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ. આ શબ્દોમાં અફેર, હાઉસવાઈફ પ્રોસ્ટિટ્યૂટ, ઈવ ટીઝિંગ જેવા શબ્દો પણ સામેલ છે જેને બદલવામાં આવ્યા છે. આ દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ હેન્ડબુક દ્વારા એ જાણવામાં મદદ મળશે કે કયા શબ્દો રૂઢિચુસ્ત છે અને તેમને કેવી રીતે ટાળી શકાય છે. તેમણે કહ્યું કે આ હેન્ડબુકમાં તે વાંધાજનક શબ્દોની યાદી છે. આ સાથે તેમની જગ્યાએ ઉપયોગમાં લેવાતા શબ્દો પણ જણાવવામાં આવ્યા છે.

CJIએ બીજું શું કહ્યું?

સીજેઆઈએ કહ્યું કે આ શબ્દોનો ઉપયોગ કોર્ટમાં દલીલો, આદેશો અને નકલ કરવા માટે થઈ શકે છે. આ હેન્ડબુક વકીલો તેમજ ન્યાયાધીશો માટે છે. આ પુસ્તિકામાં તે શબ્દો કહેવામાં આવ્યા છે જે અત્યાર સુધી કોર્ટમાં ઉપયોગમાં લેવાતા હતા. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું કે આ શબ્દો કેમ ખોટા છે. તેની મદદથી અમે મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ ટાળી શકીશું.

 

દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસે છે..

રક્તપિત્ત એટલે  કે કુષ્ઠરોગ જેનું નામ પડે ને આપણી નજર સમક્ષ જુગુપ્સાપ્રેરક માનવ ચહેરા તરી આવે. આ રોગથી પીડાતા લોકોને બહારના તો ઠીક પરંતુ ઘરના પણ અપનાવવા તૈયાર નથી હોતા. ત્યારે એમની માટે એક એવું ઘર છે જે પોતાનું કહી શકાય અને એ છે શ્રમ મંદિર.

રક્તપિત્તિયાઓનું નાનકડું ગામ..

કુદરતના અપાર સાનિધ્ય, ઘટાદાર વૃક્ષોની હારમાળા અને પાછળ ખળખળ વહેતી મહીસાગર નદી. નદીની કોતરમાંથી પસાર થતાં જાણે કે કોતરોની કેડીઓ આપણી સાથે વાત કરતી હોય એવો અહેસાસ થાય. જ્યારે આ કેડી પસાર કરી શ્રમ મંદિરમાં પ્રવેશ કરીએ તો ચોતરફ નીરવતા ની અનુભૂતિ થાય. અને શબ્દો સરી પડે કે દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસે છે. વડોદરાથી 18 કિ.મી ના અંતરે સીંધરોટ ગામ, ત્યાંની કોતરો નજીક 150 એકરમાં ફેલાયેલું છે રક્તપિત્તિયાઓનું નાનકડું ગામ, જે શ્રમ મંદિર તરીકે ઓળખાય છે.

કૃષ્ઠરોગના દર્દીઓને સમાજ તો ઠીક પરંતુ પરિવાર પણ સ્વીકારવા તૈયાર ન થાય. જ્યાં ભટકીને વેદના અને તિરસ્કારનો સામનો કરી જીવનને પરાણે જીવે, એવા દર્દીઓ માટે બનેલું છે આ શ્રમ મંદિર.

ધર્મજના ઇન્દુભાઇ પટેલે કરી હતી શ્રમ મંદિરની સ્થાપના

શ્રમ મંદિરની સ્થાપના 1878માં મૂળ ધર્મજના અને વડોદરાના રહેવાસી ઉદ્યોગપતિ ઇન્દુભાઇ પટેલે કરી હતી, જેઓ આજે હયાત તો નથી પરંતુ પોતાની પાછળ મૂકી ગયા છે રક્તપિત્તના દર્દીઓ માટે પોતીકુ કહી શકાય એવું ઘર. 50 પથારીની હોસ્પિટલથી શરૂ કરવામાં આવેલા શ્રમ મંદિરમાં ધી-ધીમે રક્તપિત્ત દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો. ઘણા લોકો તો મંદિરની બહાર જ પોતાના સ્વજનને મુકીને જતા રહે તો, ઘણી વખત રસ્તે રઝળતાં લોકો અહીં આવી પહોંચે. એક સમય આવ્યો જ્યારે 400 અંતવાસીઓ શ્રમ મંદિરમાં વસવાટ કરતા આ નગર એક નાનકડા ગામ જેવું બની ગયું.

અંતિમયાત્રા ઢોલ નગારા સાથે..

મોટાભાગના દર્દીઓ સારવાર લઈને આજે પગભર છે. જ્યારે હજુ પણ 200થી 300 લોકો આ નગરમાં વસે છે. જેમાં બાળકો માટે બે છાત્રાલાય, વુદ્ધ અને અપંગ અંતેવાસીઓ માટે 6 ડોર મેટરી તથા 120 જેટલા ક્વાટર્સ છે. ઉપરાંત સ્ટાફ માટે પણ ક્વાટર્સની વ્યવસ્થા છે. દેવી બહેન પણ અહીં આવેલા ક્વાર્ટસમાં જ રહે છે. વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારની ઉજવણી અહીં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. અંતેવાસીઓ માટે અવારનાવાર પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.  શ્રમ મંદિરમાં વસવાટ કરતા દર્દીઓ જ્યારે સાજા થાય ત્યારે સ્વગૃહે પરત ફરે છે. કોઇ બાળકોનો જન્મ થાય તો તેની જુદી જ રીતે ઉજવણી કરવામાં આવે છે. જ્યારે કોઇ અંતવેસાનું મૃત્યુ થાય તો દુઃખને શોક વ્યક્ત કરવાની જગ્યાએ એમની ધામધૂમથી ઢોલ નગારા સાથે અંતિમયાત્રા નિકાળવામાં આવે છે.

મારી જિંદગીનો ‘શ્રમ મંદિર’ સાથે એક અતૂટ સંબંધ છે

શ્રમ મંદિરનું સંચાલન કરતા ડો. દેવેન્દ્રબાળા નારીચણિયા (દેવી બહેન) ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાકહે છે, 38 વર્ષ પહેલા શ્રમ મંદિરમાં આવી, અહીં પગ મૂક્યો ત્યારથી જ મને આ ભૂમિ જાણીતી લાગી. રક્તપિત્ત રોગ ગ્રસ્ત માનવીઓ કે જેના શરીરના એક એક અવયવો વિકૃત બીહામણા બની જતાં હતા, સ્વજનો જેમનો ત્યાગ કરી દેતા, જેના કારણે એમની માનસિક પરિસ્થિતી પણ સારી ન રહી શકતી. આવા માનવીઓની સારવાર કરવાની સંભાળ લેવાની કામગીરીની અનુભૂતિ, લાગણી શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. ધીમ-ધીમે હું તેમની અને તેઓ મારા સ્વજન બનતા ગયા. એમનું શારીરિક અને માનસિક દુઃખ મારી પાસે વ્યક્ત કરતાં થયાં. જેનું સમાધાન તબીબી ઉપરાંત આધ્યાત્મિક અને સામાજિક રીતે મારે કરવાનું. આ કાર્ય કરતાં કરતાં સમગ્ર સંસ્થાનું સંચાલન મારી પાસે આવ્યું.  શ્રમ મંદિરમાં દાન આપવા આવતાં દાતાઓ અને અહીં આવતા મહેમાનો ઘણીવાર મને પુછે કે તમે અહિંયા એકલા કેવી રીતે રહો છો, ત્યારે હું માત્ર એટલું જ કહેતી કે તમારો બે, ચાર, કે પાંચ વ્યક્તિનો પરીવાર હશે પરંતુ મારો તો 400 સભ્યોનો પરીવાર છે.

દર્દીઓ સ્વામાનભેર જીવી શકે એ માટે વિવિધ પ્રવૃતિ..

અંતેવાસીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ વિશે વાત કરતા દેવી બહેન ચિત્રલેખા.કોમ ને કહે છે, અહીં હોસ્પિટલને એક ઉત્તમ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત ડોક્ટરો માટેની કન્સલ્ટિંગ રૂમો, લેબોરેટરી, મેડિસિન સ્ટોર પણ છે. ઓપરેશન થિયેટરમાં અત્યાધુનિક ઉપકરણો છે. પુનવર્સન થયેલા દર્દીઓ સ્વમાનભેર જીવી શકે એ હેતુથી વિવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. જેમાં કુટિર ઉદ્યોગ અંતર્ગત હેન્ડલૂમ, વણાટકામ કરવામાં આવે છે. જેમાં જુદી-જુદી ડિઝાઈનના રંગબેરંગી ટુવાલ, બેટશિટ, નેપકિન, ડસ્ટર, આસન વગેરે બનાવી તાણાવાણાના નામે ચાલતા ઉદ્યોગની બનાવટનું દેશ-વિદેશમાં વેચાણ કરવામાં આવે છે. શ્રમ મંદિરમાં સુથારીકામ, સીવણકામ અને દર્દીઓ માટે ખાસ પ્રકારના એમસીઆર સીટના ચંપલ પણ બનાવવામાં આવે છે.

આધુનિક ઢબની ગૌશાળા

શ્રમ મંદિરમાં ખેતી ઉપરાંત ગૌશાળા પણ નગરનો એક ભાગ છે. અહિં ચાલતી ગૌશાળા આધુનિક ઢબની છે. ગાયોના દૂધનો લાભ અંતેવાસીઓ તથા તેમના બાળકોને મળે છે. ઋતુ પ્રમાણે શાકભાજી પાક લેવામાં આવે છે. જમીનમાં ગાયો માટે વિવિધ પ્રકારના ઘાસ ઉગાડવામાં આવે છે. 70થી 80 એકરમાં જુદા-જુદા વૃક્ષો વાવી જંગલ બનાવવામાં આવ્યું છે. રકતપિત્તના દર્દીઓના બાળકો ભણીને પગભર બને એ માટે છોકરા છોકરીઓ માટે જુદા-જુદા છાત્રાલય પણ છે. ધોરણ 1 થી7ની શાળા શ્રમ મંદિર ચલાવે છે. જ્યારે 8થી 12ના વિદ્યાર્થિઓ અભ્યાસ કરવા વડોદરા જાય છે. જેની માટે મંદિર તરફથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અંતેવાસીઓના સંતાનો ભણી ગણીને હાલમાં સારી પોસ્ટ પર નોકરી કરે છે.

અંતેવાસીઓના લગ્ન ધામધૂમથી કરાય છે

શ્રમ મંદિરના અંતેવાસીઓના લગ્નની વાત હોય તો પછી એ ધામધૂમથી જ થાય છે. આ વિશે વાત કરતા દેવીબેન કહે છે, અહીં રહેતા અંતેવાસીઓ એકબીજાના દુઃથથી બરોબર પરિચિત છે. જેના કારણે એમની વચ્ચે લાગણીના તંતુઓ બંધાય છે. જે દર્દીઓ સાજા થાય ત્યારે અનુકૂળ પાત્ર સાથે લગ્ન માટે અમારી સાથે વાતચીત કરે છે. આવા યુગલોની પરસ્પર સંમતિથી શ્રમ મંદિરમાં જ એમના લગ્ન પણ ધામધૂમથી કરી આપવામાં આવે છે. ઘણા દર્દીઓ સાજા થઈને સ્વગૃહે પરત ન ફરતા કાયમ માટે શ્રમ મંદિરમાં જ વસી ગયા હોય એવા પણ ઘણા દાખલા છે. જેમાં એક છે રમીલા બેન બુધિયા તાણાવાણામાં કામ કરતા રમીલા બેન ચિત્રલેખા.કોમને કહે છે, 30 વર્ષથી શ્રમ મંદિરમાં રહું છું. બેન(દેવી બેન) ના  હોત તો હું પણ ન હોત. રક્તપિત્ત થતા ઘરનાએ ત્યજી દીધી. જ્યારે પરિવાર જ સાથ ન આપે તો બીજો કોઇ આરો જ ન રહે. પરંતુ ભગવાને મારી માટે બેન ને મોકલ્યા. તેમની માવજત, લાગણી અને પોતીકાપણાને કારણે આજે હું પગભર બની શ્રમ મંદિરમાં કામ કરી રહી છું.

ઓણ કણીયે આવો..તમને મારા ભગવાન બતાવું

જ્યારે શ્રમ મંદિરમાં આવેલા મંદિરની પૂજા કરતા જીવીબા કહે છે, ઓણ કણીયે આવો બોન..તમને મારા ભગવાન બતાવું. વાતવાતમાં આપણે ભગવાન સાથે વાંકુ પડે, બધુંય ગુમાવી બેઠેલા જીવીબા તેમના ભગવાન સાચવીને બેઠા છે. શ્રમ મંદિરમાં રહેતી દરેક વ્યક્તિના દીલમાં અપાર લાગણી છે. જીવનને જોવાની પોઝીટીવીટી છે. 25 વર્ષથી શ્રમ મંદિરમાં રહેતા ગોરધનભાઇ જંજરીયા મંદિરનું નાનું મોટુ કામ કરે છે. ચિત્રલેખા.કોમને કહે છે, આ રોગ થયો અને ઘર છોડવાનો વાળો આવ્યો. અહીં આવ્યો તો ખબર પડી કે પોતાનું કહી શકાય એવી વ્યકતિ કેવી હોય.

અહીં લોકો લોહીની સગાઈથી નહીં લાગણીના સબંધે બંધાયેલા છે

શ્રમ મંદિરમાં શારીરિક અસક્ષમ હોય એવા મહિલા- પુરૂષોના વિભાગ જુદા-જુદા છે. આ વિભાગમાં રહેતા લોકો કોઇ પણ કામ કરવા સક્ષમ નથી માટે એમને તમામ સુવિધા અહીં જ પુરી પાડવામાં આવે છે. રક્તપિત્તના કારણે આ વિભાગમાં કોઈના હાથની તો કોઈના પગની આંગળીઓ નથી, કોઈનું નાક દબાઈ ગયું છે તો કોઈના ચહેરાનો આકાર વિકૃત્ર બની ગયો છે, કોઇ ગુજરાતનું તો કોઈ ગુજરાત બહારનું છે. દરેક જ્ઞાતીના લોકો અહીં સમાનરીતે વસવાટ કરે છે. જે લોહીની સગાઈથી નહીં પણ લાગણીના સબંધે બંધાયેલા છે.

 

(હેતલ રાવ)

તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ

હિમાચલ પ્રદેશમાં મહાપ્રલય, અતિવૃષ્ટિ, ભૂસ્ખલનને કારણે સેંકડો લોકો બેઘર

શિમલાઃ હિમાચલ પ્રદેશ રાજ્યમાં મહાભયંકર પ્રમાણમાં પૂર અને ભૂસ્ખલનની આફત ત્રાટકી છે. પ્રશાસન દ્વારા બચાવ કામગીરી અને મદદકાર્ય શરૂ કરી દેવામાં આવ્યા છે. મુસળધાર વરસાદને કારણે રાજ્યમાં અનેક સ્થળે અતિવૃષ્ટિ થઈ છે.

રાજધાની શિમલા શહેરમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં આશરે 41 જણના મરણ થયા છે.

પહાડી વિસ્તારોમાં માટીના અનેક ઘરો જમીનદોસ્ત થયા છે. એને કારણે મરણાંક વધવાની આશંકા છે. રાજ્યમાં શિમલા ઉપરાંત મંડી, સોલન જિલ્લાઓમાં આ કુદરતી આફતોને કારણે સૌથી વધારે નુકસાન થયું છે. સેંકડો ઘર જમીનદોસ્ત થતાં અનેક લોકો બેઘર થઈ ગયા છે.

એપલ હૈદરાબાદ ખાતે એરપોડ્સનું ઉત્પાદન કરશે

નવી દિલ્હીઃ અમેરિકાની iફોન ઉત્પાદક કંપની એપલ હૈદરાબાદમાં સ્થિત ફોક્સકોનના પ્લાન્ટમાં વાયરલેસ ઈયરબડ્સ એરપોડનું ઉત્પાદન શરૂ કરશે. ફોક્સકોને હૈદરાબાદ પ્લાન્ટ માટે રૂ. 40 કરોડ ડોલરના મૂડીરોકાણને મંજૂરી આપી છે. ડિસેમ્બર, 2024 સુધી અહીં મોટા પાયે ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ફોક્સકોનની હૈદરાબ ફેક્ટરીમાં એરપોડ્સ બનાવવામાં આવશે. iફોન અને ફોક્સકોનને આ સંબંધે મોકલેલા ઈમેઇલનો કોઈ જવાબ નથી આવ્યો.આ પહેલાં અમેરિકી કંપની iફોન ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની ઘોષણા કરી ચૂકી છે. બીજી બાજુ ફોક્સકોને કહ્યું હતું કે ભારતમાં કંપનીની યોજનાઓને સાકાર કરવાની સ્થિતિમાં અબજો ડોલરના મૂડીરોકાણની અપાર સંભાવનાઓ છે. કંપનીના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી યંગ લિયુએ એપ્રિલ-જૂન ત્રિમાસિક પરિણામો પર ચર્ચા કરતાં આ વાત કહી હતી.

iફોન પછી હવે કંપની એરપોડ્સની બીજી શ્રેણી હશે, જે ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે.  એપલ એરપોડ વિશ્વ સ્તરે TWS (ટુ વાયરલેસ સ્ટિરિયો) બજારમાં અગ્રણી છે. રિસર્ચ કંપની કેનાલિસ અનુસાર ડિસેમ્બર, 2022 ત્રિમાસિકમાં એપલના એરપોડની પાસે TWS બજારમાં આશરે 36 ટકા બજારહિસ્સો હતો. એપલ પછી સેમસંગનો 7.5 ટકા, શાઓમી 4.4 ટકા, બોટ ચાર ટકા અને ઓપ્પો ત્રણ ટકા હિસ્સો છે.

 

 

 

 

 

 

લો બોલો ! કોંગ્રેસના દિગ્ગજ નેતાએ PM મોદીના કર્યા વખાણ

સોમવારે એટલે કે 14 ઓગસ્ટે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (NMML)નું નામ બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (PMML) કરવાને લઈને વિપક્ષ સતત સરકાર પર નિશાન સાધી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પીએમ મોદીના વડાપ્રધાન મ્યુઝિયમ બનાવવાના વિચારની પ્રશંસા કરી હતી. જો કે તેમણે સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. શશિ થરૂરે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું નામ બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરી કરવા પર કહ્યું કે આ વાત સામે આવી છે તે અફસોસની વાત છે. પીએમના વિચારની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે અગાઉના તમામ વડાપ્રધાનોના કાર્યોને પ્રદર્શિત કરવા માટે વડાપ્રધાનનું મ્યુઝિયમ બનાવવાનો વિચાર ખરેખર પ્રશંસનીય છે.

ભૂતકાળ પ્રત્યે કડવાશ

કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે વિચાર સારો છે, પરંતુ પ્રક્રિયામાં નહેરુ મેમોરિયલનું નામ બદલવું એ નાનું કામ છે. તેમણે કહ્યું કે જવાહરલાલ નેહરુ પહેલા વડાપ્રધાન હતા, તેઓ અત્યાર સુધીના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન છે, તેમનું નામ હટાવવા એ નાની વાત છે. જો સરકાર ઈચ્છતી હોત તો તેનું નામ નેહરુ મેમોરિયલ પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ રાખી શકત. આ કૃત્ય દુર્ભાગ્યપૂર્ણ છે. તે આપણા પોતાના ઐતિહાસિક ભૂતકાળ પ્રત્યે કડવાશ પણ દર્શાવે છે, હું માનું છું કે આ સરકાર આટલી સારી બહુમતી મેળવવાને લાયક નથી.

શું છે પીએમ મેમોરિયલનો ઈતિહાસ?

તીન મૂર્તિ ભવન, એડવિન લ્યુટિયન્સની શાહી રાજધાનીનો ભાગ, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના કમાન્ડર-ઇન-ચીફનું સત્તાવાર નિવાસસ્થાન હતું. 1948 માં, બ્રિટિશ ભારતના છેલ્લા કમાન્ડર-ઇન-ચીફની વિદાય પછી, તીન મૂર્તિ ભવન દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનું સત્તાવાર નિવાસસ્થાન બન્યું. તેઓ અહીં લગભગ 16 વર્ષ રહ્યા અને અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુ પછી, આ તીન મૂર્તિ ભવન તેમની સ્મૃતિને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારથી તે પંડિત નેહરુ મેમોરિયલ તરીકે ઓળખાવા લાગ્યું. હવે કેન્દ્ર સરકારે તેનું નામ નેહરુ મેમોરિયલથી બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ સોસાયટી કરી દીધું છે.

Video : કાર અકસ્માત બાદ ઋષભ પંતે પહેલીવાર રમી મેચ, ફટકાર્યા ચોગ્ગા-છગ્ગા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષના અંતમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઋષભ પંતે બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પંત બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો અનુસાર, પંતે મંગળવારે લાંબા સમય સુધી ક્રિઝ પર બેટિંગ કરી હતી. તે બેટિંગ કરવા આવ્યો કે તરત જ ત્યાં હાજર પ્રશંસકો અવાજ કરવા લાગ્યા.

 

અકસ્માત બાદ પંતે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ઘણો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેણે પહેલા પોતાની જાતને ફિટ કરી અને પછી વિકેટકીપિંગ-બેટિંગની પ્રેક્ટિસ કરી. હવે તે પ્રથમ વખત કોઈપણ પ્રકારની મેચમાં ઉતર્યો હતો. તેણે સ્થાનિક મેચમાં લાંબા સમય સુધી બેટિંગ કરી અને જોરદાર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા.

ઋષભ પંત ક્યારે વાપસી કરશે?

30 ડિસેમ્બર 2022ના રોજ, પંતની કારને દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત થયો હતો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના શરીર પર ઈજાના નિશાન હતા. તાજેતરમાં બેટિંગ અને વિકેટકીપિંગ ફરી શરૂ કર્યા બાદ પંતની પરત ફરવાની તારીખ હજુ ઘણી દૂર લાગે છે. એવું માનવામાં આવે છે કે તે આવતા વર્ષે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીમાંથી પરત ફરશે.

ICC ODI વર્લ્ડ કપ ટ્રોફી પહોંચી તાજમહેલ ખાતે

આગામી ICC મેન્સ ODI ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા માટેની ટ્રોફીને 16 ઓગસ્ટ, બુધવારે આગરાસ્થિત સુપ્રસિદ્ધ સ્મારક તાજમહેલ ખાતે લાવવામાં આવી હતી. ટ્રોફી સાથે સેલ્ફી લેવા માટે પર્યટકો ટોળે વળ્યાં હતાં. વર્લ્ડ કપ સ્પર્ધા આ વર્ષની પાંચ ઓક્ટોબરથી ભારતમાં શરૂ થવાની છે.

ભારતીય ‘પેલે’ ફૂટબોલર મોહમ્મદ હબિબનું નિધન

નવી દિલ્હીઃ ભારતીય ફૂટબોલના દિગ્ગજ ખેલાડી અને ‘ઇન્ડિયન પેલે’ના નામથી મશહૂર મોહમ્મદ હબિબનું ગઈ કાલે નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા. 1970ના દાયકામાં ટીમનું નેતૃત્વ કરવાવાળા ફૂટબોલર લાંબા સમયથી પાર્કિસન સિન્દ્રોમથી પીડિત હતા. તેમને ભૂલવાની બીમારી હતી. તેમણે કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા હતા. હબિબ ભારતના એકમાત્ર ફૂટબોલર હતા, જેમણે ફૂટબોલના દિગ્ગજ પેલેની વિરુદ્ધ ગોલ કર્યો હતો.

17 જુલાઈ, 1949એ જન્મેલા દેશના ભૂતપૂર્વ કેપ્ટને 35 આંતરરાષ્ટ્રીય મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતુંક અને 1967માં ક્વાલા લમ્પુરમાં મર્ડેકા કપમાં થાઇલેન્ડની વિરુદ્ધ ડેબ્યુ કર્યા પછી કેરિયરમાં 11 ગોલ કર્યા હતા. હબિબને ‘અર્જુન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સાથી હૈદરાબાદી સૈયદ નઇમુદ્દીન અને આયોજક પીકે બેનરજીની કેપ્ટિનશિપમાં બેંગકોકમાં 1970ની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝપદક જીત્યો હતો. હબિબે ગોલ્ડન દિવસોમાં કોલકાતાની ત્રણ મોટી ક્લબો-મોહન બાગાન, ફૂર્વ બંગાળ અને મોહમ્મડેન સ્પોર્ટિંગનું પ્રતિનિધિત્વ કર્યં હતું,

હબિબની કેરિયરમાં સૌથી સરસ પળ ત્યારે આવી જ્યારે 1977માં મોહન બાગાન વતી રમતાં પેલેની ટીમની વિરુદ્ધ કોસમોસ ક્લબની વિરુદ્ધ ગોલ કર્યો હતો. જોકે આ મેચ ડ્રોમાં પરિણમી હતી. જોકે મેચ પૂરી થયા પછી હબિબે પણ પ્રશંસા કરી હતી.એક સફળ કરિયર પછી તેમણે દેશના સાચા પ્રોફેશનલ ફૂટબોલરનો ટેગ હાંસલ કર્યો હતો. ત્યાર બાદ હબિબે કોચિંગ તરફ વિશેષ ધ્યાન આપ્યું હતું. તેઓ ટાટા ફૂટબોલ એકેડમીમાં મુખ્ય કોચની ભૂમિકા પણ ભજવી હતી.