સ્ટોક્સે ODI નિવૃત્તિ પાછી ખેંચી, ઈંગ્લેન્ડ ટીમમાં આનંદ

લંડનઃ આગામી આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-2023 સ્પર્ધા પૂર્વે ઈંગ્લેન્ડની ટીમને આજે એક મોટું બળ પ્રાપ્ત થયું છે. તેની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે 50-ઓવરોવાળી ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો પોતાનો નિર્ણય આજે ફેરવી નાખ્યો છે. એણે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી વન-ડે ટીમમાં પુનરાગમન કર્યું છે. ન્યૂઝીલેન્ડમાં ઈંગ્લેન્ડની ટીમ ચાર વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમવાની છે.

ઈંગ્લેન્ડના પસંદગીકાર લ્યૂક રાઈટે 15-સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્ટોક્સનું પણ નામ છે. સ્ટોક્સની ફટકાબાજી અને ઓલરાઉન્ડ દેખાવને કારણે જ ઈંગ્લેન્ડની ટીમ 2019માં લોર્ડ્સ ખાતે વર્લ્ડ કપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળ થઈ હતી.

ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગસ એટકીન્સન, જોની બેરસ્ટો, સેમ કરન, લિઆમ લિવિંગસ્ટોન, ડેવિડ માલન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપ્લી, ડેવિડ વિલી, માર્ક વૂડ અને ક્રિસ વોક્સ.

ઈંગ્લેન્ડ તેની વર્લ્ડ કપ ટીમ માટેની 20મી સપ્ટેમ્બર સુધીમાં ફેરફાર કરી શકે છે.