દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસે છે..

રક્તપિત્ત એટલે  કે કુષ્ઠરોગ જેનું નામ પડે ને આપણી નજર સમક્ષ જુગુપ્સાપ્રેરક માનવ ચહેરા તરી આવે. આ રોગથી પીડાતા લોકોને બહારના તો ઠીક પરંતુ ઘરના પણ અપનાવવા તૈયાર નથી હોતા. ત્યારે એમની માટે એક એવું ઘર છે જે પોતાનું કહી શકાય અને એ છે શ્રમ મંદિર.

રક્તપિત્તિયાઓનું નાનકડું ગામ..

કુદરતના અપાર સાનિધ્ય, ઘટાદાર વૃક્ષોની હારમાળા અને પાછળ ખળખળ વહેતી મહીસાગર નદી. નદીની કોતરમાંથી પસાર થતાં જાણે કે કોતરોની કેડીઓ આપણી સાથે વાત કરતી હોય એવો અહેસાસ થાય. જ્યારે આ કેડી પસાર કરી શ્રમ મંદિરમાં પ્રવેશ કરીએ તો ચોતરફ નીરવતા ની અનુભૂતિ થાય. અને શબ્દો સરી પડે કે દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસે છે. વડોદરાથી 18 કિ.મી ના અંતરે સીંધરોટ ગામ, ત્યાંની કોતરો નજીક 150 એકરમાં ફેલાયેલું છે રક્તપિત્તિયાઓનું નાનકડું ગામ, જે શ્રમ મંદિર તરીકે ઓળખાય છે.

કૃષ્ઠરોગના દર્દીઓને સમાજ તો ઠીક પરંતુ પરિવાર પણ સ્વીકારવા તૈયાર ન થાય. જ્યાં ભટકીને વેદના અને તિરસ્કારનો સામનો કરી જીવનને પરાણે જીવે, એવા દર્દીઓ માટે બનેલું છે આ શ્રમ મંદિર.

ધર્મજના ઇન્દુભાઇ પટેલે કરી હતી શ્રમ મંદિરની સ્થાપના

શ્રમ મંદિરની સ્થાપના 1878માં મૂળ ધર્મજના અને વડોદરાના રહેવાસી ઉદ્યોગપતિ ઇન્દુભાઇ પટેલે કરી હતી, જેઓ આજે હયાત તો નથી પરંતુ પોતાની પાછળ મૂકી ગયા છે રક્તપિત્તના દર્દીઓ માટે પોતીકુ કહી શકાય એવું ઘર. 50 પથારીની હોસ્પિટલથી શરૂ કરવામાં આવેલા શ્રમ મંદિરમાં ધી-ધીમે રક્તપિત્ત દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો. ઘણા લોકો તો મંદિરની બહાર જ પોતાના સ્વજનને મુકીને જતા રહે તો, ઘણી વખત રસ્તે રઝળતાં લોકો અહીં આવી પહોંચે. એક સમય આવ્યો જ્યારે 400 અંતવાસીઓ શ્રમ મંદિરમાં વસવાટ કરતા આ નગર એક નાનકડા ગામ જેવું બની ગયું.

અંતિમયાત્રા ઢોલ નગારા સાથે..

મોટાભાગના દર્દીઓ સારવાર લઈને આજે પગભર છે. જ્યારે હજુ પણ 200થી 300 લોકો આ નગરમાં વસે છે. જેમાં બાળકો માટે બે છાત્રાલાય, વુદ્ધ અને અપંગ અંતેવાસીઓ માટે 6 ડોર મેટરી તથા 120 જેટલા ક્વાટર્સ છે. ઉપરાંત સ્ટાફ માટે પણ ક્વાટર્સની વ્યવસ્થા છે. દેવી બહેન પણ અહીં આવેલા ક્વાર્ટસમાં જ રહે છે. વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારની ઉજવણી અહીં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. અંતેવાસીઓ માટે અવારનાવાર પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.  શ્રમ મંદિરમાં વસવાટ કરતા દર્દીઓ જ્યારે સાજા થાય ત્યારે સ્વગૃહે પરત ફરે છે. કોઇ બાળકોનો જન્મ થાય તો તેની જુદી જ રીતે ઉજવણી કરવામાં આવે છે. જ્યારે કોઇ અંતવેસાનું મૃત્યુ થાય તો દુઃખને શોક વ્યક્ત કરવાની જગ્યાએ એમની ધામધૂમથી ઢોલ નગારા સાથે અંતિમયાત્રા નિકાળવામાં આવે છે.

મારી જિંદગીનો ‘શ્રમ મંદિર’ સાથે એક અતૂટ સંબંધ છે

શ્રમ મંદિરનું સંચાલન કરતા ડો. દેવેન્દ્રબાળા નારીચણિયા (દેવી બહેન) ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાકહે છે, 38 વર્ષ પહેલા શ્રમ મંદિરમાં આવી, અહીં પગ મૂક્યો ત્યારથી જ મને આ ભૂમિ જાણીતી લાગી. રક્તપિત્ત રોગ ગ્રસ્ત માનવીઓ કે જેના શરીરના એક એક અવયવો વિકૃત બીહામણા બની જતાં હતા, સ્વજનો જેમનો ત્યાગ કરી દેતા, જેના કારણે એમની માનસિક પરિસ્થિતી પણ સારી ન રહી શકતી. આવા માનવીઓની સારવાર કરવાની સંભાળ લેવાની કામગીરીની અનુભૂતિ, લાગણી શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. ધીમ-ધીમે હું તેમની અને તેઓ મારા સ્વજન બનતા ગયા. એમનું શારીરિક અને માનસિક દુઃખ મારી પાસે વ્યક્ત કરતાં થયાં. જેનું સમાધાન તબીબી ઉપરાંત આધ્યાત્મિક અને સામાજિક રીતે મારે કરવાનું. આ કાર્ય કરતાં કરતાં સમગ્ર સંસ્થાનું સંચાલન મારી પાસે આવ્યું.  શ્રમ મંદિરમાં દાન આપવા આવતાં દાતાઓ અને અહીં આવતા મહેમાનો ઘણીવાર મને પુછે કે તમે અહિંયા એકલા કેવી રીતે રહો છો, ત્યારે હું માત્ર એટલું જ કહેતી કે તમારો બે, ચાર, કે પાંચ વ્યક્તિનો પરીવાર હશે પરંતુ મારો તો 400 સભ્યોનો પરીવાર છે.

દર્દીઓ સ્વામાનભેર જીવી શકે એ માટે વિવિધ પ્રવૃતિ..

અંતેવાસીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ વિશે વાત કરતા દેવી બહેન ચિત્રલેખા.કોમ ને કહે છે, અહીં હોસ્પિટલને એક ઉત્તમ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત ડોક્ટરો માટેની કન્સલ્ટિંગ રૂમો, લેબોરેટરી, મેડિસિન સ્ટોર પણ છે. ઓપરેશન થિયેટરમાં અત્યાધુનિક ઉપકરણો છે. પુનવર્સન થયેલા દર્દીઓ સ્વમાનભેર જીવી શકે એ હેતુથી વિવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. જેમાં કુટિર ઉદ્યોગ અંતર્ગત હેન્ડલૂમ, વણાટકામ કરવામાં આવે છે. જેમાં જુદી-જુદી ડિઝાઈનના રંગબેરંગી ટુવાલ, બેટશિટ, નેપકિન, ડસ્ટર, આસન વગેરે બનાવી તાણાવાણાના નામે ચાલતા ઉદ્યોગની બનાવટનું દેશ-વિદેશમાં વેચાણ કરવામાં આવે છે. શ્રમ મંદિરમાં સુથારીકામ, સીવણકામ અને દર્દીઓ માટે ખાસ પ્રકારના એમસીઆર સીટના ચંપલ પણ બનાવવામાં આવે છે.

આધુનિક ઢબની ગૌશાળા

શ્રમ મંદિરમાં ખેતી ઉપરાંત ગૌશાળા પણ નગરનો એક ભાગ છે. અહિં ચાલતી ગૌશાળા આધુનિક ઢબની છે. ગાયોના દૂધનો લાભ અંતેવાસીઓ તથા તેમના બાળકોને મળે છે. ઋતુ પ્રમાણે શાકભાજી પાક લેવામાં આવે છે. જમીનમાં ગાયો માટે વિવિધ પ્રકારના ઘાસ ઉગાડવામાં આવે છે. 70થી 80 એકરમાં જુદા-જુદા વૃક્ષો વાવી જંગલ બનાવવામાં આવ્યું છે. રકતપિત્તના દર્દીઓના બાળકો ભણીને પગભર બને એ માટે છોકરા છોકરીઓ માટે જુદા-જુદા છાત્રાલય પણ છે. ધોરણ 1 થી7ની શાળા શ્રમ મંદિર ચલાવે છે. જ્યારે 8થી 12ના વિદ્યાર્થિઓ અભ્યાસ કરવા વડોદરા જાય છે. જેની માટે મંદિર તરફથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અંતેવાસીઓના સંતાનો ભણી ગણીને હાલમાં સારી પોસ્ટ પર નોકરી કરે છે.

અંતેવાસીઓના લગ્ન ધામધૂમથી કરાય છે

શ્રમ મંદિરના અંતેવાસીઓના લગ્નની વાત હોય તો પછી એ ધામધૂમથી જ થાય છે. આ વિશે વાત કરતા દેવીબેન કહે છે, અહીં રહેતા અંતેવાસીઓ એકબીજાના દુઃથથી બરોબર પરિચિત છે. જેના કારણે એમની વચ્ચે લાગણીના તંતુઓ બંધાય છે. જે દર્દીઓ સાજા થાય ત્યારે અનુકૂળ પાત્ર સાથે લગ્ન માટે અમારી સાથે વાતચીત કરે છે. આવા યુગલોની પરસ્પર સંમતિથી શ્રમ મંદિરમાં જ એમના લગ્ન પણ ધામધૂમથી કરી આપવામાં આવે છે. ઘણા દર્દીઓ સાજા થઈને સ્વગૃહે પરત ન ફરતા કાયમ માટે શ્રમ મંદિરમાં જ વસી ગયા હોય એવા પણ ઘણા દાખલા છે. જેમાં એક છે રમીલા બેન બુધિયા તાણાવાણામાં કામ કરતા રમીલા બેન ચિત્રલેખા.કોમને કહે છે, 30 વર્ષથી શ્રમ મંદિરમાં રહું છું. બેન(દેવી બેન) ના  હોત તો હું પણ ન હોત. રક્તપિત્ત થતા ઘરનાએ ત્યજી દીધી. જ્યારે પરિવાર જ સાથ ન આપે તો બીજો કોઇ આરો જ ન રહે. પરંતુ ભગવાને મારી માટે બેન ને મોકલ્યા. તેમની માવજત, લાગણી અને પોતીકાપણાને કારણે આજે હું પગભર બની શ્રમ મંદિરમાં કામ કરી રહી છું.

ઓણ કણીયે આવો..તમને મારા ભગવાન બતાવું

જ્યારે શ્રમ મંદિરમાં આવેલા મંદિરની પૂજા કરતા જીવીબા કહે છે, ઓણ કણીયે આવો બોન..તમને મારા ભગવાન બતાવું. વાતવાતમાં આપણે ભગવાન સાથે વાંકુ પડે, બધુંય ગુમાવી બેઠેલા જીવીબા તેમના ભગવાન સાચવીને બેઠા છે. શ્રમ મંદિરમાં રહેતી દરેક વ્યક્તિના દીલમાં અપાર લાગણી છે. જીવનને જોવાની પોઝીટીવીટી છે. 25 વર્ષથી શ્રમ મંદિરમાં રહેતા ગોરધનભાઇ જંજરીયા મંદિરનું નાનું મોટુ કામ કરે છે. ચિત્રલેખા.કોમને કહે છે, આ રોગ થયો અને ઘર છોડવાનો વાળો આવ્યો. અહીં આવ્યો તો ખબર પડી કે પોતાનું કહી શકાય એવી વ્યકતિ કેવી હોય.

અહીં લોકો લોહીની સગાઈથી નહીં લાગણીના સબંધે બંધાયેલા છે

શ્રમ મંદિરમાં શારીરિક અસક્ષમ હોય એવા મહિલા- પુરૂષોના વિભાગ જુદા-જુદા છે. આ વિભાગમાં રહેતા લોકો કોઇ પણ કામ કરવા સક્ષમ નથી માટે એમને તમામ સુવિધા અહીં જ પુરી પાડવામાં આવે છે. રક્તપિત્તના કારણે આ વિભાગમાં કોઈના હાથની તો કોઈના પગની આંગળીઓ નથી, કોઈનું નાક દબાઈ ગયું છે તો કોઈના ચહેરાનો આકાર વિકૃત્ર બની ગયો છે, કોઇ ગુજરાતનું તો કોઈ ગુજરાત બહારનું છે. દરેક જ્ઞાતીના લોકો અહીં સમાનરીતે વસવાટ કરે છે. જે લોહીની સગાઈથી નહીં પણ લાગણીના સબંધે બંધાયેલા છે.

 

(હેતલ રાવ)

તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ