મુંબઈઃ મુંબઈમાં મળેલી વિરોધ પક્ષોની ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વિરોધ પક્ષોએ આગળની વ્યૂહરચના નક્કી કરવા માટે 14 સભ્યોની કોઓર્ડિનેશન કમિટી બનાવી છે. આ કમિટીમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલ, NCPના શરદ પવાર, DMKના એમકે સ્ટાલિન, શિવસેનાના સંજય રાઉત, RJDના તેજસ્વી યાદવ, TMCના અભિષેક બેનર્જી, આપના રાઘવ ચઢ્ઢા, SPના જાવેદ અલી ખાન, JDUના લલ્લન સિંહ, JMMના હેમંત સોરેન, CPIના ડી રાજા, NCના ઓમર અબ્દુલ્લા અને PDPના મહેબૂબા મુફ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વિપક્ષની બેઠકમાં દેશભરમાં સાથે મળીને ચૂંટણી લડવાની અને એકસાથે મળીને પ્રચાર કરવાની વાત કહેવામાં આવી છે. ઇન્ડિયા ગઠબંધન તરફથી માહિતી આપવામાં આવી હતી કે તેમના આ અભિયાનની થીમ ‘જુડેગા ભારત, જીતેગા ભારત’ હશે. લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી પર ઈન્ડિયા એલાયન્સે કહ્યું છે કે તેના પર જલ્દી જ ચર્ચા કરવામાં આવશે. લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણીના વિષય પર ઇન્ડિયા ગઠબંધને કહ્યું કે વિભિન્ન રાજ્યોમાં ટૂંક સમયમાં સીટોની વહેંચણીની પર કામ શરૂ કરી દેવામાં આવશે. અમે વહેલી તકે દેશના જુદા-જુદા ભાગોમાં લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર સભાઓ યોજીશું.
કોંગ્રેસઅધ્યક્ષ મલ્લ્કિર્જુન ખડગેએ કહ્યું હતું કે અમારો બધાનો ઉદ્દેશ એક જ છે –મોંઘવારી, બેરોજગારી માટે અમે કેવી રીતે લડી શકીએ. મોદીજીએ ક્યારેય ગરીબો માટે કામ નથી કરતા. અમારો સંકલ્પ છે, જેને આધારે અમે કામ કરીશું, એમ તેમણે કહ્યું હતું.
શ્રીનગરઃ ચંદ્રયાન-3નું 23 ઓગસ્ટે ચંદ્ર પર ઐતિહાસિક સફળ લેન્ડિંગથી ઉત્સાહિત લોકોને ચંદ્ર પર જમીન લેવા માટે પ્રોત્સાહિત કરી દીધા છે. અહેવાલ છે કે જમ્મુના એક બિઝનેસમેન રૂપેશ મેસન (49)એ 25 ઓગસ્ટે ચંદ્ર પર જમીન ખરીદી છે. તેમણે જ્યાં જમીન ખરીદી છે, એને આનંદનું સરોવર (Lake of Happiness) તરીકે ઓળખાય છે. મેસને ન્યુ યોર્કના ધ લુનર રજિસ્ટ્રીથી આટલી મોટી સંપત્તિ પોતાને નામે કરી લીધી છે.
તેમણે કહ્યું હતું કે તેમણે ટ્રેક્ટ 55-પાર્સલ 10,772-ને આનંદનું સરોવરને નામે ઓળખાય છે, ત્યાં જમીન ખરીદી છે. તેઓ જમ્મુ અને કાશ્મીર અને લેહના UCMASના રિજનલ ડિરેક્ટર છે. તેમણે કહ્યું હતું કે હું ન્યુ યોર્ક શહેરમાં ધ લુનર રજિસ્ટ્રીથી જમીન ખરીદી ને એને 25 ઓગસ્ટે મારે નામે કરી છે.
તેમનું માનવું છે કે ચંદ્ર પર એક પ્લોટ અથવા તો ભવિષ્યમાં એ આશાનું પ્રતીક છે અથવા જળવાયુ પરિવર્તનનો સામનો કરતી વ્યક્તિ માટે એક મનોવૈજ્ઞાનિક પલાયન છે. એક અલગ ભવિષ્યની સાથે એક મજબૂત સંબંધ, આ પ્રકારની ખરીદદારી એક અલગ ભવિષ્ય માટે કેટલીક હદ સુધીની તૈયારીઓ છે. તેમણે કહ્યું હતું કે આશરે 675 મશહૂર હસ્તીઓ અને અમેરિકાના ત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓની પાસે ચંદ્ર પર જમીન છે.
ભારતીય નૌકાદળના અત્યાધુનિક યુદ્ધજહાજ ‘મહેન્દ્રગિરી’નું 1 સપ્ટેમ્બર, શુક્રવારે મુંબઈમાં મઝગાંવ ડોક ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિના પત્ની ડો. સુદેશ ધનખડનાં હસ્તે આ ફ્રિગેટ જહાજનું જલાવતરણ કરવામાં આવ્યું હતું. ડો. સુદેશે જહાજ માટે પોતાનાં આશીર્વાદ પણ આપ્યાં હતાં.
મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી વડે તૈયાર કરવામાં આવેલું ‘INS મહેન્દ્રગિરી‘ દેશમાં અત્યાર સુધીમાં સૌથી ઓછા સમયમાં તૈયાર કરવામાં આવેલું ફ્રિગેટ શ્રેણીનું જહાજ સાતમું યુદ્ધજહાજ છે.
આ યુદ્ધજહાજ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 17-A અંતર્ગત નિર્માણ કરવામાં આવ્યું છે અને મઝગાંવ ડોક લિમિટિડે બાંધેલું ચોથું યુદ્ધજહાજ છે.
આ યુદ્ધજહાજ દુશ્મનની નજરમાં આવ્યા વિના (રડાર પર આવ્યા વિના) દુશ્મનો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
આ યુદ્ધજહાજમાં ભારતમાં નિર્મિત અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સર બેસાડવામાં આવ્યા છે.
આ જહાજ સમુદ્રમાં એકદમ ઓછા અવાજ સાથે આગળ વધવાની ક્ષમતા ધરાવે છે. એમાં બેસાડવામાં આવેલ MFSTAR રડારથી દૂરના અંતર સુધી જહાજોનો પતો મળી શકે છે.
યુદ્ધજહાજ મહેન્દ્રગિરી લોકાર્પણ પ્રસંગે આમંત્રિતોને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ‘આ જહાજનું જલાવતરણ મુંબઈ જેવા જીવંત શહેરમાં કરવામાં આવ્યું છે તે ખરેખર ઉચિત જ છે.’ આ પ્રસંગે નૌકાદળના પ્રમુખ એડમિરલ આર. હરિકુમાર, મઝગાંવ ડોકના વડા સંજીવ સિંઘલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ રમેશ બૈસ, તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ક્યુટોઃ ઇક્વાડોરની રાજધાની ક્યુટો રાત્રિ દરમ્યાન ત્રણ ગ્રેનેડ અને બે કારબોમ્બના હુમલાઓથી હચમચી ઊઠી હતી. એના કેટલાક કલાકો પછી ગુરુવારે છ જેલોમાં કેદીઓએ 57 જેલ ગાર્ડો અને પોલીસ અધિકારીઓને બંધક બનાવી લીધા હતા. આ હુમલાએ સંગઠિત ગુનાની ગેન્ગો દ્વારા શક્તિનું એક સ્પષ્ટ પ્રદર્શન હતું. જોકે જેલોમાં વિદ્રોહના એક દિવસ પહેલાં જેલોમાથી હથિયારોને જપ્ત કરવા માટે પોલીસ કાર્યવાહીનો જવાબ માનવામાં આવે છે.
અહીં થયેલા કારબોમ્બોએ હિંસાગ્રસ્ત દેશના SNAI જેલ સત્તાવાળાને નિશાન બનાવ્યા હતા. એક વિસ્ફોટ એના વડા મથકની બહાર થયો અને બીજો એ ઇમારતમાં થયો, જેમાં પહેલાં SNAI જેલ ઓફિસ હતી. કેટલાક કલાકો પછી SNAIએ કહ્યું હતું કે દેશભરમાં છ જેલોમાં કેદી 50 જેલના ગાર્ડ અને સાત પોલીસ અધિકારીઓને બંધક બનાવવામાં સફળ રહ્યા હતા. એક સંવાદદાતા સંમેલનમાં આંતરિક મંત્રી જુઆન જપાટાએ કહ્યું હતું કે અમે અધિકારીઓની સુરક્ષાને લઈને ચિંતિત છીએ.
પોલીસના એન્ટિ-ડ્રગ્સ ઇન્વેસ્ટિગેશનના પ્રમુખ જનરલ પાબ્લો રામિરેઝે કહ્યું હતું કે એક સેડાન, ફ્યુઅલની સાથે બે ગેસ સિલિન્ડર, એક ફ્યુઝ અને ડાઇનામાઇટથી ભરેલી હતી. જ્યારે ફાયરફાઇટર્સે કહ્યું હતું કે કોઈ જાનહાનિ નથી થઈ. શહેરના મેયર પાબેલ મુનોઝે કહ્યું હતું કે રાત્રે શહેરમાં ત્રણ ગ્રેનેડ વિસ્ફોટ પણ થયા હતા. જોકે રામિરેઝના અનુસાર એક વિસ્ફોટકના સ્થળની પાસે એક કોલંબિયન નાગરિક સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હોંગકોંગઃ એશિયા ખંડના આર્થિક કેન્દ્ર મનાતા હોંગકોંગ અને પડોશમાં આવેલા ચીનના સૌથી વધુ વસ્તીવાળા પ્રાંત ગુઆંગડોંગમાં શક્તિશાળી વાવાઝોડું ‘સાઓલા’ ત્રાટકવાનો ભય ઝળૂંબી રહ્યો છે તેથી આજે સેંકડોની સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અને શાળા, કોલેજો, ધંધાઓ, આર્થિક બજારો બંધ રાખવામાં આવ્યા છે. ‘સાઓલા’ વાવાઝોડા વખતે પવન પ્રતિ કલાક 200 કિ.મી. (125 માઈલ)ની ઝડપે ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું આજે શુક્રવારે મોડી રાતે અથવા શનિવારે વહેલી સવારે ગુઆંગડોંગમાં ત્રાટકવાની આગાહી છે. 1949ની સાલથી ચીનના દક્ષિણ ભાગમાં આવેલા આ પ્રાંતમાં ફૂંકાનાર આ પાંચમું સૌથી શક્તિશાળી વાવાઝોડું હશે. ચીનના સત્તાવાળાઓએ નાગરિકોને તમામ જરૂરી ચેતવણીઓ આપી દીધી છે.
હોંગકોંગમાં શુક્રવારે સ્થાનિક સમય મુજબ બપોરે બે વાગ્યાથી લઈને શનિવારે સવારે 10 વાગ્યા સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. આને કારણે અસંખ્ય પ્રવાસીઓ અટવાઈ ગયાં છે. સત્તાવાળાઓએ આગાહી કરી છે કે વાવાઝોડું ‘સાઓલા’ ત્રાટક્યા બાદ હવામાન ઝડપથી વધારે ખરાબ થતું જશે. એ વખતે દરિયામાં સામાન્ય ભરતી કરતાં આશરે 3 મીટર (10 ફૂટ) વધારે ઊંચા મોજાં ઉછળી શકે છે. ‘સાઓલા’ ચીનના હુઈદોંગ અને તાઈશન શહેરોની વચ્ચેના સમુદ્રકાંઠા પર લેન્ડફોલ કરી શકે છે. આ પટ્ટાવિસ્તારનો મધ્યભાગ હોંગકોંગ અને મકાઉમાં આવેલો છે.
મથુરાઃ દેશમાં રક્ષાબંધનથી તહેવારોની ઉજવણી શરૂ થઈ છે, પણ રક્ષાબંધન ક્યારે ઊજવવી એ વિશે મતમંતાતર હતા, એમ ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્મી અંગે પણ કન્ફ્યુઝન છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દેશભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઊજવવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ભાદરવા મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિએ ઊજવવામાં આવે છે, જ્યારે ગુજરાતી તિથિ મુજબ શ્રાવણ માસની વદ આઠમે ઊજવવામાં આવે છે, જોકે આ વખતે જન્માષ્ટમીની બે તિથિ છે. ચાલો જાણીએ જન્માષ્ટમી ઊજવવાની સાચી તિથિ અને સમય કયો છે.
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિએ થયો હતો અને એ સમયે રોહિણી નક્ષત્ર હતું અને રાત્રિનો સમય હતો. અનેક વાર જન્માષ્ટમી માટે અષ્ટમી તિથિનો પ્રારંભ અને સમાપનના સમયની સાથે રોહિણી નક્ષત્રની સ્થિતિ જોવામાં આવે છે. એને જોતાં જન્માષ્ટમી ઊજવવાની તારીખ ને સમય નક્કી કરવામાં આવે છે.
જન્માષ્ટમી છ કે સાત સપ્ટેમ્બરે?
વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષએ છઠ્ઠી સપ્ટેમ્બરે બપોરે 3.37 મિનિટે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે અને એ સાત સપ્ટેમ્બરની સાંજે 4.14 કલાક સુધી રહેશે. આવામાં ઉદયાતિથિ અનુસાર અષ્ટમી તિથિ સાત સપ્ટેમ્બરની છે. એ દિવસે રાતના સમયે રોહિણી નક્ષત્ર નહીં હોય.
જ્યારે છઠ્ઠી સપ્ટેમ્બરે રોહિણી નક્ષત્ર સવારે 9.20 કલાકથી 7. સપ્ટેમ્બરે 10.25 કલાક સુધી રહેશે. આવામાં અષ્ટમી તિથિ ને રોહિણી નક્ષત્રનો સંયોગને જોઈએ તો છઠ્ઠી સપ્ટેમ્બરે જન્માષ્ટમીનું વ્રત રાખવું યોગ્ય રહેશે. એ સાથે એ રાતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પણ ઊજવી શકાય છે.
ગણિત જયારે જીવનમાં વણાય જાય ત્યારે મુલ્યો ની સમજણ ઓછી થવા લાગે. જે સમર્પિત છે એને ગણવાની જરૂર નથી અને જે ગણાય કરે છે એને જીવનની સમજણ નથી. ઈશ્વર માટેની સમજણ ઓછી થવાના કારણે વ્યક્તિને ઈશ્વરનો ડર પણ નથી અને શ્રદ્ધા તત્વ ઘટી રહ્યું છે. મૃત્યુની સમજણ ઘટતા જ ભૌતિકતા જીવનના સિદ્ધાંતો સાથે જોડવા લાગે છે. શું કોઈ એક ખાસ રંગ પહેરવાથી ઈશ્વર મળી જાય? શું અન્યનું અપમાન કરવાથી ઊંચા થઇ જવાય? શું હવે ઈશ્વરને પણ ઉંચનીચના ભાવ સાથે જોડવા વાળા માણસો દેખાશે? આવા દરેક સવાલને આપણે ભય કરતા પણ વધારે નકારાત્મક ઉર્જા સાથે જોડી શકીએ. વ્યક્તિ જયારે પોતાની જાતને વફાદાર બને છે ત્યારે જ એને સાચા ઈશ્વરની પ્રતીતી થાય છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ એ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: સાહેબ, નમસ્તે. આપના લેખ સાચે જ જીવવાની શક્તિ વધારી આપે છે. અમે ચાર પેઢીના લોકો સાથે રહેતા હતા. હવે બધાના ઘર અલગ છે. મને ઘણા સમયથી ચિંતા થાય છે કે આજની પેઢીને સત્ય વિષે સમજણ જ નથી. એ લોકો સોસીયલ મીડિયામાંથી જીવનના મુલ્યો શીખે છે. અને જેને વધારે લાઈક્સ મળે છે એ વિચારધારા ચાલે છે. માતા સરસ્વતીના હાથમાં પુસ્તક છે એટલે વધારે ભણવું જોઈએ. એ પુસ્તક કોઈ સામાન્ય પુસ્તક નથી એવી સમજણ વિના એક શૈક્ષણિક જાહેરાતમાં આવું દેખાય છે. અન્યના ઈશ્વરને નીચા દેખાડીને પોતાના ઈશ્વરને મોટા દેખાડવાની કળા વિકસી રહી છે. માતાઓ મોબાઈલમાં હોય અને દાદી રીલ્સ બનાવતી હોય એવા ઘરમાં સંસ્કાર કોણ આપશે? આ સમાજ કઈ દિશામાં જીઈ રહ્યો છે? પૈસા માટે લોકો ખોટાનો પણ સાથ આપવા તૈયાર થઇ જાય છે. શું આ છે આપણી સંસ્કૃતિ? સર્વને માન આપવાના નિયમોમાંથી આ ક્યાં પહોંચી ગયા આપણે? અમારા પોતાના ઘરમાં જ આવું વાતાવરણ આવી ગયું છે. મારી પુત્રવધુએ જે વ્યક્તિને ગુરુ માન્યા છે એ તો ડરાવ્યા જ કરે છે. અમારી જમીમાં અચાનક કોઈની લાશ આવી ગઈ. અણી વિધિ કરી પછી અમારા બધાની કુંડળીમાં અચાનક પિતૃદોષ આવી ગયો. એમણે તો જીવતા વડવાઓની પણ વિધિ કરાવી દીધી. ક્યારેક તો લાંબા જીવન પ્રત્યે પણ ધ્રુણા થાય છે. પણ પછી વિચાર આવે છે કે જો બધા જ જવાબદારીથી ભાગશે તો નવી પેઢીનું શું?
જવાબ: આપણે હમેશા અન્યને જ દોષ આપતા રહ્યા છીએ. વિદેશી આક્રમણ થયા પણ શું આપણે ત્યારે એકત્રિત હતા? વિદેશી માન્યતાઓ અને વિચારોના આક્રમણ સામે આપણે સમર્પિત થઇ ગયા એમાં ક્યાંક આપણો પણ સ્વાર્થ હતો. જે વિચારધારા સામે વિરોધ ન થાય એ અંતે પ્રસ્થાપિત થાય જ. અન્યના દેવોને નીચા દેખાડવાવાળાને એક વાર માફ કરીએ તો એમની હિંમત વધે જ. અને શું દેવોમાં આવું હોય છે ખરું? આપની વાત સાચી છે કે સમાજ દિશાહીન થયો છે. અને એનું એક માત્ર કારણ ભૌતિકતા તરફની આંધળી દોટ છે. વળી બધાજ ડરે છે. એટલે જ એ ધંધાનું કારણ બની ગયો છે. જેને સત્યની સમજણ નથી એને કશું પણ સમજાવી શકાય છે.
આપના ઘરમાં પશ્ચિમનો અક્ષ નકારાત્મક છે. તેથી આવું થાય છે. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, કેવડાના અત્તરથી અભિષેક કરો. ચોક્કસ રાહત થશે.
સવાલ: મને એક છોકરો ગમે છે. ખુબ રૂપાળો છે. સ્વભાવ પણ માયાળુ છે. પણ મારી સહેલીઓ કહે છે કે સિક્સ પેક હોય અને લાંબો છોકરો હોય તો આપણો વટ પડે. મેં એ છોકરાને સમજાવ્યું તો એ મને સમજાવે છે કે જીવવા માટે ફિટનેસ જરૂરી છે. સિક્સ પેક નહિ. એનું વાંચન ખુબ સારું છે એટલે એ એવું માને છે કે કશું પણ અતિ કરવામાં આવે તો તે નુકશાન જ કરે છે. એ વિચારોને વધારે મહત્વ આપે છે. એક બાજુ મારી સહેલીઓની જીદ છે અને એક તરફ એ અદ્ભુત માણસ છે. શું કરું?
જવાબ: તમારે લગ્ન કોઈને દેખાડવા માટે કરવાના છે? જો જવાબ ના, છે તો ગમતી વ્યક્તિ તો છે જ.
સુચન: મહામૃત્યુંન્જય મંત્રનું અનુષ્ઠાન મનની શાંતિ આપવા સક્ષમ છે.
શીર્ષકમાંની ખાલી જગા પૂરવા માટેનો શબ્દ અને આ અઠવાડિયે આ વિષય પર લેખ શું કામ? એનો જવાબ લેખ વાંચતાં, એમાં આપવામાં આવેલી ક્લૂ પરથી જડી જશે. તો જનાબ, એકાદ દાયકા પહેલાં કુણાલ દેશમુખ દિગ્દર્શિત ફિલ્મ આવેલીઃ ‘રાજા નટવરલાલ’. કલાકારોઃ ઈમરાન હાશમી-હુમૈમા મલિક-પરેશ રાવલ અને કેકે મેનન. ફિલ્મમાં ઈમરાન-પરેશભાઈ મળીને સાઉથ આફ્રિકામાં વસતા બિઝનેસમૅન અને આઈપીએલ જેવી ક્રિકેટટીમ ખરીદવાના તલબગાર કેકે મેનનને એવો ચૂનો ચોપડે છે કે મેનનભાઈ લગભગ કંગાલ બની જાય છે. એમાં નકલી ઈન્ડિયન ક્રિકેટ બોર્ડના અફ્સર મેનન ભાઈને ક્રિકેટટીમના માલિક બનાવે છે. ફિલ્મ, જો કે, ફ્લૉપ હતી, પણ હિંદી સિનેમાની આ એક નોંધપાત્ર કૉન-ફિલ્મ એટલે કે ઠગાઈના વિષય પર બનેલી ફિલ્મ હતી.
ઠગાઈના વિષય પર હોલિવૂડમાં ‘કૅચ મી ઈફ યુ કૅન’થી લઈને ‘ઓશન’સ ઈલેવન’, ‘નાઉ યુ સી મી’, જેવી અનેક ફિલ્મ બની છે. મારી ફેવરીટઃ લિઓનાર્દો દ’કેપ્રિયો, ટૉમ હેન્ક્સવાળી ‘કૅચ મી ઈફ યૂ કૅન’.
યાદ રહે, ચોરીચપાટી કે બૅન્કલૂંટ પર તો અઢળક ફિલ્મ બની છે. વાત છે ઠગાઈની. આથી જ અભય દેઓલ-પરેશ રાવલવાળી ‘ઓયે લકી, લકી ઓયે’ને આમાં નથી સમાવી. જેમ કે ‘બન્ટી ઔર બબલી’ અને બેએક વર્ષ પહેલાં આવેલી ‘બન્ટી ઔર બબલી ટુ’ જેવી ફિલ્મ. પહેલીમાં અભિષેક બચ્ચન-રાણી મુખર્જી કોઈ ફોરેનરને તાજ મહલ વેચવા જેવી વિવિધ પ્રકારના ચૂના ચોપડે છે. પાર્ટ ટુમાં ઠગ સિદ્ધાંત ચતુર્વેદી-શર્વરી વાઘ અને એમને પકડવા નીકળેલાં રાણી મુખર્જી-સૈફ અલી ખાન ઉપરાંત પંકજ ત્રિપાઠી હતાં. આ ફિલ્મમાં ઠગલોકો ઉત્તર પ્રદેશના રાજકારણીને ગંગામાંથી મિનરલ વૉટર લઈને વેચવાનો સરકારી કૉન્ટ્રેક્ટ આપે છે અને બીજી ઠગાઈઓ આચરે છે.
અભિષેક બચ્ચનની જ ‘બ્લફમાસ્ટર’ પણ આ જ કુળની ફિલ્મ. રોહન સિપ્પી ડિરેક્ટર. ફિલ્મમાં રિતેશ દેશમુખ-નાના પાટેકરની ઠગાઈ હતી, સારી ફિલ્મ હતી, જે એવરેજ ચાલેલી.
અહીં વર્ષો પહેલાં આવેલી કૉન-કૉમેડી ‘બાપ નંબરી બેટા દસ નંબરી’નો એક સીન યાદ આવે છે. ફિલ્મમાં કાદર ખાન-શક્તિ કપૂર અમુક શ્રમજીવીઓને ઈલ્લિગલ દુબઈ મોકલવાનાં વચન આપી એમની પાસેથી મોટી રકમ પડાવે છે. મધરાતે એમને મુંબઈથી હોડીમાં બેસાડી એક સૂમસામ દરિયાકિનારે ઉતારી દેવામાં આવે છેઃ “ચલો ચલો દુબઈ આ ગયા”. પેલા ઊતરે છે ને ટાપુ જેવી એ જગ્યા પર મળનારી વ્યક્તિને હિંદીમાં બોલતી જોઈ ખુશ થાય છેઃ “અરે, આ તો ઈન્ડિયન લાગે છે, હિંદીમાં બોલે છે.” પેલો કહે છે “હા ભાઈ, હું ઈન્ડિયન છું ને આ ઈન્ડિયા જ છે. આ મઢ આઈલૅન્ડ છે.” ત્યારે પેલા લોકોને ખ્યાલ આવે છે કે આપણે મૂંડાઈ ગયા.
આ પરંપરામાં આવેલી એક બહેતરીન ફિલ્મ એટલે ‘સ્પેશિયલ છબ્બીસ’. આ કોલમના વાંચનારા લગભગ બધા જ સિનેમાપ્રેમીએ સત્ય ઘટના આધારિત આ ફિલ્મ જોઈ જ હશે. નકલી સીબીઆઈ ઑફિસર, રાજકારણીઓથી લઈને કાળાંબજારિયા વેપારીને ત્યાં નકલી રેઈડ, મુંબઈના જાણીતા જ્વેલરને ત્યાં રેઈડ અને જકડી રાખતો ક્લાઈમેક્સ. અનુપમ ખેર-મનોજ બાજપાઈ-અક્ષય કુમાર-જિમી શેરગિલ જેવી નીવડેલા કલાકારો અને નીરજ પાંડેનું ડિરેક્શન. ભઈ વાહ.
છેલ્લા થોડા સમયથી તાશ્કંત ફાઈલ્સ, દિલ્હી ફાઈલ્સ, ‘કશ્મીર ફાઈલ્સ’ ને ‘વેક્સિન વૉર’ જેવી ફિલ્મો બનાવનાર વિવેક અગ્નિહોત્રી એક જમાનામાં ઝિદ અને હૅટ સ્ટોરી જેવી ફિલ્મ બનાવતા. એમણે હોલિવૂડની યુઝવલ સસ્પેક્ટ્સ પરથી ઉંદર-બિલાડીની રમત જેવી ચૉકલેટ (અનિલ કપૂર-સુનીલ શેટ્ટી-ઈરફાન ખાન) બનાવેલી, જેમાં વાત બૅનકલૂંટની હતી, પણ આ એક કૉન-ફિલ્મ જ હતી.
કપિલ શર્માના શોમાં અટ્ટહાસ્ય કરી કરીને કમાણી કરતી અર્ચના પૂરણસિંહના ધણી પરમીત સેઠીએ શાહીદ કપૂર-અનુષ્કા શર્મા (કેવી વિચિત્ર જોડી, નહીં?), મિયાંગ ચાંગને લઈને ‘બદમાશ કંપની’ બનાવી, જે સેમી હિટ હતી.
ઠગાઈનો આ અફસાનો માંડવાનું કારણ છે સુરતના વન મિસ્ટર મિતુલ ત્રિવેદી, જેમણે ચંદ્રયાન-3ના મિશનમાં પોતાનો અમૂલ્ય ફાળો હોવાનો દાવો કરીને પોતાના હિસ્સાની પબ્લિસિટી મેળવી લીધી. પછી અમુક જાગરૂક પત્રકારોએ છાનબીન કરી ત્યારે ખબર પડી કે આ મોરલો તો કળા કરી ગયો. હાલ કહેવાતા વિજ્ઞાની મિતુલભાઈ પોલીસ તપાસનો સામનો કરી રહ્યા છે. એ પહેલાં આ ટાઈપની કળા કરનારા કિરણ પટેલ પણ સર્વેને યાદ હશે જ.
-કહેવાનું એ જ કે, જીવનમાં જે બનવું હોય ઈ બનજો, પણ મિતુલ-કિરણ ના બનતા.
બોટાદ: સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા દર્શાવવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વધુ એક વિવાદ વધતો જાય છે, જેમાં હનુમાનજીના કપાળ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક જોવા મળ્યું હતું. આ બધા મુદ્દે હાલમાં જ મોરારી બાપુ, મણિધર બાપુ, કબરાઉ બાપુ સહિતના અનેક અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તુરંત આ ભીંતચિત્રોને હટાવવાની માગ કરી છે. આ બધા વિવાદ વચ્ચે સાળંગપુરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સાળંગપુરમાં સૌથી ઊંચી પ્રતિમાની નીચે લગાવેલી નાની પ્રતિમાઓમાં હનુમાનજીને સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે, જેને પગલે સોશિયલ મિડિયામાં હનુમાનજીનું અપમાન થયું હોવાની પોસ્ટ સોશિયલ મિડિયામાં ફરતી થઈ હતી. આ ભીંતચિત્રોને લઈને હાલ વિવાદ ચરમસીમાએ પહોંચ્યા છે. જેથી સાળંગપુર મંદિરના તંત્ર દ્વારા પ્રાંગણમાં મિડિયાને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મંદિર પરિસરમાં વિડિયો કે બાઇટ નહીં કરવા મંદિર વહીવટી તંત્ર દ્વારા મિડિયાને કહેવામાં આવ્યું છે.
સ્વામિનારાયણના નૌતમ સ્વામીએનું નિવેદન
આ વિવાદમાં ખંભાતમાં સત્સંગ મહાસંમેલનમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેક વાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તેનાથી ભરેલો છે.
સાળંગપુર મંદિરમાં મૂકવામાં આવેલી વિશાળ પ્રતિમામાં હનુમાનજી ઉપરાંત ત્યાં દર્શાવાયેલાં ભીંતચિત્રોના વિવાદ મામલે રાજકોટના વકીલ રવિ રાઠોડ દ્વારા પણ વડતાલ, પોઈચા, કુંડળ, સાળંગપુર અને રાજકોટના સ્વામિનારાયણ મંદિરે નોટિસ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના બે કારચાલક અને ત્રણ બાઇકચાલકના ખુલ્લા હાથની, એક સાથે ડ્રાઈવિંગના કરતબ લોકોને કરશે રોમાંચિતઃ મહિલા બાઇકચાલકની સાહસિકતા પણ અનન્ય આકર્ષણ
*****
‘રાજકોટનો મેળો દેશભરમાં સર્વશ્રેષ્ઠ” કહે છે, યુ.પી.ના કાર રેસલર અબ્દુલ રહેમાન અંસારી
રાજકોટના ‘રસરંગ લોકમેળા’માં મોતના કૂવામાં દિલઘડક કરતબ કરનાર વાહનચાલકોની એન્ટ્રી થઇ ચૂકી છે. યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક હાથે કરાનારી ડ્રાઈવિંગના કરતબ લોકોને રોમાંચિત કરશે. તો તે પૈકીની મહિલા બાઇકરાઇડર પૂજા ચૌહાણ પણ સાહસિકતાથી સૌરાષ્ટ્રવાસીઓને અચંબિત કરી દેશે.
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી આવેલા ૪૫ વર્ષીય કારચાલક અબ્દુલ રહેમાન અન્સારી છેલ્લા બાર વર્ષથી રાજકોટના લોકમેળામાં તેમનું હુન્નર મોતના કૂવામાં રજૂ કરી લાખો લોકોને મંત્રમુગ્ધ કરતાં હોય છે. તેઓ કહે છે કે, “લોકોને અચંબિત કરી દેવાનું ઝનૂન જ અમને સાહસ કરવા માટે પ્રેરે છે. આમ તો અમારે ખેતીવાડી છે પરંતુ મારા પિતા, ભાઇ, કાકા, મામા બધા જ મારી જેમ કાર રેસલર જ છે. શરૂઆતમાં અમે મોતના કૂવામાં સાઈકલ ચલાવતા હતા, પછી બાઇક અને હવે કાર ચલાવીએ છીએ. એટલે આ અમારું ચાલીસેક વર્ષ જૂનું ખાનદાની વારસાઇ કામ છે. નાનપણથી અમે મોતના કૂવામાં બાઇક કાર ચલાવાના કરતબ કરીએ છીએ.”
કાર રેસલર અબ્દુલભાઇ કહે છે કે, “અમે તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ સહિતના તમામ રાજયોના મેળામાં ફરીએ છીએ પરંતુ અમે રાજકોટ જેટલો શ્રેષ્ઠ ચિક્કાર જનમેદની ધરાવતો મેળો અમે ક્યારેય જોયો નથી. અહીં કમાણી તો થાય જ છે પણ સાથોસાથ અમારા સાહસના કૌશલ્યનો બહોળો લોક પ્રતિસાદ અમારા સાહસને પ્રોત્સાહન આપે છે. લોકમેળામાં અમને સૌને સારી એવી આવક થાય છે. ગુજરાન ચાલે છે. આ મેળો અમારા જેવા તમામ કારીગરોને રોજગારીની તક પૂરી પાડે છે. આ મોતના કૂવા માટે ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે યુપી, બિહારથી સ્કૂટર ચાલક અને ગાડી ચાલકો આવશે. અને પોતાનું હુન્નર લોકોને દર્શાવશે.”
આ મોતના કૂવાના ‘વંદેમાતરમ’ ટીમના માલિક વાંકાનેરના ઝાકીરભાઇ બ્લોચ છે. તેઓ વર્ષોથી રાજકોટના મેળામાં મોતના કૂવા ચલાવે છે. તેઓ સમગ્ર ગુજરાત અને ભારતભરમાં યોજાતા મેળાઓમાં પણ મોતના કૂવા યોજે છે.
આ મોતના કૂવા માટે બારથી પંદર કારીગરો પણ તે યુપી, રાજસ્થાનથી બોલાવે છે. તેની પૂર્વ તૈયારી માટે રાજસ્થાનના અજમેરથી આવેલ આશિકભાઈ શેખ કહે છે કે, ‘હું છેલ્લા બાર વર્ષથી લોકમેળામાં મોતના કૂવાની પૂર્વ તૈયારીમાં સહભાગી બની રહ્યો છું. મોતના કૂવાને તૈયાર થતા પાંચથી સાત દિવસ થાય છે. એ તૈયાર થાય એ પૂર્વે સરસ રીતે રંગરોગન કરવામાં આવી રહ્યા છે. રાઈડ્સમાં રંગરોગાન કરવાથી લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. તેના કારણે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ આ મેળો જોવા આવે છે. મોતના કૂવા સહિતની રાઇડ્સનો સામાન લઈને આવીએ છીએ. અહીં અમને કામ અને રોજગારી બંને મળે છે.’