સંપૂર્ણ સ્વદેશી યુદ્ધજહાજ ‘INS મહેન્દ્રગિરી‘નું મુંબઈમાં જલાવતરણ

ભારતીય નૌકાદળના અત્યાધુનિક યુદ્ધજહાજ ‘મહેન્દ્રગિરી’નું 1 સપ્ટેમ્બર, શુક્રવારે મુંબઈમાં મઝગાંવ ડોક ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિના પત્ની ડો. સુદેશ ધનખડનાં હસ્તે આ ફ્રિગેટ જહાજનું જલાવતરણ કરવામાં આવ્યું હતું. ડો. સુદેશે જહાજ માટે પોતાનાં આશીર્વાદ પણ આપ્યાં હતાં.

મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી વડે તૈયાર કરવામાં આવેલું ‘INS મહેન્દ્રગિરી‘ દેશમાં અત્યાર સુધીમાં સૌથી ઓછા સમયમાં તૈયાર કરવામાં આવેલું ફ્રિગેટ શ્રેણીનું જહાજ સાતમું યુદ્ધજહાજ છે.

આ યુદ્ધજહાજ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 17-A અંતર્ગત નિર્માણ કરવામાં આવ્યું છે અને મઝગાંવ ડોક લિમિટિડે બાંધેલું ચોથું યુદ્ધજહાજ છે.

આ યુદ્ધજહાજ દુશ્મનની નજરમાં આવ્યા વિના (રડાર પર આવ્યા વિના) દુશ્મનો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

આ યુદ્ધજહાજમાં ભારતમાં નિર્મિત અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સર બેસાડવામાં આવ્યા છે.

આ જહાજ સમુદ્રમાં એકદમ ઓછા અવાજ સાથે આગળ વધવાની ક્ષમતા ધરાવે છે. એમાં બેસાડવામાં આવેલ MFSTAR રડારથી દૂરના અંતર સુધી જહાજોનો પતો મળી શકે છે.

યુદ્ધજહાજ મહેન્દ્રગિરી લોકાર્પણ પ્રસંગે આમંત્રિતોને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ‘આ જહાજનું જલાવતરણ મુંબઈ જેવા જીવંત શહેરમાં કરવામાં આવ્યું છે તે ખરેખર ઉચિત જ છે.’ આ પ્રસંગે નૌકાદળના પ્રમુખ એડમિરલ આર. હરિકુમાર, મઝગાંવ ડોકના વડા સંજીવ સિંઘલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ રમેશ બૈસ, તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીરકારઃ દીપક ધુરી)