સાળંગપુરમાં હનુમાનજીનાં તિલક, ભીંતચિત્રોનો વકરતો વિવાદ  

બોટાદ: સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા દર્શાવવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વધુ એક વિવાદ વધતો જાય છે, જેમાં હનુમાનજીના કપાળ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક જોવા મળ્યું હતું. આ બધા મુદ્દે હાલમાં જ મોરારી બાપુ, મણિધર બાપુ, કબરાઉ બાપુ સહિતના અનેક અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તુરંત આ ભીંતચિત્રોને હટાવવાની માગ કરી છે. આ બધા વિવાદ વચ્ચે સાળંગપુરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સાળંગપુરમાં સૌથી ઊંચી પ્રતિમાની નીચે લગાવેલી નાની પ્રતિમાઓમાં હનુમાનજીને સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે, જેને પગલે સોશિયલ મિડિયામાં હનુમાનજીનું અપમાન થયું હોવાની પોસ્ટ સોશિયલ મિડિયામાં ફરતી થઈ હતી. આ ભીંતચિત્રોને લઈને હાલ વિવાદ ચરમસીમાએ પહોંચ્યા છે. જેથી સાળંગપુર મંદિરના તંત્ર દ્વારા પ્રાંગણમાં મિડિયાને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મંદિર પરિસરમાં વિડિયો કે બાઇટ નહીં કરવા મંદિર વહીવટી તંત્ર દ્વારા મિડિયાને કહેવામાં આવ્યું છે.

સ્વામિનારાયણના નૌતમ સ્વામીએનું નિવેદન

આ વિવાદમાં ખંભાતમાં સત્સંગ મહાસંમેલનમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેક વાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તેનાથી ભરેલો છે.

સાળંગપુર મંદિરમાં મૂકવામાં આવેલી વિશાળ પ્રતિમામાં હનુમાનજી ઉપરાંત ત્યાં દર્શાવાયેલાં ભીંતચિત્રોના વિવાદ મામલે રાજકોટના વકીલ રવિ રાઠોડ દ્વારા પણ વડતાલ, પોઈચા, કુંડળ, સાળંગપુર અને રાજકોટના સ્વામિનારાયણ મંદિરે નોટિસ આપવામાં આવી છે.