સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલરઃ કરણી સેના આંદોલન કરશે

બોટાદઃ સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિત્રોનો વિવાદ દિન પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. . આ મામલે સાધુ-સંતો તથા સનાતન ધર્મીઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. કરણી સેના પણ આંદોલનના મૂડમાં છે. હનુમાજીને દાસ તરીકે દર્શાવવા મુદ્દે બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત અને મહામંડલેશ્વર આશુતોષ ગિરિ બાપુ ભારે ગુસ્સામાં છે. આગામી દિવસોમાં જરૂર પડે તો 5000 જેટલા સાધુ-સંતો હનુમાનજી મંદિર ખાતે ઉપવાસ પર બેસીને આ ભીંતચિત્રો હટાવાની કામગીરી કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વિવાદ અંગે વાત કરીને ઉગ્ર આંદોલનનું અલ્ટિમેટમ આપી દીધું છે. જો ભીંતચિત્રો દૂર કરવામાં નહીં આવે તો સાધુ-સંતોને આવડે છે કે તેને કઈ રીતે હટાવી શકાય તેમ પણ તેમણે જણાવ્યું છે.

બીજી તરફ અજાણ્યા ભક્ત દ્વારા વિવાદિત ભીંતચિંત્ર પર કાળો રંગ લગાડવામાં આવ્યો છે. આ કાળો રંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. એ સાથે હનુમાનજીનાં ભીંતચિત્રોને લાકડી વડે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત અને મહામંડલેશ્વર આશુતોષ ગીરીબાપુ કહે છે કે ભીંતચિત્રો છે તે વહેલી તકે મંદિર વિભાગ દ્વારા હટાવી લેવામાં આવે, નહીંતર સારું નહીં થાય.

સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે કણપીઠમાં કંડારવામાં આવેલાં ભીંતચિત્રોને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મિડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે.

 કરણી સેના મેદાનમાં

સાળંગપુરમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવતા દાદાના ભક્તો મેદાનમાં ઉતર્યા છે. હવે કરણી સેનાએ પણ ઝંપલાવ્યું છે. કરણી સેનાએ આ પ્રકારના ભીંતચિત્રો મામલે ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી છે. ભીંતચિંત્રો દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કરણી સેના દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે તે અંગે પણ વાત કરવામાં આવી છે. ગુજરાત કરણી સેનાના ઉપાધ્યક્ષ સામતભાઈ જેબલિયાએ કહ્યું હતું કે આ મુદ્દાથી સનાતન ધર્મના લોકોની લાગણી દુભાઈ છે. કરણી સેનાનું સંગઠન મોટી સંખ્યામાં સાળંગપુરમાં શનિવારે વિરોધ કરવા માટે પહોંચવાનું છે. જે ચિત્રો છે તેને દૂર કરવાની કોશિશ કરીશું. જો આમાં કોઈ અડચણ ઊભી થશે તો અમે જ્વલંત આંદોલન કરીશું.