આણંદની બોરસદ જેલમાંથી ચાર કેદીઓ જેલ તોડીને ભાગ્યા

અમદાવાદઃ રાજ્યના આણંદ જિલ્લાની એક જેલમાંથી ચાર કેદીઓ ફરાર થયા છે. શુક્રવારે રાત્રે આશરે બે કલાકે બેરેક નંબર ત્રણમાં બંધ ચાર કેદીઓએ જેલ તોડીને ફરાર થયા હતા. આણંદ જિલ્લાની બોરસદ જેલમાંથી ફરાર થયેલા કેદીઓમાં બે જણને પ્રોહિબિશન (દારૂબંધીને તોડવા) અને એક કેદીની હત્યાનો આરોપી છે, જ્યારે એક અન્ય પર રેપનો આરોપ છે. જેલમાંથી ફરાર થયેલા આરોપીઓના સગડ મળ્યા નથી.

આણંદ જિલ્લાની બોરસદ સબ-જેલમાંથી બંધ કેદી બેરેક નંબર ત્રણમાંથી ભાગ્યા છે. કેદીઓએ બેરેકની નીચેની લાકડીઓનો ભાગ કાપી કાઢ્યો હતો અને એ પછી રાતના અંધારામાં આશરે બે કલાકે જેલમાંથી પોલીસને ચકમો આપીને 20 ફૂટ ઊંચી દીવાલ કૂદીને ફરાર થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર લાકડી કાપ્યા પછી તેમણે લોખંડનો સળિયો પણ કાઢી દીધો હતો. ત્યાર બાદ તેઓ બહાર આવ્યા હતા અને રાતના અંધારાનો લાભ લઈને જેલ તોડીને ભાગી ગયા હતા.

બોરસદ સબ-જેલમાંથી આ પહેલાં પણ કેટલીય વાર કેદીઓ ભાગી ગયાની ઘટનાઓ બની ચૂકી છે. અત્યાર સુધી રાજ્યના જેલ વિભાગે કોઈ સત્તાવાર નિવેદન જારી નથી કર્યું. એક અધિકારીએ જણાવ્યું હતું કે એક કોર્ટે આ કેદીઓમાંથી એકને જામીન આપ્યા હતા.

બોરસદ સબ જેલમાં આ પહેલાં 10 કેદીઓ ભાગી ગયા હતા, જ્યારે વર્ષ 2018માં બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ કેદીઓ જેલમાંથી ભાગ્યા હતા.