વાવાઝોડું ‘સાઓલા’ એકદમ નિકટમાં; હોંગકોંગમાં ફ્લાઈટ્સ રદ, ચીનમાં ધંધા-બજારો બંધ

હોંગકોંગઃ એશિયા ખંડના આર્થિક કેન્દ્ર મનાતા હોંગકોંગ અને પડોશમાં આવેલા ચીનના સૌથી વધુ વસ્તીવાળા પ્રાંત ગુઆંગડોંગમાં શક્તિશાળી વાવાઝોડું ‘સાઓલા’ ત્રાટકવાનો ભય ઝળૂંબી રહ્યો છે તેથી આજે સેંકડોની સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અને શાળા, કોલેજો, ધંધાઓ, આર્થિક બજારો બંધ રાખવામાં આવ્યા છે. ‘સાઓલા’ વાવાઝોડા વખતે પવન પ્રતિ કલાક 200 કિ.મી. (125 માઈલ)ની ઝડપે ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું આજે શુક્રવારે મોડી રાતે અથવા શનિવારે વહેલી સવારે ગુઆંગડોંગમાં ત્રાટકવાની આગાહી છે. 1949ની સાલથી ચીનના દક્ષિણ ભાગમાં આવેલા આ પ્રાંતમાં ફૂંકાનાર આ પાંચમું સૌથી શક્તિશાળી વાવાઝોડું હશે. ચીનના સત્તાવાળાઓએ નાગરિકોને તમામ જરૂરી ચેતવણીઓ આપી દીધી છે.

હોંગકોંગમાં શુક્રવારે સ્થાનિક સમય મુજબ બપોરે બે વાગ્યાથી લઈને શનિવારે સવારે 10 વાગ્યા સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. આને કારણે અસંખ્ય પ્રવાસીઓ અટવાઈ ગયાં છે. સત્તાવાળાઓએ આગાહી કરી છે કે વાવાઝોડું ‘સાઓલા’ ત્રાટક્યા બાદ હવામાન ઝડપથી વધારે ખરાબ થતું જશે. એ વખતે દરિયામાં સામાન્ય ભરતી કરતાં આશરે 3 મીટર (10 ફૂટ) વધારે ઊંચા મોજાં ઉછળી શકે છે. ‘સાઓલા’ ચીનના હુઈદોંગ અને તાઈશન શહેરોની વચ્ચેના સમુદ્રકાંઠા પર લેન્ડફોલ કરી શકે છે. આ પટ્ટાવિસ્તારનો મધ્યભાગ હોંગકોંગ અને મકાઉમાં આવેલો છે.