Home Blog Page 2466

પંચાંગ 03/10/2023

3 દિવસના વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ 2023 નું રંગેચંગે સમાપન

૩ દિવસનો વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ ૨૦૨૩ દક્ષિણ એશિયા,લેટીન અમેરીકા અને કેરેબીયન ટાપુઓની જોશસભર પ્રસ્તુતિઓ સાથે રંગેચંગે સમાપ્ત થયો. આ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ ઉપરાંત વિવિધ સંપ્રદાયોના આગેવાનોએ મંચ પર પોતાની વિશિષ્ટ પ્રથાથી વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી અને ધિક્કાર તથા ધર્માંધતાને તિલાંજલિ આપવાની હાકલ કરી. છેલ્લા ત્રણ દિવસોમાં ૧૮૦ દેશોના ૧૦ લાખ કરતાં વધુ લોકો વોશિંગ્ટન ડીસીના પ્રતિકાત્મક નેશનલ મોલ ખાતે માનવતાના એક ઐતિહાસિક મહોત્સવમાં આત્મીયતા અને ભાઈચારાનો એક જ સંદેશનો પ્રસાર કરવા નૃત્ય, સંગીત, ધ્યાન અને સંસ્કૃતિ દ્વારા માનવીય વૈવિધ્યોની ઉજવણી કરવા એકત્રિત થયા હતા.

આ ઉત્સવ માણસો વચ્ચેના જોડાણ અને સમાન ધ્યેય માટે ઐક્યની ભાવના તથા માનવ ચેતનાના ઉત્થાનની પળોથી છલોછલ હતો. મહોત્સવની સૌથી યાદગાર પળોમાંની એક કે જે સંવેદનાસભર હતી.  યુક્રેનના સમુહ દ્વારા હ્રદયસ્પર્શી  પ્રસ્તુતિ પછીની એ ઉત્કટ ક્ષણ હતી. જ્યારે ગુરુદેવની આગેવાનીમાં યુક્રેનની પ્રજા માટે  પ્રાર્થના કરવામાં આવી હતી. ગો-ગો બેન્ડની ધમાકેદાર પ્રસ્તુતિ દરમ્યાન આનંદ અને ઉજવણીના જીવંત તાલ સાથે મહાનુભાવોથી માંડીને ઉપસ્થિત મેદનીમાં સૌમાં થનગનાટ જોવા મળ્યો હતો. અન્ય એક ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે વિવિઘ સંપ્રદાયના આગેવાનોએ દુનિયામાં શાંતિ માટે હ્દયના ઊંડાણેથી કરેલી  પ્રાર્થનાએ ત્યાં ઉપસ્થિત સૌના તાર ઝણઝણાવ્યા હતા.

કોલંબિયાના સંસદ સભ્ય જુઆન કાર્લોસ-ટેરેસે જ્યારે વક્તવ્યમાં કહ્યું કે, ગુરુદેવ દુનિયામાં એક દેશ એવો છે જેણે તમને સંપૂર્ણપણે કૃતજ્ઞ રહેવું પડે. તમે બોગોટા આવવાનું અને અમારા પ્રમુખને મળવાનું નક્કી કર્યું હતું અને પછી હવાના ગયા હતા. તમે ફાર્કના વિદ્રોહીઓને અહિંસાનો માર્ગ અપનાવવા તૈયાર કર્યા હતા. ત્યારે ત્યાં મેદનીએ તાળીઓના ગડગડાટથી સૂર પુરાવ્યો હતો. ઉત્સવમાં ૧૭,૦૦૦ કલાકારો પણ એકત્રિત થયા. દુનિયાની વિવિધ સંસ્કૃતિઓ અને પ્રથાઓ દર્શાવતી ૬૦થી વધારે પ્રસ્તુતિઓ રજૂ થઈ હતી. વાણિજ્ય, રાજકારણ અને ધર્મના ક્ષેત્રોના વૈશ્વિક નેતાઓએ વધારે સહકારભર્યા અને પરસ્પર પર આધારિત વૈશ્વિક સમુદાય માટેની પોતાની પરિકલ્પનાઓ રજૂ કરી હતી. વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ પોતાના વક્તવ્યમાં કહ્યું, આપણામાં જન્મજાત સારાપણું હોય છે. તેનો વિકાસ થવો જોઈએ.એવું ત્યારે શક્ય બને છે જ્યારે આપણને ‘વસુધૈવ કુટુંબકમ’ની પ્રતીતિ થાય છે.

ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યની ઝાંખી કરાવતું ‘પંચભૂતમ’ રજૂ કરાયું હતું. જેમાં ૫ ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભરતનાટ્યમ્, કથ્થક, ઓડિસી, કુચીપુડી અને મોહિની અટ્ટમ્.સાથે સાથે ૨૫૦ સિતાર, વીણા, તબલા, મૃદંગ, વાંસળી, ઘટ અને વાયોલીન વાદકોનું  સમુહ વાદન પણ રજૂ થયું હતું.  ૧૦,૦૦૦ ઉત્સાહસભર કલાકારો દ્વારા ગરબો, ૨૦૦ કલાકારો દ્વારા ઊર્જાસભર ભાંગડા, કાશ્મીરી લોકનૃત્ય અને ૨૦૦ ચેંડા ડ્રમ વાદકો. વૈશ્વિક પ્રસ્તુતિઓ હતી. આફ્રિકા, જાપાન, મીડલ ઈસ્ટ, કેરેબીયન ટાપુઓ, આર્જેન્ટીના, નેપાળ, સ્લેવીક દેશો અને મોંગોલીયાના અદભૂત નૃત્યો, ૧,૦૦૦ ચાઈનીઝ, અમેરિકન ગાયકો અને નૃત્યકારો દ્વારા રોમાંચક પ્રસ્તુતિ, પાકિસ્તાનની હ્રદયસ્પર્શી પ્રસ્તુતિ, લેટીન અમેરીકન નૃત્યકારો, શ્રી લંકાના ડ્રમ અને નૃત્ય તથા નેપાળની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થઈ હતી. મોહિની અટ્ટમ્ નૃત્યના નિર્દેશક બીના મોહને જાણવ્યું હતું. આ એટલું તો દિગ્મુઢ કરી નાંખે તેવું અદભૂત છે. આ અનુભવમાંથી અમે ઘણું શીખ્યા છીએ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાર્યક્રમમાં ભૌગોલિક અને લોકોના વૈવિધ્યપૂર્ણ પ્રતિનિધિત્વ જોતાં કહ્યું હતું. ગુરુદેવ તમે વૈશ્વિક પરિવારની એક સૂક્ષ્મ આવૃત્તિ બનાવી છે.

મહોત્સવમાં જે નોંધપાત્ર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તે છે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, વિશ્વ સંગઠનના ૮ મા સેક્રેટરીજનરલ બાન કી-મુન, લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન, યુ એસ સર્જન જનરલ ડો વિવેક મૂર્તિ, ડીસીના મેયર મુરીએલ બાઉસર, જાપાનના સંસદ સભ્ય હાકુબુન શીમોમુરા, યુ એનના પૂર્વ ડેપ્યુટી સેક્રેટરી જનરલ તથા યુએનઈપીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એરિક સોલહેમ તથા અન્ય રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું, આ મેળાવડો એ બાબતની પ્રતીતિ કરાવે છે કે માનવીયતા તમામ વિભાજનોથી પર છે.આપણે મળીને એવી દુનિયાનું સર્જન કરવું જોઈએ જ્યાં શાંતિ અને સંવાદિતા હોય.

  • ૧૮૦- દેશોએ ભાગ લીધો.
  • ૧૦,૦૦,૦૦૦- લોકો વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ પર આયોજિત આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા.
  • ૫૧- સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દુનિયાભરથી રજૂ થઈ.
  • ૪૭- મહાનુભાવોએ વકતવ્ય આપ્યા
  • ૧૦૦૦- ગુરુદેવ સાથે યોગ માટે ઉત્સાહિત લોકોએ લીંકન મેમોરિયલ પર યોગ, પ્રાણાયામ અને ધ્યાન કર્યા.
  • ૧૦,૦૦૦- લોકોએ ઐક્યનો સંદેશો આપતાં ગરબો રજૂ કર્યો.
  • ૧૭,૦૦૦- કલાકારોએ પ્રસ્તુતિઓ રજૂ કરી.

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં એક દિવસમાં 12 નવજાત શિશુઓ સહિત 24 દર્દીઓના મોત

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા છે. આ સિવાય 70 દર્દીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોમાં 12 નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. બનાવને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. દર્દીઓના સગાઓએ પણ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દવા અને સ્ટાફનો અભાવ તેનું કારણ હોવાનું કહેવાય છે.

તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં પણ મહારાષ્ટ્રના થાણેની એક હોસ્પિટલમાં એક જ દિવસમાં 18 દર્દીઓના મોત થયા હતા. હોસ્પિટલના ડીન એસ વાકોડે મીડિયાને જણાવ્યું હતું કે છ પુરુષ અને છ સ્ત્રી શિશુઓ વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામેલા 12 પુખ્ત વયના લોકોમાંથી મોટા ભાગના કેસો સાપ કરડવાથી થયા હતા. તેમણે કહ્યું કે ઘણા દર્દીઓને ખૂબ જ ગંભીર સ્થિતિમાં લાવવામાં આવ્યા હતા. વાકોડેએ જણાવ્યું કે 70-80 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી આ એકમાત્ર હોસ્પિટલ છે અને અહીં દૂર-દૂરથી દર્દીઓ આવે છે.

બીજી તરફ વિપક્ષે સરકારી હોસ્પિટલોમાં દવાઓની અછતનો આક્ષેપ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં હાફકાઈન સંસ્થા દ્વારા દવા સપ્લાય કરવામાં આવે છે. સંસ્થાએ ભંડોળના અભાવે છેલ્લા કેટલાક સમયથી દવાઓ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ માટે સરકારી હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી.

એશિયન ગેમ્સ 2023: સોમવારે ભારતે જીત્યા 7 મેડલ, હોકી ટીમ સેમી ફાઇનલમાં પહોંચી

એશિયન ગેમ્સ 2023ના 9મા દિવસની વિશેષતાઓ: એશિયન ગેમ્સમાં સોમવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. સોમવારે ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા હતા. આ 7 મેડલમાંથી એથ્લેટ્સે ભારત માટે 5 મેડલ જીત્યા હતા. આજની રમતના અંત સુધી, તેજસ્વિન શંકર 4260 પોઈન્ટ સાથે ડેકાથલોનમાં ટોચ પર છે. ભારતીય ટીમને 400 મીટર મિક્સ્ડ રિલેમાં સિલ્વર મેડલ મળ્યો. આજે અગાઉ, સ્કેટરોએ 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ પછી બપોરે ટેબલ ટેનિસની મહિલા ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે સાંજથી એથ્લેટિક્સ ઈવેન્ટ્સનો પ્રારંભ થયો હતો.સ્કેટિંગમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા ટીમે સ્કેટિંગ 3000 મીટર રિલેમાં 4:34.861ના સમય સાથે મેડલ જીત્યો હતો. આ પછી, પુરુષોની ટીમે 4:10.128ના સમય સાથે રિલે ઇવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો.


સુતીર્થા મુખર્જી અને અયહિકા મુખર્જીને બ્રોન્ઝ

જો કે, ટેબલ ટેનિસમાં સુતીર્થા મુખર્જી અને અયહિકા મુખર્જીને સેમિફાઇનલમાં કોરિયન જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. કોરિયન ખેલાડીએ ભારતીય જોડીને 1-7, 8-11, 11-7, 8-11, 9-11, 11-5, 2-11થી હરાવી હતી.

સ્ટીપલચેઝ ઈવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યો

પારુલ ચૌધરીએ મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ સ્પર્ધામાં ભારત માટે સિલ્વર જીત્યો હતો. જ્યારે આ ઈવેન્ટમાં પ્રીતિએ બ્રોન્ઝ કબજે કર્યો હતો. સોજને વિમેન્સ લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો.તેણે મહિલાઓની લોંગ જમ્પમાં 6.63 મીટરના જમ્પ સાથે સિલ્વર જીત્યો હતો. આ સિવાય ભારતના મુહમ્મદ અનસ, જિસ્ના મેથ્યુ, ઐશ્વર્યા મિશ્રા, સોનિયા બૈશ્યા, મુહમ્મદ અજમલે મિક્સ્ડ રિલે ટીમમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતીય પુરૂષ ટીમ હોકીમાં સેમી ફાઇનલમાં પહોંચી

આ સિવાય હોકીમાં ભારતીય પુરૂષ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી છે. ભારતે તેની છેલ્લી ગ્રુપ મેચમાં બાંગ્લાદેશ સામે રમી હતી અને 12-0થી જીત મેળવી હતી. ભારત તરફથી હરમનપ્રીત સિંહ અને મનપ્રીત સિંહે 3-3 ગોલ કર્યા હતા. અભિષેકે બે ગોલ કર્યા હતા. તેમજ અમિત રોહિદાસ, લલિત ઉપાધ્યાય, નીલકાંત શર્મા અને ગુરજંત સિંહે 1-1 ગોલ કર્યો હતો.

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કારણે સ્થિતિ વણસી, હજારો લોકોના મોત, ભારતમાં કેવી છે સ્થિતિ?

ડેન્ગ્યુ વૈશ્વિક સ્તરે ગંભીર સ્વાસ્થ્ય માટેનું જોખમ છે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના અહેવાલ મુજબ, દર વર્ષે વિશ્વભરમાં આ રોગના કારણે 35-36 હજારથી વધુ લોકો મૃત્યુ પામે છે. આ દિવસોમાં પાડોશી દેશ બાંગ્લાદેશ સહિત ભારતના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કારણે સ્થિતિ વણસી રહી છે. બાંગ્લાદેશમાં વર્ષની શરૂઆતથી 1,000 થી વધુ લોકો ડેન્ગ્યુ તાવથી મૃત્યુ પામ્યા છે, સત્તાવાર ડેટા બતાવે છે, જે દેશમાં મચ્છરજન્ય રોગનો સૌથી મોટો પ્રકોપ હોવાનું માનવામાં આવે છે. બાંગ્લાદેશની સાથે ભારતના ઘણા રાજ્યોમાં આ મચ્છરજન્ય રોગને કારણે સ્થિતિ વધુ વણસી રહી હોવાના અહેવાલો છે. રાજધાની દિલ્હી-કોલકાતામાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તબીબોનું કહેવું છે કે, દિલ્હી-એનસીઆરની હોસ્પિટલોની ઓપીડીમાં આવતા 50-60 ટકા દર્દીઓમાં ડેન્ગ્યુનું નિદાન થઈ રહ્યું છે. આ એક મોટું સ્વાસ્થ્ય જોખમ છે, જેના વિશે દરેક વ્યક્તિએ સજાગ રહેવાની જરૂર છે.

આ વર્ષે બે લાખથી વધુ કેસ

બાંગ્લાદેશ ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિસના ડેટાએ રવિવારે પ્રકાશિત કર્યું હતું કે આ વર્ષે દેશમાં 200,000 થી વધુ કેસોની પુષ્ટિ થઈ છે, જેમાં 1,006 લોકો મૃત્યુ પામ્યા છે. એજન્સીના ડાયરેક્ટરે મીડિયાને જણાવ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 2000 પછી પહેલીવાર આટલો ઊંચો છે. તે બાંગ્લાદેશ અને વિશ્વ બંનેમાં આરોગ્યની એક મોટી ઘટના છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, મૃતકોમાં 15 વર્ષ અને તેથી ઓછી ઉંમરના 112 બાળકોનો સમાવેશ થાય છે, જેમાં શિશુઓ પણ રોગને કારણે મૃત્યુ પામે છે.

પરિસ્થિતિ કેમ બગડી?

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે દેશમાં અનિયમિત વરસાદ અને ચોમાસા દરમિયાન ગરમ તાપમાનને કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે, જેણે મચ્છરો માટે આદર્શ સંવર્ધનની સ્થિતિ ઊભી કરી છે. બાંગ્લાદેશમાં ડેન્ગ્યુ હેમરેજિક તાવનો પ્રથમ પ્રકોપ 2000 માં નોંધાયો હતો. આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મચ્છરોની ઉત્પત્તિ ઘટાડવા માટે મોટા પાયે દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

બિહાર અને કોલકાતામાં પણ સ્થિતિ સારી નથી

બાંગ્લાદેશ ઉપરાંત ભારતમાં પણ ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. બિહારમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 6,146 કેસ નોંધાયા છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. બિહારમાં આ વર્ષે 6,421 કેસ નોંધાયા હતા, જેમાંથી 6,146 એકલા સપ્ટેમ્બરમાં નોંધાયા હતા, જે સપ્ટેમ્બર 2022માં નોંધાયેલા 1,896 કરતા ત્રણ ગણા વધુ હતા. પશ્ચિમ બંગાળથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ વર્ષે રાજ્યમાં ડેન્ગ્યુથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 38 હજારથી વધુ થઈ ગઈ છે. તાજેતરના અહેવાલોમાં કોલકાતામાં 20 વર્ષીય યુવકનું મૃત્યુ પણ સામેલ છે.

એશિયન ગેમ્સ-2023: ભારતે 4×400 મિક્સ્ડ રીલે દોડમાં રજત જીત્યો

હાંગ્ઝોઃ ભારતના મોહમ્મદ અજમલ વરિયાઠોડી, વિદ્યા રામરાજ, રાજેશ રમેશ અને સુભા વેંકટેશને અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં, 4×400 મીટરની મિક્સ્ડ રીલે રેસમાં બીજો ક્રમ હાંસલ કરીને રજત ચંદ્રક જીત્યો છે.


બે પુરુષ અને બે મહિલા રનરની બનેલી ભારતીય ટીમે 3:14.34 સેકંડનો સમય નોંધાવ્યો હતો. બેહરીનના એથ્લીટ્સે 3:14.02 સેકંડ સાથે પહેલા ક્રમે આવીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સાથે, વર્તમાન ગેમ્સમાં ભારતે જીતેલા મેડલ્સનો આંકડો 60 પર પહોંચ્યો છે.

અદાણી એનર્જીએ મુંબઈમાં ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

મુંબઈઃ અદાણી એનર્જી સોલ્યૂશન્સ (અગાઉની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ) કંપનીએ મુંબઈમાં 400 કિલોવોટ કનેક્શનનું કામ પૂરું કરી લીધું છે. આ અંતર્ગત ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઈન ચાલુ કરવામાં આવી છે.

ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન લિમિટેડ પ્રોજેક્ટ નવી મુંબઈના ખારઘરથી શરૂ થઈને ઈશાન મુંબઈના વિક્રોલીમાં સમાપ્ત થશે. કંપનીનું કહેવું છે કે 9,500 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી આ લાઈન, 400 KV સબસ્ટેશનમાં સૌથી કોમ્પેક્ટ ડિઝાઈન છે. આની અનોખી ડિઝાઈનમાં 400 KV અને 220 KV GISને ઊભા ખંડમાં એકની ઉપર એક બનાવવામાં આવ્યા છે. ખારઘર-વિક્રોલી લાઈનથી મુંબઈ શહેરમાં વધુ 1,000 મેગાવોટ વીજળી પૂરવઠો પૂરો પાડી શકાશે.

તદુપરાંત, અદાણી ગ્રુપ 2027ની સાલ સુધીમાં 10 ગીગાવોટ સોલર ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા કરવા ધારે છે. હાલ તેની ક્ષમતા 4 ગીગાવોટ સોલર ઉત્પાદનની છે. કંપનીએ 3,000 મેગાવોટની નિકાસનો એક ઓર્ડર મેળવ્યો છે, જે આવતા 15 મહિનામાં પરિપૂર્ણ કરશે.

રાજ્યમાં વકરતો રોગચાળોઃ ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં વધારો

અમદાવાદઃ ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન પહેલાં રાજ્યમાં રોગચાળો વકર્યો છે. રાજ્યમાં 17 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના અધધધ 3334 કેસ નોંધાયા છે. છેલ્લા દોઢ જ માસમાં ડેન્ગ્યુના કેસમાં ચાર ગણો વધારો થયો છે, જ્યારે ચિકનગુનિયાના કેસમાં દોઢ ગણો વધારો થયો છે.

આ સાથે સરકારી આંકડા મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં ડેન્ગ્યુના 40,872 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુને કારણે પાંચ વર્ષમાં 41 લોકોએ જીવ ગુમાવ્યો છે. મચ્છરજન્ય રોગચાળાને પરિણામે શહેરીજનો ત્રાહિ મામ્ પોકારી ગયા છે. રાજ્યમાં હાલ ગરમી વધી રહી છે. શ્રાદ્ધ પક્ષમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યના 12 શહેરોમાં 37 ડિગ્રી કરતાં વધુ ગરમી નોંધવામાં આવી છે. બીજી બાજુ રાજ્યમાં રોગચાળો વકર્યો છે.

રાજકોટમાં વરસાદી વાતાવરણને લઈ રોગચાળો સતત વકરી રહ્યો છે, જેમાં ખાસ મચ્છરજન્ય રોગચાળો વધતાં ડેન્ગ્યુ અને મેલેરિયાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરંમાં ડેન્ગ્યુના સૌથી વધુ 11 તેમજ મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. એટલું જ નહીં આ સપ્તાહે ચિકનગુનિયાનાં પણ છ કેસ નોંધાયા છે. આ સાથે શરદી- ઉધરસ તેમજ તાવના 521 ઉપરાંત ઝાડા-ઉલટીનાં વધુ 164 સહિત કુલ 704 કેસ નોંધાયા છે.

શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દૈનિક ધોરણે 200થી વધારે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ આવી રહ્યા છે. જે રીતે દર્દીઓની કતારો જામી રહી છે, તેના કારણે દર્દીઓના માટે કેસ બારીઓ પણ ઓછી પડતાં વધુ બે હંગામી કેસ બારી માટેના કાઉન્ટર બહારની સાઈડમાં ખોલવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય એ માટે થઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે ફોગિંગ પણ સતત કરવામાં આવી રહ્યુ છે.

 

 

 

 

ગાંધી જયંતીએ બિહાર સરકારે જારી કર્યો જાતીય જનગણતરી રિપોર્ટ

પટનાઃ બિહારમાં હાલમાં કરાવવામાં આવેલી જાતિ આધારિત જન ગણતરીનો રિપોર્ટ જારી કરી દેવામાં આવ્યો છે. મુખ્ય સચિવ વિવેક કુમાર સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે. રાજ્યની કુલ 13 કરોડની વસતિમાં પછાત વર્ગની સંખ્યા 27.13 ટકા છે. અત્યંત પછાત વર્ગની કુલ વસતિ 36.01 ટકા છે.

તેમણે કહ્યું હતું કે પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગની સંયુક્ત વસતિ 63.14 ટકા છે. માત્ર 15.52 ટકા લોકો સામાન્ય વર્ગના છે. અનુસૂચિત જાતિના લોકો 19.65 ટકા અને અનુસૂચિત જનજાતિની કુલ વસતિ 1.68 ટકા છે. બિહારમાં 2.83 કરોડ પરિવારો છે.

બિહારની લગભગ 82 ટકા વસતિ હિંદુ છે અને 17.7 ટકા મુસ્લિમ છે. બિહારના મુખ્ય પ્રધાને જાતિ આધારિત જન ગણતરિના આંકડા જારી થવા પર કહ્યું છે કે ગાંધી જયંતીના શુભ અવસરે બિહારમાં કરવામાં આવેલી જાતિ આધરિત ગણતરીના આંકડા પ્રકાશિત કરી દેવામાં આવ્યા છે.

ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું છે કે આ એક ઐતિહાસિક ક્ષણ છે, દાયકાઓના સંઘર્ષનું પરિણામ છે. બિહારમાં કોઈરી- 4.2 કુર્મી, 2.8 કાયસ્થ,.60 મોચી, ચમાર, રવિદાસ, 5.2 બ્રાહ્મણ, 3.65 ભૂમિહાર, 2.86 મુસહર, 3.08 રાજપૂત, 3.45 વેપારી,  2.31 નાવિક, 2.60 યાદવ અને રાજ્યમાં માત્ર 17.7 ટકા મુસલમાન છે. બાકી ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન તથા અન્ય ધર્મને માનનારાની સંખ્યા માત્ર એક ટકાથી પણ ઓછી છે.બિહાર વિધાનસભાના તમામ નવ પક્ષોની સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર તેના પોતાના સંસાધનોમાંથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે અને તેની મંજૂરી બીજી જૂન, 2022એ મંત્રી પરિષદમાંથી આપવામાં આવી હતી. તેને આધારે રાજ્ય સરકારે પોતાના સંસાધનોમાંથી જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરી છે.

 

 

 

 

 

‘વંદે ભારત’ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

જયપુરઃ રાજસ્થાનના ભીલવાડા નજીક ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાના એક પ્રયાસને આજે સવારે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આને કારણે એક મોટી ગમખ્વાર ટ્રેન દુર્ઘટનાને ટાળી શકાઈ છે. આ ઘટના આજે સવારે લગભગ 9.55 વાગ્યે બની હતી. વંદે ભારત ટ્રેનના સતર્ક લોકો પાઈલટ (ડ્રાઈવરો)ને ટ્રેનની ગતિમાં કંઈક અવરોધ જણાયો હતો અને તરત જ એમણે સમયસૂચકતા દાખવીને ઈમરજન્સી બ્રેક લગાવી દઈને ટ્રેનને ઊભી રાખી દીધી હતી.

ડ્રાઈવરોએ નીચે ઉતરીને જોયું તો પાટા પર બંને તરફ પથ્થરો મૂકવામાં આવ્યા હતા અને બે જગ્યાએ પાટાના સાંધાઓ પર એક-એક ફૂટની લંબાઈવાળા લોખંડના સળીયા ઊભા મૂકી દેવામાં આવ્યા હતા જેથી તેની સાથે અથડાતા જ ટ્રેન પાટા પરથી ઉથલી પડે. આ ભાંગફોડના કૃત્યમાં કોણ સંડોવાયેલું છે તે શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ડ્રાઈવરોએ આમ તત્કાળ પગલું ભરીને સેંકડો લોકોના જીવ બચાવી લીધા હતા. આ ઘટના ગંગરાર-સોનિયાના રેલવે ક્ષેત્રમાં બન્યો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ અને જિલ્લા પોલીસ, બંનેએ આ કેસમાં તપાસ શરૂ કરી છે.

ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મંગળવારને બાદ કરતાં અઠવાડિયાના છ દિવસોએ દોડે છે. તે ઉદયપુરથી સવારે 7.50 ઉપડીને એ જ દિવસે બપોરે 2.05 વાગ્યે જયપુર પહોંચે છે.