‘વંદે ભારત’ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

જયપુરઃ રાજસ્થાનના ભીલવાડા નજીક ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાના એક પ્રયાસને આજે સવારે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આને કારણે એક મોટી ગમખ્વાર ટ્રેન દુર્ઘટનાને ટાળી શકાઈ છે. આ ઘટના આજે સવારે લગભગ 9.55 વાગ્યે બની હતી. વંદે ભારત ટ્રેનના સતર્ક લોકો પાઈલટ (ડ્રાઈવરો)ને ટ્રેનની ગતિમાં કંઈક અવરોધ જણાયો હતો અને તરત જ એમણે સમયસૂચકતા દાખવીને ઈમરજન્સી બ્રેક લગાવી દઈને ટ્રેનને ઊભી રાખી દીધી હતી.

ડ્રાઈવરોએ નીચે ઉતરીને જોયું તો પાટા પર બંને તરફ પથ્થરો મૂકવામાં આવ્યા હતા અને બે જગ્યાએ પાટાના સાંધાઓ પર એક-એક ફૂટની લંબાઈવાળા લોખંડના સળીયા ઊભા મૂકી દેવામાં આવ્યા હતા જેથી તેની સાથે અથડાતા જ ટ્રેન પાટા પરથી ઉથલી પડે. આ ભાંગફોડના કૃત્યમાં કોણ સંડોવાયેલું છે તે શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ડ્રાઈવરોએ આમ તત્કાળ પગલું ભરીને સેંકડો લોકોના જીવ બચાવી લીધા હતા. આ ઘટના ગંગરાર-સોનિયાના રેલવે ક્ષેત્રમાં બન્યો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ અને જિલ્લા પોલીસ, બંનેએ આ કેસમાં તપાસ શરૂ કરી છે.

ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મંગળવારને બાદ કરતાં અઠવાડિયાના છ દિવસોએ દોડે છે. તે ઉદયપુરથી સવારે 7.50 ઉપડીને એ જ દિવસે બપોરે 2.05 વાગ્યે જયપુર પહોંચે છે.