Home Blog Page 2460

રણબીર કપૂરને EDના સમન્સઃ 15-20 બોલીવૂડ સ્ટાર રડાર પર

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર રણબીર કપૂર હાલના દિવસોમાં ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એ ફિલ્મના ટીઝરનો વિડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ દ્વારા તે સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની સાથે સૌપ્રથમ વાર સ્ક્રીન શેર કરશે. જોકે હવે એક્ટરને સટ્ટાબાજી મામલે EDના સમન્સ મળ્યા છે. એક્ટર પર આરોપ લાગ્યો છે કે તેણ મહાદેવ એપને પ્રમોટ કરી છે. એ મામલે છ ઓક્ટોબરે તેને બોલાવવામાં આવ્યો છે.

આ કેસમાં માત્ર રણબીરનું જ નામ નહીં, પરંતુ લિસ્ટમાં 15-20 સેલેબ્સ બીજા પણ છે, જેઓ EDની રડાર પર છે. આ લિસ્ટમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઇગર શ્રોફ, નેહા કક્કડ, ભારતી સિંહ, અલી અવરામ, સની લિયોની, ભાગ્યશ્રી, પલ્કિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેકનું નામ સામેલ છે.

શું છે રૂ. 200 કરોડનો મામલો?

મહાદેવ ગેમિંગ-બેટિંગ એક ઓનલાઇન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે. આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં સંયુક્ત અમીરાતમાં થયા હતા. લગ્નમાં રૂ. 200 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. આ આલીશાન લગ્નનો વિડિયો ભારતીય એજન્સીઓના હાથે લાગ્યો છે. લગ્નમાં પર્ફોર્મ કરવા માટે જેટલા પણ સેલેબ્સને બોલાવાયા હતા, તે પણ રડાર પર આવી ગયા છે. UAEમાં એપના પ્રમોટરના લગ્ન તથા સક્સેસ પાર્ટીમાં હાજરી આપનારા અભિનેતા અને સિંગર્સની પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

થોડા દિવસ પહેલા ઈડીએ મુંબઈ, ભોપાલ, કોલકાતા સહિત હવાલો ઓપરેટરોએ અહીં દરોડા પાડ્યા, જેમણે આ ઈવેન્ટ માટે રકમ મુંબઈની ઈવેન્ટ ફર્મને મોકલી હતી. અહીંથી સિંગર નેહા કક્કડ, સુખવિંદર સિંહ, ભારતી સિંહ અને ભાગ્યશ્રીને પરફોર્મ કરવા માટે પેમેન્ટ કરાયું હતું. આ સટ્ટાબાજ એપનું ટર્નઓવર રૂ. 20,000 કરોડ છે.

 

 

 

 

 

ભારતમાં ઑડી કારના વેચાણમાં 88 ટકાનો વધારો થયો

મુંબઈઃ જર્મનીની લક્ઝરી કારઉત્પાદક ઑડીના જણાવ્યા મુજબ, ભારતમાં આ વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન તેની કારના રીટેલ વેચાણમાં 88 ટકાનો વધારો નોંધાયો હતો.

ઑડી ઈન્ડિયાએ આ સમયગાળા દરમિયાન 5,530 કાર વેચી હતી. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન તેણે 2,947 કાર વેચી હતી.

કારવેચાણમાંનો આ જબ્બર વધારો તેણે નવી લોન્ચ કરેલી લક્ઝરી કારને લીધે થયો હોવાનું કંપનીનું કહેવું છે. આમાં Q8 e-tron, Q8 સ્પોર્ટબેક e-tron, Q3 અને Q3 સ્પોર્ટબેકનો સમાવેશ થાય છે. તદુપરાંત કંપનીની A4, A6, Q5 મોડેલની કારની ડિમાન્ડમાં પણ વધારો થયો હતો. કંપનીની એસયૂવીકારના વેચાણમાં 187 ટકાનો વધારો નોંધાયો છે. હવે દેશમાં તહેવારોની મોસમ શરૂ થશે એટલે વેચાણ ઓર વધશે એવું કંપનીનું માનવું છે.

પ્રેગ્નન્સીની અફવાઓ વચ્ચે અનુષ્કા શર્માએ પોસ્ટ શેર કરી

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. રિપોર્ટ્સનું માનીએ તો અનુષ્કા બીજી વખત પ્રેગ્નન્ટ છે. અનુષ્કાની પ્રેગ્નન્સીના સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે પરંતુ અભિનેત્રીએ અત્યાર સુધી તેના પર મૌન જાળવી રાખ્યું છે. આ અંગે અનુષ્કા કે વિરાટ બંનેમાંથી કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.દરમિયાન વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલીએ લોકોને એક રિક્વેસ્ટ કરી છે.વિરાટ બાદ અનુષ્કાએ પણ એક રિક્વેસ્ટ કરી છે. ICC વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ચેન્નાઈમાં મેચ રમાવા જઈ રહી છે. મેચ પહેલા અનુષ્કા અને વિરાટે ફની રીતે લોકોને વિનંતી કરી છે.

વિરાટે આ પોસ્ટ શેર કરી છે

વિરાટે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું – જેમ જેમ આપણે વર્લ્ડ કપ નજીક આવી રહ્યા છીએ, હું મારા બધા મિત્રોને નમ્રતાથી કહેવા માંગુ છું કે આખી ટૂર્નામેન્ટ દરમિયાન મને ટિકિટ માટે વિનંતી ન કરો. મહેરબાની કરીને તમારા ઘરેથી આનંદ કરો. પોતાની સ્ટોરી પર વિરાટની પોસ્ટ શેર કરતી વખતે અનુષ્કા શર્માએ લખ્યું- અને હું ફક્ત આ ઉમેરવા માંગુ છું. જો તમારા સંદેશનો જવાબ આપવામાં આવ્યો નથી, તો કૃપા કરીને મને મદદ માટે વિનંતી કરશો નહીં. સમજવા માટે આભાર.

જ્યાં એક તરફ વિરાટ અને અનુષ્કા સોશિયલ મીડિયા પર મસ્તી કરી રહ્યા છે, તો બીજી તરફ તેઓએ અભિનેત્રીની પ્રેગ્નન્સી અંગે મૌન જાળવી રાખ્યું છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ અનુષ્કા બીજી વખત માતા બનવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ગત વખતની જેમ વિરાટ અને અનુષ્કા થોડા સમય પછી ફેન્સને આ સમાચાર સત્તાવાર રીતે આપશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ફિલ્મ ચકડા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મથી અનુષ્કા લાંબા સમય બાદ એક્ટિંગમાં વાપસી કરવા જઈ રહી છે. અનુષ્કા છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી.

સંજય સિંહના ઘર પર દરોડા પર CM અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે છેલ્લા એક વર્ષથી દારૂના કૌભાંડને જોઈ રહ્યા છીએ. ક્યાંય કશું મળ્યું નથી. આ લોકોએ ઘણા દરોડા પાડ્યા છે. દારૂના કૌભાંડમાં હજુ કંઈ મળ્યું નથી. તેણે કહ્યું કે સંજય સિંહના ઘરેથી કંઈ મળ્યું નથી. આગામી ચૂંટણીમાં તેમની હાર જોઈને આ બધું થઈ રહ્યું છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ આ તમામ એજન્સીઓ સક્રિય થશે.

 

સીએમએ કહ્યું કે, છેલ્લા એક વર્ષથી જોવામાં આવે છે કે કહેવાતા દારૂના કૌભાંડને લઈને ઘણો અવાજ આવે છે પરંતુ તેમને એક પૈસો પણ મળ્યો નથી. 1,000 થી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા અને ક્યાંયથી કોઈ વસૂલાત થઈ ન હતી. ક્યારેક તેઓ કહે છે કે ક્લાસરૂમમાં કૌભાંડ થયું છે, બસોની ખરીદીમાં કૌભાંડ થયું છે, તેમને દરેક બાબતની તપાસ થઈ છે. સંજય સિંહની જગ્યાએ પણ કંઈ નહીં મળે. તેમણે કહ્યું કે આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે અને તેઓ (ભાજપ)ને લાગે છે કે તેઓ હારી જશે, તેથી આ હારેલા માણસના ભયાવહ પ્રયાસો લાગે છે.


AAPનો આરોપ – પ્રશ્નો પૂછવામાં આવતાં દરોડા પાડવામાં આવ્યા

અગાઉ, આમ આદમી પાર્ટી (AAP) એ બુધવારે આરોપ લગાવ્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેના રાજ્યસભા સાંસદ સંજય સિંહને “ટાર્ગેટ” કર્યા હતા કારણ કે તેમણે સંસદમાં અદાણી જૂથ સંબંધિત મુદ્દા ઉઠાવ્યા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે છેલ્લા એક વર્ષથી દારૂના કૌભાંડને જોઈ રહ્યા છીએ. ક્યાંય કશું મળ્યું નથી. આ લોકોએ ઘણા દરોડા પાડ્યા છે.

ટિટાગઢે ગુજરાત મેટ્રો સાથે 857 કરોડના સમજૂતી કરાર કર્યા

અમદાવાદઃ ટિટાગઢ રેલ સિસ્ટમે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સાથે રૂ. 857 કરોડના સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર સુરત મેટ્રો રેલના પહેલા તબક્કા માટે 72 મેટ્રો કોચના નિર્માણ માટેના છે. આ પ્રોજેક્ટનું ઓર્ડર મૂલ્ય આશરે રૂ. 857 કરોડ છે. ટિટાગઢ રેલ સિસ્ટમ લિ. પહેલાં ટિટાગઢ વેગન્સ લિ.ને નામે ઓળખાતી હતી.

આ પ્રોજેક્ટનો પ્રારંભ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાના 76 સપ્તાહ પછી થશે અને પ્રોજેક્ટ 132 સપ્તાહમાં પૂરો થવાની સંભાવના છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં 38 સ્ટેશનોની સાથે કુલ 40.45 કિલોમીટર લાંબી રેલવેલાઇન સામેલ છે અને એનો અંદાજિત ખર્ચ રૂ. 12,020 કરોડ છે.

કંપનીના સિનિયર મેનેજમેન્ટે કહ્યું હતું કે ટિટાગઢ રેલવે સિસ્ટમ લિ. (TRSL)એ આગામી કેટલાંક વર્ષોમાં આશરે રૂ. 650 કરોડના મૂડી ખર્ચ પર ક્ષમતા વિસ્તરણ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં એક મોટી રકમ જ મૂડીરોકાણ કરવામાં આવી ચૂકી છે અને એનો પ્રોત્સાહક રિસ્પોન્સ પણ જોવા મળી રહ્યો છે.

આ પહેલાં કેટલાક મહિનાઓ અગાઉ કંપનીને અમદાવાદ મેટ્રોની ડિઝાઇન, નિર્માણ, સપ્લાય, પરીક્ષણ, કમિશનિંગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)થી રૂ. 350 કરોડનો ઓર્ડર મળ્યો હતો. કંપની રેલવેનાં વેગનો અને પેસેન્જર ડબ્બાઓનું ઉત્પાદન કરે છે.

 

 

 

 

 

મુંબઈ સેન્ટ્રલ ખાતે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ; ટ્રેનસેવા ખોરવાઈ

મુંબઈઃ આજે સવારે અહીં પશ્ચિમ રેલવે વિભાગના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ખાતે એક ખાલી લોકલ ટ્રેનને યાર્ડમાંથી બહાર લાવવામાં આવી રહી હતી ત્યારે એક ક્રોસિંગ પોઈન્ટ ખાતે એક ડબ્બાનું એક પૈડું પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. એને કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. સદ્દભાગ્યે કોઈ પણ વ્યક્તિને જરાય ઈજા થઈ નથી.

આ ઘટનાને કારણે સ્લો લાઈન પરની ટ્રેન સેવાને અસર પહોંચી હતી. ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અનેક ટ્રેનો અટવાઈ ગઈ હતી. ટ્રેનોને માત્ર ફાસ્ટ લાઈન પર જ દોડાવવામાં આવી હતી. ટ્રેનો લગભગ 20 મિનિટ મોડી પડી હતી. મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં ટ્રેન પાટા પરથી ખડી પડવાનો એક અઠવાડિયામાં આ બીજો બનાવ હતો. ગયા શનિવારે પડોશના રાયગડ જિલ્લામાં એક ગૂડ્સ ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એને કારણે પનવેલ અને વસઈ વચ્ચેના રૂટ પરની ટ્રેન સેવા અનેક કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી. સદ્દભાગ્યે તે ઘટનામાં પણ કોઈને ઈજા થઈ નહોતી.

ધર્મશાલામાં ખાલિસ્તાનતરફી સૂત્રો લખનારા બે જણની ધરપકડ

શિમલાઃ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા પછી ભારત-કેનેડામાં ટેન્શન પ્રવર્તી રહ્યું છે. કેનેડામાં તણાવ વચ્ચે હિમાચલ પ્રદેશમાં પણ ખાલિસ્તાની સમર્થકો સક્રિય થયા છે. કાંગડા જિલ્લાના ધર્મશાલામાં એક સરકારી ઓફિસની દીવાલ પર ગઈ રાત્રે કોઈ અજાણી વ્યક્તિએ ખાલિસ્તાન જિંદાબાદનું સૂત્ર લખ્યું હતું. જોકે પોલીસે એ સૂત્ર દીવાલ પરથી દૂર કર્યું હતું.

હિમાચલ પ્રદેશની DGP ઓફિસનું કહેવું છે કે  ત્રીજી સપ્ટેમ્બરની રાત્રે ધર્મશાલામાં જળશક્તિ વિભાગના સર્કલની ઓફિસની દીવાલ પર કોઈ વ્યક્તિએ ખાલિસ્તાન જિંદાબાદનું સ્લોગન લખ્યું હતું. આ સંબંધમાં ધર્મશાલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

DGP સંજય કુંડુએ કહ્યું હતું કે CCTV ફુટેજને આધારે બે સંદિગ્ધ યુવકોની અટકાયત કરવામાં આવી છે. આ યુવકોએ દીવાલ પર લખ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી બાજુ ગુરુપંતવંત પન્નુ તરફથી એક સંદેશ વાઇરલ થયો છે, જેમાં વિશ્વ કપની મેચોને ટાર્ગેટ કરવાની વાત કહેવામાં આવી છે. હાલ ધર્મશાલામાં પોલીસ, મિલિટરી, ઇન્ટેલિજન્સ, IB અને CIDની ટીમો  ધર્મશાલામાં સક્રિય થઈ ગઈ છે. ધર્મશાલા ને મેકલોડગંજમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. આ ઓફિસના વોચમેનની પણ પોલીસે પૂછપરછ કરી છે. જોકે ચોકીદાર અશ્વનીએ આ કેસની માહિતી ના હોવાની વાત પોલીસને કહી છે.

આ પહેલાં સાત મે, 2022એ ધર્મશાલામાં વિધાનસભા પ્રાંગણમાં દીવાલ પર ખાલિસ્તાનતરફી સૂત્રો લખવામાં આવ્યા હતા. એ સાથે ખાલિસ્તાનનો ઝંડો પણ લગાવવામાં આવ્યો હતો. જોકે પછીથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

 

 

 

 

 

 

 

ન્યૂઝીલેન્ડનો ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર સાઉથી પહેલી મેચ ચૂકી જશે

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલથી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાનો આરંભ થશે. પહેલી મેચ ગઈ વેળાના ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ પૂર્વે ન્યૂઝીલેન્ડને બીજો મોટો ફટકો પડ્યો છે. તેનો ફાસ્ટ બોલર ટીમ સાઉથી હાથના અંગૂઠામાં કરેલી સર્જરીમાંથી હજી સાજો થઈ શક્યો નથી અને તે આવતીકાલની મેચમાં રમી નહીં શકે. ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન પણ પહેલી મેચમાં રમી શકવાનો નથી. એ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણપણે સાજો થયો નથી.

સાઉથીને ગયા મહિને ઈંગ્લેન્ડ સામેની વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે એક કેચ પકડવા જતાં હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. એને અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. જોકે એ ઈજામાંથી સાજો થઈ રહ્યો હોવાથી વર્લ્ડ કપ માટે ભારત રવાના થયેલી ન્યૂઝીલેન્ડ ટીમ સાથે જોડાવાની એને પરવાનગી આપવામાં આવી હતી.

વિલિયમ્સને પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં બેટિંગ જરૂર કરી હતી અને અનુક્રમે 54 અને 37 રનનો સ્કોર કર્યો હતો. તે છતાં તે ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં રમી શકવાનો નથી.

રાજ્યમાં મિશ્ર ઋતુને કારણે વકરતો રોગચાળોઃ બેનાં મોત

અમદાવાદઃ રાજ્યમાં વાદળછાયા વાતાવરણને પગલે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માઝા મૂકી છે. ગયા મહિના સુધીમાં અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત વિવિધ પ્રકારનાં તાવના ૫૦,000થી વધુ દર્દી નોંધાયા છે. અમદાવાદમાં પણ પાણીજન્ય રોગના કેસોમાં ખાસ્સો વધારો થયો છે. અમદાવાદમાં હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. ડબલ સીઝનને રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યા છે. શહેરમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે.

સૂત્રોએ કહ્યું હતું કે શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુની સાથે સાથે ઝેરી મેલેરિયા તથા ચિકનગુનિયાનો તાવ લાવતાં મચ્છરોની પણ ઉત્પત્તિ થઈ છે. મ્યુનિ.ના સાત ઝોનમાં ખાસ કરીને છેવાડાનાં વિસ્તારોમાં ડેન્ગ્યુ તથા મેલેરિયા અને વાયરલ ફીવરના ૫૦,000થી વધુ દર્દીઓ હોવાનું એટલા માટે માનવામાં આવે છે. અર્બન હેલ્થ સેન્ટરોમાં તાવ આવ્યો હોવાની ફરિયાદ લઇ આવનારા લોકોનાં ૫૦,000થી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આરોગ્ય ખાતાનાં સૂત્રોએ માહિતી આપતાં કહ્યું હતું કે વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના વેચાણમાં થયેલા વધારાના કારણે સપ્ટેમ્બર મહિનામાં ટાઇફોઇડ તેમ જ કોલેરાના કેસોમાં ઉછાળો આવ્યો છે.

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો

રાજકોટમાં પણ મેલેરિયાના 25, ડેન્ગ્યુના 96 અને ચિકનગુનિયાના 42 કેસો નોંધાયા છે. આ સાથે શરદી, ઉધરસના છેલ્લા એક સપ્તાહમાં 479 કેસો નોંધાયા છે, જ્યારે તાવના 42 કેસો અને ઝાડા-ઊલટીના 164 કેસો નોંધાયા છે.

 સુરતમાં દર્દીઓની સંખ્યામાં વધારો

સુરતમાં જુદી-જુદી બીમારીઓના દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. આજે વધુ બે દર્દીઓનાં મોત થયાં છે. ડેન્ગ્યૂ, ઝાડા-ઊલટી અને અન્ય બીમારીઓના દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. અત્યાર સુધી કુલ 42 દર્દીઓનાં મોત થયાં છે.

 

 

 

 

 

​​​​​​​

 

​​​​​​​

 

 

ઈટાલીમાં ભીષણ બસ અકસ્માતમાં બાળકો સહિત 21 જણનાં મરણ

વેનિસઃ ઈટાલીના આ શહેરમાં પર્યટકોને લઈ જતી એક બસ મંગળવારે મોડી રાતે ફ્લાઈઓવર પરથી નીચે પડતાં બસના ઈટાલીયન ડ્રાઈવર, બે બાળકો સહિત 21 જણના કરૂણ મરણ નિપજ્યા છે. આ અકસ્માતમાં બીજાં 15 જણને ઈજા પણ થઈ છે. ઈટાલીના સત્તાવાળાઓએ આ અકસ્માત વિશે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તે ઈલેક્ટ્રિક બસ હતી અને એમાં વિદેશી પર્યટકો હતાં, જેઓ એક દિવસની ટ્રિપ પૂરી કર્યા બાદ મેસ્ટ્રા શહેરથી વેનિસ પાછાં ફરી રહ્યાં હતાં.

બસ ફ્લાઈઓવર પરની રેલિંગને તોડીને 33 ફૂટ નીચે પડી હતી અને તરત જ એમાં આગ લાગી હતી. અકસ્માત સ્થાનિક સમય મુજબ રાતે લગભગ 8 વાગ્યે બન્યો હતો. આ રોડ સામાન્ય રીતે વાહનવ્યવહાર માટે ખૂબ જ વ્યસ્ત રહેતો હોય છે. તે મેસ્ટ્રા અને વેનિસ શહેરોને જોડે છે. મૃતકોમાં પાંચ યૂક્રેનવાસીઓ હતા જ્યારે એક જર્મન નાગરિક હતો. અકસ્માતમાં એક નાનું બાળક અને 12 વર્ષનો એક છોકરો પણ મૃત્યુ પામ્યા છે. ઈજાગ્રસ્તોમાં જર્મન, ફ્રેન્ચ, ક્રોએશિયન, સ્પેનિયાર્ડ અને ઓસ્ટ્રિયન નાગરિકોનો સમાવેશ થાય છે. પોલીસનું માનવું છે કે બસના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હશે અને તેને કારણે એ સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હશે અને બસ ફ્લાઈઓવર પરથી નીચે પડી હશે.

ઈલેક્ટ્રિક બસ એક વર્ષ જૂની હતી અને તે સારી કન્ડિશનમાં હતી. તે છતાં એની બેટરીઓની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત અંગે ઈટાલીનાં મહિલા વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની તથા અન્ય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.