ભારતમાં ઑડી કારના વેચાણમાં 88 ટકાનો વધારો થયો

મુંબઈઃ જર્મનીની લક્ઝરી કારઉત્પાદક ઑડીના જણાવ્યા મુજબ, ભારતમાં આ વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન તેની કારના રીટેલ વેચાણમાં 88 ટકાનો વધારો નોંધાયો હતો.

ઑડી ઈન્ડિયાએ આ સમયગાળા દરમિયાન 5,530 કાર વેચી હતી. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન તેણે 2,947 કાર વેચી હતી.

કારવેચાણમાંનો આ જબ્બર વધારો તેણે નવી લોન્ચ કરેલી લક્ઝરી કારને લીધે થયો હોવાનું કંપનીનું કહેવું છે. આમાં Q8 e-tron, Q8 સ્પોર્ટબેક e-tron, Q3 અને Q3 સ્પોર્ટબેકનો સમાવેશ થાય છે. તદુપરાંત કંપનીની A4, A6, Q5 મોડેલની કારની ડિમાન્ડમાં પણ વધારો થયો હતો. કંપનીની એસયૂવીકારના વેચાણમાં 187 ટકાનો વધારો નોંધાયો છે. હવે દેશમાં તહેવારોની મોસમ શરૂ થશે એટલે વેચાણ ઓર વધશે એવું કંપનીનું માનવું છે.