ટિટાગઢે ગુજરાત મેટ્રો સાથે 857 કરોડના સમજૂતી કરાર કર્યા

અમદાવાદઃ ટિટાગઢ રેલ સિસ્ટમે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સાથે રૂ. 857 કરોડના સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર સુરત મેટ્રો રેલના પહેલા તબક્કા માટે 72 મેટ્રો કોચના નિર્માણ માટેના છે. આ પ્રોજેક્ટનું ઓર્ડર મૂલ્ય આશરે રૂ. 857 કરોડ છે. ટિટાગઢ રેલ સિસ્ટમ લિ. પહેલાં ટિટાગઢ વેગન્સ લિ.ને નામે ઓળખાતી હતી.

આ પ્રોજેક્ટનો પ્રારંભ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાના 76 સપ્તાહ પછી થશે અને પ્રોજેક્ટ 132 સપ્તાહમાં પૂરો થવાની સંભાવના છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં 38 સ્ટેશનોની સાથે કુલ 40.45 કિલોમીટર લાંબી રેલવેલાઇન સામેલ છે અને એનો અંદાજિત ખર્ચ રૂ. 12,020 કરોડ છે.

કંપનીના સિનિયર મેનેજમેન્ટે કહ્યું હતું કે ટિટાગઢ રેલવે સિસ્ટમ લિ. (TRSL)એ આગામી કેટલાંક વર્ષોમાં આશરે રૂ. 650 કરોડના મૂડી ખર્ચ પર ક્ષમતા વિસ્તરણ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં એક મોટી રકમ જ મૂડીરોકાણ કરવામાં આવી ચૂકી છે અને એનો પ્રોત્સાહક રિસ્પોન્સ પણ જોવા મળી રહ્યો છે.

આ પહેલાં કેટલાક મહિનાઓ અગાઉ કંપનીને અમદાવાદ મેટ્રોની ડિઝાઇન, નિર્માણ, સપ્લાય, પરીક્ષણ, કમિશનિંગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)થી રૂ. 350 કરોડનો ઓર્ડર મળ્યો હતો. કંપની રેલવેનાં વેગનો અને પેસેન્જર ડબ્બાઓનું ઉત્પાદન કરે છે.