Home Blog Page 2459

એશિયન ગેમ્સ મેન્સ જેવેલિન થ્રોઃ નીરજે ગોલ્ડ જીત્યો, કિશોરે સિલ્વર

હાંગ્ઝોઃ અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં ભારતે આજે ઈતિહાસ સર્જ્યો છે. નીરજ ચોપરાએ પુરુષોની જેવેલિન થ્રો (ભાલાફેંક) રમતની ફાઈનલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ જ હરીફાઈમાં રજત ચંદ્રક પણ ભારતને મળ્યો છે. કિશોરકુમાર જેના નીરજ બાદ બીજા ક્રમે આવ્યો છે.

નીરજે એશિયાડમાં પોતાનો આ ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો છે. આજે તેણે 88.88 મીટર દૂર સુધી ભાલો ફેંકીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. કિશોરકુમારનો થ્રો 87.54 મીટર સુધીનો રહ્યો હતો. કિશોરનો આ કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ બન્યો છે.

આઇસી15 ઇન્ડેક્સ 74 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં બોન્ડની ઊપજમાં થઈ રહેલા વધારાને લીધે ઈક્વિટી માર્કેટની સાથે સાથે ક્રીપ્ટો માર્કેટ પર પણ દબાણ આવ્યું છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.21 ટકા (74 પોઇન્ટ) ઘટીને 35,476 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,550 ખૂલ્યા બાદ 35,609ની ઉપલી અને 35,034ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન ઘટ્યા હતા, જેમાં યુનિસ્વોપ, સોલાના, પોલકાડોટ અને લાઇટકોઇન ટોચના ઘટેલા કોઇન હતા. એક્સઆરપી, અવાલાંશ, પોલીગોન અને ટ્રોનમાં 1થી 6 ટકા સુધીની વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, યુરોપિયન યુનિયનની કેન્દ્રીય બેન્કો નજીકના ભવિષ્યમાં હોલસેલ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) લાવવાનું વિચારી રહી છે. બીજી બાજુ, આર્જેન્ટિનાના પ્રમુખપદના ઉમેદવાર સર્જિયો માસ્સાએ દેશમાં ફુગાવાની કટોકટીનો હલ લાવવા માટે સીબીડીસી લાવવાની હાકલ કરી છે.

અન્ય એક અહેવાલ મુજબ રિપલે મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર પાસેથી મેજર પેમેન્ટ ઇન્સ્ટિટ્યુશન લાઇસન્સ મેળવ્યું છે. એની મદદથી કંપની એશિયા પેસિફિક પ્રદેશમાં ક્રીપ્ટોકરન્સી સંબંધિત પેમેન્ટ સર્વિસીસ ઓફર કરી શકશે.

કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કારની ઘોષણાઃ ત્રણ અમેરિકન સાયન્ટિસ્ટને ફાળે

નવી દિલ્હીઃ આ વર્ષે કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર મૌંગી બાવેન્ડી, લુઇસ ઇ. બ્રુસ અને એલેક્સી એકિમોવને આપવામાં આવ્યો છે. આ ત્રણેય અમેરિકન મૂળના રસાયણશાસ્ત્રીઓ છે. તેમને ક્વોન્ટમ ડોટ્સની શોધ અને સિન્થેસિસ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા જારી નિવેદન મુજબ કેમિસ્ટ્રી ક્ષેત્રે નોબેલ પુરસ્કાર જીતનારા બધા વૈજ્ઞાનિકોએ નેનો ટેક્નોલોજી ક્ષેત્રે મહત્ત્વનું કામ કર્યું છે.  

ક્વોન્ટમ ડોટ્સ એ નેનોપાર્ટિકલ્સ છે જે એટલા નાના છે કે તેમનું કદ તેમના ગુણધર્મો નક્કી કરે છે. સંશોધકોએ કલરફૂલ લાઇટ બનાવવા માટે ક્વોન્ટમ ડોટ્સનો ઉપયોગ કર્યો છે. નોબેલ પારિતોષિક વિજેતાઓએ એટલા નાના કણ બનાવવમાં સફળતા હાંસલ કરી હતી. કેમેસ્ટ્રીની નોબેલ સમિતિના અધ્યક્ષ જોહાન એક્ટિવિસ્ટે કહ્યું હતું કે ક્વોન્ટમ ડોટ્સમાં કેટલાય આકર્ષક અને અસામાન્ય ગુણ છે. વળી, તેમના આકારને આધારે એમના અલગ-અલગ રંગ હોય છે.

અત્યાર સુધી આ વર્ષે ત્રણ કેટેગરીમાં નોબેલ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી ચૂકી છે. સોમવારે મેડિસિન ક્ષેત્રમાં કૈટાલિન કારિકો અને ડ્રુ વીસમેન માટે આ એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી. મંગળવારે ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી, ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર માટે પિયરે ઓગસ્ટિની ફેરેન્સ ક્રાઉસજ અને એની એલ હુલિયરનાં નામોની ઘોષણા કરવામાં આવી હતી અને હવે રસાયણ શાસ્ત્રના ક્ષેત્રે પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી.

રસાયણશાસ્ત્રીઓ માને છે કે ભવિષ્યમાં, ક્વોન્ટમ ડોટ્સ ફ્લેક્સિબલ ઇલેક્ટ્રોનિક્સ, નાના સેન્સર્સ, પાતળા સૌર કોષો અને કદાચ એન્ક્રિપ્ટેડ ક્વોન્ટમ સંચારમાં યોગદાન આપી શકે છે.

કેટલો પુરસ્કાર?

નોબેલ પુરસ્કારોમાં 11 મિલિયન સ્વિડિશ ક્રોનર એટલે કે એક મિલિયન એટલે કે 10 લાખ અમેરિકી ડોલરનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર માટેના પૈસા એવોર્ડના સંસ્થાપક અને સ્વિડિશ સંશોધક આલ્ફ્રેડ નોબેલની વસિયતમાંથી આવે છે. આલ્ફ્રેડ નોબેલનું 1896માં નિધન થયું હતું.

 

 

Facebook અને Instagram માટે દર મહિને રૂ. 1,665 ચૂકવવા પડશે

Facebook અને Instagram ચલાવવા માટે, યુરોપિયન યુઝર્સે દર મહિને મેટાને $14 એટલે કે અંદાજે રૂ. 1,665 ચૂકવવા પડશે. કંપનીએ EU માટે નવો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ લોકો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાતો જોઈ શકશે નહીં. એટલે કે, એક રીતે તમે તેને એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન પણ કહી શકો છો. એક રિપોર્ટ અનુસાર, કંપનીએ નવી યોજના આયર્લેન્ડ અને બ્રસેલ્સમાં ડિજિટલ સ્પર્ધા નિયમનકારો તેમજ યુરોપિયન યુનિયનમાં ગોપનીયતા નિયમનકારો સાથે શેર કરી છે.

વધારાના ખાતા માટે વધુ પૈસાની જરૂર પડશે

આ રિપોર્ટ અનુસાર Meta ડેસ્કટોપ પર Facebook અથવા Instagram ના માસિક સબ્સ્ક્રિપ્શન માટે યુરોપિયન વપરાશકર્તાઓ પાસેથી લગભગ 10 યુરો અથવા $10.46 ચાર્જ કરવાની યોજના ધરાવે છે, જેમાં દરેક વધારાના એકાઉન્ટ માટે લગભગ 6 યુરો ઉમેરવામાં આવે છે. એટલે કે વધારાના ખાતા માટે અલગથી ચાર્જ લાગશે. મોબાઇલ ઉપકરણો માટે સબ્સ્ક્રિપ્શન્સનો ખર્ચ દર મહિને લગભગ 13 યુરો હોવાનું કહેવાય છે કારણ કે મેટામાં એપલ અને ગૂગલના એપ સ્ટોર્સ દ્વારા ઇન-એપ પેમેન્ટ્સ પર લેવામાં આવતા કમિશનનો સમાવેશ થશે.

કંપની એડ્સ ફ્રી સબસ્ક્રિપ્શન કેમ લાવી રહી છે?

સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ નિયમનકારોને જણાવ્યું હતું કે તે આગામી મહિનામાં યુરોપીયન વપરાશકર્તાઓ માટે જાહેરાત-મુક્ત સબ્સ્ક્રિપ્શન (SNA) યોજના શરૂ કરવાની યોજના ધરાવે છે, જે વપરાશકર્તાઓને વ્યક્તિગત જાહેરાતો સાથે અથવા તેના વિના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ઍક્સેસ આપે છે. ત્યાં પસંદગી માટે એક વિકલ્પ હશે. કંપનીએ આ પ્લાન એટલા માટે લાવ્યો છે કારણ કે EUએ મેટાને સલાહ આપી છે કે યુઝર્સને તેમની સંમતિ વિના જાહેરાતો સાથે ટાર્ગેટ ન કરે. જો કંપની આવું કરશે તો EU મેટા પર કડક કાર્યવાહી કરી શકે છે. તેનાથી બચવા માટે મેટા એક નવો પ્લાન બનાવી રહી છે. તે હાલમાં અસ્પષ્ટ છે કે શું આયર્લેન્ડ અથવા બ્રસેલ્સના નિયમનકારોને EU નિયમો અનુસાર મેટાની નવી SNA યોજના મળશે.

ભારતમાં પાકિસ્તાની ટીમના જંગી સ્વાગતથી બાબર આઝમ ખુશ

અમદાવાદઃ આવતીકાલથી ભારતમાં આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાનો શુભારંભ થશે. પ્રારંભિક મેચમાં વર્તમાન ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ અને ગઈ વેળાની રનર્સ-અપ ટીમ ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થશે. સ્પર્ધાની પૂર્વસંધ્યાએ સ્પર્ધાની તમામ 10 ટીમના કેપ્ટનોનું આજે બપોરે અહીં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેને ‘કેપ્ટન્સ ડે’ નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના રોહિત શર્મા, ઈંગ્લેન્ડના જોસ બટલર, દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બવૂમા, ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, નેધરલેન્ડ્સના સ્કોટ એડવર્ડ્સ, ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન, અફઘાનિસ્તાનના હશ્મતુલ્લાહ શાહિદી, પાકિસ્તાનના બાબર આઝમ, શ્રીલંકાના દસુન શાનકા અને બાંગ્લાદેશના શાકિબ અલ હસને હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને ટીવી કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કર્યું હતું.

બધા કેપ્ટનોએ પોતપોતાનાં વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ સવાલ-જવાબ સત્ર થયું હતું. પત્રકારોએ સવાલ પૂછ્યા હતા તેમજ આમંત્રિત દર્શકોને પણ કેપ્ટનોને સવાલ પૂછવાની પરવાનગી આપવામાં આવી હતી.

એક સવાલના જવાબમાં બાબર આઝમે કહ્યું કે, ‘ભારતમાં અમારું ખૂબ જ સરસ સ્વાગત કરવામાં આવ્યું છે. આટલા બધા સરસ સ્વાગતની અમે અપેક્ષા રાખી નહોતી. અમારી ટીમનો દરેક સભ્ય ખુશ છે. અમે ભારતમાં આવ્યા છીએ એવું લાગતું જ નથી. જાણે અમારા ઘરઆંગણે છીએ એવું લાગે છે. હૈદરાબાદમાં અમારું જે સ્વાગત કરવામાં આવ્યું તેનાથી અમે બહુ જ ખુશ થયા છીએ. વિશ્વ કપ સ્પર્ધા રમવા માટે અમે સજ્જ છીએ. અમારી મુખ્ય તાકાત બોલિંગ છે. ભારત-પાકિસ્તાન મુકાબલો કાયમ જંગી હોય છે. અમે પણ ભારતીય ટીમ સામે આવતી 14 ઓક્ટોબરે (અમદાવાદમાં) રમવા માટે ઉત્સૂક છીએ.’

રવિ શાસ્ત્રીએ જ્યારે રમૂજમાં પૂછ્યું કે, ‘બાબર તમને સૌને હૈદરાબાદી બિરયાની કેવી લાગી?’ ત્યારે બાબર હસી પડ્યો હતો અને કહ્યું, ‘હું તો 100 વાર કહી ચૂક્યો છું, બહુ સરસ હતી. મેં સાંભળ્યું હતું કે હૈદરાબાદી બિરયાની સરસ હોય છે અને અમને એ બહુ જ ભાવી છે.’

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૪ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૪ ઓક્ટોબર, ૨૦૨૩

સાયન્સ સિટીમાં ‘વિશ્વ અંતરિક્ષ સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

અમદાવાદઃ ટેક્નોલોજી અને વિજ્ઞાન આપણા રોજિંદા જીવનના દરેક કામ સાથે વણાઈ ચૂક્યાં છે. દરેક નવી શોધ પાછળ વૈજ્ઞાનિકોનો અનેક મહિનાઓ અને વર્ષોનો સંઘર્ષ અને મહેનત રહેલાં હોય છે. પછી એ શોધ ભૌતિક હોય કે અંતરિક્ષ ક્ષેત્રની હોય. વિજ્ઞાન અને ટેક્નોલોજીના આપણા જીવનમાં પડેલા બહોળા પ્રભાવને ઉજાગર કરવા ‘વિશ્વ અંતરિક્ષ સપ્તાહ’ મનાવવામાં આવે છે.

ગુજરાત સાયન્સ સિટી અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનુ આયોજન કરતી રહે છે. ત્યારે સાયન્સ સિટીમાં, GUJCOST, SAC-ISRO અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ની ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. “સ્પેસ અને ઉદ્યોગ સાહસિકતા” થીમ આધારિત આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે ઇસરોના ડિરેક્ટર ડો. નીલેશ દેસાઈ, સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે. બી.વદર અને ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં રાજ્યની વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ ઉજવણીના ભાગરૂપે સપ્તાહ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીમાં અવકાશ સંશોધન અને ટેકનોલોજી પર વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્પેસ પરેડ, સ્પેસ રંગોળી, સ્પેસ મ્યુઝિક, રોકેટરી વર્કશોપ, ક્વિઝ સ્પર્ધા, પેપર પ્લાન મેકિંગ, પોપ્યુલર સાયન્સ ટોક, સ્પેસ મુવીનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સ્વચ્છ ભારત, સ્વચ્છ અવકાશ વિષય પર વકતૃત્વ સ્પર્ધા અને મોડલ મેકિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે.

 

 

 

ક્રિકેટ વિશ્વકપ 2023નો આવતીકાલથી પ્રારંભ : પોલીસનો ચાંપતો બંદોબસ્ત

ક્રિકેટ વિશ્વકપ 2023નો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. તેમજ અમદાવાદમાં વિશ્વકપની પ્રથમ મેચ રમાશે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. DIG કક્ષાના અધિકારીને જવાબદારી સોંપાઇ છે. 7-DCP, 11 SP, 25 PI, 68 PSI બંદોબસ્તમાં રહેશે. 1631 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે.

અમદાવાદમાં વર્લ્ડ કપને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં વર્લ્ડ કપ દરમિયાન રાત્રે 10 વાગ્યા બાદ પણ મેટ્રોની સવારી પેસેન્જરો કરી શકશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેમાં તારીખ 5 ,10,14,19,ઓક્ટો. માં મેટ્રો ટ્રેન રાતે 1 વાગ્યા સુધી ચાલશે. ક્રિકેટ રસિકો માટે મેટ્રો રેલના સમયમાં મેચ સમયે ફેરફાર કર્યો છે.

આવતીકાલથી ક્રિકેટ વિશ્વકપ 2023નો પ્રારંભ થશે. જેમાં આજે વિશ્વ કપની ટ્રોફી સાથે ફોટો શૂટ કરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફોટોશૂટ કરાશે. તમામ 10 ટીમના કપ્તાન હાજર રહેશે. સચિન તેંડુલકર વૈશ્વિક એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો છે. સચિન તેંડુલકર વિશ્વકપની ટ્રોફી લઇ મેદાનમાં આવશે. આવતીકાલે ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. અમદાવાદમાં વર્લ્ડ કપને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે. રાત્રે મોડા સુધી મેટ્રો ટ્રેનની ચાલુ રહેશે. મેચના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી ટ્રેન ચાલુ રહેશે. વિશ્વકપની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં રમાનાર તમામ મેચ ડે-નાઇટ મેચ રહેશે.

રણબીર કપૂરને EDના સમન્સઃ 15-20 બોલીવૂડ સ્ટાર રડાર પર

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર રણબીર કપૂર હાલના દિવસોમાં ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એ ફિલ્મના ટીઝરનો વિડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ દ્વારા તે સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની સાથે સૌપ્રથમ વાર સ્ક્રીન શેર કરશે. જોકે હવે એક્ટરને સટ્ટાબાજી મામલે EDના સમન્સ મળ્યા છે. એક્ટર પર આરોપ લાગ્યો છે કે તેણ મહાદેવ એપને પ્રમોટ કરી છે. એ મામલે છ ઓક્ટોબરે તેને બોલાવવામાં આવ્યો છે.

આ કેસમાં માત્ર રણબીરનું જ નામ નહીં, પરંતુ લિસ્ટમાં 15-20 સેલેબ્સ બીજા પણ છે, જેઓ EDની રડાર પર છે. આ લિસ્ટમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઇગર શ્રોફ, નેહા કક્કડ, ભારતી સિંહ, અલી અવરામ, સની લિયોની, ભાગ્યશ્રી, પલ્કિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેકનું નામ સામેલ છે.

શું છે રૂ. 200 કરોડનો મામલો?

મહાદેવ ગેમિંગ-બેટિંગ એક ઓનલાઇન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે. આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં સંયુક્ત અમીરાતમાં થયા હતા. લગ્નમાં રૂ. 200 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. આ આલીશાન લગ્નનો વિડિયો ભારતીય એજન્સીઓના હાથે લાગ્યો છે. લગ્નમાં પર્ફોર્મ કરવા માટે જેટલા પણ સેલેબ્સને બોલાવાયા હતા, તે પણ રડાર પર આવી ગયા છે. UAEમાં એપના પ્રમોટરના લગ્ન તથા સક્સેસ પાર્ટીમાં હાજરી આપનારા અભિનેતા અને સિંગર્સની પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

થોડા દિવસ પહેલા ઈડીએ મુંબઈ, ભોપાલ, કોલકાતા સહિત હવાલો ઓપરેટરોએ અહીં દરોડા પાડ્યા, જેમણે આ ઈવેન્ટ માટે રકમ મુંબઈની ઈવેન્ટ ફર્મને મોકલી હતી. અહીંથી સિંગર નેહા કક્કડ, સુખવિંદર સિંહ, ભારતી સિંહ અને ભાગ્યશ્રીને પરફોર્મ કરવા માટે પેમેન્ટ કરાયું હતું. આ સટ્ટાબાજ એપનું ટર્નઓવર રૂ. 20,000 કરોડ છે.

 

 

 

 

 

ભારતમાં ઑડી કારના વેચાણમાં 88 ટકાનો વધારો થયો

મુંબઈઃ જર્મનીની લક્ઝરી કારઉત્પાદક ઑડીના જણાવ્યા મુજબ, ભારતમાં આ વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન તેની કારના રીટેલ વેચાણમાં 88 ટકાનો વધારો નોંધાયો હતો.

ઑડી ઈન્ડિયાએ આ સમયગાળા દરમિયાન 5,530 કાર વેચી હતી. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન તેણે 2,947 કાર વેચી હતી.

કારવેચાણમાંનો આ જબ્બર વધારો તેણે નવી લોન્ચ કરેલી લક્ઝરી કારને લીધે થયો હોવાનું કંપનીનું કહેવું છે. આમાં Q8 e-tron, Q8 સ્પોર્ટબેક e-tron, Q3 અને Q3 સ્પોર્ટબેકનો સમાવેશ થાય છે. તદુપરાંત કંપનીની A4, A6, Q5 મોડેલની કારની ડિમાન્ડમાં પણ વધારો થયો હતો. કંપનીની એસયૂવીકારના વેચાણમાં 187 ટકાનો વધારો નોંધાયો છે. હવે દેશમાં તહેવારોની મોસમ શરૂ થશે એટલે વેચાણ ઓર વધશે એવું કંપનીનું માનવું છે.