કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કારની ઘોષણાઃ ત્રણ અમેરિકન સાયન્ટિસ્ટને ફાળે

નવી દિલ્હીઃ આ વર્ષે કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર મૌંગી બાવેન્ડી, લુઇસ ઇ. બ્રુસ અને એલેક્સી એકિમોવને આપવામાં આવ્યો છે. આ ત્રણેય અમેરિકન મૂળના રસાયણશાસ્ત્રીઓ છે. તેમને ક્વોન્ટમ ડોટ્સની શોધ અને સિન્થેસિસ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા જારી નિવેદન મુજબ કેમિસ્ટ્રી ક્ષેત્રે નોબેલ પુરસ્કાર જીતનારા બધા વૈજ્ઞાનિકોએ નેનો ટેક્નોલોજી ક્ષેત્રે મહત્ત્વનું કામ કર્યું છે.  

ક્વોન્ટમ ડોટ્સ એ નેનોપાર્ટિકલ્સ છે જે એટલા નાના છે કે તેમનું કદ તેમના ગુણધર્મો નક્કી કરે છે. સંશોધકોએ કલરફૂલ લાઇટ બનાવવા માટે ક્વોન્ટમ ડોટ્સનો ઉપયોગ કર્યો છે. નોબેલ પારિતોષિક વિજેતાઓએ એટલા નાના કણ બનાવવમાં સફળતા હાંસલ કરી હતી. કેમેસ્ટ્રીની નોબેલ સમિતિના અધ્યક્ષ જોહાન એક્ટિવિસ્ટે કહ્યું હતું કે ક્વોન્ટમ ડોટ્સમાં કેટલાય આકર્ષક અને અસામાન્ય ગુણ છે. વળી, તેમના આકારને આધારે એમના અલગ-અલગ રંગ હોય છે.

અત્યાર સુધી આ વર્ષે ત્રણ કેટેગરીમાં નોબેલ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી ચૂકી છે. સોમવારે મેડિસિન ક્ષેત્રમાં કૈટાલિન કારિકો અને ડ્રુ વીસમેન માટે આ એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી. મંગળવારે ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી, ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર માટે પિયરે ઓગસ્ટિની ફેરેન્સ ક્રાઉસજ અને એની એલ હુલિયરનાં નામોની ઘોષણા કરવામાં આવી હતી અને હવે રસાયણ શાસ્ત્રના ક્ષેત્રે પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી.

રસાયણશાસ્ત્રીઓ માને છે કે ભવિષ્યમાં, ક્વોન્ટમ ડોટ્સ ફ્લેક્સિબલ ઇલેક્ટ્રોનિક્સ, નાના સેન્સર્સ, પાતળા સૌર કોષો અને કદાચ એન્ક્રિપ્ટેડ ક્વોન્ટમ સંચારમાં યોગદાન આપી શકે છે.

કેટલો પુરસ્કાર?

નોબેલ પુરસ્કારોમાં 11 મિલિયન સ્વિડિશ ક્રોનર એટલે કે એક મિલિયન એટલે કે 10 લાખ અમેરિકી ડોલરનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર માટેના પૈસા એવોર્ડના સંસ્થાપક અને સ્વિડિશ સંશોધક આલ્ફ્રેડ નોબેલની વસિયતમાંથી આવે છે. આલ્ફ્રેડ નોબેલનું 1896માં નિધન થયું હતું.