Home Blog Page 2440

ઇઝરાયેલ અને વડોદરા વચ્ચે છે ખાસ સંબંધ

શનિવારે હમાસ આંતકવાદી સંગઠને ઈઝરાયેલ પર અચાનક કરેલા સશસ્ત્ર હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. જેના કારણે અત્યારે સમગ્ર ઈઝરાયેલમાં લોકો વચ્ચે ડરનો માહોલ સર્જાયેલો છે. ઈઝરાયેલમાં અભ્યાસ અર્થે ગયેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ હાલ યુદ્ધને કારણે ફસાય ગયા છે. જેમાં વડોદરાની એક સંસ્થા ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલ દ્વારા મોકલાયેલા કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

અત્યારે જોકે ઈઝરાયેલની પરિસ્થતિ એટલી વધુ નથી વણસી કે ત્યાં ફસાયેલા લોકોને તાબડતોબ ધોરણે ભારત પાછા લઈ આવવા પડે, પણ જો આવનારા દિવસોમાં તેવું કઈ થયું તો ઈઝરાયેલ સ્થતિ ભારતીય દૂતાવાસે તેની પણ તૈયારી દર્શાવી છે.

ઈઝરાયેલ અને વડોદરા વચ્ચેના સંબંધનો અતૂટ તાંતણો એટલે અહી આવેલી ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલ. 1988માં શરૂ કરવામાં આવેલી આ સંસ્થા પાછલા ઘણા વર્ષોથી વિવિધ કાર્યક્રમો થકી ભારત અને ઈઝરાયેલના સબંધોમાં વધુને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરે છે. ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલની સ્થાપના 1988માં ઈઝરાયેલ ફરી આવેલા નિકેતન કોન્ટ્રાક્ટરે અને તેમના કેટલાક વિદ્યાર્થી મિત્રોએ સાથે મળીને કરી હતી. તે વખતે ઈઝરાયેલ અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધો પણ ન હતા, તેમ છતાં નિકેતન કોન્ટ્રાક્ટરના આ પગલાને બંને દેશોએ વધાવી લીધું હતુ. ત્યાર બાદ 1992માં જ્યારે પી.વી. નરસિંહરાવની સરકારે ઈઝરાયેલ સાથેના રાજદ્વારી સંબંધોનો સ્વીકાર કર્યો બાદમાં તો નિકેતનભાઈના કામને બંને તરફથી ખૂબ વખાણવામાં આવ્યું.

ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલનું મુખ્ય કામ અહીંના વિદ્યાર્થીઓને ઉચ્ચ ભણતર મેળવવા ઈઝરાયેલ મોકલવાનું અને ભારત તેમજ ઈઝરાયેલના સાંસ્કૃતિક વારસાની આપ લે વિવિધ કાર્યક્રમો થકી કરવાનું છે. આ બદલ આ સંસ્થાને વડોદરાના તંત્ર દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે. હાલમાં જ વડોદરાના નિઝામપુરામાં આવેલા એક યહૂદી કબ્રસ્તાનને ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલને હસ્તક કરવામાં આવ્યું છે, જ્યા આ સંસ્થા દેશના પ્રથમ ઈન્ડો-ઈઝરાયેલ કલ્ચરલ સેન્ટરનું નિર્માણ કરશે. અસલમાં 150 વર્ષ પૂર્વે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે યહૂદીઓને કબ્રસ્તાન બાંધવા જમીન આપેલી, જેની પર બાદમાં કેટલાક અસામાજીક તત્વોએ કબજો કરી લીધો હતો. જ્યાર બાદ આ જમીન પર થોડા વર્ષો અગાઉ કોર્પોરેશને ફરી કબજો મેળવ્યો હતો અને હવે ત્યાં ભારતના સૌ પ્રથમ ઈન્ડો-ઈઝરાયેલ કલ્ચરલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે.

નિકેતન કોન્ટ્રાક્ટરની સંસ્થાએ આજદિન સુધીમાં સેંકડો લોકોને ઈઝરાયેલ જવામાં મદદ કરી છે. તેઓ પોતે 16 વખત ઈઝરાયેલની મુલાકાતે જઈ ચૂક્યા છે. જે વિશે નિકેતન કોન્ટ્રાક્ટર કહે છે કે, ‘ભારતના લોકો પ્રત્યે યહૂદીઓનું વર્તન ખૂબ સારું હોય છે. તેઓ આપણી ફિલ્મો અને ફિલ્મી સિતારાઓથી ખૂબ આકર્ષિત થયેલા જોવા મળે છે. ઉપરાંત 1948માં અહીથી ઈઝરાયેલ ગયેલા કેટલાક યહૂદીઓ પોતાના ઘરમાં આજે પણ મરાઠી, તમિલ વગેરે ભારતીય ભાષાનો ઉપયોગ કરે છે’.

નિકેતનભાઈને ઈઝરાયેલનો જે મીઠો અનુભવ થયો એ એકદમ યોગ્ય છે, કારણ કે અરબોના આક્રમણથી કંટાળીને જ્યારે યહૂદી પ્રજા પોતાનો દેશ મૂકીને દુનિયા ભરમાં શરણ માટે ભટકતી હતી ત્યારે ભારત એકમાત્ર એવો દેશ હતો જેણે યહૂદી સમુદાયના લોકો સાથે સામેથી આવકાર્ય હતા અને જ્યાં સુધી તેઓ અહી વસ્યા ત્યાં સુધી ભારત તરફથી એમની સાથે કોઈ પણ જાતનું ગેરવર્તન કરવામાં આવ્યું ન હતુ. આજે ભલે અમેરિકા ઈઝરાયેલના પડખે ઉભુ હોવાનો દાવો કરતું હોય, પણ જ્યારે શરણાર્થી તરીકે યહૂદીઓએ અમેરિકામાં સહારો લીધો હતો ત્યારે અમેરિકન પ્રજાએ પણ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતુ. ભારતની ઉદારદિલી અને સર્વ ધર્મ સમભાવની વિચારધારાને કારણે જ ઈઝરાયેલની સ્થાપના બાદ 1948માં પોતાના વતન પાછા ફરેલા યહૂદીઓમાં આજેપણ ભારતીય સંસ્કૃતિની બોલબાલા છે.

ભારતના યહૂદી સમુદાય પ્રત્યેના કોમળ વલણને કારણે જ નિકેતન કોન્ટ્રાક્ટરની સંસ્થા ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલને યહૂદીઓ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. નિકેતનભાઈની આ સંસ્થા ઈઝરાયેલમાં વસતા ગુજરાતીઓના વિકાસમાં પણ સારું એવું યોગદાન આપે છે. જેના સિવાય વડોદરાના કુલ ત્રણ મેયર પણ આજદિન સુધીમાં આ સંસ્થાની મદદથી ઈઝરાયેલની મુલાકાત લીધી છે. જે સિવાય વડોદરાના ઘણા વિદ્યાર્થીઓને પણ ભણતર માટે ઈઝરાયેલ મોકલવામાં ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલનો મહત્વનો ફાળો રહ્યો છે. આજે ઈઝરાયેલમાં યુદ્ધની સ્થતિ નિર્માણ પામી છે ત્યારે પણ નિકેતનભાઈ સતત ઈઝરાયેલમાં રહેલા ભારતીયોના સંપર્કમાં છે.

(નિતુલ ગજ્જર-વડોદરા)

ઈઝરાયેલ – પેલેસ્ટાઈન યુદ્ધ, 700 ગુજરાતીઓ ફસાયા

ઈઝરાયેલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. જેમાં 700 ગુજરાતીઓ ફસાયા છે. ત્યારે મોબાઇલ-ઇન્ટરનેટ સેવા ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત થઇ છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનના યુવાનો ત્રણ દિવસથી ઘરમાં કેદ છે. પેલેસ્ટિનિયન આતંકવાદીઓના હુમલાથી ઈઝરાયેલમાં રહેતા 700 ગુજરાતીઓ ફસાયા છે. એરપોર્ટનું ઓપરેશન બંધ હોવાથી તેઓ ભારત પરત આવી શકતા નથી.

ઈઝારાયેલમાં ફસાયેલા ગુજરાત અને રાજસ્થાનના યુવકોને મિસાઇલોના અવાજથી નહીં પણ શહેરમાં ઘુસેલા આતંકવાદીઓનો ડર લાગે છે. ઈઝરાયેલમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ હુમલા અને મિસાઇલ એટેકથી સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બોર્ડર વિસ્તારથી આતંકવાદીઓ શહેરમાં ઘુસી જતાં અફરા-તરફીનો માહોલ છે. ઈઝરાયેલમાં ચોક્કસ કેટલાક ભારતીયો છે ? તેનો સત્તાવાર આંકડો નથી. આ સમગ્ર મામલે વડોદરામાં રહેતા ફ્રેન્ડ્સ ઓફ ઈઝરાયેલ નિકેતન કોન્ટ્રક્ટર પાસે જાણવા મળ્યું છે કે, ઈઝરાયેલમાં 700 લોકો ગુજરાતીઓ છે. વડોદરા તથા શહેરની આસપાસ સહિત મધ્ય ગુજરાતના અંદાજે 100 લોકો ત્યાં હોઇ શકે છે.

ઈઝરાયેલમાં અચાનક હુમલાથી પરિસ્થિતિ ગંભીર છે. ઈઝરાયેલ દ્વારા પણ આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, પૂર્વ ઈઝરાયેલના પેટાહ-ટિકવા શહેરમાં રહેતા ગુજરાત અને રાજસ્થાનના સાતથી આઠ યુવકો છેલ્લાં ત્રણ દિવસથી ઘરમાં કેદ છે. વર્તમાન પરિસ્થિતિ અંગે યુવકોએ જણાવ્યું હતું કે, કામ વગર ઘરની બહાર ન નિકળવાની એડવાઇઝરી જાહેર કરાઈ છે. અમને મિસાઇલોના અવાજથી નહીં પરંતુ ઈઝરાયેલમાં ઘુસેલા આતંકવાદીઓનો ડર લાગે છે. અમે ત્રણ દિવસથી ઘરમાં જ છીએ. ખાવા-પીવાની ચિજવસ્તુ લેવા લોકો ઘરની બહાર નિકળે છે. વણસેલી પરિસ્થિતિમાં પણ ઈઝરાયેલમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવા ચાલુ છે.

ચિંતાજનકઃ રાજ્યમાં બે વિદ્યાર્થીઓનાં હાર્ટ એટેકથી મોત

અમદાવાદઃ રાજ્યમાં નાની વયે હાર્ટ એટેક આવવના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલમાં જ એક વિદ્યાર્થિની ક્લાસમાં અચાનક ઢળી પડી હતી.હવે જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે. મૃતક વિદ્યાર્થી મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરની કામદાર કોલોનીમાં રહેતા વેપારી સચિનભાઈ ગંઢેચાના 13 વર્ષના પુત્ર ઓમનું મુંબઈમાં હાર્ટ એટેકનો હુમલો આવતાં મોત થયું છે. ઓમ મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેને આજે અચાનક હૃદય રોગનો હુમલો થયો હતો. પુત્રના મોતના સમાચારથી પરિવારમાં ઘેરા શોકની લાગણી છે.

બીજી બાજુ, જેતપુરમાં 18 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીની સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. BCAમાં અભ્યાસ કરતી કશિશ પીપળવાનું હોસ્ટેલમાં મોત થયું હતું. મૃતક વિદ્યાર્થિની મૂળ જામકંડોરણા તાલુકાના જામદાદરની રહેવાસી હતી. મૃતક વિદ્યાર્થિનીને બે વર્ષથી વાલ્વની બીમારી હતી. હાર્ટ એટેકથી મોત થયાનું જેતપુર સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું.

ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશમાં હૃદયરોગના હુમલાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. 20 વર્ષની ઉંમરના છોકરાઓ અને 30 વર્ષની મહિલાઓનાં પણ પણ હાર્ટ એટેકથી મોત થઈ રહ્યાં છે. હૃદયરોગના કારણે અનેક લોકો ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ રહ્યા છે. યુરોપિયનોની સરખામણીમાં ભારતીયો અકાળે હૃદયરોગના હુમલાથી પીડાય છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ઊંઘની પેટર્ન માનવામાં આવે છે.

આ સાથે રાજ્યમાં દૈનિક ધોરણે 60 હ્દય રોગના કેસ દવાખાનાઓમાં આવી રહ્યા છે. રાજ્યમાં ઓક્ટોબરના પ્રારંભે હ્દય રોગને લગતા 1700થી વધુ કેસો નોંધાયા છે.

 

ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 14 અને 15 ઓક્ટોબરે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ આગામી 14મી ઓક્ટોબરે યોજાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ ક્રિકેટ મેચ નિહાળે તેવી શક્યતા રહેલી છે. વનડે વર્લ્ડકપની આ મેચ જોવા અમિત શાહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે અને ગાંધીનગરમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. મળતા અહેવાલો મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તારીખ 14 અને 15 ઓક્ટોબરે બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. જે દરમિયાન અમિત શાહ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરે યોજાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ મેચને નિહાળી શકે છે તેમજ આ મુલાકાત દરમિયાન અમિત શાહ ગાંધીનગરમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ કરાશે અને પહેલા નોરતે અમિત શાહ માણસામાં પોતાના કુળદેવીના દર્શને જશે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે કુળદેવીની પૂજા-અર્ચના કરશે તેમજ પોતાના લોકસભા વિસ્તારમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોની પણ મુલાકાત લેશે.

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભારતે રવિવારે(8 ઓક્ટોબરે) ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે તેના વર્લ્ડ કપ 2023 અભિયાનની શરૂઆત કરી હતી. ભારત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે 14 ઓક્ટોબરે ટકરાશે. 14 ઑક્ટોબરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પ્રશાસન સજ્જ બન્યુ છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. રવિવારે મુખ્યમંત્રીની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવાશે.

PM મોદીએ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ સાથે કરી મુલાકાત

PM મોદી એશિયન ગેમ્સ 2023માં અજાયબી કરનાર ખેલાડીઓને મળ્યા હતા. આ દરમિયાન ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને અન્ય નેતાઓ પણ હાજર હતા. દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદીએ હાંગઝોઉથી પરત ફરેલા તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. ભારતે આ વખતે એશિયન ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતીય ખેલાડીઓએ કુલ 107 મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી એશિયન ગેમ્સ દરમિયાન ખેલાડીઓને સતત પ્રોત્સાહિત કરી રહ્યા હતા અને દરેક મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ખેલાડીઓએ 107 મેડલ આપ્યા 

ખેલાડીઓના સ્વાગત સમારોહમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, તમે ખેલાડીઓને જે સુવિધાઓ આપી હતી અને જે રીતે તમે તેમને આગળ લઈ ગયા હતા, ખેલાડીઓએ તેને વ્યર્થ જવા દીધો નથી. ખેલાડીઓએ 107 મેડલ આપ્યા છે. દેશ પોતાનો પરસેવો નાખીને. હવે પેરિસ ઓલિમ્પિકમાં પણ આપણા ખેલાડીઓ નવો ઈતિહાસ રચશે.  આ કાર્યક્રમમાં એક ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 2014ની સરખામણીમાં ભારતમાં રમતગમતનું દ્રશ્ય કેટલું બદલાયું છે અને દેશની દરેક રમતની સ્થિતિમાં કેવી રીતે સુધારો થયો છે. દેશનું બજેટ 2014ની સરખામણીમાં ત્રણ ગણું વધી ગયું છે. ખેલો ઈન્ડિયા જેવી યોજનાઓએ દેશના દરેક ખૂણે અને ગામડાના ખેલાડીઓને રાષ્ટ્રીય માન્યતા અપાવી છે. ટોપ્સ જેવી યોજનાઓએ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓને તમામ સુવિધાઓ પ્રદાન કરી છે, જેના કારણે તેઓ દેશ માટે મેડલ જીતી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ તમામ ખેલાડીઓ અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી 

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ ખેલાડીઓ અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું કે બધું જ ઘરથી શરૂ થાય છે અને આ શરૂઆત કરવા બદલ તમામ ખેલાડીઓના માતા-પિતા અભિનંદનને પાત્ર છે. તેણે વધુમાં કહ્યું કે એશિયન ગેમ્સમાં અમારું ઐતિહાસિક પ્રદર્શન દર્શાવે છે કે અમે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. ખેલાડીઓના વખાણ કરતાં તેણે કહ્યું કે તમે લોકોએ ગોલ્ડ મેડલ વરસાવ્યો છે. એવું લાગતું હતું કે અમારી દીકરીઓ ટ્રેક એન્ડ ફિલ્ડમાં મોખરે રહેવાનું નક્કી કરે છે.

સરકાર આગામી પાંચ વર્ષમાં ખેલાડીઓ માટે ત્રણ હજાર કરોડ રૂપિયા વધુ ખર્ચ કરશે

પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ખેલાડીઓને વિશ્વમાં શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો અમારો પ્રયાસ છે. તેમને દેશ અને દુનિયામાં દરેક જગ્યાએ રમવાની તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયા ન્યાયી હોવી જોઈએ. ગામડાઓમાં રહેતા ખેલાડીઓને પણ સંપૂર્ણ સુવિધાઓ અને તકો મળવી જોઈએ. પીએમે કહ્યું કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ 3,000 થી વધુ ખેલાડીઓની તાલીમ ચાલી રહી છે. સરકાર આગામી પાંચ વર્ષમાં ખેલાડીઓ માટે ત્રણ હજાર કરોડ રૂપિયા વધુ ખર્ચ કરશે.

ગોલ્ડ મેડલ જીતવાનો નવો રેકોર્ડ પણ બનાવ્યો

અગાઉ એશિયન ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 70 મેડલ જીતવાનું હતું. જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સ 2018માં ભારતે 70 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતે તમામ રેકોર્ડ તોડીને 107 મેડલ જીત્યા અને ગોલ્ડ મેડલ જીતવાનો નવો રેકોર્ડ પણ બનાવ્યો. આ વખતે ભારતીય ટીમ 100 પાર કરવાના નારા સાથે ચીનના હાંગઝોઉ જવા રવાના થઈ હતી અને તેને વાસ્તવિકતામાં ફેરવીને જ પરત ફરી હતી. ભારતે 100 મેડલ જીત્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ તમામ ખેલાડીઓનું સ્વાગત કરશે.

ભારતમાં પ્રથમ નંબર-વિહોણું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાયું

મુંબઈઃ ભારતની અગ્રગણ્ય ગ્રાહક લોન (ધિરાણ) એપ ફાઈબ (અગાઉનું નામ ‘અર્લીસેલરી’) અને દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્કોમાંની એક, એક્સિસ બેન્કે ભાગીદારી કરીને દેશમાં સૌપ્રથમ નંબરલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. ટેક્નોલોજીપ્રેમી નવી પેઢીનાં લોકોને લક્ષમાં રાખીને આ નંબર-વિહોણું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે.

આ ક્રેડિટ કાર્ડમાં કોઈ કાર્ડ નંબર જ નહીં હોય, એક્સપાઈરી તારીખ નહીં હોય કે પ્લાસ્ટિક કાર્ડ પર CVV નંબર પણ લખ્યો નહીં હોય એટલે ગ્રાહકોને તેમાં સુરક્ષિતતાનું અતિરિક્ત સ્તર મળશે. આને લીધે ગ્રાહકની કાર્ડ વિગતને ગેરકાયદેસર રીતે એક્સેસ કરી શકાશે નહીં કે ગ્રાહકની ઓળખની ચોરીનું કોઈ જોખમ પણ નહીં રહે. ગ્રાહકો ફાઈબ એપ પર એમના ફાઈબ-એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડની વિગત આસાનીથી એક્સેસ કરી શકશે. આમ, પોતાની વિગત ઉપર ગ્રાહકોનો જ સંપૂર્ણ કન્ટ્રોલ રહેશે. આ ક્રેડિટ કાર્ડધારકને દેશભરમાં તમામ રેસ્ટોરન્ટ એગ્રીગેટર્સ દ્વારા ઓનલાઈન ફૂડ ડિલીવરી પર 3 ટકા ફ્લેટ કેશબેક ઓફર કરાશે. તદુપરાંત ગ્રાહકોને તમામ ઓનલાઈન અને ઓફ્ફલાઈન વ્યવહારો પર 1 ટકો કેશબેકની પણ સુવિધા મળશે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૦ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૦ ઓક્ટોબર, ૨૦૨૩

મુકેશ અંબાણી ફરી અદાણીને પાછળ છોડી ટોપ પર પહોંચ્યા

હુરુન ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં ઘણા ફેરફારો થયા છે. ‘360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023’ અનુસાર, દેશમાં સંપત્તિના વિતરણને લગતા ઘણા નવા વલણો સામે આવ્યા છે. આ યાદીમાં 278 નવા લોકો સામેલ થયા છે, જેમની કુલ સંપત્તિ 7,28,200 કરોડ રૂપિયા છે. આ યાદીમાં ઔદ્યોગિક ઉત્પાદનો સાથે સંબંધિત 33 જ્યારે મેટલ અને માઈનિંગ ક્ષેત્ર સાથે સંબંધિત 29 લોકોને પ્રથમ વખત સ્થાન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવનાર વ્યક્તિઓની સંખ્યામાં 219 લોકો અથવા 76%નો વધારો નોંધાયો છે. આનાથી આવી સંપત્તિ ધરાવતા વ્યક્તિઓની કુલ સંખ્યા 1,319 થઈ ગઈ છે.

મુકેશ અંબાણી આ યાદીમાં ટોચ પર છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી આ વર્ષની યાદીમાં અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીને પાછળ છોડીને રૂ. 8,08,700 કરોડની નેટવર્થ સાથે ટોચ પર છે. આ સિવાય કુમાર મંગલમ બિરલા અને નીરજ બજાજ ભારતના ટોપ 10 અમીરોની યાદીમાં પાછા ફર્યા છે. તેણે વિનોદ અદાણી અને ઉદય કોટકને હરાવીને યાદીમાં પુનરાગમન કર્યું છે.

આ યાદીમાં 90ના દાયકામાં જન્મેલા 12 ભારતીયો સામેલ

આ વખતની યાદીમાં સ્વ-નિર્મિત સાહસિકોની સંખ્યા મુખ્ય હતી. રાધા વેમ્બુએ ફાલ્ગુની નાયરને પાછળ છોડીને સૌથી અમીર ભારતીય મહિલાની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સિવાય આ યાદીમાં 90ના દાયકામાં જન્મેલા 12 ભારતીયોના નામ સામેલ છે. આ યાદીમાં સૌથી યુવા ઉદ્યોગસાહસિક તરીકે ગ્રોસરી ડિલિવરી એપ્લિકેશન ઝેપ્ટોના સહ-સ્થાપક, બેંગલુરુ સ્થિત કેવલ્યા વોહરાના નામનો સમાવેશ થાય છે. તેની ઉંમર માત્ર 20 વર્ષની છે.

ફાર્માસ્યુટિકલ સેક્ટરે મજબૂત કામગીરી દર્શાવી હતી

યાદી અનુસાર ફાર્માસ્યુટિકલ સેક્ટરે મજબૂત કામગીરી દર્શાવી હતી. યાદીમાં આ ક્ષેત્રના સૌથી વધુ 39 અબજપતિઓના નામ સામેલ છે. આ પછી કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરના 23 અને ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ ઈન્ડસ્ટ્રીના 22 લોકોના નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. અહેવાલમાં સ્વ-નિર્મિત ઉદ્યોગસાહસિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ દર્શાવવામાં આવ્યો છે, જેમાં રેકોર્ડ-બ્રેકિંગ 871 સ્વ-નિર્મિત ઉદ્યોગસાહસિકોનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે સૂચિમાં 66% હિસ્સો ધરાવે છે.

અબજોપતિઓની યાદીમાં મુંબઈ મોખરે 

યાદીમાં સમાવિષ્ટ મુખ્ય ભારતીય શહેરોમાં, મુંબઈ 328 નામ સાથે આગળ છે, ત્યારબાદ નવી દિલ્હી (199) અને બેંગલુરુ (100) છે. પ્રથમ વખત તિરુપુરે યાદીના ટોપ 20 શહેરોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ વખતની યાદીમાં ઉદ્યોગસાહસિકોની રાશિએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. મીન રાશિના લોકો ધન સંચયમાં અગ્રેસર છે. આ પછી વૃષભ અને તુલા રાશિ છે. રિપોર્ટમાં સૌથી વધુ કન્યા રાશિના લોકોનો સમાવેશ થાય છે જે યાદીના 9.6% છે.

લિકર સ્કેમઃ સંજય સિંહના રિમાન્ડ ત્રણ દિવસ લંબાવ્યા

દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી AAP સાંસદ સંજય સિંહને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ કોર્ટમાં સંજય સિંહના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે તમે સાંસદ 13મી ઓક્ટોબર સુધી ED રિમાન્ડમાં રહેશો. EDએ કોર્ટમાં કહ્યું કે લાંચ માંગવાના પુરાવા છે અને લાંચ લેવાના નથી. દારૂના લાયસન્સ માટે લાંચ માંગવામાં આવી હતી. અગાઉ સંજય સિંહની ધરપકડ કર્યા બાદ EDએ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી કોર્ટે સાંસદને પાંચ દિવસના ઇડી રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. સિંઘની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી, તો બીજી તરફ તેના નજીકના સંબંધીઓને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. EDએ વિવેક ત્યાગી અને સર્વેશ મિશ્રાને સમન્સ જારી કરીને પૂછપરછ કરી હતી. બીજી તરફ સંજય સિંહના હજારો સમર્થકો કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

કોર્ટે તેને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો

ધરપકડ કરાયેલા રાજ્યસભા સાંસદ સંજય સિંહને 10 ઓક્ટોબર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. EDએ આ કેસમાં 10 દિવસની કસ્ટડી માંગી હતી. જોકે, કોર્ટે સુનાવણી દરમિયાન ED સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા હતા અને ત્યાર બાદ માત્ર પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા.

ઘાટકોપરમાં ફરી એક ગુજરાતી પાટિયું તોડી નખાયું

મુંબઈઃ અહીંના ઘાટકોપર (પૂર્વ) ઉપનગરમાં એક ઉદ્યાન ખાતે ગુજરાતી લિપીમાં મૂકવામાં આવેલા ‘મારુ ઘાટકોપર’ બોર્ડને શિવસૈનિકોએ હટાવી દીધા બાદ હવે એક અન્ય રસ્તા પર ગુજરાતીમાં લખેલા ‘આર.બી. મહેતા માર્ગ’ બોર્ડને તોડી નખાયાની ઘટના બની છે. આ કૃત્ય કરનાર અજ્ઞાત વ્યક્તિ સામેના વિરોધમાં ગુજરાતીભાષી રહેવાસીઓએ ગઈ કાલે રાતે દેખાવો કર્યા હતા.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીના કાર્યકર્તાઓએ ગયા રવિવારે સવારે ઘાટકોપરમાં ‘મારુ ઘાટકોપર’ નામક બોર્ડને હટાવી દીધું હતું. એની જગ્યાએ ‘માઝં ઘાટકોપર’ એમ મરાઠીમાં લખેલું બોર્ડ મૂક્યું હતું. એ મુદ્દે ચર્ચા ચાલુ જ હતી ત્યાં ગઈ કાલે રાતે ઘાટકોપરના વિક્રાંત સર્કલ વિસ્તારમાં ગુજરાતીમાં લખેલું ‘આર.બી. મહેતા માર્ગ’ બોર્ડ તોડફોડ કરવામાં આવી હતી અને બોર્ડને હટાવી દેવામાં આવ્યું હતું. આ સમાચાર ફેલાતાં વિસ્તારના ગુજરાતીભાષીઓ એકત્ર થયા હતા અને શિવસેના તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીઓની વિરુદ્ધમાં દેખાવો કર્યા હતા.

આની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચી હતી. ઘાટકોપરના ભાજપાના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડાએ કહ્યું કે, ‘આર.બી. મહેતા સ્વાતંત્ર્યસૈનિક હતા અને એમણે પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું હતું. એમના કાર્યોના સ્મરણાર્થે જ અહીંના રસ્તાને એમનું નામ આપવામાં આવ્યું છે. મને એવી જાણકારી મળી છે કે મનસે પાર્ટીના અમુક કાર્યકર્તાઓએ તે બોર્ડની તોડફોડ કરી હતી. ત્રણ જણની ઓળખ થઈ છે. ઘાટકોપર પૂર્વમાં ગુજરાતીમાં લખેલા પાટિયા હટાવી દેવામાં શિવસેના અને મનસે વચ્ચે સ્પર્ધા ચાલી છે. એ માટે ગુજરાતીભાષીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ ખોટું છે. મુંબઈનું વાતાવરણ બગાડવાનો આ પ્રયત્ન છે.’

ઉલ્લેખનીય છે કે, ઈશાન મુંબઈના મુલુંડ ઉપનગરમાં થોડાક દિવસો પહેલાં એક હાઉસિંગ સોસાયટીમાં ગુજરાતીભાષીઓએ મરાઠી દંપતીને ઘર ખરીદવાનો ઈનકાર કર્યો હતો. એને કારણે મોટો વિવાદ થયો હતો. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ એવો ઈનકાર કરનારને થપ્પડ મારવાનો સંકેત આપ્યો હતો.