નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ જારી છે. અત્યાર સુધી બંને બાજુ 1000થી વધુ લોકોનાં મોત થયાં છે. વિશ્વની નજર આ મામલા પર છે. વડા પ્રધાન મોદીએ ઇઝરાયેલના PM બેન્જામિન નેતાન્યાહૂને ફોન કરવા માટે આભાર વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી છે. તેમણે નેતાન્યાહૂને તાજી સ્થિતિ વિશે અપડેટ આપવા માટે આભાર વ્યક્ત ક્યો હતો. તેમણે કહ્યું હતું કે હું વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂનો આભાર વ્યક્ત કરું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયે ઇઝરાયેલની સાથે મજબૂતીથી ઊભા છે. ભારત આતંકવાદના દરેક ફોર્મેટની સ્પષ્ટ નિંદા કરે છે.
ઇઝરાયેલ પર હમાસના રોકેટ હુમલાની સામે ઇઝરાયેલની પ્રતિક્રિયા પછી વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. નવી દિલ્હી ક્ષેત્રીય ગઠબંધનો અને રાજકીય રીતે મધ્ય-પૂર્વમાં એક મોટી ભૂમિકા પર ભાર મૂકી રહ્યું છે. વડા પ્રધાને ઇઝરાયેલના શહેરોમાં થયેલા આતંકવાદી હુમલાઓ સામે સંવેદનાઓ અને નિર્દોષ પીડિતો માટે દિલસોજી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલની સાથે ઊભા છીએ.
I thank Prime Minister @netanyahu for his phone call and providing an update on the ongoing situation. People of India stand firmly with Israel in this difficult hour. India strongly and unequivocally condemns terrorism in all its forms and manifestations.
બીજી બાજુ પેલેસ્ટાઇનના એમ્બેસેડર અદનાન અબુ અલહૈજાએ કહ્યું હતું કે આ વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલની હરકતોની પ્રતિક્રિયા છે. અમે સામાન્ય નાગરિકોના માર્યા જવાની વિરુદ્ધ છીએ અને અમે આ સંકટનો શાતિપૂર્ણ ઉકેલ ઇચ્છીએ છીએ. એ સાથે તેમણે ઇઝરાયેલની સાથે વાટાઘાટ માટે ભારતનો સહયોગ પણ માગ્યો હતો.
તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલની સાથે વાટાઘાટમાં અમારા રાષ્ટ્રપતિ કેટલાય યુરોપીય દેશોની સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું હતું કે યુદ્ધ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય ઉત્તરદાયી છે.
ચેન્નાઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂ બીમારીમાંથી સાજો થઈ રહ્યો છે. એને ચેન્નાઈની હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે, પણ અમદાવાદમાં આવતા શનિવારે પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં એ રમી શકશે કે કેમ તે વિશે શંકા છે.
ગિલના પ્લેટલેટ કાઉન્ટ એક લાખથી નીચે, 70,000 સુધી ઘટી જતાં એને ગયા રવિવારે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગિલ ગયા અઠવાડિયે ટીમના સાથીઓ ભેગો ચેન્નાઈ આવી પહોંચ્યો હતો ત્યારે એને તાવ હતો અને તબીબી ચકાસણી કરાતાં એને ડેન્ગ્યૂ હોવાનું નિદાન થયું હતું. પરિણામે એ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી શક્યો નહોતો.
ડેન્ગ્યૂના તાવને કારણે દર્દીનું શરીર ઘણું જ નબળું પડી જાય છે. દિગ્ગજ એથ્લીટ્સને પણ સંપૂર્ણ રીતે સાજા થતાં સમય લાગે છે. સામાન્ય માનવી માટે પ્લેટલેટની સંખ્યા દોઢ લાખથી લઈને સાડા ચાર લાખની વચ્ચે હોય એ જરૂરી હોય છે.
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે અમારી પ્રાથમિકતા શુભમન એકદમ સાજો થઈ જાય એની છે. એક માનવી તરીકે મને એની તબિયત વિશે ચિંતા થાય છે. નહીં કે એક કેપ્ટન તરીકે, જે એમ ઈચ્છે છે કે શુભમન આવતીકાલે જ રમે. ના, હું ઈચ્છું છું કે એ સાજો થઈ જાય. એ શરીરે તંદુરસ્ત છે એટલે એ ઝડપથી સાજો થઈ જશે.
પસંદગીકારો કદાચ ગિલની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરાવે એવી શક્યતા છે. પહેલો વિકલ્પ ઋતુરાજ ગાયકવાડનો છે, જેણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પહેલી મેચમાં હાફ સેન્ચૂરી ફટકારી હતી. જોકે ગાયકવાડની પહેલા ડાબોડી બેટર યશસ્વી જયસ્વાલનું નામ છે, જે હાલ જોરદાર ફોર્મમાં છે.
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે દર વર્ષે 10 ઓક્ટોબરે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો હેતુ લોકોને માનસિક રોગની
જાણકારી આપવાનો છે તેમ જ લોકોને નિવારણ અંગે જાગ્રત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. નેશનલ હ્યુમન રાઇટ્સ પંચ (NHRC)ને હ્યુમન રાઇટ્સ એક્ટ, 1993 હેઠળ દેશમાં બધા માટે માનવ અધિકારોની સુરક્ષા અને પ્રોત્સાહન આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સંબંધે કમિશનની પ્રથામિક ચિંતાઓમાંથી એક દેશમાં માનસિક સમસ્યાઓવાળી વ્યક્તિઓની સામે આવતા પડકારોને લગતી છે. પંચે માનસિક બીમાર વ્યક્તિઓ માટે એક એડવાઇઝરી જારી કરી છે, જે નીચે મુજબ છે.
1 પંચ આવી માનસિક સ્વાસ્થ્યની સમસ્યા સતાવતી વ્યક્તિઓના કલ્યાણ માટે સક્રિય રીતે કાર્યરત છે અને મેન્ટલ હેલ્થકેર એક્ટ, 2017 હેઠળ વ્યક્તિ અને તેના પરિવારો સામે આવતા પડકારો વિશે ચિંતિત છે.
2 આ પડકારોને પહોંચી વળવા માટે પંચે માનસિક આરોગ્યથી પીડિત વ્યક્તિઓના કલ્યાણ અને અધિકારો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે મેન્ટલ હેલ્થને લગતી એક એડવાઇઝરી મંજૂર કરી છે, જેમાં ભલામણો માટેનો એક સેટ છે.
3 કેન્દ્ર, રાજ્ય સરકારે અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવે છે કે આ ભલામણોને અક્ષરશઃ લાગુ કરે અને બે મહિનાની અંદર એક એક્શન ટેકન રિપોર્ટ (ATR) તૈયાર કરીને મોકલી આપે. આ સાથે પંચને આ કાર્યમાં કેટલી પ્રગતિ થઈ એનાથી પણ માહિતગાર કરે.
4 માનસિક આરોગ્ય એ મનુષ્યના કલ્યાણ માટે પાયાની બાબત છે અને એ સ્વસ્થ જીવન તરફ લઈ જાય છે. વળી, મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યુશન્સમાં દવા અને થેરપી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સમાજમાં માનસિક આરોગ્યની દેખરેખ કરવાથી વ્યક્તિઓ માટે સાથી સાથે જોડાવાની એક્ટિવિટીઝમાં ભાગ લેવાની તત્પરતા અને સમાજ માટે કંઈક કરવાની છૂટવા માટે તક ઊભી થાય છે.
5 મેન્ટલ હેલ્થકેર, એક્ટ, 2017, માનસિક રોગીઓ માટે માનસિક દેખરેખ ને આરોગ્યની સંભાળ રાખવા અને માનસિક રોગવાળી વ્યક્તિઓના અધિકાર, પ્રચાર અને તેમનાથી જોડાયેલા અથવા પ્રાસંગિક મામલાઓ માટે એક કાયદો છે.
6 પંચ મેન્ટલ હેલ્થકેર એક્ટ, 2017ના અમલીકરણને લઈને ચિંતિત છે અને ખામીઓની ઓળખ કરવા અને એને દૂર કરવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યું છે. વળી, પંચ માનસિક બીમારીથી પીડિત વ્યક્તિઓના કલ્યાણ અને હક માટે આ એડવાઇઝરી જારી કરે છે, જેમાં ભલામણોનો એક સેટ પણ છે.
હાલના કાયદાઓ અને નીતિઓનું અમલીકરણ
7 બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ મેન્ટલ હેલ્થ ઓથોરિટી, મેન્ટલ હેલ્થ રિવ્યુ બોર્ડની રચના કરવા અને મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017 (એક્ટ-2017)ની કલમ 45,73,121 અને 123 હેઠળ ફરજિયાતપણે નિયમો તૈયાર કરવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ.
8 વીમા ક્ષેત્રની નીતિઓ અને યોજનાઓમાં માનસિક આરોગ્યની બીમારીની સારવાનો સમાવેશ થવો જોઈએ.
9 રાજ્યોએ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ તકરવા જોઈએ અને સમાજમાં માનસિક બીમારી વિશે જાહેર ખાનગી ભાગીદારીથી કલંક, ભેદભાવ મિટાવવા માટે જાગરુકતા ફેલાવવા પર ભાર મૂકવો જોઈએ.
દરેક જિલ્લામાં માનસિક આરોગ્ય કાર્યક્રમ (DMHP) કાર્યક્રમ તૈયાર કરવો અને એમા સામાજિક કાર્યકર્તાઓને સામેલ કરવા જોઈએ. 10 આર્થિક રીતે નબળી વસતિ માટે માનસિક આરોગ્યની સારવારને પ્રોત્સાહન આપવા માટે ‘આયુષ્માન ભારત’ યોજનામાં પણ માનસિક બીમારીને સામેલ કરવી જરૂરી છે.
11 જે રાજ્યોએ સ્ટેટ મેન્ટલ હેલ્થ ઓથોરિટીની સ્થાપના કરી છે એને ફંડની ફાળવણી કરવી જોઈએ.
માળખું અને સુવિધાઓ
12 મોટા ભાગની ઇન્સ્ટિટ્યૂટ જૂનીપુરાણી છે, એમાં ટેક્નોલોજી, સુવિધાઓ અને આવશ્યકતા અનુસાર પુનર્ગઠન કરવામાં આવવું જોઈએ.
13 આ સંસ્થાઓમાં સામાન્ય સુવિધાઓ- જેમાં પલંગની સંખ્યા, પાણી, સ્વચ્છતા, ભોજન, કપડાં મનોરંજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
14 બધી સંસ્થાઓમાં માનસિક બીમારીથી પીડિત સિનિયર સિટિઝનોની ખાસ સારસંભાળવાળી બનાવવામાં આવે.
15 બાળકો અને કિશોરો માટે એક અલગ વોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે.
16 માનસિક બીમાર વ્યક્તિઓને બંધ (રૂમ) સ્થિતિમાં નહીં, પરંતુ માટે સમૂહમાં મનોરંજન અને એક્ટિવિટીઝમાં સામેલ કરવામાં આવવી જોઈએ. માનસિક દર્દીઓને સપ્તાહમાં કમસે કમ એક વાર બહાર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવવો જોઈએ.
17 આ બધી સંસ્થાઓમાં ઇમર્જન્સી વોર્ડની સુવિધા ફરજિયાત હોવી જોઈએ અને તેમને નજીકની હોસ્પિટલોમાં તત્કાળ પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ હોવી જોઈએ.18 બધા માનસિદ દર્દીઓને પાયાની અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવવી જોઈએ.
19 બધા માનસિક રોગીઓને સંતુલિત અને પૌષ્ટિક ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવવી જોઈએ. માનસિક બીમારવાળી વ્યક્તિઓના વોર્ડમાં CCTVની સુવિધા અને નિયમિત જાળવણી હોવી જોઈએ.
20 માનસિક પ્રોપેશનલો માટે DPM, MD, DNB, એમફિલ., પીએચડી, સાયકોલોડી, PSW અને DPN અને અન્ય ડિપ્લોમા, ડિગ્રી વગેરેમાં સીટો રાખવામાં આવવી જોઈએ.
21 ડોક્ટરો, આશા વર્કરો હેલ્થ ઓફિસર્સ અને ફ્રન્ટલાઇન કાર્યકર્તાઓને નિદાન માટે તાલીમ આપવા માટે ટ્રેનિંગ મોડ્યુલ વિકસિત કરવામાં આવવી જોઈએ. પ્રોફેશનલો, સાયકિયાટિસ્ટો, ક્લિનિકલ સાયકિયાટ્રિસ્ટો, સામાજિક કાર્યકર્તાન્ઓને અને મનોરોગની નર્સો સુવિધા હોવી જરૂરી છે
22 માનસિક બીમાર વ્યક્તિઓની નિદાન અને સારવાર માટે વિવિધ માનસિક આરોગ્યની સેવાઓ પ્રત્યે જેતે વ્યક્તિએ સંવેદનશીલ વ્યવહાર હોવો જોઈએ. બધી સંસ્થાઓ, હોસ્પિટલોમાં આ માટેની ખાલી જગ્યાઓએ તત્કાળ અસરથી ભરતી થવી જોઈએ.
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી છેતરપીંડીને લગતા એક કેસમાં કાનૂની લડાઈ જીતી ગઈ છે. કોલકાતાની એક અદાલતે એની ધરપકડ કરવા ઈશ્યૂ કરેલા વોરંટને રદ કર્યું છે. કથિત છેતરપીંડીનો કેસ 2018ની સાલનો હતો. તપાસ અધિકારીએ નોંધાવેલા નિવેદનોને આધારે કોર્ટે ઝરીન સામે વોરંટ ઈશ્યૂ કર્યું હતું, પરંતુ તે નિવેદનો ખોટા અને ગેરમાર્ગે દોરનારા હોવાનું સાબિત થયા બાદ મેજિસ્ટ્રેટે વોરંટ રદ કરી દેવાની જાહેરાત કરતો ઓર્ડર ઈશ્યૂ કર્યો છે.
કોલકાતા હાઈકોર્ટે પણ ઝરીન ખાનની તરફેણમાં વચગાળાનો ઓર્ડર આપતાં અભિનેત્રી સામેનું અરેસ્ટ વોરંટ રદ કરવાનું નિશ્ચિત થયું હતું. તપાસનીશ અધિકારીએ ઝરીન ખાન વિરુદ્ધ કોલકાતાની સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે ઝરીને જામીન માટે અરજી કરી નથી કે કોર્ટ સમક્ષ હાજર પણ થઈ નથી. તેથી કોર્ટે ઝરીનની ધરપકડનું વોરંટ ઈશ્યૂ કર્યું હતું.
કેસની વિગત મુજબ, 2018માં, ઝરીન ખાને કોલકાતામાં એક દુર્ગા પૂજા સમારંભમાં પરફોર્મ કરવાની હા પાડી હતી, પણ તે કાર્યક્રમમાં હાજર થઈ નહોતી. આયોજકો રાહ જોતા રહ્યા હતા. એમાંના એક આયોજકે ઝરીન અને તેની મેનેજર સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. તેને પગલે પોલીસે ઝરીન અને મેનેજર સામે એફઆઈઆર રજિસ્ટર કરી હતી. ઝરીન પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થઈ હતી અને એવો દાવો કર્યો હતો કે આયોજકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. આયોજકોએ એને કહ્યું હતું કે સમારંભમાં બંગાળનાં મુખ્ય પ્રધાન સહિત પ્રધાનો હાજર રહેવાનાં છે. પરંતુ શો પૂર્વે એની ટીમને માલૂમ પડ્યું હતું કે કાર્યક્રમ સાવ નાના પાયે યોજાવાનો છે. વળી, ફ્લાઈટ્સની ટિકિટ તેમજ કોલકાતામાં રહેવાની વ્યવસ્થા અંગે પણ પોતાની સાથે ગેરસમજ ઊભી થઈ હતી તેથી એણે શોમાં હાજર ન રહેવાનું નક્કી કર્યું હતું.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 26 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,392 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,035 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,020 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 52 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 337 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 19,404 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.55 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,72,720 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 168 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અગાઉ જેમ અક્કલ અંધારામાં વહેંચાઈ હતી તેનો અર્થ જોયો તે જ રીતે બુદ્ધિ એ કોઈનો ઇજારો નથી, ઈશ્વરે સૌને પોતપોતાની વિશિષ્ટ ક્ષમતા આપી છે અને આવી વ્યક્તિ બુદ્ધિના બળે ધાર્યું કામ પાર પાડી શકે છે તે વાત કહેવા માટે આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
ક્યારેય નિર્દેશન કરવાનો વિચાર ના કરનાર નિર્માતા- નિર્દેશક બી. આર. ચોપરાએ ફિલ્મી દુનિયામાં એક પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. એમણે ૧૯૩૮ માં ભાગીદારીમાં એક અખબાર પણ શરૂ કર્યું હતું. એને છ મહિનામાં જ લોકપ્રિયતા મળી ગઈ. એટલું જ નહીં સોહરાબ મોદી, મહેબૂબ ખાન વગેરે ફિલ્મી હસ્તીઓ સાથે મિત્રતા થઈ ગઈ હતી. જ્યારે ૧૯૪૭ માં બી.આર. ના પિતાના મિત્રોએ સૂચન કર્યું કે તું પત્રકાર તરીકે કલમ ચલાવે છે તો વાર્તા લખીને ફિલ્મ કેમ બનાવતો નથી? ત્યારે એમણે કહ્યું કે ફિલ્મ બનાવવા માટે પૈસા જોઈએ એ મારી પાસે નથી. અત્યારે જે રોજીરોટી મળી રહી છે એ બહુ સારી છે. પરંતુ બધાના આગ્રહને કારણે પહેલી ફિલ્મ ‘ચાંદની ચોક’ બનાવવાનું આયોજન કર્યું. ત્યારે લાહોરમાં તોફાન ફાટી નીકળતા ભારત આવી ગયા હતા.
‘ચાંદની ચોક’ એક મોંઘી કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મ હતી એટલે ત્યારે બનાવી શક્યા નહીં. એમણે બીજી એક ફિલ્મ બનાવી એ એવી ફ્લોપ રહી કે પત્નીના ઘરેણાં વેચવા પડ્યા અને સડક પર આવી ગયા. હવે ફિલ્મ બનાવી શકે એમ ન હતા એટલે ફરી પત્રકારની નોકરી કરવાનું નક્કી કર્યું. ત્યારે ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ અખબારમાં એમના કાકા દુર્ગાદાસ કામ કરતા હતા. એમને પોતાની સ્થિતિ જણાવીને કહ્યું કે ક્યાંક નોકરી પર ગોઠવી આપો. એમણે સલાહ આપી કે આમ એક ફિલ્મ ફ્લોપ થવાથી હારી ના જવું જોઈએ. હું તને નોકરી પર તો લગાવી દઇશ પણ તારે બીજો પ્રયત્ન કરવો જોઈએ. બી. આર. ને થયું કે પૈસા કે કોઇની મદદ વગર પોતે ફિલ્મ બનાવી શકે એમ નથી.
મુંબઇમાં એક એવું સ્થળ હતું જ્યાં ફિલ્મોમાં સંઘર્ષ કરતા ઘણા લોકો ચા પીવા અને સુખદુ:ખ વહેંચવા ભેગા થતાં હતા. ત્યાં આઈ.એસ, જૌહર સાથે મુલાકાત થઈ. એમણે એક વાર્તા સંભળાવી અને ફિલ્મ બનાવવા કહ્યું. બી. આર. ચોપરાએ ક્યારેક કામ આવશે એમ વિચારી પાંચસો રૂપિયામાં વાર્તા ખરીદી લીધી. દરમ્યાનમાં ગોવર્ધનદાસ અગ્રવાલ મળ્યા. એમને એવી ખબર હતી કે બી. આર. ફિલ્મ નિર્માણ વિશે સારું જ્ઞાન ધરાવે છે. બી. આર. ચોપરાએ કહ્યું કે એક ફિલ્મ બનાવી હતી એ ફ્લોપ થઈ ગઈ. એમણે કહ્યું કે તો શું થઈ ગયું? હું રોકાણ કરીશ તું બીજી બનાવ. આઈ. એસ. જૌહર પાસેથી ખરીદેલી વાર્તા હતી એના પર ફિલ્મ બનાવવા તૈયાર થઈ ગયા અને નિર્દેશક વિશે વિચારવા લાગ્યા ત્યારે અગ્રવાલે શરત કરી કે નિર્દેશન તારે જ કરવાનું છે.
ચોપરાએ કહી દીધું કે નિર્દેશનનો કોઈ અનુભવ નથી. પોતાની ફિલ્મનું નિર્માણ થતું હતું ત્યારે પણ સ્ટુડિયોમાં ખાસ કામ વગર ગયા નથી. બીજી વાત એ હતી કે એમને નિર્દેશનમાં કોઈ રસ જ ન હતો. અગ્રવાલે સ્પષ્ટ કહ્યું કે જો તું નિર્દેશન કરવાનો હોય તો જ પૈસા લગાવીશ. બીજો કોઈ રસ્તો ન હતો. બી. આર. તૈયાર થઈ ગયા અને અશોકકુમાર વગેરે સાથે પહેલી ફિલ્મ ‘અફસાના’ (૧૯૫૧) નું નિર્દેશન કર્યું. એ સફળ પણ થઈ ગઈ. જેમને ફિલ્મોમાં કોઈ ઓળખતું ન હતું એ બી. આર. ચોપરાનું અચાનક નિર્દેશક તરીકે નામ થઈ ગયું. ‘અફસાના’ જ્યારે બનતી હતી ત્યારે લોકો એમ કહેતા હતા કે આવી વાર્તા પરની ફિલ્મ દર્શકો સ્વીકારશે નહીં. એ સફળ થયા પછી બી. આર. ને ખ્યાલ આવ્યો કે જો અગાઉ ના બની હોય એવા વિષય પર સારી રીતે ફિલ્મ બનાવવામાં આવે તો એને દર્શકો પસંદ કરે છે. એ કારણે એમણે પાછળથી નયા દૌર, ધૂલ કા ફૂલ, કાનૂન વગેરે અલગ વિષય પર જ વધુ ફિલ્મો બનાવી હતી.
મુંબઈઃ ‘વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ અને મૂલ્ય ઘડતરરૂપી જો બે પાંખ આપી દેવામાં આવે તો એ સફળતાના શિખરોને સર કરી શકે છે.’ અહીંના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં મૂલ્ય ઘડતરના વિકાસ માટેની જે શૃંખલા શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે હાલમાં જ એક મણકો વધુ ઉમેરાયો હતો. કેઈએસ (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી)ના વાઈસ પ્રેસિડન્ટ મહેશભાઈ શાહના માાર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ સીરિઝમાં કવિ મુકેશ જોષીએ વિદ્યાર્થીઓને એમનાં જીવનમાં ઉપયોગી થાય એવા મૂલ્યોની સમજણ આપી હતી.
સૌ પ્રથમ એમણે વિદ્યાર્થીઓને સ્મરણશક્તિ-યાદશકિતનું કૌશલ્ય કેવી રીતે કેળવાય એની તાલીમ આપી હતી.
“ચાંદો સૂરજ રમતા’તા
રમતા રમતા કોડી જડી…”
કવિતા કેવી રીતે પ્રાસમાં મૂકીને ગાવાથી યાદ રહી જાય છે તેવી રીતે અભ્યાસની અત્યંત અઘરી વાતો યાદ કરવી એ સમજાવ્યા બાદ જોષીએ ગયા વખતની મુલાકાત દરમિયાન આપણાં મહાકાવ્યો રામાયણ અને મહાભારતની કહેલી માહિતી વિશે વિદ્યાર્થીઓની સ્મરણ શક્તિ જાણવા પ્રશ્નો પૂછ્યા હતા. આ વખતે રામાયણમાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની પત્નીઓના નામ જણાવ્યા. અનુક્રમે સીતા, ઊર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ. તે ઉપરાંત ભારતની સૌથી લાંબી નદી ગંગા અને ભાગીરથીનાં અવતરણની કથા કહી હતી.
શ્રી રાજાની ‘બોલેલું પાળવું જોઈએ’ એ બોધ આપતી વાર્તા કહી. જેમાં ઈન્દ્રદેવ શ્રી રાજાની કરુણા ભાવનાની કસોટી કરવા એમના ખોળામાં એક કબૂતર મૂકે છે અને બાજ પક્ષી રાજાને એ કબૂતર પોતાનો શિકાર છે એમ કહી એ પોતાને સોંપી દેવા જણાવે છે, ત્યારે શ્રી રાજા પોતાનો જીવ આપીને પણ કબૂતરને બચાવશે એમ વચન આપે છે અને એ માટે પોતાના એક એક અંગ કાપે છે અને શિરચ્છેદ કરવા જાય છે ત્યારે ઇન્દ્રદેવ પ્રગટ થઈને આશીર્વાદ આપેછે. આ વાર્તા દ્વારા આપણે ‘જે વચન આપ્યું હોય તે પાળવું જોઈએ’ એ વાત સમજાવાઈ હતી.
આ વખતે કવિ મુકેશ જોષીએ બાળકોને ન ભાવતી વસ્તુ પણ ખાઈ લેવી જોઈએ, ઓછામાં ઓછી એક ચમચી જેટલું પણ ખાવું જોઈએ એ વાતની સલાહ આપી હતી. કારેલા, ટિંડોળા, ગલકા જેવા શાક પણ ખાવા જોઈએ એ વાત બાળકોને સમજાવ્યા બાદ એમની પાસે આ વખતે નિયમ લેવડાવ્યો હતો કે ઘરે જઈને તેઓ જ સામેથી ન ભાવતી વસ્તુ બનાવવા એમનાં માતાને કહેશે.
આમ, કવિ મુકેશ જોષીએ ગમ્મત સાથે, વાર્તાઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કર્યું હતું.
મુંબઈઃ આવતી 15મી ઓક્ટોબરથી નવરાત્ર મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે તે નિમિત્તે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કે.ઈ.એસ.) સંચાલિત ‘ગુજરાતી ભાષા ભવન’ દ્વારા શનિવાર તા.14 ઑક્ટોબરે સાંજે 5 થી 7 દરમિયાન આદ્યશક્તિ આરાધના અંતર્ગત ‘શ્રી નાગર મંડળ, અંધેરી’ દ્વારા પ્રસ્તુત નાગરી નાતની આગવી ઓળખ સમા, માતાજીનાં પરંપરાગત ‘બેઠાં ગરબા’નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘બેઠાં ગરબા’ એક વિશિષ્ટ પ્રકારની પરંપરા છે.
ચંડીગઢઃ દેખાવમાં અસ્સલ ભારતના સ્ટાર બેટર અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જેવો દેખાતો કાર્તિક શર્મા નામના યુવક ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે. એ ચંડીગઢનો રહેવાસી છે. વિરાટ કોહલી સાથે કાર્તિકના ચહેરાનું ગજબનું સામ્ય છે. કાર્તિક અસ્સલ વિરાટ કોહલી જેવી જ દાઢી અને હેરસ્ટાઈલ રાખે છે. એને કારણે ઘણા લોકો એને વિરાટ કોહલી સમજી લેવાની ભૂલ કરી બેસતા હોય છે. એ જ્યાં જાય છે ત્યાં લોકો એની સાથે ફોટો પડાવવાનો આગ્રહ રાખે છે. કાર્તિકના ફોટા અને વીડિયો જોઈને નેટયૂઝર્સ આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ થઈ ગયા છે.
કાર્તિક વ્યવસાયે સોફ્ટવેર એન્જિનીયર છે. એ કોહલીનો જબ્બર પ્રશંસક છે. પોતે પણ ક્રિકેટ રમવાનો શોખીન છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એણે કોહલીના અસંખ્ય વીડિયો અને ફોટા અપલોડ કર્યા છે. કાર્તિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ કાર્તિક કોહલી તરીકે લખ્યું છે.
કાર્તિકે કહ્યું છે કે, ‘વિરાટ કોહલીને હું મારો આદર્શ માનું છું. મને આશા છે કે કોઈક દિવસ વિરાટને પ્રત્યક્ષ મળવાનું થશે અને મારું સપનું સાકાર થશે.’