ચીટિંગ કેસમાં ઝરીન ખાન કાનૂની લડાઈ જીતી ગઈ; ધરપકડનું વોરંટ રદ કરાયું

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી છેતરપીંડીને લગતા એક કેસમાં કાનૂની લડાઈ જીતી ગઈ છે. કોલકાતાની એક અદાલતે એની ધરપકડ કરવા ઈશ્યૂ કરેલા વોરંટને રદ કર્યું છે. કથિત છેતરપીંડીનો કેસ 2018ની સાલનો હતો. તપાસ અધિકારીએ નોંધાવેલા નિવેદનોને આધારે કોર્ટે ઝરીન સામે વોરંટ ઈશ્યૂ કર્યું હતું, પરંતુ તે નિવેદનો ખોટા અને ગેરમાર્ગે દોરનારા હોવાનું સાબિત થયા બાદ મેજિસ્ટ્રેટે વોરંટ રદ કરી દેવાની જાહેરાત કરતો ઓર્ડર ઈશ્યૂ કર્યો છે.

કોલકાતા હાઈકોર્ટે પણ ઝરીન ખાનની તરફેણમાં વચગાળાનો ઓર્ડર આપતાં અભિનેત્રી સામેનું અરેસ્ટ વોરંટ રદ કરવાનું નિશ્ચિત થયું હતું. તપાસનીશ અધિકારીએ ઝરીન ખાન વિરુદ્ધ કોલકાતાની સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે ઝરીને જામીન માટે અરજી કરી નથી કે કોર્ટ સમક્ષ હાજર પણ થઈ નથી. તેથી કોર્ટે ઝરીનની ધરપકડનું વોરંટ ઈશ્યૂ કર્યું હતું.

કેસની વિગત મુજબ, 2018માં, ઝરીન ખાને કોલકાતામાં એક દુર્ગા પૂજા સમારંભમાં પરફોર્મ કરવાની હા પાડી હતી, પણ તે કાર્યક્રમમાં હાજર થઈ નહોતી. આયોજકો રાહ જોતા રહ્યા હતા. એમાંના એક આયોજકે ઝરીન અને તેની મેનેજર સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. તેને પગલે પોલીસે ઝરીન અને મેનેજર સામે એફઆઈઆર રજિસ્ટર કરી હતી. ઝરીન પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થઈ હતી અને એવો દાવો કર્યો હતો કે આયોજકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. આયોજકોએ એને કહ્યું હતું કે સમારંભમાં બંગાળનાં મુખ્ય પ્રધાન સહિત પ્રધાનો હાજર રહેવાનાં છે. પરંતુ શો પૂર્વે એની ટીમને માલૂમ પડ્યું હતું કે કાર્યક્રમ સાવ નાના પાયે યોજાવાનો છે. વળી, ફ્લાઈટ્સની ટિકિટ તેમજ કોલકાતામાં રહેવાની વ્યવસ્થા અંગે પણ પોતાની સાથે ગેરસમજ ઊભી થઈ હતી તેથી એણે શોમાં હાજર ન રહેવાનું નક્કી કર્યું હતું.