ભારતમાં પ્રથમ નંબર-વિહોણું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાયું

મુંબઈઃ ભારતની અગ્રગણ્ય ગ્રાહક લોન (ધિરાણ) એપ ફાઈબ (અગાઉનું નામ ‘અર્લીસેલરી’) અને દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્કોમાંની એક, એક્સિસ બેન્કે ભાગીદારી કરીને દેશમાં સૌપ્રથમ નંબરલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. ટેક્નોલોજીપ્રેમી નવી પેઢીનાં લોકોને લક્ષમાં રાખીને આ નંબર-વિહોણું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે.

આ ક્રેડિટ કાર્ડમાં કોઈ કાર્ડ નંબર જ નહીં હોય, એક્સપાઈરી તારીખ નહીં હોય કે પ્લાસ્ટિક કાર્ડ પર CVV નંબર પણ લખ્યો નહીં હોય એટલે ગ્રાહકોને તેમાં સુરક્ષિતતાનું અતિરિક્ત સ્તર મળશે. આને લીધે ગ્રાહકની કાર્ડ વિગતને ગેરકાયદેસર રીતે એક્સેસ કરી શકાશે નહીં કે ગ્રાહકની ઓળખની ચોરીનું કોઈ જોખમ પણ નહીં રહે. ગ્રાહકો ફાઈબ એપ પર એમના ફાઈબ-એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડની વિગત આસાનીથી એક્સેસ કરી શકશે. આમ, પોતાની વિગત ઉપર ગ્રાહકોનો જ સંપૂર્ણ કન્ટ્રોલ રહેશે. આ ક્રેડિટ કાર્ડધારકને દેશભરમાં તમામ રેસ્ટોરન્ટ એગ્રીગેટર્સ દ્વારા ઓનલાઈન ફૂડ ડિલીવરી પર 3 ટકા ફ્લેટ કેશબેક ઓફર કરાશે. તદુપરાંત ગ્રાહકોને તમામ ઓનલાઈન અને ઓફ્ફલાઈન વ્યવહારો પર 1 ટકો કેશબેકની પણ સુવિધા મળશે.