Home Blog Page 2376

કોલકાતાની હોટેલમાં બિરયાની ન મળતાં પાકિસ્તાની ખેલાડીઓએ જમવાની ના પાડી દીધી

કોલકાતાઃ પાકિસ્તાનના ક્રિકેટરો આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં આજે અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર બાંગ્લાદેશ સામે રાઉન્ડ રોબીન લીગ મેચ રમી રહ્યા છે. બંને ટીમ માટે આજની મેચ મહત્ત્વની છે. જે ટીમ હારશે એ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશે.

પરંતુ, બાબર આઝમ અને તેની ટીમના સાથીઓ માટે મેચ જીતવા કરતાં એક બીજું મોટું ટેન્શન બિરયાનીનું થઈ ગયું છે. એક અહેવાલ મુજબ, બાંગ્લાદેશ સામેની મેચ રમવા પાકિસ્તાન ટીમ કોલકાતા આવી પહોંચ્યા બાદ એમને જે હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં ડિનરના મેનૂમાં બિરયાનીનો સમાવેશ કરાયો નહોતો. બિરયાની ન હોવાનું જાણ્યા બાદ પાકિસ્તાની ક્રિકેટરોએ જમવાની જ ના પાડી દીધી હતી અને ફૂડ ડિલિવરી એપ મારફત કોલકાતાની એક પ્રસિદ્ધ રેસ્ટોરન્ટમાંથી બિરયાની તથા અન્ય વાનગીઓનો ઓર્ડર આપ્યો હતો.

મહત્ત્વની બાબત એ છે કે પાકિસ્તાની ક્રિકેટરોએ જેનો ઓર્ડર આપ્યો હતો તે બધા ખાદ્યપદાર્થો શરીરને અયોગ્ય બનાવે છે. પરંતુ પાકિસ્તાની ક્રિકેટરોએ ફિટનેસની પરવા કર્યા વગર ઓર્ડર આપીને અન્ય રેસ્ટોરન્ટમાંથી વાનગીઓ મગાવી લીધી હતી. આ અહેવાલને સત્તાવાર સમર્થન મળ્યું નથી. એટલે તે અફવા પણ હોઈ શકે છે.

વિરોધ પક્ષોના ફોન હેકિંગના દાવા સામે એપલે આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ TMC નેતા મહુઆ મોઇત્રા સહિત વિપક્ષના કેટલાય સાંસદો, નેતાઓએ સોશિયલ મિડિયા પર દાવો કર્યો હતો કે તેમને એપલ તરફથી એક સંદેશ મળ્યો છે, જેમાં તેમને સ્ટેટ સ્પોર્ન્સ્ડ હેકર્સના જોખમ સામે સાવધાન કરવામાં આવ્યા છે. જોકે હવે કંપનીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે રાજ્ય પ્રાયોજિત જોખમને લઈને અમે કોઈ પણ પ્રકારની માહિતી શેર નથી કરતા.

અહેવાલ મુજબ 30 ઓક્ટોબરે રાત્રે સપાપ્રમુખ અખિલેશ યાદવ, શિવસેના (uBT)નાં પ્રિયંકા ચતુર્વેદી, આપના રાઘવ ચઢ્ઢા, CPI (M)ના મહા સચિવ અને ભૂતપૂર્વ સાંસદ સીતારામ યેચુરી, AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પવન ખેડા, કોંગ્રેસ નેતા શશિ થરૂર વગેરેએ એપલથી આ સૂચના મળી હોવાનો દાવો કર્યો હતો. આ મામલે વિવાદ વધ્યો છે.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને સરકારની નિયત પર અનેક સવાલ કર્યા હતા. ભાજપ તરફથી નિશિકાંત દુબેએ વિરોધ પક્ષોના નેતાઓના આરોપ પર કહ્યું હતું કે રાહુલ ગાંધીની જેમ આરોપ લગાવીને વિપક્ષી નેતા ભાગી રહ્યા છે. ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ કંપનીના સ્પષ્ટીકરણની રાહ જોવાની વાત કરી હતી.


કંપનીનું નિવેદન

વિરોધ પક્ષોના નેતાઓએ સોશિયલ મિડિયા દ્વારા દાવો કર્યો હતો કે તેમને એપલ તરફથી એક સંદેશ મળ્યો છે, જેમાં સ્ટેટ સ્પોર્ન્સ્ડ હેકર્સના જોખમથી સાવધાન કરવામાં આવ્યા હતા. હવે આ મામલે કંપનીએ જણાવ્યું હતું કે કંપની જોખમની સૂચનાઓ અથવા સ્ટેટ સ્પોર્ન્સ્ડ હુમલાઓની માહિતી નથી આપતી. એ સંભવ છે કે કેટલાક એપલના જોખમની સૂચનાઓ ખોટો અલાર્મ હોઈ શકે. અમે એ વિશે માહિતી આપવામાં અસમર્થ છીએ.

 

 

એકેય ટિકિટ ન વેચાતાં થિયેટરોમાં ‘તેજસ’ના શો રદ કરવા પડ્યા

મુંબઈઃ અભિનેત્રી કંગના રણોતને ભારતીય હવાઈ દળની ઓફિસર તેજસ ગિલની ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘તેજસ’ ફિલ્મ આ વર્ષની સૌથી ફ્લોપ ગયેલી બોલીવુડ ફિલ્મોમાંની એક બની છે. આ પહેલાં ‘આદિપુરુષ’, ‘ગણપત’, ‘યારીયાં 2’, ‘વેક્સિન વોર’ જેવી ફિલ્મો થિયેટરોમાં દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી. ‘તેજસ’ રિલીઝ કરાયાના ચાર દિવસે થિયેટરમાલિકોને કમાણીના ફાંફા થઈ પડ્યા છે. અનેક થિયેટરમાલિકોને આ ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ અઠવાડિયે કંગાળ ઓપનિંગને લીધે અનેક શો રદ કરવાની ફરજ પડી છે. કેટલાક થિયેટરમાલિકોએ આજથી આ ફિલ્મ બતાવવાનું જ માંડી વાળ્યું છે.

કંગના શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા છે. તેણે ‘તેજસ’ ફિલ્મના પ્રચાર માટે કોઈ કસર બાકી રાખી નથી. તેણે લોકોને સોશિયલ મીડિયા મારફત વિનંતી અને અપીલ કરી છે કે તેઓ થિયેટરમાં જઈને આ ફિલ્મ જુએ. તે છતાં ફિલ્મને જરાય પ્રતિસાદ મળ્યો નથી.

મનોરંજન પોર્ટલ બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, સુરતમાં મલ્ટીપ્લેક્સના માલિક કીર્તિભાઈ વઘાસીયાના જણાવ્યા મુજબ, ‘ગયા શુક્રવારથી લઈને રવિવાર સુધીમાં મારે મારા થિયેટરમાં ‘તેજસ’ના તમામ 15 શો રદ કરવા પડ્યા હતા. ટિકિટ બુકિંગ ઝીરો રહ્યું હતું. મેં ‘તેજસ’ ફિલ્મ બતાવવા માટે મારી ઓડી કાર જેટલો ખર્ચો કર્યો હતો અને છ શો યોજવાનું નક્કી કર્યું હતું, પણ દર્શકો ન આવતાં થિયેટરમાં ફિલ્મનો એકેય શો યોજી શકાયો નથી.’

મુંબઈમાં G7 મલ્ટીપ્લેક્સના માલિક મનોજ દેસાઈએ કહ્યું, ‘રવિવારે અમારે ત્યાં માંડ 100 જણ આ ફિલ્મ જોવા આવ્યા હતા.  બાકીના શો વખતે 100થી પણ ઓછા દર્શકો હતા.’ બિહારના ‘રૂપબની’ થિયેટરના માલિક વિવેક ચૌહાણે કહ્યું, ‘’તેજસ’ ફિલ્મ અમારે માટે આફત સમાન બની છે. એકેય ટિકિટ ન વેચાતા મારે થિયેટરના તમામ મોર્નિંગ શો રદ કરવા પડ્યા છે. બાકીના શો વખતે પણ 20-30 જણ જ આવ્યા હતા.’

મરાઠા અનામત આંદોલનઃ બીડમાં પરિસ્થિતિ અંકુશમાં; 49ની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મરાઠા અનામત આંદોલનને કારણે ગઈ કાલે વણસી ગયેલી પરિસ્થિતિ આજે અંકુશ હેઠળ છે. પોલીસે ગઈ કાલના હિંસાચાર સાથે સંકળાયેલા 49 જણની ધરપકડ કરી છે. ગઈ કાલે હિંસાના અનેક બનાવો બન્યા બાદ બીડ જિલ્લાના કેટલાક ભાગોમાં ગઈ કાલે સાંજે કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો અને ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જિલ્લા પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ નંદકુમાર ઠાકુરના જણાવ્યા મુજબ, હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસે અત્યાર સુધીમાં 49 આંદોલનકારીઓની ધરપકડ કરી છે અને તેમની સામે રમખાણ કરવાના, લોકોના જાનને જોખમમાં મૂકવાના ગુના નોંધ્યા છે. ગઈ કાલ રાત પછી આગચંપી કે હિંસાનો એકેય બનાવ બન્યો નથી. કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે પોલીસની અતિરિક્ત ટૂકડીઓને તૈનાત કરવામાં આવી છે. ગઈ કાલે આંદોલનકારીઓએ નેતાઓને ટાર્ગેટ બનાવ્યા હતા. બે વિધાનસભ્યોના ઘરને આગ લગાડી હતી. બીડ જિલ્લા કલેક્ટર દીપા મુંડેના આદેશાનુસાર, કલેક્ટર કાર્યાલય, તાલુકાઓમાં મુખ્યાલયોની આસપાસ પાંચ કિલોમીટરના વિસ્તારમાં તેમજ જિલ્લામાંથી પસાર થતા તમામ રાષ્ટ્રીય હાઈવે પર ગઈ કાલે લાગુ કરવામાં આવેલો કર્ફ્યૂ આજે ચાલુ રાખવામાં આવ્યો છે.

 

 

CDSLનો ચોખ્ખો નફો 35 ટકા વધીને રૂ. 109 કરોડ થયો

મુંબઈઃ દેશની અગ્રણી ડિપોઝિટરી CDSL (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2023એ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક સમયગાળાનાં ઓડિટેડ પરિણામની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 23-24ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડએલોન ધોરણે કુલ આવક આગલા વર્ષના સમાન ગાળાના રૂ. 141 કરોડથી 29 ટકા વધીને રૂ.182 કરોડ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો રૂ.69 કરોડથી 28 ટકા વધીને રૂ.88 કરોડ થયો છે.

30 સપ્ટેમ્બર, 2023એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કંપનીની કોન્સોલિડેટેડ ધોરણે કુલ આવક રૂ.170 કરોડથી 35 ટકા વધીને રૂ. 230 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 80 કરોડથી 35 ટકા વધીને રૂ.109 કરોડ થયો છે.નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે સ્ટેન્ડએલોન ધોરણે કુલ આવક રૂ.170 કરોડ અને કરવેરા બાદનો નફો રૂ.92 કરોડ થયો છે. કોન્સોલિડેટેડ ધોરણે કુલ આવક રૂ.174 કરોડ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો રૂ.74 કરોડ થયો છે.

ડિપોઝિટરીના MD અને CEO નેહલ વોરાએ કહ્યું છે કે અમે અમારા 25માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે બિઝનેસ કરવાની સરળતાને વધારવા અને નાણાકીય ઇકોસિસ્ટમમાં વિશ્વાસ વધારવાના અમારા સતત પ્રયાસો આશાસ્પદ પરિણામો લાવી રહ્યા છે, ખાસ કરીને આ ત્રિમાસિક ગાળામાં રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

30 સપ્ટેમ્બર, 2023ના અંતે ડિમેટ ખાતાંની સંખ્યા 9.62 કરોડની થઈ છે. આ ત્રિમાસિક ગાળામાં આશરે 80 લાખ નવા ડિમેટ એકાઉન્ટસનો ઉમેરો થયો હતો. CDSLને ઓક્ટોબર 2023માં ડિજિટલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેને ‘બિઝનેસ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ’ પ્રાપ્ત થયો હતો અને મે, 2023માં ગ્લોબલ કસ્ટોડિયને તેને ‘ડિજિટલ એન્ડ માર્કેટ લીડરશિપ’ એવોર્ડથી સન્માનિત કરી હતી.

 

 

 

મહારાણા પ્રતાપના વારસદારોએ વિશ્વ ઉમિયાધામનું શિલાપૂજન કર્યું

અમદાવાદઃ વિશ્વ ઉમિયાધામ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત સૌપ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરી રહ્યું છે.

આ નિમિત્તે પૂર્વસંધ્યાએ 30 ઓક્ટોબરે મહારાણા પ્રતાપના વંશજ મહારાજ કુમારસાહેબ ડો. લક્ષ્યરાજસિંહજી મેવાડ-ઉદયપુર, રાજસ્થાન એવમ્ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજ મહારાજા રાઓલ સાહેબ વિજયરાજસિંહજી – ભાવનગર, ગુજરાત સહિત 12 રાજવી વારસદારોએ વિશ્વ ઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાની પૂજા-અર્ચના અને આરતી કરી હતી. આ સાથે જ 15 રાજવી વારસદારોએ વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણાધીન મંદિરની શિલાનું પણ પૂજન કર્યું.

આ અંગે વાત કરતાં સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે રાજવી વારસદારોની વિશ્વ ઉમિયાધામમાં પધરામણીથી સામાજિક સમરસતાનું ઉદાહરણ ઊભું થયું છે. ઇતિહાસમાં પ્રથમ વાર કોઈ વૈશ્વિક સંસ્થા તરીકે વિશ્વ ઉમિયાધામ અખંડ ભારતમાં રાજ્ય સમર્પિત કરનાર રાજવીઓનું સન્માન કરી રહ્યું છે અને 31 ઓક્ટોબરે રાજ્યભરમાંથી દરેક સમાજના એક લાખથી વધુ રાષ્ટ્રપ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાંતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

મુકેશ અંબાણીને ચાર દિવસમાં ત્રીજી ધમકી, 400 કરોડની માગ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને 30 ઓક્ટોબરે ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ઇમેલ થકી મળી છે. આ મેઇલમાં રૂ. 400 કરોડની માગ કરવામાં આવી છે. રિલાયન્સને આ ઈમેઇલ સોમવારે મળ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં મુકેશ અંબાણીને ત્રીજી વાર ધમકીભર્યો મેઇલ મળ્યો છે. મુંબઈ પોલીસ, તેમની ક્રાઇમ બ્રાંચ અને સાઇબર ટીમ આ મામલે મળીને મ કરી રહી છે અને ઈમેઇલ મોકલનાર કોણ છે એની તપાસ કરી રહી છે.  

આ પહેલા પણ અંબાણીને ધમકીભર્યો ઈમેઇલમાં રૂ. 20 કરોડની માગ કરવામાં આવી હતી. એમાં સિક્યોરિટી ઇનચાર્જે ફરિયાદ કરી હતી, જેને આધારે ગામદેવી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.  એ પછી શનિવારે બીજા ધમકીભર્યા મેઇલમાં રૂ. 200 કરોડ રૂપિયાની માગ કરવામાં આવી હતી. જો કે આ વખતે મેલ મોકલનાર ખંડણીની રકમ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી છે.

આ મેઇલ અંબાણીના સત્તાવાર ID પર મોકલવામાં આવ્યો છે. તેના પર લખેલું છે કે તમારી સુરક્ષા ગમે તેટલી મજબૂત હોય, અમારો એક સ્નાઇપર તમને મારી શકે છે. આ વખતે માગ રૂ. 400 કરોડની છે. પોલીસ મને ટ્રેક કરી શકતી નથી કે ધરપકડ કરી શકતી નથી. આ મેઇલ બાદ મુંબઈ પોલીસે સોમવારે અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયાની સુરક્ષા વધારી દીધી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને ગયા વર્ષે પણ આ પ્રકારનો ધમકી મળી હતી. મુંબઈ પોલીસે એ વખતે બિહારના દરભંગાથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ શખસ અંબાણી અને તેમના પરિવારને મોતની ધમકી આપતા ફોન કરતો હતો. આ શખસે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાડવાની ધમકી પણ આપી હતી.

 

 

 

 

 

 

ડાર્ક વેબ પર 81.5 કરોડ ભારતીયોનો ડેટા લીકઃ અહેવાલ

નવી દિલ્હીઃ અમેરિકાની કંપની રિસિક્યોરિટીનો દાવો છે કે 81.5 કરોડ ભારતીયોના આધાર અને પાસપોર્ટથી જોડાયેલો ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. ભારતીયોનાં નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર અને પાસપોર્ટ સંબંધી માહિતીને ઓનલાઇન વેચવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, એમ અહેવાલ કહે છે.

અમુક એવા અહેવાલો સામે આવ્યા છે કે  લીક થયેલ ડેટાબેઝ ICMR સાથે સંબંધિત હોઈ શકે છે. જોકે ICMRએ ડેટા લીક મામલે કોઈ જવાબ નથી આપ્યો. એક ટ્વીટર યુઝરે તો એવો પણ દાવો કર્યો કે એક અજાણ્યા હેકર દ્વારા 80 કરોડથી વધુ ભારતીયોના કોવીડ-19ના ડેટાબેઝને લીક કર્યો છે. આ ભારતમાં સૌથી મોટો ડેટા લીક થયાનો મામલો છે. લીક થયેલા ડેટામાં નામ, પિતાનું નામ, ફોન નંબર, પાસપોર્ટ નંબર, આધાર નંબર, વ્યક્તિની ઉંમરની સમાવેશ થાય છે. જોકે આ મુદ્દે સરકારે કોઈ જવાબ નથી આપ્યો.

આ પ્રકારે ઓગસ્ટમાં એક અન્ય Lucius નામના શખસે બ્રીચ ફોરમ પર 1.8 ટેરાબાઇટ પર ડેટાને વેચવાની રજૂઆત કરી હતી. એપ્રિલ, 2022માં બ્રુકિંગ્સના અહેવાલ મુજબ કન્ટ્રોલર અને ઓડિટર જનરલે UIDAIની તપાસ કરી હતી અને ઓથોરિટીએ ગ્રાહકોના ડેટાની સુરક્ષા નહોતી કરી.

સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર હાલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આ હેકરની શોધ ચાલી રહી છે. અગાઉ જૂનમાં પણ એવી વાતો સામે આવી હતી કે CoWin વેબસાઇટ પરથી VVIP સહિત વેક્સિન લીધેલી વ્યક્તિના પર્સનલ ડેટા ટેલિગ્રામ ચેનલમાં લીક થયાની માહિતી બાદ સરકારે ડેટા ભંગની તપાસનો આદેશ રજૂ કર્યો હતો.

 

 

 

 

 

 

કોરાનાના 23 નવા કેસો, એક પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 23 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,268 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,293 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,751 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 45 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 246 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,74,904 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 97 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

રાષ્ટ્રીય એકતા દિવસઃ પીએમ મોદીએ સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ

કેવડિયાઃ દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની આજે 148મી જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાના એકતા નગર ખાતે સરદાર પટેલના ભવ્ય સ્મારક ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ ખાતે જઈને દિવંગત નેતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આકાશમાં ઉડતા હેલિકોપ્ટરોમાંથી સરદાર પટેલના સ્મારક પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ કેવડિયા ખાતે આયોજિત વિશેષ ઉજવણી સમારોહમાં હાજરી આપી હતી અને સમારોહમાં ઉપસ્થિત રહેલાઓને એકતાના શપથ લેવડાવ્યા હતા. સરદાર પટેલની જન્મજયંતિ દિવસને દેશભરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

એકતા નગર ખાતે આયોજિત સમારોહમાં વડા પ્રધાને ગુજરાત રાજ્ય પોલીસ દળ અને સીમા સુરક્ષા દળના જવાનોની ટૂકડીઓની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સીઆરપીએફ ઈન્ડિયાની 75 મહિલા બાઈકર જવાનોએ દિલધડક મોટરબાઈક પરફોર્મન્સ રજૂ કર્યો હતો. વડા પ્રધાને રૂ. 160 કરોડના ખર્ચવાળી અનેક વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો.

‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ સ્મારક સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યું છે, જેઓ દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન પણ હતા. વડા પ્રધાન મોદીએ 2018ની 31 ઓક્ટોબરે ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’નું લોકાર્પણ કર્યું હતું. સરદાર પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચા કદની છે અને તે 182 મીટર ઊંચી છે.