રાષ્ટ્રીય એકતા દિવસઃ પીએમ મોદીએ સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ

કેવડિયાઃ દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની આજે 148મી જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાના એકતા નગર ખાતે સરદાર પટેલના ભવ્ય સ્મારક ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ ખાતે જઈને દિવંગત નેતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આકાશમાં ઉડતા હેલિકોપ્ટરોમાંથી સરદાર પટેલના સ્મારક પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ કેવડિયા ખાતે આયોજિત વિશેષ ઉજવણી સમારોહમાં હાજરી આપી હતી અને સમારોહમાં ઉપસ્થિત રહેલાઓને એકતાના શપથ લેવડાવ્યા હતા. સરદાર પટેલની જન્મજયંતિ દિવસને દેશભરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

એકતા નગર ખાતે આયોજિત સમારોહમાં વડા પ્રધાને ગુજરાત રાજ્ય પોલીસ દળ અને સીમા સુરક્ષા દળના જવાનોની ટૂકડીઓની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સીઆરપીએફ ઈન્ડિયાની 75 મહિલા બાઈકર જવાનોએ દિલધડક મોટરબાઈક પરફોર્મન્સ રજૂ કર્યો હતો. વડા પ્રધાને રૂ. 160 કરોડના ખર્ચવાળી અનેક વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો.

‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ સ્મારક સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યું છે, જેઓ દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન પણ હતા. વડા પ્રધાન મોદીએ 2018ની 31 ઓક્ટોબરે ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’નું લોકાર્પણ કર્યું હતું. સરદાર પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચા કદની છે અને તે 182 મીટર ઊંચી છે.