વિરોધ પક્ષોના ફોન હેકિંગના દાવા સામે એપલે આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ TMC નેતા મહુઆ મોઇત્રા સહિત વિપક્ષના કેટલાય સાંસદો, નેતાઓએ સોશિયલ મિડિયા પર દાવો કર્યો હતો કે તેમને એપલ તરફથી એક સંદેશ મળ્યો છે, જેમાં તેમને સ્ટેટ સ્પોર્ન્સ્ડ હેકર્સના જોખમ સામે સાવધાન કરવામાં આવ્યા છે. જોકે હવે કંપનીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે રાજ્ય પ્રાયોજિત જોખમને લઈને અમે કોઈ પણ પ્રકારની માહિતી શેર નથી કરતા.

અહેવાલ મુજબ 30 ઓક્ટોબરે રાત્રે સપાપ્રમુખ અખિલેશ યાદવ, શિવસેના (uBT)નાં પ્રિયંકા ચતુર્વેદી, આપના રાઘવ ચઢ્ઢા, CPI (M)ના મહા સચિવ અને ભૂતપૂર્વ સાંસદ સીતારામ યેચુરી, AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પવન ખેડા, કોંગ્રેસ નેતા શશિ થરૂર વગેરેએ એપલથી આ સૂચના મળી હોવાનો દાવો કર્યો હતો. આ મામલે વિવાદ વધ્યો છે.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને સરકારની નિયત પર અનેક સવાલ કર્યા હતા. ભાજપ તરફથી નિશિકાંત દુબેએ વિરોધ પક્ષોના નેતાઓના આરોપ પર કહ્યું હતું કે રાહુલ ગાંધીની જેમ આરોપ લગાવીને વિપક્ષી નેતા ભાગી રહ્યા છે. ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ કંપનીના સ્પષ્ટીકરણની રાહ જોવાની વાત કરી હતી.


કંપનીનું નિવેદન

વિરોધ પક્ષોના નેતાઓએ સોશિયલ મિડિયા દ્વારા દાવો કર્યો હતો કે તેમને એપલ તરફથી એક સંદેશ મળ્યો છે, જેમાં સ્ટેટ સ્પોર્ન્સ્ડ હેકર્સના જોખમથી સાવધાન કરવામાં આવ્યા હતા. હવે આ મામલે કંપનીએ જણાવ્યું હતું કે કંપની જોખમની સૂચનાઓ અથવા સ્ટેટ સ્પોર્ન્સ્ડ હુમલાઓની માહિતી નથી આપતી. એ સંભવ છે કે કેટલાક એપલના જોખમની સૂચનાઓ ખોટો અલાર્મ હોઈ શકે. અમે એ વિશે માહિતી આપવામાં અસમર્થ છીએ.