એકેય ટિકિટ ન વેચાતાં થિયેટરોમાં ‘તેજસ’ના શો રદ કરવા પડ્યા

મુંબઈઃ અભિનેત્રી કંગના રણોતને ભારતીય હવાઈ દળની ઓફિસર તેજસ ગિલની ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘તેજસ’ ફિલ્મ આ વર્ષની સૌથી ફ્લોપ ગયેલી બોલીવુડ ફિલ્મોમાંની એક બની છે. આ પહેલાં ‘આદિપુરુષ’, ‘ગણપત’, ‘યારીયાં 2’, ‘વેક્સિન વોર’ જેવી ફિલ્મો થિયેટરોમાં દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી. ‘તેજસ’ રિલીઝ કરાયાના ચાર દિવસે થિયેટરમાલિકોને કમાણીના ફાંફા થઈ પડ્યા છે. અનેક થિયેટરમાલિકોને આ ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ અઠવાડિયે કંગાળ ઓપનિંગને લીધે અનેક શો રદ કરવાની ફરજ પડી છે. કેટલાક થિયેટરમાલિકોએ આજથી આ ફિલ્મ બતાવવાનું જ માંડી વાળ્યું છે.

કંગના શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા છે. તેણે ‘તેજસ’ ફિલ્મના પ્રચાર માટે કોઈ કસર બાકી રાખી નથી. તેણે લોકોને સોશિયલ મીડિયા મારફત વિનંતી અને અપીલ કરી છે કે તેઓ થિયેટરમાં જઈને આ ફિલ્મ જુએ. તે છતાં ફિલ્મને જરાય પ્રતિસાદ મળ્યો નથી.

મનોરંજન પોર્ટલ બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, સુરતમાં મલ્ટીપ્લેક્સના માલિક કીર્તિભાઈ વઘાસીયાના જણાવ્યા મુજબ, ‘ગયા શુક્રવારથી લઈને રવિવાર સુધીમાં મારે મારા થિયેટરમાં ‘તેજસ’ના તમામ 15 શો રદ કરવા પડ્યા હતા. ટિકિટ બુકિંગ ઝીરો રહ્યું હતું. મેં ‘તેજસ’ ફિલ્મ બતાવવા માટે મારી ઓડી કાર જેટલો ખર્ચો કર્યો હતો અને છ શો યોજવાનું નક્કી કર્યું હતું, પણ દર્શકો ન આવતાં થિયેટરમાં ફિલ્મનો એકેય શો યોજી શકાયો નથી.’

મુંબઈમાં G7 મલ્ટીપ્લેક્સના માલિક મનોજ દેસાઈએ કહ્યું, ‘રવિવારે અમારે ત્યાં માંડ 100 જણ આ ફિલ્મ જોવા આવ્યા હતા.  બાકીના શો વખતે 100થી પણ ઓછા દર્શકો હતા.’ બિહારના ‘રૂપબની’ થિયેટરના માલિક વિવેક ચૌહાણે કહ્યું, ‘’તેજસ’ ફિલ્મ અમારે માટે આફત સમાન બની છે. એકેય ટિકિટ ન વેચાતા મારે થિયેટરના તમામ મોર્નિંગ શો રદ કરવા પડ્યા છે. બાકીના શો વખતે પણ 20-30 જણ જ આવ્યા હતા.’