કોલકાતાની હોટેલમાં બિરયાની ન મળતાં પાકિસ્તાની ખેલાડીઓએ જમવાની ના પાડી દીધી

કોલકાતાઃ પાકિસ્તાનના ક્રિકેટરો આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં આજે અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર બાંગ્લાદેશ સામે રાઉન્ડ રોબીન લીગ મેચ રમી રહ્યા છે. બંને ટીમ માટે આજની મેચ મહત્ત્વની છે. જે ટીમ હારશે એ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશે.

પરંતુ, બાબર આઝમ અને તેની ટીમના સાથીઓ માટે મેચ જીતવા કરતાં એક બીજું મોટું ટેન્શન બિરયાનીનું થઈ ગયું છે. એક અહેવાલ મુજબ, બાંગ્લાદેશ સામેની મેચ રમવા પાકિસ્તાન ટીમ કોલકાતા આવી પહોંચ્યા બાદ એમને જે હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં ડિનરના મેનૂમાં બિરયાનીનો સમાવેશ કરાયો નહોતો. બિરયાની ન હોવાનું જાણ્યા બાદ પાકિસ્તાની ક્રિકેટરોએ જમવાની જ ના પાડી દીધી હતી અને ફૂડ ડિલિવરી એપ મારફત કોલકાતાની એક પ્રસિદ્ધ રેસ્ટોરન્ટમાંથી બિરયાની તથા અન્ય વાનગીઓનો ઓર્ડર આપ્યો હતો.

મહત્ત્વની બાબત એ છે કે પાકિસ્તાની ક્રિકેટરોએ જેનો ઓર્ડર આપ્યો હતો તે બધા ખાદ્યપદાર્થો શરીરને અયોગ્ય બનાવે છે. પરંતુ પાકિસ્તાની ક્રિકેટરોએ ફિટનેસની પરવા કર્યા વગર ઓર્ડર આપીને અન્ય રેસ્ટોરન્ટમાંથી વાનગીઓ મગાવી લીધી હતી. આ અહેવાલને સત્તાવાર સમર્થન મળ્યું નથી. એટલે તે અફવા પણ હોઈ શકે છે.