ડાર્ક વેબ પર 81.5 કરોડ ભારતીયોનો ડેટા લીકઃ અહેવાલ

નવી દિલ્હીઃ અમેરિકાની કંપની રિસિક્યોરિટીનો દાવો છે કે 81.5 કરોડ ભારતીયોના આધાર અને પાસપોર્ટથી જોડાયેલો ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. ભારતીયોનાં નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર અને પાસપોર્ટ સંબંધી માહિતીને ઓનલાઇન વેચવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, એમ અહેવાલ કહે છે.

અમુક એવા અહેવાલો સામે આવ્યા છે કે  લીક થયેલ ડેટાબેઝ ICMR સાથે સંબંધિત હોઈ શકે છે. જોકે ICMRએ ડેટા લીક મામલે કોઈ જવાબ નથી આપ્યો. એક ટ્વીટર યુઝરે તો એવો પણ દાવો કર્યો કે એક અજાણ્યા હેકર દ્વારા 80 કરોડથી વધુ ભારતીયોના કોવીડ-19ના ડેટાબેઝને લીક કર્યો છે. આ ભારતમાં સૌથી મોટો ડેટા લીક થયાનો મામલો છે. લીક થયેલા ડેટામાં નામ, પિતાનું નામ, ફોન નંબર, પાસપોર્ટ નંબર, આધાર નંબર, વ્યક્તિની ઉંમરની સમાવેશ થાય છે. જોકે આ મુદ્દે સરકારે કોઈ જવાબ નથી આપ્યો.

આ પ્રકારે ઓગસ્ટમાં એક અન્ય Lucius નામના શખસે બ્રીચ ફોરમ પર 1.8 ટેરાબાઇટ પર ડેટાને વેચવાની રજૂઆત કરી હતી. એપ્રિલ, 2022માં બ્રુકિંગ્સના અહેવાલ મુજબ કન્ટ્રોલર અને ઓડિટર જનરલે UIDAIની તપાસ કરી હતી અને ઓથોરિટીએ ગ્રાહકોના ડેટાની સુરક્ષા નહોતી કરી.

સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર હાલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આ હેકરની શોધ ચાલી રહી છે. અગાઉ જૂનમાં પણ એવી વાતો સામે આવી હતી કે CoWin વેબસાઇટ પરથી VVIP સહિત વેક્સિન લીધેલી વ્યક્તિના પર્સનલ ડેટા ટેલિગ્રામ ચેનલમાં લીક થયાની માહિતી બાદ સરકારે ડેટા ભંગની તપાસનો આદેશ રજૂ કર્યો હતો.