મુંબઈઃ માઇક્રોસ્ટ્રેટેજી કંપનીએ આશરે 608 મિલ્યન ડોલર મૂલ્યના બિટકોઇનની ખરીદી કરી હોવાના અહેવાલને પગલે શુક્રવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ થઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.56 ટકા (1,217 પોઇન્ટ) વધીને 48,755 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,538 ખૂલીને 48,943ની ઉપલી અને 47,264 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાં અવાલાંશ, પોલકાડોટ, ઈથેરિયમ અને ડોઝકોઇન ટોચના વધેલા કોઇન હતા.
દરમિયાન, બ્રાઝિલની સેનેટે ક્રીપ્ટોકરન્સી માટેના નવા નિયમોને મંજૂરી આપી છે. એ અનુસાર સ્થાનિક રોકાણકારો જો વિદેશમાં આવેલા ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જમાં રખાયેલી ક્રીપ્ટોકરન્સી પર નફો રળશે તો એના પર 15 ટકા લેખે કરવેરો લાદવામાં આવશે. બીજી બાજુ, હોંગકોંગ સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ પ્રોફેશનલ એસોસિયેશને દેશના અર્થતંત્રને વેગ આપવા માટે ઇનિશિયલ કોઇન ઓફરિંગ યંત્રણા રચવાનું સૂચન કર્યું છે.
સિડનીઃ પોતાની ટીમે જીતેલી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 ટ્રોફી પર પગ મૂકીને બેસવા બદલ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શ પર ભારતના ક્રિકેટપ્રેમીઓ બહુ ભડકી ગયા છે અને સોશિયલ મીડિયા પર એની ખૂબ ઝાટકણી કાઢી છે. પરંતુ માર્શને એવી હરકત કર્યાનો જરાય અફસોસ થયો નથી. એણે ભારપૂર્વક કહ્યું કે, એમાં ટ્રોફીનો કોઈ અનાદર થયો નથી અને પોતે આવી વિવાદાસ્પદ હરકત ફરી કરવામાં જરાય ખંચકાશે નહીં.
ગઈ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6-વિકેટથી પરાજય આપીને વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી. મેચ બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માર્શની તસવીર પોસ્ટ કરી હતી. એ જોઈને સોશિયલ મીડિયા પર ઉહાપોહ મચી ગયો હતો. ભારતીય ક્રિકેટપ્રેમીઓને તે ફોટો જરાય ગમ્યો નહોતો.
‘સેન રેડિયો’ પર માર્શને જ્યારે તે વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે જવાબ આપ્યો, ‘એ ફોટોમાં અનાદર જેવું કંઈ જ નહોતું. મેં તો એ વિશે ઝાઝું વિચાર્યું જ નથી. સોશિયલ મીડિયા પર એ વિશે બહુ કહેવાયું છે, પણ મેં એ બધું જોયું નથી. જોકે દરેક જણે મને કહ્યું કે મોટો વિવાદ થયો છે. પરંતુ મને તો એમાં કંઈ જ ખોટું જણાયું નથી.’
‘શું તું આવી હરકત ફરી કરીશ?’ એમ પૂછવામાં આવ્યું ત્યારે માર્શે કહ્યું, ‘હા કદાચ કરીશ, એમાં શું.’
2023ની વર્લ્ડ કપમાં માર્શે 10 મેચોમાં 49ની સરેરાશ સાથે 441 રન કર્યા હતા.
અમદાવાદ બાળકો દ્વારા બાળકો માટેની સૌથી મોટી ગ્લોબલ સમીટ યોજશે. આઈ કેન ચિલ્ડ્રન્સ ગ્લોબલ સમીટ (આઈસીસીજીએસ), તારીખ 2 અને 3 ડિસેમ્બર, 2023ના રોજ આનું આયોજન કરવાની છે.
આ નવતર પ્રકારની સમીટ ‘સ્થાનિક પરિવર્તન વડે વૈશ્વિક અસર’ ના સૂત્રને સાકાર કરીને બાળકોની શક્તિને સમર્પિત કરાયેલ છે. ડિઝાઈન ફોર ચેન્જ દ્વારા આયોજીત આ ચળવળનાં મૂળ કીરણ બીર સેઠીના વિઝનરી નેતૃત્વ હેઠળ 2009માં રિવરસાઈડ સ્કૂલમાં નંખાયાં છે. આઈસીજીએસ એના વૈશ્વિક વ્યાપને કારણે જાણીતુ છે. અને હવે તો તે 70થી વધુ દેશ સુધી વિસ્તાર થયો છે.
આ સમીટ, 39 દેશનુ પ્રતિનિધિત્વ કરતા 500થી વધુ નાના સુપરહીરો અને શિક્ષણવિદોને એકઠા કરીને 40 થી વધુ સ્થાનિક ઉપાયોને 14 સસ્ટેઈનેબલ ગોલ્સ સાથે જોડશે.
ભારત અને વિદેશના નિષ્ણાતો અને કલાકારોના માસ્ટરક્લાસિસ મારફતે 15થી વધુ વર્કશોપ્સ અને આકર્ષક કાર્યક્રમો મારફતે બાળકોને ક્ષમતા બહાર લાવવા પ્રયાસ કરવામાં આવશે. તેમની સિધ્ધિને બિરદાવશે અને બાળકોમાં હું કરી શકુ એવી ભાવનાનુ સંવર્ધન કરશે, જે હાથવગા ઉપાયો અને અસરકારક પરિણામો પેદા કરી શકશે.
અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પરની ‘અક્ષર રિવર ક્રૂઝ’ માં પ્રો કબડ્ડી લીગનો શુક્રવારે ભવ્ય શૈલીમાં સીઝન 10નો પ્રારંભ થયો હતો. હેડ સ્પોર્ટ્સ લીગ, મશાલ સ્પોર્ટ્સ એન્ડ લીગ કમિશનર પ્રો કબડ્ડી લીગ અનુપમ ગોસ્વામીએ PKL સિઝન 9-વિજેતા ટીમના કેપ્ટન સુનીલકુમાર (જયપુર પિંક પેન્થર્સ) અને સીઝન 10ની શરૂઆતની રમત કેપ્ટન પવન સેહરાવત (તેલુગુ ટાઇટન્સ) સાથે સ્પેશિયલ સીઝનની શરૂઆત કરી, જેમાં મૂળ ઇરાનના ફાઝલ અત્રાચાલી -જે હાલ ગુજરાત જાયન્ટ્સ માટે લીગ રમે છે.-એ પણ ઉપસ્થિત હતા.
કબડ્ડી ટીમના ખેલાડીઓએ અધિકારીઓ સાથે ક્રૂઝ સાબરમતી નદીની પરિક્રમા કરતી હતી ત્યારે કમિશનર અનુપમ ગોસ્વામીએ કહ્યું હતું કે 12-શહેરોમાં કારવાં ફોર્મેટમાં કબડ્ડીની લીગ મેચો રમાશે. 132 જેટલી કબડ્ડીની મેચો રમાશે, જે એક સીઝન 10 માટે સીમાચિહ્નરૂપ બાબત છે. અમે ઓછામાં ઓછા નવ ભૌગોલિક વિસ્તારોને ફરીથી કબડ્ડીની રમત માટે સક્રિય કરીશું. 2019થી પ્રો કબડ્ડી લીગ તેમના પોતાના પ્રદેશમાં જોઈ નથી એ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, અને પશ્ચિમ તમામ ભાગોમાં 12 શહેરોમાં લીગનું આયોજન કર્યુ છે. આ લીગને દરેક ફ્રેન્ચાઈઝીના ગૃહ પ્રદેશોમાં સમુદાયો સાથે મજબૂત જોડાણ બનાવવામાં મદદ મળે છે. અમદાવાદમાં શનિવારે ટ્રાન્સસ્ટેડિયા EKA એરેનામાં PKL સીઝન 10ની બ્લોકબસ્ટર ઓપનિંગ ગેમમાં ગુજરાત જાયન્ટ્સ તેલુગુ ટાઇટન્સ સામે ટકરાશે.
કબડ્ડીની રમત સાથે ભારતના લોકોનું ઘણાં વર્ષોથી એક મજબૂત જોડાણ રહ્યું છે. શાળા- કોલેજ અને ભારતમાં ગ્રામ્ય સ્તરે કબડ્ડી દક્ષિણમાં ચેડગુડ્ડુ પૂર્વમાં ‘હુતુતુતુ’ નામે જાણીતી આ રમત ખૂબ જ પ્રચલિત થઈ હતી. શારીરિક શક્તિ, ચપળતા અને રણનીતિથી ભરપૂર આ રમત સૌને એકદમ જીવંત રાખે છે. વર્ષ 2014માં પ્રો કબડ્ડી લીગના આગમનથી આ રમતને મહત્વ અને લોકપ્રિયતા મળી હતી. મશાલ સ્પોર્ટ્સના સ્થાપકોએ 30-સેકન્ડના દરોડા, કરો-ઓર-ડાય રેઈડ, સુપર રેઈડ અને સુપર ટેકલ્સ જેવા નવીન નિયમો લાગુ કર્યા. કબડ્ડીને ભારતમાં રમતગમતના ચાહકો માટે વધુ આકર્ષક બનાવી. લીગના બ્રોડકાસ્ટર્સે લાખો અનુયાયીઓને આકર્ષવા માટે રમતને શાનદાર રીતે પેક કરી એક મનોરંજન આપતી ઈવેન્ટની જેમ રજૂ કરી હતી.
તેલુગુ ટાઇટન્સના કેપ્ટન અને પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી – પવન સેહરાવતે કહે છે કે એમની ટીમ પ્રથમ રમત માટે તૈયાર છે, “હું મેટ પર પગ મૂકવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મારા માટે છેલ્લી સીઝન ચૂકી જવું મુશ્કેલ હતું. જોકે મેં આગામી સીઝન માટે ઘણી ઊર્જા બચાવી છે. હું પ્રથમ ગેમમાં પ્રતિસ્પર્ધી ફેઝલનો સામનો કરવા પણ આતુર છું. અમારા ખેલાડીઓએ પ્રશિક્ષણ શિબિર દ્વારા સીઝન માટે ખૂબ સારી તાલીમ લીધી છે. અમે ગુજરાત જાયન્ટ્સ સામેની અમારી પ્રથમ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. કબડ્ડીની આ પ્રકારની ઈવેન્ટથી અમને નામ-પ્રસિદ્ધિની સાથે જીવનમાં ઘણાં બધા ક્ષેત્રે ફાયદો થયો છે.
પ્રો કબડ્ડી લીગના સૌથી મોંઘા ડિફેન્ડર અને ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન ફઝલ અત્રાચલીએ કહે છે, હું પ્રો કબડ્ડી લીગ સીઝન 10નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ વિશ્વની શ્રેષ્ઠ કબડ્ડી ટુર્નામેન્ટ છે. અમે સીઝન શરૂ થવાની રાહ જોઈ શકતા નથી. હું આ વર્ષે ગુજરાત જાયન્ટ્સ તરફથી રમીને ખૂબ જ ખુશ છું. અમારી પાસે ઘણી યુવા પ્રતિભા છે અને સારા કોચ છે. હું સારી સીઝનની રાહ જોઈ રહ્યો છું. કબડ્ડીની રમતથી હું વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયો. ઇરાનની સાથે ભારતમાં મારા પ્રસંશકો છે. હું એમ માનું છું ભારતમાં મારા પ્રશંસકો વધુ છે.
જયપુર પિંક પેન્થર્સે ગત સીઝનની ફાઇનલમાં પુનેરી પલ્ટનને હરાવીને પ્રો કબડ્ડી લીગની ટ્રોફી જીતી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે સીઝન 10 પહેલાં જયપુર પિંક પેન્થર્સના કેપ્ટન સુનીલ કુમાર કહે છે આ ટ્રોફી અત્યારે અમારી છે અને અમારે ખાતરી કરવી પડશે કે એ અમારી સાથે રહે. અમે આ સીઝન માટે વધુ સખત તાલીમ લીધી છે. અમે ગયા વર્ષે એક શાનદાર પ્લેયર કોમ્બિનેશન લાગુ કર્યું હતું અને અમે આ વર્ષે પણ એ જ સંયોજનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું. અમે ટુર્નામેન્ટ માટે ઘણી સારી તૈયારી કરી છે. પૂરા ઉત્સાહ અને જોશ સાથે મેદાનમાં ઊતરીશું..
3 એપ્રિલ, 1914ના રોજ અમૃતસરમાં પારસીદંપતી ડૉ. હોરમુસજી અને હિલ્લા બાનુને ઘેર જન્મેલો સાયરસ ઘોડિયામાં છે ત્યાં શહેરમાં ચોરી થાય છે. ચોરનું નામ છેઃ સાયરસ. તરત મા-બાપ સાયરસનું નામ બદલીને સૅમ કરી નાખે છે. સાયરસ, સૅમ અને સૅમ બહાદુર જેવાં નામ તથા પદ્મભૂષણ ઈલકાબથી સમ્માનિત, ટિપિકલ પારસી સેન્સ ઑફ હ્યુમર ધરાવતા લશ્કરી વડા અથાગ પરિશ્રમ, શૌર્ય, વ્યૂહનીતિના ચાપલ્ય દાખવી એક પછી એક પાયરી ઉપર ચઢે છે, અને, નિવૃત્તિના પંદર દિવસ પહેલાં, સ્વતંત્ર ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ બને છે. ડિરેક્ટર મેઘના ગુલઝારની, આશરે સવાબે કલાકની ‘સૅમ બહાદુર’ આ નોખા-અનોખા લશ્કરી વડાની આયુનાં ચાળીસેક વર્ષ (20થી 60)ની આસપાસ ફરે છે.
આ ફિલ્મ એટલા માટે મહત્વની છે કેમ કે આજની પેઢીને ફિલ્મ માર્શલ સામ માણેકશૉ જેવા એક કુનેહબાજ, લશ્કરી વડા વિશે જાણવું-સમજવું જોઈએ. અને આ ફિલ્મ વિકી કૌશલ (સૅમ માણેકશૉ) માટે જોવી જોઈએ. ‘ઉરિ’ અને ‘સરદાર ઉધમસિંહ’ના આ અદભુત ઍક્ટરે સૅમ માણેકશૉનું પાત્ર ભજવ્યું નથી, એ આ પાત્રને જીવ્યો છે.
એની એન્ટ્રી માર્ક કરોઃ પરદા પર એની પૂંઠ દેખાય છે. જરાય ઉતાવળો નહીં એવો સિનેમેટોગ્રાફર જય આઈ. પટેલનો કૅમેરા સુસ્તતાથી એની આસપાસ ફરે છે અને પછી સામે આવે છે ઈન્ડિયન મિલિટરી હીરોનો ક્લોઝઅપ. એ જ ક્ષણે દર્શકને પ્રતીતિ થાય કે આ જ સામ માણેકશૉ… અને ઓ હેલ્લો, કોઈ પ્રોસ્થેટિક મેકઅપ નહીં, ચિત્રવિચિત્ર વિગ નહીં કે સૅમ માણેકશૉ જેવો લાગવો જ જોઈએ એવા કોઈ પ્રયાસ ન તો વિકીએ કર્યા છે ન ડિરેક્ટરે. આમ છતાં સતત મનમાં સૅમ માણેકશૉ ઘુમરાયા કરે. અન્ય કલાકારો છેઃ સાન્યા મલ્હોત્રા (માણેકશૉનાં પત્ની સિલ્લુ), ફાતિમા સાના શેખ (ઈન્દિરા ગાંધી), ગોવિંદ નામદેવ (સરદાર વલ્લભભાઈ પટેલ), મોહમ્મદ ઝિશાન અય્યુબ (યાહ્યા ખાન) વગેરે.
યુદ્ધ વિશેની ફિલ્મોમાં, ખાસ કરીને ભારત-પાકિસ્તાનના ભાગલા વિશેની ફિલ્મોમાં આપણે કાં તો ક્રૂર કાં ઈમોશનલ દશ્યો જોયાં છે. અહીં દિગ્દર્શક આપણને ભાગલા વખતે ભારતીય સૈનિકોની મનોઝંઝટ, એમનાં માનવીય પાસાં બતાવે છે. જેમ કે માણેકશૉના દોસ્ત, મેજર યાહ્યા ખાન ખિન્ન છે કે એણે હવે પાકિસ્તાન જવું પડશે. એની આખરી સ્પીચ વખતે અન્ય સૈનિકોની મનોદશા, ત્યાર બાદ સૅમ માણેકશૉ એને પોતાની બાઈક પર ઘેર મૂકવા જાય છે, બાઈકની ચાવી આપે છે (“ગિફ્ટ નથી આપતો, પાકિસ્તાનથી પંદરસો રૂપિયા મોકલી આપજે”) જેવા સીન્સ નીખર્યા છે.
શું મેઘના પાસે કોઈ પડકાર હતો? હા. સામાન્ય રીતે બાયોપિકમાં, જેમના વિશેની ફિલ્મ હોય એની લાઈફમાં, ઉતાર-ચઢાવ આવે, કોઈ કટોકટી આવે ને એમાંથી એ વ્યક્તિ બહાર આવે એવું કંઈ બતાવો તો પ્રેક્ષકને રસ પડે. સૅમ માણેકશૉની કારકિર્દીમાં, આમ જોવા જઈએ તો, એવા કોઈ કૉન્ફ્લિક્ટ નહોતા. 1962ની ઈન્ડો-ચાઈના વૉર તથા 1971નો બાંગલા દેશના નિર્માણનો, પાકિસ્તાન સાથેના યુદ્ધકાળ. જવાહરલાલ નેહરુ (નીરજ કબિ)ના અવસાન બાદ સત્તા પર આવેલાં ઈન્દિરા ગાંધી (ફાતિમા સાના શેખ) સાથે મળીને માણેકશૉએ લીધેલા કેટલાક બોલ્ડ ડિસીસન. ધૅટ્સિટ. આવામાં પ્રેક્ષકને સવાબે કલાક કેવી રીતે જકડી રાખવો એ ચૅલેન્જ મેઘના અને એમનાં રાઈટરો (ભવાની ઐય્યર-શાંતનુ શ્રીવાસ્તવ) સામે હતી, જે ક્યાંક એમણે ઝીલી તો ક્યાંક કથાકથન સાવ નીરસ બન્યું. એકલવીરની જેમ વિકી આ ઊણપને ઢાંકવાના પ્રયાસ કરે છે, પણ એને વધુ મજબૂત, ઊંડાણવાળી કથા-પટકથા મળવી જોઈતી હતી. એને બદલે અહીં છે છૂટાછવાયા પ્રસંગો, જાણે ટીવીસિરિયલના એપિસોડ્સ જોતા હોય એવું લાગેઃ ક્યારેક ઈમ્પ્રેસિવ તો ક્યારે ડિસકનેક્ટેડ.
બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપણા કેતન સોઢાનું છે, જ્યારે ગીતો રચ્યાં છે શંકર એહસાન લૉયની ત્રિપુટીએ. શૌર્યગીત “બઢતે ચલો” અને “રબ કા બંદા હૈ યે સબ કા બંદા હૈ યે” ફિલ્મના મૂડ મુતાબિક ગુંજે છે
અમદાવાદઃ થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાનાં પત્ની શાલુબહેન (47)એ ગળેફાંસો ખાધો છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી છે. જોકે આ આપઘાત પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. મૃતક મહિલાનો પતિ હાલ વલસાડ મરીન સિક્યોરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે.
IPSની પત્નીએ કયાં કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે અંગેનું હજી કોઈ કારણ સામે આવ્યું નથી. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હાલ આ અંગે બોડકદેવ પોલીસે ઘરમાં તપાસ અને સંબંધીઓ અને પરિવારની પૂછપરછ શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
IPS અધિકારી પત્ની અને ત્રણ બાળકો સાથે મહારાષ્ટ્ર ગયા હતા. તેઓ તેમના ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. પત્ની અને ત્રણ બાળકો લગ્નપ્રસંગ પતાવીને બસમાં તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. તો બીજી તરફ IPS આર. ટી. સુસરા લગ્નપ્રસંગ પતાવીને સીધા સુરતમાં ફરજ પર હાજર થયા હતા.
ગઈ કાલે રાત્રે અમદાવાદમાં તેઓ તેમના નિવાસ સ્થાને આવ્યા હતા. હજુ તેમણે એક મહિના પહેલાં જ લગ્નની 31મી એનિવર્સરીની પણ ધામધૂમથી ઉજવણી કરી હતી. તેમના બે દીકરા સુરતમાં તબીબનો અભ્યાસ કરે છે, જ્યારે દીકરી USAમાં રહે છે. આ ઘટનાથી સમગ્ર પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે.
મુંબઈઃ ભારતીય નૌકાદળ દ્વારા ઉજવવામાં આવનાર ‘નેવી વીક-2023’ની પૂર્વસંધ્યાએ આજે, અત્રે લાંગરેલા યુદ્ધજહાજ ‘આઈએનએસ ચેન્નાઈ’ ખાતે આયોજિત ‘નેવી ડે પત્રકાર પરિષદ’માં પશ્ચિમી નૌકા કમાન્ડના વડા વાઈસ-એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું હતું કે દેશની દરિયાઈ સીમાઓનું રક્ષણ કરવા માટે દરિયાઈ માર્ગેથી કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે નૌકાદળ સુસજ્જ છે.
વાઈસ-એડમિરલ ત્રિપાઠીએ એમ પણ કહ્યું કે, ‘ભારતીય નૌકાદળને એ વાતનું ગર્વ છે કે આપણા દેશ પાસે એવા 21 યુદ્ધજહાજો અને પાંચ સબમરીન છે જે છેલ્લા નવ વર્ષમાં સ્વદેશી ટેક્નોલોજી વડે દેશના જ શિપયાર્ડમાં બનાવવામાં આવ્યા છે.’
‘તદુપરાંત, નૌકાદળે રૂ. 1.15 કરોડના ખર્ચવાળા 12 શિપબિલ્ડિંગ કોન્ટ્રાક્ટ કર્યા છે, જે અંતર્ગત ભારતીય જહાજવાડાઓમાં 65 જહાજોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે,’ એવી જાણકારી પણ વાઈસ-એડમિરલે આપી.
વાઈસ-એડમિરલ ત્રિપાઠીએ વધુમાં કહ્યું કે, ‘ભારતની સમુદ્રી સુરક્ષા ઉપર આવે એવા કોઈ પણ જોખમનો સામનો કરવા માટે પશ્ચિમી નૌકા કમાન્ડે લક્ષ્ય અપનાવ્યું છે – ‘મિશન તૈનાત અને યુદ્ધ માટે તૈયાર’.
‘ભારતીય તથા વૈશ્વિક અર્થતંત્ર માટે દરિયાઈ ક્ષેત્રની સલામતી સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌકાદળ મહત્ત્વપૂર્ણ ફરજ બજાવી રહ્યું છે.’
ભારતની સુરક્ષા કાજે સહકાર અને વિદેશી નીતિ ઉદ્દેશ્યોને બળ પૂરું પાડવા માટે વિદેશી દેશોના નૌકાદળો સાથે રાજદ્વારી સંપર્ક જાળવી રાખવા પર એડમિરલ ત્રિપાઠીએ ભાર મૂક્યો હતો અને જાણકારી આપી કે દેશે આ સંદર્ભમાં વીતી ગયેલા વર્ષમાં અનેક દેશોના નૌકાદળો સાથે ભાગીદારી કરીને અનેક સંયુક્ત લશ્કરી કવાયતોનું આયોજન પણ કર્યું છે.
આજની વધતી જતી ઈચ્છાઓ ને પૂરી કરવા માટે જે વિકાસ થયો તેણે મનુષ્યને માનસિક તણાવ આપેલ છે. માટે જ પ્રગતિનો સાચો આધાર ઈચ્છાઓ નહીં પરંતુ શુભેચ્છાઓ હોય છે.
નવી શોધની પ્રણેતા જરૂરિયાત છે ન કે ઈચ્છા. બધાની જરૂરિયાત લગભગ એકસરખી હોય છે. જરૂરિયાત પૂરી કરવા વાળું સાધન કે પદાર્થ બધા માટે સુખ આપનાર હોય છે. પરંતુ બધાની ઈચ્છાઓ એક સરખી નથી હોતી. વિવિધ મનુષ્યો ની અલગ અલગ ઈચ્છાઓ પૂરી કરવા ના હેતુથી આજે બજાર એવી વસ્તુઓથી ભરાયેલ છે કે જેની વાસ્તવમાં જરૂરિયાત જ નથી. ઈચ્છાઓને જબરજસ્તીથી આવશ્યકતા બનાવવાનો આત્મઘાતી – નૈતિકતા વગરનો રસ્તો માનવ ને વિનાશ તરફ ધકેલી રહેલ છે. બધી જગ્યાએ સાધનો છે પરંતુ સંતોષ નથી, શાંતિ નથી. આ એવો કાંટાથી ભરેલ રસ્તો છે કે જ્યાં મનુષ્યને સુખના બદલે મળે છે અગ્નિ જેવો શેક. આનું કારણ છે અનિયંત્રિત ઈચ્છાઓ. માત્ર ઈચ્છાઓ કરવાથી કોઈ વસ્તુ નથી મળતી પરંતુ તેના માટે સખત પુરુષાર્થ કરવો પડે છે. સામાન્ય રીતે સારી ઇચ્છાઓ ને પુરી કરવાનો કોઈને કોઈ રસ્તો તો મળી જ રહે છે. પરંતુ ઈચ્છાઓને પૂરી કરવાનો નૈતિક રસ્તો ક્યાંય નથી દેખાતો. હવે વ્યક્તિની મુશ્કેલીઓ વધતી જાય છે. અંદરની ઈચ્છા બહાર આવવા માંગે છે પરંતુ બહાર ઈચ્છા પૂરી કરવાનો કોઈ રસ્તો દેખાતો નથી. ઈચ્છા જો અંદર રાખે તો ચેન નથી પડતું અને બહાર પ્રગટ કરે તો તે પૂરી નથી થઈ શકતી. મનુષ્ય સામાન્ય રીતે ખોટા રસ્તા તરફ આકર્ષિત થાય છે. પરિણામે ઈચ્છાઓ પતનના રસ્તે લઈ જાય છે. ઈચ્છાઓ અંગે જેટલું વધુ વિચારીશું તેટલી તે આપણા મન ઉપર પકડ મજબૂત બનાવતી જશે. ઈચ્છાઓ વધે છે તો ભાગ્ય ઘટે છે અને ઈચ્છાઓ ઘટે છે તો ભાગ્ય વધે છે. ઈચ્છાઓની કોઈ મર્યાદા નથી હોતી જ્યારે સાધનોની મર્યાદા હોય છે.
આત્માને તૃપ્ત કરવા માટે, સુખનો અનુભવ કરાવવા માટે ઈશ્વરીય જ્ઞાનનું મનન ચિંતન જરૂરી છે. જે સેકન્ડે મનુષ્ય મનનમાં મગન બની જાય છે તે સેકન્ડથી ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે. જેવી રીતે પ્રકાશને જોઈને જંગલી જાનવર ભાગે છે એવી જ રીતે જ્ઞાન પ્રકાશ, જ્ઞાન આનંદથી ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે. ઈચ્છાઓની સરખામણી પાણીના વમળમાં ફસાવવા સાથે કરવામાં આવે છે. જ્યાં સુધી મનુષ્ય કિનારે ઊભો છે ત્યાં સુધી સલામત છે. પરંતુ જ્યારે તે કિનારો છોડીને પાણીના વમળમાં છલાંગ લગાવે છે ત્યારે તે તરફડીયા મારવા લાગે છે. જો તે શારીરિક આરામ નો અનુભવ કરવા માંગે છે તો તેણે પાણીના વમળમાંથી બહાર નીકળવું પડશે. આજ વાત ઈચ્છાઓને પણ લાગુ પડે છે. જો તે આવશ્યકતાઓને પૂરી કરવા માટે પુરુષાર્થ કરી રહેલ છે તો સમજો તે કિનારા પર છે, સલામત છે તથા શાંત છે. પરંતુ જો તે ઈચ્છાઓને વશ થઈ તેને પૂરી કરવામા લાગે છે તો સમજો તે પગ પાણીમાં મૂકી રહેલ છે. તે વમળમાં ફસવાની તથા તેના પરિણામે તરફડીયા મારવાની તૈયારી કરી રહેલ છે. પાણીના વમળમાં બીજા પણ ફસાયેલ છે તે વિચાર બેચેનીને દૂર નથી કરી શકતો.
વધુ આવતા અંકમાં….
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
અમદાવાદઃ શેરબજારનો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી પહેલી ડિસેમ્બરે નવી સપાટી સર કરી હતી. ડિસેમ્બર સિરીઝનો પ્રારંભ તેજી સાથે થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યા હતા. સપ્ટેમ્બર ત્રિમાસિકના GDPના ડેટા પ્રોત્સાહક આવ્યા છે. એક્ઝિટ પોલમાં બે રાજ્યોમાં ભાજપ આગળ, ટેક્સ કલેક્શનમાં મજબૂત ઉછાળો, FII પરત ફરતાં અને આઠ મુખ્ય ઇન્ડસ્ટ્રીઝના પ્રોત્સાહક દેખાવથી બજારનું સેન્ટિમેન્ટ તેજીમય થઈ ગયું છે. જેથી ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 20,291ના નવા શિખરે પહોંચ્યો હતો.
સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે શેરબજારના કામકાજ તેજી સાથે થયાં હતા. BSE સેન્સેક્સ 493 પોઇન્ટની તેજી સાથે 67,481ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 134 પોઇન્ટ ઊછળીને 20,268ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ સતત 15મા દિવસે રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. નિફ્ટીના 50માંથી 31 સ્ટોક્સ વધીને બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.96 લાખ કરોડનો વધારો થયો હતો.
આ સપ્તાહે બજાર પાંચ મહિનાની સૌથી મોટી તેજી જોવા મળી હતી. નિફ્ટી અને સેન્સેક્સ આ સપ્તાહે આશરે બે ટકાએ વધીને બંધ થયા હતા. નિફ્ટી મિડકેપમાં ત્રણ ટકા અને નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ બે ટકાની તેજી સાથે બંધ થયો હતો.
BSE પર કુલ 3872 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, જેમાં 2139 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1603 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 130 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 373 શેરોએ નવી 52 સપ્તાહ ઊંચાઈએ પહોંચ્યા હતા, જ્યારે 23 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટી સર કરી હતી.