નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ, મિડકેપ, સ્મોલકેપ શેરોમાં પણ તેજી

અમદાવાદઃ શેરબજારનો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી પહેલી ડિસેમ્બરે નવી સપાટી સર કરી હતી. ડિસેમ્બર સિરીઝનો પ્રારંભ તેજી સાથે થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યા હતા. સપ્ટેમ્બર ત્રિમાસિકના GDPના ડેટા પ્રોત્સાહક આવ્યા છે. એક્ઝિટ પોલમાં બે રાજ્યોમાં ભાજપ આગળ, ટેક્સ કલેક્શનમાં મજબૂત ઉછાળો, FII પરત ફરતાં અને આઠ મુખ્ય ઇન્ડસ્ટ્રીઝના પ્રોત્સાહક દેખાવથી બજારનું સેન્ટિમેન્ટ તેજીમય થઈ ગયું છે. જેથી ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 20,291ના નવા શિખરે પહોંચ્યો હતો.

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે શેરબજારના કામકાજ તેજી સાથે થયાં હતા. BSE સેન્સેક્સ 493 પોઇન્ટની તેજી સાથે 67,481ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 134 પોઇન્ટ ઊછળીને 20,268ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ સતત 15મા દિવસે રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. નિફ્ટીના 50માંથી 31 સ્ટોક્સ વધીને બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.96 લાખ કરોડનો વધારો થયો હતો.

આ સપ્તાહે બજાર પાંચ મહિનાની સૌથી મોટી તેજી જોવા મળી હતી. નિફ્ટી અને સેન્સેક્સ આ સપ્તાહે આશરે બે ટકાએ વધીને બંધ થયા હતા. નિફ્ટી મિડકેપમાં ત્રણ ટકા અને નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ બે ટકાની તેજી સાથે બંધ થયો હતો.

BSE પર કુલ 3872 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, જેમાં 2139 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1603 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 130 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 373 શેરોએ નવી 52 સપ્તાહ ઊંચાઈએ પહોંચ્યા હતા, જ્યારે 23 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટી સર કરી હતી.