અમદાવાદમાં IPS અધિકારીની પત્નીએ ગળેફાંસો ખાધો

અમદાવાદઃ થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાનાં પત્ની શાલુબહેન (47)એ ગળેફાંસો ખાધો છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી છે. જોકે આ આપઘાત પાછળનું કારણ હજી સામે આવ્યું નથી.  મૃતક મહિલાનો પતિ હાલ વલસાડ મરીન સિક્યોરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે.

IPSની પત્નીએ કયાં કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે અંગેનું હજી કોઈ કારણ સામે આવ્યું નથી. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં  મોકલવામાં આવ્યો છે. હાલ આ અંગે બોડકદેવ પોલીસે ઘરમાં તપાસ અને સંબંધીઓ અને પરિવારની પૂછપરછ શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

IPS અધિકારી પત્ની અને ત્રણ બાળકો સાથે મહારાષ્ટ્ર ગયા હતા. તેઓ તેમના ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. પત્ની અને ત્રણ બાળકો લગ્નપ્રસંગ પતાવીને બસમાં તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. તો બીજી તરફ IPS આર. ટી. સુસરા લગ્નપ્રસંગ પતાવીને સીધા સુરતમાં ફરજ પર હાજર થયા હતા.

ગઈ કાલે રાત્રે અમદાવાદમાં તેઓ તેમના નિવાસ સ્થાને આવ્યા હતા. હજુ તેમણે એક મહિના પહેલાં જ લગ્નની 31મી એનિવર્સરીની પણ ધામધૂમથી ઉજવણી કરી હતી. તેમના બે દીકરા સુરતમાં તબીબનો અભ્યાસ કરે છે, જ્યારે દીકરી USAમાં રહે છે. આ ઘટનાથી સમગ્ર પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે.